સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

જેમ તબીબી વિજ્ઞાન આગળ વધે છ અને માણસ પોતે પણ પોતાની કાળજી વિશેષ રાખતો થ્યો છ એમ માણસનું આવરદા વધે છ; દા.ત. અગાઉનાં વરસોથી વધારે ૨૦૨૪માં ભારતમાં સ્ત્રીનું સરેરાસ આવરદા ૭૩.૮૬ વરસ, પુરુષનું ૭૦.૭૩ વરસ અને યુ.એસ.માં અનુક્રમે ૮૧.૯૮ વરસ અને ૭૭.૦૫ વરસ ડબ્લ્યુ.એચ.ઓ. નોંધે છે. વધુમાં, યુ.એસ.માં લાંબા સમયથી વસતી ભારતીય સ્ત્રીનું સરેરાસ આયુ ૮૦.૨ વરસ ને પુરુષનું ૭૪.૮ વરસ સી.ડી.સી. નોંધે છે. અલબત્ત આવરદા વધે એટલે “ક્વોલિટી ઓફ લાઈફ” વધે કે પે’લાં જેવી પણ રે’ ઈ જરૂરી નથી પણ બહુધા “જનરેશન ગેપ” તો વધે છે. બીજું, હાલમાં સાત જનરેશન્સને એના જનમના વરસો અનુસાર નામ દેવાણાં છે જેમા મારા જેવા બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મેલા “બેબી બુમર” ને છેલ્લા દસ વરસમાં જન્મેલા “આલ્ફા” જનરેશન તરીકે ઓળખાય છે. આમ અમારો નાતો “એક્ક્ષ,” “મેલેનિયલ,” “ઝી,” અને “આલ્ફા” જનરેશન્સ હારે ને મનોવૈજ્ઞાનિકોના કે’વા મુજબ “બેબી બુમર્સ”ને “જનરેશન ગેપ” સૌથી ઓછો નડે છે. તો સૌ પ્રથમ મારી નજરે “જનરેશન ગેપ” શું છે યાંથી આજની વાત માંડી ને પછી આ બાબતે બે નિજી ઉદાહરણો દઈશ.

મારી ઉંમરનાને ખબર છે કે આજથી દસેક દાયકા પે’લાંનાં માબાપ ભાગ્યેજ દાદાદાદી કે નાનાનાની બનીને ત્રીજી પેઢી જોઈ સકતાં ત્યારે આજ ચોથી પેઢી જોવી ઈ સામાન્ય છે. પરિણામે ગત અને ચાલુ સદીમાં ભલે આજીવન નહીં તો પણ ત્રણચાર પેઢીનો સંયુક્ત વસવાટ એક છાપરા તળે મેં જોયો છે ને આ પરિસ્થિતિમાં બે પેઢી વચ્ચેની પેઢીને “સેન્ડવિચ જનરેશન” પણ ઘણા કે’છ. મારા પાડોસી અમેરિકનોમાં પણ વસવાટ નહીં તો પણ ચાર પેઢીનું વખતોવખત હળવુંમળવું, હારે મુસાફરી કરવી, વેકેસનો લેવાં, વ. પણ હું જોવું છું. હવે જયારે બે પેઢી હારે વસે ત્યારે ગૌણ વિચારોમાં તફાવતો હોવા ઈ સામાન્ય છે, પછી ઈ ૫૦મી વેડિંગ એનેવર્સરી ઉજવેલ દંપતી હોય ને કિશોર વયનાં એનાં પૌત્ર કે પૌત્રી હોય કે ત્રીસેક વટાવેલ માંબાપ ને મૂછનો દોરો ફૂટેલ એનો દીકરો હોય. પણ જયારે બે પેઢી વચ્ચે પ્રધાન વિચારોમાં અંતર, તફાવત કે ગાળો હોય એને જ હું “જનરેશન ગેપ” ગણું છ અને જયારે આ વિચાર તફાવતો ઉંડા અને વિસ્તૃત હોય છે અને એને ધ્યાન નથી દેવાતું ત્યારે ઉભયપક્ષે જીવનમાં ઝેર ઘોળાય છે.

