માયા દેસાઈ

” પપ્પા,પણ તમે કંઈ બોલો તો ખબર પડે. તબિયત સારી ન લાગતી હોય તો ડો‌. સચિનને ઘરે બોલાવી લઉં. અનન્યાએ કીધું કે બે ટંકથી તમે બરાબર જમતાં નથી તો કારણ જાણવું જરૂરી છે ને. ઉનાળો માથા પર અને તબિયત બગડે તો હોસ્પિટલ ભેગાં જ થવું પડે.”

અમોલ એમના કપાળે હાથ લગાડતાં બોલ્યો. પપ્પાએ પરાણે બેઠા થઈ ઓશિકું ખેંચી મ્લાન હસતાં કહ્યું,” કંઈ જ નથી થયું.‌ શરીર તો કડેધડે છે.બસ, એમ જ.” કહી એમણે ફરી ઓશિકું ખેંચી સરખું કર્યું. અમોલે જોયું તો પપ્પા કશુંક સંતાડી રહ્યા હતા, એણે એ તરફ જતા પૂછ્યું,” શું થયું છે? તમે તો કદી જ કશું છુપાવવામાં માનતા જ નથી, તો એ શું સંતાડી રહ્યા છો!”

પપ્પા ઢીલા પડી ગયા અને એક ખૂણા તરફ સંકોચાઈને બેઠા. જરા વાર પછી ધીમેથી બોલ્યા, “તારી મમ્મી ગુજરી ગઈ ત્યારે મેં કહ્યું હતું હું આ વર્ષે કેરી નહીં ખાઉં.‌ આજે તારી ને અનન્યાની લગ્નની વર્ષગાંઠ એટલે કાલે એ કેરી ઘરમાં લાવી ત્યારે મન જરા દુભાયું. રસ પૂરીનો પ્રોગ્રામ હશે એ સમજાયું, પણ લાગ્યું કે મારી કોઈને પડી નથી એટલે ઓછું જમી રૂમમાં આવી વહેલાં સૂવાનો ડોળ કર્યો. તારી માનાં ફોટા સામે જોતા સૂતો ત્યાં આવી એ સ્વપ્નામાં. મને ઠપકો આપતાં બોલી,  ‘મારી પાછળ કેરી છોડી પણ ઘરમાં અશ્મિ છે ને નાની.. એમાં દિલમાં શું લઈ બેઠા? છોકરાની લગ્નતિથિ છે તો લાલાને શીરો ધરાવશો કે નહીં? બધું જ ભૂલી ગયા !”

એણે એક રેશમી કાપડમાં વીંટાળીને મૂકેલ ડબ્બો યાદ કરાવ્યો..

અક્ષયપાત્ર! દરેક શુભ દિવસે એ ડબ્બામાંની સામગ્રી વાપરવી , લાલાને ભોગ ધરાવવો અને આ ડબ્બામાં ફરી નવી સામગ્રી ભરી દેવી. આ ડબ્બો અનન્યાને આપી શીરો કરવા એણે કહ્યું હતું પણ ..”

અમોલ બોલી ઊઠ્યો,” પણ શું પપ્પા! અનન્યા તમારું આટલું ધ્યાન રાખે છે તો શીરો ન બનાવી આપે?” એટલામાં અનન્યા અને અશ્મિ પણ આવી પહોંચ્યાં. તેઓ આવ્યાં એટલે પપ્પા જરા ખચકાટ અનુભવતા કપડાં ઠીક કરી બેઠા.

“હું એની પાસે જવાનો હતો ત્યાં એને રસોડામાં થાકેલી જોઈ. વળી બાઈ ન આવી તેથી બમણો બોજો બીચારીને. રસ સાથે તારે તો ઢોકળા જોઈએ જ તેથી એ બધું કરતાં થાકે નહીં તો શું થાય! તેથી લાલાને પગે લાગી ડબ્બો જ અડકાડી તેને કહેવાનું ટાળ્યું. પણ મન કંઈ પીછો ન છોડે અને તારી મમ્મી ! આ ફોટામાંથી મલક્યા કરે .”

એટલામાં અનન્યાએ ઓશીકાં નીચેથી સુંદર રેશમી કપડાંથી બાંધેલ ડબ્બો હાથમાં લઈને ખોલવા માંડ્યો. સુંદર કોતરણીવાળો પિત્તળનો કડી મારેલ ડબ્બો જોઈ અશ્મિ તો રાજી રાજી થઈ ગઈ.

“હવે આ ડબ્બો મારો .” અનન્યાએ જોયું તો પાંચ ખાનાંવાળા એ ડબ્બામાં એક ખાનામાં કાજુ, બીજામાં બદામ, ત્રીજામાં એલચી અને ચોથામાં નાનકડી ડબ્બીમાં કેસર હતું. પાંચમા એટલે કે વચ્ચેના ખાનામાં એક ચિઠ્ઠી હતી જેમાં લાલાને ધરાવવાના શીરો બનાવવાની માપ સાથે રીત હતી. કાગળ જૂનો થવા આવ્યો હતો પણ મમતાથી મઘમઘ થઈ રહ્યો હતો.

પપ્પા જરા સ્વસ્થ થયા અને અશ્મિને સોડમાં લેતા બોલ્યા,  ” બેટા, તારાં ડેડીની દાદીએ તારી દાદીને આ અક્ષયપાત્ર આપેલું. દાદી તારી મમ્મીને આપવા પહેલાં જ લાંબી સફરે ઊપડી ગઈ તેથી હવે આજથી આ ડબ્બો અનન્યાનો થયો. આ ડબ્બો કદી ખાલી ન રહે એ જોવાનું અને દરેક શુભ દિવસે આમાંથી સામગ્રી લઈ શીરો લાલાને ધરાવવાનું યાદ રહે. આજથી આ અક્ષયપાત્ર તારું થયું બેટા, એને આ રેશમી કપડામાં બાંધી તારાં કબાટમાં મૂકી દે. “

અનન્યાએ પપ્પાને પગે લાગતાં કહી જ દીધું, “પપ્પાજી, મને પણ રસ નથી ભાવતો. બંને ડેડી – દીકરી ગરમ પૂરીને ન્યાય આપી રહ્યાં એટલામાં અમોલ અહીં આવ્યા એટલે હું પણ પાછળ આવી, જમી નથી. હું હમણાં જ આ ચિઠ્ઠીનાં માપ પ્રમાણે શીરો બનાવીને લાલાને ધરાવી દઉં એટલે પછી આપણે બંને જ આ મસ્ત શીરો ખાઈશું હોં! આ રસ પૂરી ખાનારાઓની બાદબાકી શીરામાંથી.”

ચારે જણાંનાં મુક્ત હાસ્યથી ઓરડો ગુંજી ઊઠ્યો. અક્ષયપાત્ર આંખે અડકાડી અનન્યા રસોડાં તરફ નીસરી ત્યારે એની પાંપણે બંધાયેલાં આંસુનાં ટીપાંનું રેશમી કાપડે આચમન કર્યું તો પપ્પાની આંખો હરખમાં ચૂઈ રહી. પત્નીનાં ફોટાને ચઢાવેલા હારમાંથી એક નાનકડું ગુલાબ જમીન પર આવી એનો રાજીપો નોંધાવી ગયું !


#©️ માયા દેસાઈ, મુંબઈ ભારત.