કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
હરકોઇ કાર્યની સિદ્ધિ માટે પુરુષાર્થીનાં તન, મન અને ધન તેમાં જોડાઇ જવાં જરૂરી છે. સામાન્ય ધંધાર્થીઓ માટે સામાન્ય, તો વિશ્વના મહાન વૈજ્ઞાનિક સંશોધનો પાછળ એના વૈજ્ઞાનિકોની અસાધારણ એકાગ્રતા જોડાયેલી હોય છે. વિશ્વ વિખ્યાત મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન પોતાની લેબોરેટરીમાં વહેલી સવારથી સંશોધનના કામે લાગેલા. તે સાંજ પડવા આવી છતાં બહાર જ ના આવ્યા ! અરે, બપોરનું જમવાટાણું પણ ચૂકી ગયેલા ! ત્યારે તેના મદદનીશથી ન રહેવાયું. એણે લેબોરેટરીમાં જઈ તપાસ કરી તો મહાશયને તેમના કામમાં મશગૂલ ભાળ્યા. જમવાનું પૂછ્યું તો સરખો જવાબ ન મળ્યો.
મદદનીશને સાહેબના સ્વભાવની ખબર હતી. તેણે કોફી તૈયાર કરી અને એક કપ કોફી ટેબલ પર મૂકી અને સાહેબનું ધ્યાન દોર્યું કે “સર ! તમે આજ સવારથી કંઇ જમ્યા નથી તો આટલી કોફી પી લેજો.”
થોડા સમય પછી મદદનીશ કોફીનો ખાલી કપ લેવા લેબમાં આવીને જુએ છે તો કોફીનો કપ એમનામ ભર્યો પડેલો જોયો. એટલે તેણે ઠપકાભર્યા સ્વરે કહ્યુ, “સર ! કોફીનો એક કપ હું તમારા ટેબલ પર મૂકી ગયો હતો, જે હજુ પડ્યો છે. કોફી તો કામ કરતા કરતા પણ આપ પી શક્યા હોત ! છતાં એક ઘુંટડો પણ તમે કોફીનો ભર્યો નથી ?”
આઈન્સ્ટાઇને ટેબલ પર જોયું તો સાચ્ચેજ કોફીનો કપ એમજ ભરેલો ભાળી આઇન્સ્ટાઇનને માથા પર હાથ ફેરવતા અને વિચારમાં પડી ગયેલા જોઇ પેલા મદદનીશે પૂછ્યું, “શું થયું સર ?” ત્યારે આઇન્સ્ટાઇને કહ્યું,, “ અરે ! મેં કોફી તો પી લીધી છે. તો પછી તેં શું કોફી બે કપ મૂકી હતી ?” આઇન્સ્ટાઇનના મોઢા સામે મદદનીશની નજર જતાં તેમના હોઠને કાળા થયેલા જોઇ તે ગભરાઇને રાડ પાડી ગયો- “ સર ! તમે ટેબલ પર કોફીના કપની બાજુમાં પડેલ પેનમાં પૂરવાની શાહીનો ખડિયો [કપ] ઉપાડીને પી ગયા છો !” ખરું કર્યું કહેવાય ને ? આઇન્સ્ટાઇન કામમાં એટલા મશગૂલ હતા કે પોતે શું પીવે છે એની યે ખબર નહોતી ! કામ પ્રત્યેનું કેવું સમર્પણ ! કેટલી એકાગ્રતા ! હરકોઇ અસાધારણ સંશોધનો પાછળ આવી અસાધારણ ધ્યેયનિષ્ઠા છુપાઇ છે.