મારું ઈ પણ નિરીક્ષણ છે કે બે પેઢી વચ્ચે પ્રમુખ વિચારોમાં ગાળો વધી જાય ત્યારે નવી પેઢીનો જ વાંક હોય એવું નથી હોતું પણ ઉંમરે મોટી વ્યક્તિ પણ જવાબદાર હોય છે ને ઇથી ઉલટું પણ બને છે કે જેના અગણિત દાખલાઓમાંના ગણીને:

મારા સાસરા પક્ષે બેય પગે સંપૂર્ણ અસ્થિર, ૯૦ વટાવી ગયેલ એક વૃદ્ધ બેન યુ.એસ.માં એના પરિવાર હારે રે’છ. કમનસીબે ઈ બેન એની ઉંમરનો સ્વીકાર ન કરવાને બદલે હજી એમ જ માને છે કે ઈ “સોળ વરસની સુંદરી” છે. છસાત વરસ પે’લાં દાક્તરની અને પરિવારની કડક સૂચના ન ગણકારીને “વોકર” વગર હાલતાં ખરાબ રીતે પડ્યાં ને લાંબો ખાટલો વેઠ્યા પછી હવે “વોકર” લઈને હાલતાં થ્યાં છ. એની માંદગી દરમ્યાન પરિવારે પૈસાનું પાણી તો કર્યું ને હારે અસહ્ય હાલાકી પણ ભોગવી. આટઆટલું થ્યું છતાં ઈ બેન હજી એમ જ કે’છ, ના…રે…ના. આ દાકતરુ ખોટા મને વોકરે હલાવે છ બાકી હું તો હજી ત્રણ તાલીના ગરબાએ કરી સકું.”

રાજકોટમાં એક રૂઢિચુસ્ત સંયુક્ત પરિવારમાં સસરા, જેઠ અને પરિવારના આઘેરા વડીલોની ઘરની વહુઓએ નાક ઢાંકતી લાજ કાઢવાનો રિવાજ હતો. પરિવાર પૈસેટકે સુખી એટલે દરસાલ બસ બાંધીને ભારતભ્રમણ કરે પણ બધી વહુઓએ તો લાજના ઘૂમટામાંથી જ બધું જોવાનું. પરિણામે વહુઓની એક જ ફરિયાદ કે “અમે તાજમહાલ તો જોયો છ પણ ઈ ધોળો હતો ઈ અમારાં છોકરાંઉએ કીધું ત્યારે ખબર પડી.” વરસો સુધી ઘરના દીકરાઓએ વડીલોને લાજ મુકાવી દેવા કાગલુદી કરી પણ વડીલો “એકના બે ન થ્યા” ને અંતે પરિવાર વેરવિખેર થઇ ગ્યો.

બાળપણમાં જે કવિને હું મળેલો એને ૨૦૧૨માં મળવા ગ્યો ત્યારે ખબર પડી કે ઈ વિધુર હતા, એના બે સુખી દીકરા સહપરિવાર ગામમાં જ રે’તાતા ને કવિ પોતે એના આખરી દિવસોમાં ખુદના ઘરમાં ખોયાખાટલે સુતાતા. વાત કરતાં ખબર પડી કે કવિ દીકરાઓ ભેગા નો’તા રે’તા કારણ કે એને પૌત્રી-પૌત્રો વચ્ચે તદ્દન ગૌણ મતભેદ હતા કે જે દીકરાઓએ ઉકેલવા અથાગ પ્રયત્નો પણ કર્યાતા. સરવાળે કવિવરે અલગ રેવાનું પસંદ કર્યુંતું. ત્યાર બાદ ૨૦૧૮માં મને ખબર પડી કે ૨૦૧૬માં કવિશ્રી વૈકુંઠે વસ્યા કે જેની પે’લી ખબર પાડોસીને ત્રણ દી’એ પડી. પછી તો દીકરાઓ અને એના સમગ્ર પરિવારે કોઈ પણ જાતના રાગદ્વેષ વગર અંતિમ સંસ્કાર અને ક્રિયા કર્યાં.

