નલિની નાવરેકર

આપણે બધા જ ભોજન કરીએ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બધા જ સજીવોને અન્નની જરૂરિયાત હોય છે. અન્ન ગ્રહણ કરનાર દરેક સજીવ માટે મળવિસર્જન એ એક સ્વાભાવિક ક્રિયા છે. ઘણાં કારણોસર મનુષ્યપ્રાણી માટે આ સાધારણ ક્રિયા વિશે કેટલું વિચારવું પડે છે !

માણસ જ્યારથી એક જગ્યાએ વસવાટ કરવા માંડ્યો, ગામડાં વસતાં ગયાં, શહેર વધવા માંડ્યાં ત્યારથી મળવિસર્જન, મળના વ્યવસ્થાપનની સમસ્યા સામે આવી. તેને માટે આંદોલન પણ થયાં. અભિયાનો ચાલ્યાં. તેને માટે કેટલી મોટી યોજનાઓ પણ બનાવવી પડી. આજે પણ તે ચાલુ જ છે. આ બાબતે ઘણાં અધ્યયન, સંશોધન પણ થયાં અને હજુ પણ થઈ રહ્યાં છે.

ભંગીમુક્તિ આંદોલન :

ગામડાં અથવા તો શહેરની બસ્તીઓ જ્યારે નાની હતી, છૂટી છવાઈ હતી ત્યારે લોકો વસ્તીથી દૂર ખુલ્લામાં શૌચ માટે જતા હતા. ત્યાં તેનું વિઘટન પ્રાકૃતિક પદ્ધતિથી પોતાની મેળે જ થઈ જતું હતું. આગળ જતાં ગામ વધતાં ગયાં, વસ્તી ગીચ થતી ગઈ અને મોગલો ભારતમાં આવ્યા, આ બંને કારણોથી બંધ ઓરડામાં એટલે કે પાયખાનામાં શૌચ જવાનું શરૂ થયું.

આગળ જતાં ધીમે ધીમે આપણાં બધાં જ શહેરોમાં આ પદ્ધતિની સ્થાપના થઈ. પરંતુ તેમાં મળની વ્યવસ્થા અંગે કશું વિચારવામાં આવ્યું ન હતું. નીચેના ખાડામાં એક ડોળ, ડબ્બો અથવા એક ટોપલી મૂકવામાં આવતી હતી, જેમાં મેલું એકત્ર થતું હતું. સાથે સાથે પાણી અને પેશાબ પણ હોવાથી પાતળા મળનો નિકાલ કરવાનો આવતો હતો. ડોલની આજુબાજુ પણ મળ પડતો હતો અને તે સાફ કરવાનું કામ એક વિશિષ્ટ જાતિના લોકો ઉપર લાદવામાં આવ્યું હતું. તેમની એક નવી જમાત જ બની ગઈ – ‘ભંગી જમાત’.

જ્યારે માણસને પોતાના મળની જ ચીતરી ચડે છે, તો પછી બીજાના સડેલા મળને ઉપાડવાનું કામ કેટલું ગંદકીભર્યું હશે ? આવા અમાનવીય કામની કલ્પના પણ કરવી અઘરી છે ! આ કામ ભંગીઓને કઈ પરિસ્થિતિમાં કરવું પડ્યું ? ઘરના પાછળના ભાગમાં નાનકડો દરવાજો રાખવામાં આવતો. ત્યાંથી મેલું ભરેલ ડબ્બો હાથથી ઊંચકવાનો, તેને માથા પર મૂકીને લઈ જવો પડતો. કામ કરતી વખતે આ મેલું શરીર પર પડે, દુર્ગંધની તો વાતો જ ના કરો ! આ રીતે અત્યંત ગંદું કામ આ મિત્રોને કરવું પડ્યું. અને આ કામ કરનારાઓ સાથે લોકોનો વ્યવહાર પશુથીયે નીચા દરજ્જાનો રહ્યો.

