સરયૂ પરીખ
“એ…ફૂલબાઈ, સુંદર અક્ષરથી મારી આ નવી નોટબુકમાં મારું નામ લખી આપ ને.” પ્રાથમિક શાળા, ધૂડી નિશાળમાં ભણતી મારી સખીને કહ્યું.
હાં સરૂ, લાવ લખી આપું.” હસીને ફૂલબાઈએ હાથમાંની પાટી બાજુમાં મૂકી. તેના દસ વર્ષના નાજુક ચહેરા પર શર્મિલું હાસ્ય કુદરતી જ ગોઠવાયેલું રહેતું. લાલ ઘાઘરી-પોલકુ અને લીલીમાં સફેદ ટપકા વાળી ચુંદડી, તેનો રોજનો પહેરવેશ અને વળી, ઘરે જતાં માથે ઓઢતી ત્યારે તો નાની બૈરી જ લાગતી. ફૂલબાઈને બહુ ઓછા વિદ્યાર્થીઓએ બોલતી સાંભળી હતી. હાં, જ્યારે વર્ગમાં શિક્ષક સવાલનો જવાબ કોઈને આવડે નહીં ત્યારે ફૂલબાઈને સાચો જવાબ આપવા, પરાણે બોલવું પડતું.
“ફૂલભાઈ! ચોથીમાં પહેલા નંબરે તું પાસ થઈ. હવે તો મોટી શાળા માજીરાજમાં જવાનું.” હું તો આવતા વર્ષના સપના જોવા લાગી હતી. “અહા, કેવી મજા આવશે! આપણે સાથે શાળાએ ચાલતા જશું, તું મારા ઘરે આવીશ ને?”
“ખબર નહીં.” ફૂલબાઈ ઉત્સાહ વગર બોલી.
મેં ઘેર જઈ મારા બાને વાત કરી ત્યારે બાએ કહ્યું હતું કે, ‘સરૂ! તારા માટે આગળ ભણવા જવા વિશે કોઈ શંકા ભર્યો સવાલ જ નથી. પણ, ફૂલબાઈને કદાચ ભણવા ન પણ મોકલે. તેથી આવો ઉદાસ જવાબ આપ્યો હશે.’ અમને ખબર હતી કે ચાર ભાઈ બહેનોમાં, ફૂલબાઈ…પહેલી દીકરી હતી જેણે ચોથી ચોપડી પાસ કરી હતી.
ફૂલબાઈનો પરિવાર ભાવનગરના કંસારા કાંઠે રહેતો હતો. ત્યાં રબારી અને ભરવાડના ખોરડાં હતાં. અમારે ત્યાં કામ કરવા આવતા હરીબેન અને દૂધ આપવા આવતા જેઠાભાઈ વગેરે ફૂલબાઈના પાડોશી હતાં. એક વાર તેમના રહેઠાણ જોવા અમે ગયાં હતાં, જાણે શહેરમાંથી ગામડામાં આવી ગયા, તેવું લાગ્યું હતું. વરસાદ બહુ આવ્યો હોય ત્યારે અમારી વસ્તી સાથે જોડતો રસ્તો ખોરવાઈ જતો અને અમારે જાતે કામ કરવું પડતું.
ઉનાળાનું વેકેશન પૂરું થતા, નિશાળે જવાના ઉત્સાહમાં હું નવા કપડાંમાં સજ્જ, ફૂલબાઈની રાહ જોતી ઘરની અંદર-બહાર દોડાદોડ કરતી હતી. અંતે ફૂલબાઈ આવી અને અમે હોંશથી દોડતાં નિશાળે પહોંચી ગયાં. છોકરીઓની શાળામાં, સવારમાં માધ્યમિક શાળા અને બપોરે હાઈસ્કૂલના ક્લાસ હતા. હાઈસ્કૂલમાં ભણાવતા મારા બા સાથે મેં આ શાળા પહેલા જોયેલી હતી પણ ફૂલબાઈ તો, “અધધ…આટલો મોટો દરવાજો અને અનેક છોકરીઓ!” એવા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. કયા વર્ગમાં અમારું નામ છે! એ જોવા જતાં હતાં ત્યારે ફૂલબાઈ એક જ રટણ કરતી હતી કે, “આપણે એક જ વર્ગમાં હોવા જોઈએ.” પણ ના…એમ નહોતું, એ જોઈ ફૂલબાઈ રોવા જેવી થઈ ગઈ.