એક પરિવારને હું પરોક્ષ રીતે ઓળખું કે જેમાં માંબાપ દીકરાવહુ હારે રે’તાં. જુવાન દીકરાને દારૂની લત પડી ગઈ ને ઈ ઘરમાં પીવા મંડ્યો ત્યારે માંબાપે દીકરાને દારૂ ન પીવાની શક્ય એટલી સલાહ આપી. દીકરો આ સલાહ ને માથાકૂટથી કંટાળ્યો એટલે “હું તમને હારે નહીં રાખું, આ ઉંમરે એકલા રેવું પડશે” એમ ડરાવીધમકાવીને બાપને પીવાનું દબાણ મુકવા મંડ્યો. કમનસીબે દીકરો છસાત વરસમાં “લીવર સિરોસિસ”માં ગુજરી ગ્યો.

મારા બાળપણમાં મેં સાંભળેલ કે મારા પિતૃપક્ષે એક વિધુર બાપ ભણેલગણેલ સુખી દીકરાવહુ ભેગા સંજોગવશ રે’વા ગ્યા. સમય જાતાં દીકરાવહુને ખબર પડી કે બાપ આગળ ઈ લોકોને વારસે દેવાય એટલી મિલ્કત નો’તી. પરિણામે, દીકરાની વહુએ ઈ વિધુર બાપને ખીચડીમાં માકડ મારવાની દવા ખવરાવી પણ સદ્દનસીબે બાપ બચી ગ્યા ને અન્ય એક સગાને ઘેર બાકીનું જીવન વ્યતીત કર્યું. આની વિરુદ્ધમાં, ભણેલગણેલ તવંગર માબાપ જયારે મુંબઇનો વસવાટ છોડી એકનાએક દીકરા ભેગાં વસ્યાં ત્યારે દીકરાએ માબાપની સંપત્તિ એના નામે કરાવી દીધી. ચારેક વરસમાં દીકરાવહુના ત્રાસે બિનઘર થયેલ માબાપ “દુઃખીના દાળિયા” થઈને મ્રૃત્યુ પામ્યાં.

મારા મતે “જનરેશન ગેપ” ઉભો કરતાં અનેક પરિબળો છે. જયારે વડીલો એના માટે જવાબદાર હોય છે ત્યારે મુખ્યત્વે ઈ લોકો એમ માનતા હોય છે કે “મને જાજો અનુભવ છે, હું જે વિચારું ઈ જ સાચું છે, નાનાને ગતાગમ નથી, અમે ઘર માંડીને જેમ રયા ને જે રીતરિવાજ પાળ્યા ઈ જ બધું ઉત્તમ ને સાચું હતું ને આજનો જમાનો વંઠી ગ્યો છે, વ.” જયારે પછીની પેઢીથી “જનરેશન ગેપ” ઉભો થાય છે ત્યારે મોટા ભાગે પોતાપણે, પોતીકા વિચારે, પારકાની જવાબદારી વિના “અમે બે ને અમારાં બેએવા “ન્યુક્લિઅર ફેમિલી”માં સ્વતંત્ર જીવવાની એની મહેચ્છા છે. આ મહેચ્છાની આગને એની પૈસાની ઘેલછા અને “દુનિયાનાં તમામ સુખસગવડ મને અબઘડી જોયેં છ” ઈ ગાંડપણ ઉત્તેજે છે. બીજું, જેમજેમ સોસીયલ-મીડિયા અને એ.આઈ. યુગ વ્યાપક બનતો જાય છે એમએમ દુનિયા નાની થાતી જાય છે ને આવાં અનિચ્છનીય પરિબળો વધતાં જાય છે. એટલે સંજોગો વસાત પણ જો “જનરેશન ગેપ”માં સુખશાંતિથી લાંબો સમય જીવવું હોય તો મારી દ્રષ્ટિએ ઓછામાંઓછી નીચેની શરતોનું પાલન ઉભયપક્ષે આવશ્યક છે:

(૧) અલગ પડતા અગત્યના (ગૌણ નહીં) વિચારોની મોકળા મને આપ-લે; દા.ત., “હું આમ કરું છું કારણ કે…”

(૨) જો “કારણ” વજૂદ લાગે તો પરિણમતા વર્તનનો સ્વીકાર કરવો અને જો ન લાગે તો ખેલદિલીથી ઈ વિષે વિશેષ ચર્ચા કરવી. પછી પણ જો “કારણ” અસ્વીકાર્ય જ રે’ પણ વર્તુણક હાનિકારક ન હોય તો એની અવગણના કરી જીવતાં શીખવું.

(૩) જયારે પણ અસ્વીકાર્ય વર્તુણકની અવગણના કરી જીવીયેં ત્યારે સામી વ્યક્તિને ઈ યાદ ન કરાવવું કે જેથી “હાર્યો જુગારી બમણું રમે” પણ એને ખુદને જ એની પ્રતીતિ થાવા દેવી. હું માનું છું કે સામા માણસમાં જો મતિ અને સંસ્કારનો છાંટોયે હશે તો ઈ વારંવાર એવું વર્તન નહીં કરે કે જેથી બીજાને “આંખ આડા કાન” કરવા પડે.

(૪) જો વર્તુણક નુકસાનકારક હોય અને સમજાવ્યા છતાં પણ ઈ ચાલુ રે’ તો ઈ માણસ ખત્તા ખાઈને જાત અનુભવે શીખશે એવી આશા હારે જીવતાં શીખવું ને પરિણામ પરમાત્માને સોંપવું.

હું અને “જનરેશન ગેપ”

 ઉદાહરણ ૧ – હું ૧૯૭૦માં યુ.એસ. પે’લી વખત આવ્યો ઈ પે’લાં ચારેક વરસથી પુનાપતી તમાકુ ખાતોતો એટલે પછીનાં બેએક વરસ તો પપ્પાએ તમાકુ, રોપારી, ચૂનો વી. મને મોકલ્યાં ને મેં બે મોઢાની ડબ્બી માંથી ખાધાં. પછી પપ્પાની નાદુરસ્ત તબિયત ને વધતી ઉંમરના લીધે એનાથી આ સરંજામ નિયમિત ન મોકલાતો એટલે મેં સ્મોકિંગ ચાલુ કર્યું. સાત વરસે પે’લી વાર હું ભારત આવ્યો ત્યારે મુંબઈથી ફ્લાય થઈને સાંજના છએક વાગે પોરબંદર કે જ્યાં ત્યારે અમે રે’તા પૂગ્યો. એરપોર્ટ સમગ્ર પરિવાર મને તેડવા આવેલ. અમે ઘેર પોંચ્યા બાદ ભાભીએ ઘરનો તાજો ચા-નાસ્તો કાઢ્યાં ને સૌને આપ્યાં. મેં ઇન્ડિયન ફૂડ ત્યારે સાત વરસે પે’લી વાર જોયો એટલે નાસ્તો તો જાણે ભાવ્યો પણ ચા ન પીધો. પપ્પા મારી પડખે જ સોફામાં બેઠાતા ને એને મારા ખમીસના ખીસામાં “વિન્સ્ટન” સિગરેટનું પાકીટ ને લાઈટર જોયાં એટલે એને તરતજ મારી બેનને કીધું કે “દિનેશને એશ-ટ્રે આપો” ને પપ્પા એ મને કીધું કે “લ્યો હવે ચા પીવો, ભાવશે.” ત્યાર પછી પપ્પાએ કોઈ વાર મને પૂછ્યું નો’તું કે “કેમ સ્મોકિંગ કરો છ” કે ઈ ન કરવાની સલાહ દીધી. મેં પણ ઈ ઘડીથી કોઈ દી’ માં-પપ્પા કે કુટુંબના વડીલો સામે મારી દેશની રોકત દરિમયાન સિગરેટ ન પીધી. લગ્ન પછી મેં સ્મોકિંગ પણ મૂકી દીધું ને તમાકુએ પાછો વળી ગ્યો.