ગાંધીજીનું જ્યારે આના પર ધ્યાન ગયું ત્યારથી પરિસ્થિતિમાં પરિવર્તન આવવાની શરૂઆત થઈ. ગાંધીજીએ પોતાના આશ્રમમાં જ આની શરૂઆત કરી. પૂ.બાળકોબાજી (વિનોબાજીના નાના ભાઈ)એ ભંગીના દીકરાનું દર્દ જોયું. હૃદયસ્પર્શી તેમજ ગંભીર વાત છે એની. ત્યારથી ગાંધીજીના આશ્રમોમાં પોતાનું મેલું પોતે ઉઠાવવાની, પાયખાના પોતે સાફ કરવાની શરૂઆત થઈ.

ગાંધીજીની પ્રેરણાથી દેશભરમાં સમર્પિત તેમજ નિષ્ઠાવાન ગાંધીજનોએ ભંગીમુક્તિનું મોટું તેમજ મહત્ત્વનું કામ કર્યું. તેના આધારે પાછળથી સરકારે કેટલીયે સમિતિઓ અને કાયદાઓ દ્વારા પોતાનું કામ કર્યું.

આજે શહેરોમાં મહદ્અંશે સેપ્ટીક ટેંક વાળાં શૌચાલયો છે, જેમાં રોજ ભંગીની જરૂર પડતી નથી. પરંતુ આ પણ કંઈ આદર્શ પદ્ધતિ નથી.

ઔદ્યોગિકીકરણ :

ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણની સાથે કારખાનાઓ ઊભાં થયાં. તેથી તેમાં કામ કરનારા લોકો મોટી સંખ્યામાં કારખાનાની આસપાસ આવીને વસ્યા. શહેરો વધવાની ગતિ વધી. અને ‘માનવમળ’ને કારણે પ્રશ્ર્નો ઊભા થયા. ગંદકી અને તેને કારણે રોગો ફેલાવા માંડ્યા. તેથી ત્યાંના માનવમળનો જલદીમાં જલદી નિકાલ કરવાનો વિચાર થવા લાગ્યો. બાળી નાંખો અથવા સમુદ્રમાં નાંખો અથવા જમીનમાં ઊંડે ધરબી દો.

આ જ સમયે ‘સેપ્ટીક ટેંક લેટ્રીન’ની શોધ થઈ. અંગ્રેજોને કારણે આ દુનિયાભરમાં પહોંચ્યું. આપણાં શહેરોમાં પણ મુખ્યત્વે સેપ્ટીક ટેંક શૌચાલયો જ છે. આજે આ પ્રકારનાં શૌચાલય સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત નથી થઈ રહ્યાં. પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખાતરની દૃષ્ટિએ સુધ્ધાં. તેમાંથી બહાર આવતી સ્લરીને ક્યાંક ખુલ્લામાં છોડી દેવાય છે. ક્યાંક ખુલ્લી ગટરોમાં વહેવડાવી દેવાય છે તો ક્યાંક મળ શુદ્ધિકરણ (સ્યુએજ) કેન્દ્ર પણ હોય છે. પરંતુ ઘણાં કારણોસર તે યોગ્ય રીતે કામ નથી કરી શકતાં, એકંદરે આ પ્રકારનાં શૌચાલયોથી હવાનું પ્રદૂષણ તેમજ નદીઓનું પણ પ્રદૂષણ થાય છે. નદીઓને ખૂબ જ મોટું નુકસાન આને કારણે થઈ રહ્યું છે.

સોનખત :

અહીં આપણા દેશમાં, ચીન, જાપાન જેવા કૃષિપ્રધાન દેશોનો અનુભવ હતો કે જમીન પર જ્યાં માનવમળ પડ્યો હોય ત્યાં પાક સારો આવે છે. પોતાની રીતે પારંપરિક પદ્ધતિઓ દ્વારા આ દેશો તેનો ઉપયોગ કરતા હતા.