મેં કહ્યું, “આપણે પૂછશું, કદાચ વર્ગમાં ફેરબદલી કરી આપે.” ફૂલભાઈ ધીમી ચાલે મારી પાછળ આવી અને હું તેના વર્ગ પાસે તેને છોડી મારા વર્ગમાં જતી રહી. અમારા શિક્ષકને વર્ગ બદલવાની વાત કરી પણ ખાસ શક્યતા ન લાગી.
ઉદાસ ચહેરે ફૂલબાઈ પહેલે દિવસે ઘેર ગઈ. તે પછી દસેક દિવસ શાળામાં આવી તેથી, ખુશી ખુશી મારી બાને મેં કહ્યું, “હાશ, હવે લાગે છે કે ફૂલબાઈ ભણવાનું ચાલુ રાખશે. મને નિશાળે જવામાં અને સાથે લેસન કરવા મળશે.”
તેવામાં એક દિવસ અમારા કામવાળા બહેન કહે, “આજ ફૂલબાઈ નહીં આવે. એની મોટીબેનને જોવા આવવાના છે.” ત્યારબાદ, ફૂલબાઈ ‘આવતીકાલે નિશાળે આવશે’ એવી આશા દિન-દહાડે ઓસરતી ગઈ.
મેં હરીબેન સાથે કહેવડાવ્યું કે ફૂલબાઈ એકવાર તો મળવા આવે. રવિવારે બપોરે ફૂલબાઈ મારે ઘરે આવી. અમે બંને ઓટલે બેઠા.
મેં સવાલની ઝડી વરસાવી. “કેમ આટલા બધા દિવસોની સ્કૂલ પાડી? હવે લેસન કઈ રીતે કરીશ…?”
એની લાક્ષણિક રીતથી, હડપચી નીચે હાથ ટેકવી, તે શાંત બેસી રહી. પછી, પોતાના આંસુ છુપાવવા, ચહેરો ફેરવી લીધો.
“અરે, ફૂલબાઈ! તું રડે છે?” નાસ્તો આપવાં આવતાં મારા બા બોલ્યાં. “કહે, શું થયું?”
“મારી મોટીબેનનું વેશવાળ નક્કી થયું અને છ મહિના પછી લગન છે. તેના આણા માટે ભરતકામ અને બીજી તૈયારી કરવાની છે.” અચકાતા આગળ બોલી, “…અને એ જ ઘરમાં નાના ભાઈ સાથે મારા ‘બોલ બોલ્યા’ છે. એ ઘરના ડોહા કહે છે કે ‘ફૂલબાઈને વાંચતાં-લખતાં આવડે એ બસ, હવે આગળ ભણવાની જરૂર નથી’ ને વાત પતી ગઈ.” ફૂલબાઈ ગુસ્સા અને નિરાશા સાથે બોલી.
“હેં, તારા લગન થઈ જશે?” હું અચંબો પામી ગઈ.
“પાંચ-છ વરસ પછી…ત્યાં સુધી ઘરકામ કરવાનું. મા કહે છે તેમ…આમે ય, નિશાળ બહુ આઘી છે.”
મારા બા નાસ્તો આપી વિચાર કરતાં અંદર ચાલ્યાં ગયાં. અમારું બાલમાનસ કોઈ વિષય પર લાંબો વિચાર થોડો જ કરે? ફૂલબાઈ અને હું નાસ્તો આરોગતાં, કોડીઓ કાઢી રમવાં લાગ્યાં અને કારણ વગર ખીલખીલ હસવાં લાગ્યાં.
મારા બાએ એક વખત ફૂલબાઈના મા સાથે વાત કરી પણ, છોકરીને નિશાળે મોકલવા સમજાવી ન શક્યા. ક્યારેક ફૂલબાઈ હરિબેન સાથે આવતી અને અમે સાથે રમતાં. પણ, સમય સાથે ફૂલબાઈ એક નાનપણની મીઠી યાદ બનીને રહી ગઈ.
કોલેજનો અભ્યાસ અને મારા પતિના વ્યવસાય અંગે ઘણાં શહેરોમાં રહ્યાં પછી, ભાવનગરમાં અમારે આવવાનું થયું. મેં કોલેજમાં નોકરી લીધી. ગામમાં આવું અને ફૂલબાઈની યાદ ન આવે, એ તો કેમ બને? મને થાય…અરેરે! કેવા ઘરમાં તેના લગન થયાં હશે! કેવો વર હશે!