મારો ઉપરના ઉદાહરણનું કારણ ઈ છે કે મારા અને મારા બાપ વચે આશરે પાંચ દાયકાનો ઉમર તફાવત છતાં પણ ત્યારે એની મારી સ્મોકિંગની નુકસાનકારક વર્તુણકની અને એનું પરિણામ મારે જ ભોગવવાનું છે ઈ સમજ અને “જનરેશન ગેપ” ઘટાડવાની કળા માટે મને માન છે. મારી ઉંમરના સૌને આ “ગેપ” પછીની પેઢી હારે હશે જ પણ એને કેમ ઘટાડવો ઈ ઉભયપક્ષી આવડત છે કે જે એકબીજામાંથી સહજ્તાથી શીખી શકાય, જો “ઈગો” બાજુએ મૂકીને સામાના વિચારને ખુલ્લા દિલે અને મગજે આવકરીયેં તો.

ઉદાહરણ ૨ – હું યુ.એસ. આવ્યો ઈ પે’લાં મેં બેચાર વખત દોયડાવાળા ફોન દેશમાં વાપરેલ ને પછી યુ.એસ.માં ઈ વધુ વાપરતો થ્યો. “ફાસ્ટ ફોરવર્ડ” ૨૦૦૧માં મેં પે’લો ત્યારે મળતો સેલફોન કે જે ફ્લિપફોન કે’વાતો ઈ ખરીદ્યો. ત્યારે સેલફોનથી સંપૂર્ણ વાકેફ મારા કોલેજમાં ભણતા દીકરાએ કીધું કે ઈ મને સેલફોન સેટ કરીને કેમ વાપરવો, વ. શીખવે. ઈ વખતે મારો એને જવાબ, ના. હું પીએચ.ડી. છું, ઉંમરે બમણો મોટો છું ને મને આવડે છ.” ચારેક દી’ ઈ ફોન શીખવા હું મથ્યો ને છેલ્લે તોડ્યો. પછી બીજો એવો ફોન દીકરા આગળ શીખ્યો. જો કે હું આ ભૂલમાંથી ઈ શીખ્યો કે “જેહનાં કામ જેથી થાય” ને એટલે તો હવેનું અમારું પૂર્ણ આધુનિક ટી.વી. કેમ ચાલુ કરવું ઈ પણ મારી બાળક દોહિત્રી પાસેથી હું શીખ્યો.

આ વિષય આટોપતાં મારે નોંધવું છે કે છેલ્લા કેટલાક અરસાથી હું ટી.વી.માં જોવું છું ને વાંચું પણ છું કે પશ્ચિમના દેશો માફક ભારતમાં પણ આજકાલના વડીલો “જનરેશન ગેપ” હારે આજીવન રે’વાનું ઓછું પસંદ કરે છે કારણ કે ઈ લોકો પૈસેટકે સુખી છે ને એને નાનુંમોટું ફાયનાન્સિયલ પ્લાનિંગ કરેલું હોય છે. આવા વડીલો સમવડીયા અને સમકાલીન સાથીઓ હારે મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રે’છે ને થોડા સમય માટે એના સંતાનો કે પછીની પેઢી હારે પણ આનંદકિલ્લોલે સાથે રે’છે. ઉપરાંત હવે તો ઘણાં સારાં “સિનિયર સીટીઝન હોમ્સ” પણ ભારતમાં બને છે કે જે પેલાના જમાનાના “વૃધ્ધાશ્રમોથી” વધુ મોંઘા પણ સગવડ અને સાધનસંમ્પન્ન હોય છે. સંજોગે જો મારે આજીવન આવા એકાદ “હોમ”માં રે’વું પડે તો હું ખુશીથી રહું ને સગવડે થોડો સમય મારાં સંતાનો હારે પણ રહું કે જે આજ પશ્ચિમી દેશોમાં વ્યાપક છે અને ભારતમાં એની શરૂઆત થઇ ચુકી છે.