ભારતમાં માનવમળમાંથી બનેલ ખાતરને સોનખત કહેવામાં આવે છે. ચીનમાં લાકડાની ડોલમાં મનુષ્યનો તાજો મળ લઈને લાકડાના ચમચા વડે છોડને આપવાની પદ્ધતિ અગાઉ હતી. જાપાનમાં શૌચાલય તથા તેમાંથી મળતા ખાતરનું ખૂબ મહત્ત્વ રહ્યું છે.

ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં ‘સ્વચ્છતા કાર્ય’ને મહત્ત્વપૂર્ણનું સ્થાન આપ્યું હતું. મળની વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તેનો આગ્રહ રાખ્યો હતો. માનવમળની અવ્યવસ્થાને કારણે ગંદકી અને રોગચાળા ફેલાય છે. તો બીજી તરફ આની વ્યવસ્થા સુચારુરૂપે કરવામાં આવે તો ઉત્તમ ખાતર મળી શકે છે. જેનાથી આરોગ્ય પણ સચવાય, ગંદકી ન થાય અને ખાતર પણ મળે એના માટે ગાંધીજીએ પ્રયોગ કર્યા અને કરાવ્યા. ત્યારબાદ દેશ આખામાં અનેક ગાંધીજનોએ ખાતર આપનાર વૈજ્ઞાનિક શૌચાલયોનું નિર્માણ તેમજ પ્રસાર કર્યો.

જો દેશનાં તમામ મળમૂત્રમાંથી ખાતર બનાવવામાં આવે, તો આખા દેશની ખેતી માટે તે પૂરતું થઈ જાય. એક મનુષ્ય માટે અનાજ ઉગાડવા માટે જમીનની જેટલી ઊર્જા વપરાય તેની ક્ષતિપૂર્તિ તે જ વ્યક્તિના મળના ખાતરથી થઈ શકે, તેવું આંકડાઓ દ્વારા સાબિત થઈ ચૂકેલું છે. વિશ્ર્વભરમાં આજે આ રીતે ખાતર ઉત્પાદનના પ્રયોગો થઈ રહ્યા છે. ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ તેમજ સરકારોની યોજનાઓ આ દિશામાં પ્રયોગો કરી રહી છે.

ખાતર બન્યા પછી એક વિશેષ પ્રકારની વાસ આવે છે. જાપાનના યુવાનો તેને ગૌરવથી આ અમારી રાષ્ટ્રીય ગંધ (નેશનલ સ્મેલ) કહે છે. સ્વીડનમાં ‘પીપુ’ નામનો એક ઉદ્યોગ છે, જે માનવમળ એકત્ર કરીને તેનું ખાતર બનાવીને ખેડૂતોને વેચે છે. ફ્રાન્સમાં ‘ફ્યુલી’ એક પારંપરિક પદ્ધતિ છે, જેમાં ખેતરમાં જ મળવિસર્જન કરીને જગ્યા પર જ ખાતર બનાવતા જવાનું હોય છે. વિવિધ દેશોમાં આવા અનેક પ્રયોગ, પ્રયાસ, પ્રકલ્પ થઈ રહ્યા છે.

વિનોબાજી કહે છે – આરોગ્ય વૈરાગ્ય ઐશ્ર્વર્યકારકમ્

“પ્રભાતે મલદર્શનમ્”

વહેલી સવારે ઊઠીને સવારે જ મળવિસર્જન થવું એ સારા સ્વાસ્થ્યનું લક્ષણ છે અને તેનું કારણ પણ છે. પેથોલોજીસ્ટ ચેપ અથવા રોગની સમજણ માટે રોગીના મળની તપાસ કરાવે છે. આપણે પોતે પણ તે કરી શકીએ, ‘શું હું સ્વસ્થ છું ? – મારો મળ પાતળો તો નથી, અથવા વધુ પડતો કઠણ નથીને ? વધુ દુર્ગંધ તો નથી આવતી ને ? – અને જો તેમ હોય તો – મેં શું ખાધું હતું ? શું ખાવું જોઈએ ? – મન પર કાબૂ રાખવો જોઈએ ?’ – પોતાના મળદર્શનથી આ રીતે આરોગ્ય અને વૈરાગ્ય બંને સાધી શકાશે.

