ફિર દેખો યારોં

બીરેન કોઠારી

પીવાનું પાણી, તેનો વિવેકપૂર્ણ ઊપયોગ, જળપ્રદૂષણ, જળસંચય વગેરે જેવા પાણી સાથે સંકળાયેલા મુદ્દા એવા છે કે અવારનવાર ચર્ચામાં આવતા રહે. હજી મોટા ભાગના લોકો માને છે કે જળસંચય કરવાનું કામ સરકારનું છે. એ સાચું કે મોટા પાયે જળસંચયનું કામ સરકાર કરી શકે. એનો અર્થ એવો નથી કે વ્યક્તિગત સ્તરે એ ન કરી શકાય. હજી પાણીનો વેડફાટ ઘટાડવાનું ખાસ કોઈને સૂઝતું નથી. ઘરોમાં પણ ‘સરકારી’ પાણી નિયત સમયે આવે ત્યારે જરૂર હોય કે ન હોય, નળને ખુલ્લા રાખીને પાણીને વહી જવા દેવામાં આવે છે. શું લોકોને એમ હશે કે પોતાની પાસે નાણાં છે એટલે પાણી ગમે એટલું મોંઘું થાય તોય પોતે ખરીદી શકશે?

નેધરલેન્‍ડ્સ દ્વારા ૨૦૨૨માં સ્થપાયેલા ‘ગ્લોબલ કમિશન ઑન ધ ઈકોનોમિક્સ ઑફ વૉટર’ દ્વારા ઑક્ટોબર, ૨૦૨૪ની મધ્યમાં એક અહેવાલ તૈયાર કરાયો છે, જેમાં કોઈ એકલદોકલ દેશ કે દેશસમૂહનાં  નહીં, પણ વિશ્વભરનાં જળાશયોના વ્યવસ્થાપન બાબતે અગ્રણી વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ મહત્ત્વની વાત નોંધી છે.

The Economics of Water – Valuing the Hydrological Cycle : ઑક્ટોબર ૨૦૨૪નો અહેવાલ

એ વિશે વાત કરતાં પહેલાં આ સંસ્થા પાણી અંગે કેટલાંક પાયાનાં તથ્યો જણાવે છે. એ અનુસાર પાણીનું વહન આપણી આસપાસ બહુ સંકુલ અને મોટા ભાગે અદૃશ્ય રીતે થાય છે. હવામાંથી નીચે પડવા દરમિયાન પાણી પૃથ્વી પરનાં તમામ જીવોને સાંકળે છે. જમીન પરના તાજા પાણી એટલે કે બિનસમુદ્રી પાણીને બે મુખ્ય ભાગમાં વિભાજીત કરવામાં આવે છે: બ્લૂ (ભૂરું‌) પાણી અને ગ્રીન (લીલું) પાણી. નદી, સરોવર અને જળાશયોમાંના પાણીને ‘બ્લૂ’ પાણી કહે છે, જ્યારે આપણા પગ નીચે એટલે કે જમીનના તળિયામાં, વનસ્પતિને વિકસાવવા માટે જે ભેજનો સંગ્રહ થાય છે તેને ‘ગ્રીન’ પાણી કહે છે. આ વનસ્પતિ વાતાવરણમાં ‘ગ્રીન’ બાષ્પને મુક્ત કરે છે. આમ, સાદી ભાષામાં કહીએ તો આપણને નજરે દેખાતું બિનસમુદ્રી જળ એટલે ‘બ્લૂ’ પાણી, અને જમીનના તળિયે ભેજરૂપે સંઘરાયેલું અદૃશ્ય રહેતું પાણી એટલે ‘ગ્રીન’ પાણી. વનસ્પતિમાં વહન થતું ‘ગ્રીન’ પાણી, અને જમીન, જળાશયો તથા સાગરમાંથી બાષ્પીભવન પામતું પાણી વરસાદ કે હીમરૂપે જમીન પર વરસે છે, અને નદી, સરોવર તેમજ સમુદ્રમાં ઠલવાય છે. આ સમગ્ર ચક્ર એટલે જળવિજ્ઞાન ચક્ર, જે  પૃથ્વી પર અવિરત ચાલતું રહે છે. ‘ગ્રીન’ પાણીની ગતિવિધિ વરસાદના ઉદ્‍ગમસ્થાન અને તેના વરસવાના સ્થાન વચ્ચે એક જાતનું જોડાણ બનાવે છે. વક્રતા એ છે કે ‘ગ્રીન’ પાણીને મોટા ભાગના કિસ્સામાં નજરઅંદાજ કરવામાં આવે છે.

