જરીક જ છેટે..
નીલમ હરીશ દોશી
બાઇ રે જરીક જ વધુ જો વેઠે,આ રહ્યું એનું મકામ ઢૂંકડુ
અહી આગળ તરભેટે, જયાં તારી ધીરજ ખૂટી ને
ત્યાંથી જરીક જ છેટે……
ઉશનસ
પ્રિય સખા,
દોસ્ત, કયાં સુધી અટવાયા કરીશ હું છું કે નહીં એની ચર્ચામાં ? શા માટે આવી વ્યર્થ શંકાઓ ? મારા સર્જનમાં કોઇ ખામી રહી ગઇ છે ? મારા અસ્તિત્વ વિશે શંકા શા માટે ? હું તારી આટઆટલી ભૂલો પછી પણ તારામાં વિશ્વાસ રાખી શકું છું, તો તારી ભીતર આવી કોઇ શંકા શા માટે ?
અનેક વખત તું મને શોધવાના, પામવાના પ્રયત્નોની શરૂઆત સાચી દિશામાં પણ કરે છે. પરંતુ થોડે પહોંચ્યા પછી તારા મનમાં ફરી શંકા જાગે છે, અનેક પ્રશ્નો ઉઠે છે અને તું ધીરજ ખોઇ બેસે છે. અને તું પાછો વળી જાય છે. પણ બની શકે જયાં તારી ધીરજ ખૂટી જાય છે ત્યાંથી એકાદ ડગલું જ આગળ હું હોઉં. તું પહોંચવાની તૈયારીમાં જ હોય અને ત્યાં જ ધીરજ ખોઇ બેસે છે, વિશ્વાસ ગુમાવી બેસે છે અને પાછો વળી જાય છે જેને લીધે આપણે મળી શકતા નથી. હે મિત્ર, થોડી વધારે ધીરજ, થોડો વધારે વિશ્વાસ રાખીને તું આગળ વધતો રહીશ તો કોઇ એક ક્ષણે, કોઇ પણ સ્વરૂપે મારો પગ પણ તારા તરફ ચોક્કસપણે ઉપડશે.
જમીન ખેડાય છે ત્યારે એ પુનર્નવા બને છે. જમીનનું આંતરિક સૌન્દર્ય જાણે સપાટી પર ધસી આવે છે. તારે પણ ભીતરથી ખેડાવું જોઇએ, તારી આસપાસનું, તારી ભીતરનું નીંદામણ દૂર કરવું જોઇએ તો જ આંતરિક સૌન્દર્ય, આંતરિક સમ્રુધ્ધિના દર્શન થઇ શકે.
દોસ્ત, જીવન અટપટુ કે કઠિન નથી, તારું મન અટપટું બની ગયું છે. સાવ સરળ વાતને પણ આજે તેં ગૂંચવી નાખી છે. મુશ્કેલી એટલે પડે છે કે તારે મહાન બનવાનો, સારા બનવાનો શ્રમ નથી લેવો. પણ સારા અને મહાન દેખાવું છે ચોક્કસ. દોસ્ત, સારા બન્યા સિવાય સારા દેખાવાના દંભી ધખારા શા માટે ?
દોસ્ત, મન તો એક બગીચા જેવું છે, તારે તેના માળી બનવાનું છે. માળીનું કામ બગીચાની સાફસૂફી કરીને તેને સુંદર બનાવવાનું છે.નકામો કચરો, ઘાસ વગેરે દૂર કરીને ફૂલોથી બગીચાને મહેકાવવાનું કામ, એ જવાબદારી માળીની છે. જીવનરૂપી બગીચાને, મનને સુરભિત કરવાની જવાબદારી તારી જ ગણાય ને?
લિ. તારો ભગવાન
પ્રાર્થના એટલે..જીવનની પ્રત્યેક ક્ષણે રચાતું પ્રેમગીત. દરેક નાનકડી ક્ષણનો શાશ્વતી લેન્ડસ્કેપ .
જીવનનો હકાર..
જીવનના પાઠો રીપીટ થતા રહે છે જયાં સુધી તમને આવડી ન જાય
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