આપણે શું કરી શકીએ ?

આપણે જમીનમાંથી જે લઈએ છીએ, તે તેને પાછું આપવું. તેની જરૂરિયાત પૂરી કરવી એ ખરેખર તો આપણું કર્તવ્ય છે. માણસનો એક સ્વાભાવિક શરીરધર્મ અને સાધારણ ક્રિયા છે મળવિસર્જન ! તે જ સ્થાન પર તેનો નૈસર્ગિક રીતે નિવેડો થઈ જાય તે કેટલી સહેલી વાત છે, તેની ઘૃણા કેમ કરીએ ? એ સમજવું પણ કેટલું સહેલું છે કે આ નાની શી વાતને જટિલ કેમ બનાવવી જોઈએ ? તેને માટે મોટી મોટી યોજનાઓ બનાવવાની જરૂર નથી. આપણે જો મોટા શહેરમાં રહેતા હોઈએ તો આજે પણ એ સાવ અશક્ય નથી, થોડું મુશ્કેલ જરૂર છે. આ સિવાય આપણે આપણા વાડામાં, આંગણામાં કે ખેતરમાં જરૂર કંઈક તો વિચારી શકીએ.

  •             ખૂરપી શૌચાલયનો અર્થ છે કે ખૂરપીથી એક નાનો ખાડો કરવો, તેમાં શૌચ કરીને તેને માટીથી ઢાંકી દેવું.
  •             નાના નાના ખાડાઓ એક લાઈનમાં ખોદી રાખવા. તેની આજુ-બાજુ / આડશ માટે પડદો રાખવો જે રોજ આગળ ખસેડતા જઈ શકાય. ગાંધીજીએ આ પ્રયોગ સૂચવ્યો હતો.
  •             એક છે નાલી શૌચાલય. નીક બનાવીને તેમાં મળવિસર્જન કરીને તેના પર માટી ઢાંકી દેવાની હોય છે. આજુબાજુ આડશ કરી દેવી. આ અર્ધ-તાત્કાલિક છે. તેમાં જલદીથી સારું ખાતર બની શકે છે.
  •             દ્વિકૂપ શૌચાલય છે, જેની ટાંકી ઈંટ-સિમેંટથી બનાવાય છે. આમાંથી બે-ત્રણ વર્ષે અથવા દર વર્ષે પણ સહેલાઈથી ખાતર કાઢી શકાય છે.
  •             નાયગાવ ખાદઘર નામનું એક શૌચાલય છે. તેમાંથી આપણે વધુમાં વધુ પ્રમાણમાં ખાતર મેળવી શકીએ છીએ.
  •             બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ પણ મળવ્યવસ્થાની દૃષ્ટિથી કરી શકાય છે.

શૌચાલયોના ઘણા પ્રકાર છે. જે સસ્તું પણ હોય અને સ્વાસ્થ્યની રીતે પણ હાનિકારક ન હોય, પાણીની જરૂરિયાત પણ ઓછી હોય અને જે પાણી અને હવાનું પ્રદૂષણ પણ ન કરતાં હોય. જેમાંથી સારું ખાતર પણ મળી શકે અને છતાં ગંદું કામ ન કરવું પડે. જેની સારસંભાળ પણ સહેલાઈથી લઈ શકાય.

શું આપણે આમાંનો કોઈ વિકલ્પ પસંદ કરી શકીએ ? અને આપણે સાચા સર્વોદયી, સાચા ગાંધી-વિનોબા અનુયાયી અથવા સાચા સમાજસેવક, પર્યાવરણ રક્ષક છીએ એવું સાબિત કરી શકીએ ?


          – નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