સરખી સાહેલીના સોણા સંગાથમાં, સંતાકૂકડીનાં શહેરમાં,
ફૂલ પંખુરિયા ઊડે અવકાશમાં, ખોવાતી સખીના સ્મરણમાં.
અમારો દીકરો રજત છોકરાઓની નિશાળમાં દાખલ થયો. નવા મિત્રોની વાતો કરતાં, રાઘવ નામ ફરી ફરીને સાંભળવામાં આવતું. વરસ પસાર થઈ ગયું. મેટ્રિકની છેલ્લી પરીક્ષા પહેલા, રજત મુશ્કેલ દાખલા શીખવા રાઘવ પાસે જતો.
રજત કહે, “મમ્મી! પરિણામના બીજે દિવસે મેળાવડો છે અને વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રણ છે.”
મેં કહ્યું, “હાં. તારા પપ્પા અને મને ખાસ આમંત્રણ છે. તને કોણ લાગે છે કે પહેલો નંબર આવશે?”
રજત બેધડક બોલ્યો, “રાઘવ.”
સભાગૃહમાં ઘણા લોકો વચ્ચે અમે પસાર થતાં, પહેલી હરોળમાં ગોઠવાયાં. મુખ્ય દસ વિદ્યાર્થીઓને મંચ પર બોલાવ્યા. દસથી ત્રણ સુધીના નામ બોલાયા. બીજા નંબર પર રજતનું નામ અને માતા-પિતા તરીકે, અમારું નામ બોલાયું.
સંચાલક બોલ્યાં, “અને બોર્ડમાં પ્રથમ નંબર લાવનારનું નામ છે રાઘવ. રાઘવ અને તેના માતા પિતા, ફૂલબાઈ અને રાણાને અભિનંદન.” મારું હ્રદય એક ધડકન ચૂકી ગયું.
તાળીઓના ગડગડાટ વચ્ચે મેં પાછળ ફરીને જોયું તો, ત્રીજી હરોળમાં, રાતા ગામઠી પહેરવેશમાં, ફૂલબાઈ તેના પતિની સાથે હસી રહી હતી. મારી સાથે નજર મળતા જાણે ભૂલી ગઈ કે, તે ક્યાં છે? અને મને મળવા દોડી આવી. એ તો સારું કે લોકો પણ ઉત્સાહમાં ઉભા થઈ ગયાં હતાં તેથી અમારા બંનેની દોડ અને મેળાપ અજુગતાં નહીં લાગ્યાં હોય.
“અરે ફૂલબાઈ! તારો દિકરો તારી જેમ જ હોંશિયાર નીકળ્યો.” તેનો હાથ સ્નેહથી દબાવતાં હું બોલી.
“એવો તો દાવો કેમ કરું? હું તો પછી આગળ ભણી નહીં. રાઘવના બાપુ બહુ ભણેલા નથી પણ તે રાઘવને ભણાવવાના જોશમાં પગ વાળીને બેઠા નથી. દીકરાએ અમને આટલું માન અપાવ્યું અને તારો મેળાપ પણ કરાવ્યો.” કહીને ફૂલબાઈ મને ફરી વળગી પડી. રજત, રાઘવ તેમના પિતા સાથે આવીને વાતે વળગ્યા.
“મમ્મી એમ માનતી હતી કે તમે કોઈ ગામડામાં છો.” રજત બોલ્યો.
રાણા બોલ્યા, “હા. પણ, રાઘવ સારી નિશાળમાં ભણી શકે તેથી છેલ્લાં થોડાં વર્ષોથી શહેરમાં આવ્યા. હજુ સુધી તો ભણાવી શક્યા, હવે આગળ જોઈએ શું થાય છે!”
“રાઘવ જરૂર આગળ ભણશે અને તેની જવાબદારી અમારી.” મેં જાણે આખરી ફેંસલો સુણાવ્યો.
મારા પતિ હસતા કહે, “રાઘવ તૈયાર થઈ જા. હવે, ફૂલબાઈએ જેટલા અક્ષરમોતી સરૂની નોટબુકમાં આલેખ્યા છે, તેટલા વર્ષ તારે કોલેજમાં ભણ્યા સિવાય છૂટકો નથી. આ માસી તને નહીં છોડે.”
અને એ જ શર્મિલા હાસ્ય સાથે શાંતિ, સંતોષ અને ગૌરવભરી ફૂલબાઈને…હું જોતી રહી.
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

કેવો સુંદર યોગાનુયોગ અને કેવો મધુર ઋણાનુંબંધ !
LikeLike