જળવિજ્ઞાન ચક્ર થકી પાણીના આંતરજોડાણનો અર્થ એટલો કે એક સ્થાને થઈ રહેલી વનનાબૂદી, કૃષિ કે શહેરી ક્ષેત્રનું વિસ્તરણ બીજા સ્થાને વરસતા વરસાદને ખોરવી શકે. કેમ કે, જમીન પર વરસતા વરસાદમાંથી અડધોઅડધ વરસાદ ‘ગ્રીન’ પાણીને કારણે, એટલે કે પૃથ્વી પરની પર્યાવરણ પ્રણાલિઓને કારણે વરસે છે. હજી વિગતે સમજવું હોય તો કહી શકાય કે પાણી ભેજસ્વરૂપે લાંબું અંતર કાપે છે. તેને રાષ્ટ્રના કોઈ સીમાડા નડતા નથી. ખરા અર્થમાં તે લોકોને, રાષ્ટ્રોને કે પ્રદેશોને જોડે છે. અનેક નદીઓના તટપ્રદેશ, જળાશયોની જેમ વાતાવરણમાં રહેલો ભેજ સમુદ્રપાર, દેશપાર કે ખંડપાર પાણીનું વહન કરે છે.

ટૂંકમાં વાત એટલી કે જળપ્રણાલિ કોઈ એકલદોકલ કે સીમિત વિસ્તાર પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર વૈશ્વિક જળપ્રણાલિનો જ એક હિસ્સો છે. ફરી પાછા અહેવાલની વાત પર આવીએ તો તેમાં ચેતવણી અપાઈ છે કે જળ સંસાધનોનું વ્યવસ્થાપન વિવિધ દેશો દ્વારા યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અડધાઅડધ વિશ્વમાં ખોરાક ઉત્પાદન ખોરવાઈ શકે છે. આ દાયકાના અંત સુધીમાં તાજા પાણીના પુરવઠાની માગ ૪૦ ટકા કરતાંય વધી જશે. અહેવાલમાં જણાવાયા અનુસાર ત્રીજા વિશ્વના મોટા ભાગના દેશો જળતંગીની સમસ્યાથી પીડિત છે. રોજેરોજ એક હજારથી વધુ બાળકો મોતને ભેટે છે, જેમાંના મોટા ભાગના ગરીબ, અને શુદ્ધ પાણીથી વંચિત દેશોના હોય છે. અહેવાલમાં એ બાબત પર ખાસ ભાર મૂકાયો છે કે પાણી અંગે હવે નવેસરથી વિચારવાની જરૂર છે. અત્યાર સુધી તેને અનંત માત્રામાં સુલભ એવા નૈસર્ગિક સ્રોત તરીકે જોવાતું હતું તેને બદલે હવે તેને વિશ્વભરનું કલ્યાણ કરનારા પરિબળ તરીકે જોવું રહ્યું.

જળસંકટની, જળપ્રદૂષણની, જળજાળવણીની વાતો જોરશોરથી થાય છે, પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાની રાજકીય ઉદાસીનતા ઊડીને આંખે વળગે એવી છે. કોઈ દેશની સરકારે નક્કર નીતિઓ ઘડી હોય એવું જણાતું નથી. હા, પ્રદૂષણ અંગે આકરા કાનૂન છે, તેના ભંગ બદલ ભારે દંડ છે, પણ એટલું પૂરતું નથી. ઉદ્યોગો દ્વારા ઠલવાતા પ્રદૂષિત પાણીમાંથી ૮૦ ટકા પાણીનો પુન:ઉપયોગ થતો નહીં હોવાનું આ અહેવાલમાં નોંધાયું છે. એ હકીકત તરફ પણ આંગળી ચીંધવામાં આવી છે કે જળપ્રણાલિઓનું આંતરજોડાણ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેના સંચાલન કે વ્યવસ્થાપન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ નથી.

સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે પર્યાવરણને લગતી નીતિઓમાં નિયંત્રણો અવિકસીત દેશો પર લદાતા હોય છે. વિકસીત દેશોએ નૈસર્ગિક સંસાધનોનો ઉપયોગ અને ઉપભોગ સૌથી વહેલો શરૂ કરી દીધો હોવાથી તેઓ ઉપદેશકારની ભૂમિકામાં આવી જાય છે. અવિકસીત દેશોમાં યોગ્ય વ્યવસ્થાપનનો તેમજ લાંબા ગાળાની નીતિઓનો અભાવ જોવા મળે છે, કેમ કે, ત્યાં નજર સામે દેખાતી સમસ્યાઓનો નિવેડો તાત્કાલિક ધોરણે લાવવાનું દબાણ હોય છે. આ ઉપરાંત સ્થાનિક રાજકારણ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

આ વિરાટ ચિત્રમાં આપણું વ્યક્તિગત સ્થાન એક ટપકાંથી વિશેષ નથી. આમ છતાં, વ્યક્તિગત સ્તરે આપણે પાણીનો વેડફાટ અટકાવી શકીએ તો એનું પ્રદાન નાનુંસૂનું નથી. એના માટે સરકારી નીતિની કે આયોજનની રાહ જોવાની જરૂર નથી.


(શિર્ષકપંક્તિ: એન.ગોપી, અનુવાદ:રમણીક સોમેશ્વર)


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)