આમ ગણીએ તો “ખેતી” પણ સંશોધન અને શોધનું જ ક્ષેત્ર કહેવાય ને ! ખેતીમાં એવી કેટલીય બાબતો છે કે જેમાં સંશોધનને કાયમ અવકાશ રહેલો હોય. દાત. માત્ર એક બીજની જ વાત કરીએ તો ધરતી એનીએ, ખાતર-પાણી એનાએ, ગોવાળી કરનાર ખેડૂત પણ એનોએ જ, છતાં એ નાનકડું એવું “બીજ” બદલાઇ ગયું ? પરિણામમાં ધરખમ ફેરફાર ! એમાંથી ઉગતા છોડ-ઝાડામાંથી ઉત્પન્ન કેવું મળશે એ આપણે ખેડૂતે નહીં, વનસ્પતિના એ નાનકડા બીજે જ નક્કી કરવાનું. એ છોડ કે ઝાડના રૂપ, રંગ અને દેખાવ- એમાંથી મળતી પેદાશનો સ્વાદ કેવો-ખારો, ખાટો, તીખો કે ગળ્યો-કડવો ? અરે, એ અન્નરૂપી, કઠોળ રૂપી, તૈલી પદાર્થ કે પછી રૂ-રેસાનું યોગદાન બક્ષનાર હશે કે હશે શાકભાજી કે ફળો,-અરે-સુગંધ-છાંયડો કે ઇમારતી બરનો લાકડકૂકડ રૂપી ખજાનાની વહેંચણી કરનાર ? એ બાબતે કેવી કળા કરવી તે બધાનો આધાર વનસ્પતિના બીજની મરજી ઉપર રહેલો હોય છે મિત્રો ! અને એટલે જ હવેનું કૃષિ વિજ્ઞાન પણ બસ “બીજ” ને જ કેંદ્રમાં રાખીને એની પાસેથી કેવા કેવા લાભો લઈ શકાય તેવી જ દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે જો સંશોધકોમાં એકાગ્રતાનો અભાવ હોય તો આ હેતુ થોડો પાર પડી શકવાનો છે ?
અને :
એવું જ ખેતીમાં કોઇ પણ કાર્ય થઈ રહ્યું હોય –પછી ભલે તે બીજને ભોંયમાં ભંડારવાનું હોય કે નડતા નિંદામણના છોડવાઓને ઉપાડવાનું હોય ! અરે, તાજી ઉગેલી મોલાતમાં ખાલાપૂરવણીનું હોય કે ઘાટા ઉગેલા છોડવાઓને પાંખા કરવાનું-પારવવાનું કામ હોય ! બધામાં કામ કરનારની એકાગ્રતાની એટલી જ જરૂર હોય છે.
દા.ત. માનો કે વાડીમાં તલ પારવણીનું કામ કરવાનું છે: તો “પારવણી” એ એક જાતની “કળા” છે. ચાલુ કામે આગળ ઊભા ચાસમાં નજર કરતા જઈ. ક્યો છોડ કઈ જગ્યાએ આપણે નક્કી કર્યાના અંતર પ્રમાણે આવે છે તેવી મગજમાં નોંધ કરી, એટલાને જ ઊભા રાખી, વચગાળામાં ઉભેલા વધારાના છોડ ખેંચી લેવા માટે ખાસ આયોજન પૂર્વકના ગણિતથી જ કામ કરવાનું રહે છે. ગમે ત્યાંથી ગમે તે છોડ ખેંચી કાઢી પાકને પાંખો કરવો તે તો મગજને ઘેર મૂકીને ખેતરે કામ કરવા બરાબર છે. વળી બે છોડના નિશ્ચિત અંતર કરતા સહેજ મોટું ખાલું આવી જાય ત્યારે ખાલાની બન્ને બાજુના છોડ બચાવી લઈ-અંદરના છોડને જ ખેંચવા જોઇએ. નબળા, પાતળા, ભાંગલા, માંદલા અને ચાસમાં આડા-અવળા ઉગેલા છોડ પહેલાં ખેંચી લઈ, સારા-લોંઠકા થડવાળા અને છતાં યોગ્ય અંતરે છોડ ઊભા રાખી એકધારા અંતરે છોડની ગોઠવણી કરી શકાય તેવી પારવણી કરવામાં હાથ અને મગજ બન્નેની સાથે જરૂર પડે છે, અને આવું તો જ થઈ શકે જો આ કામમાં આપણે પૂરા એકાગ્ર હોઇએ.
પણ જો ચિત્ત ઠેકાણે ન હોય તો ક્યારેક નબળા-દૂબળાને માંદલા છોડવા ઊભા રહી જવા પામે અને ન રહે બે છોડ વચ્ચેના યોગ્ય અંતરનો મેળ કે ધ્યાન બીજે ફરતું હોય તો વધારામાં બચાવેલ છોડવા પાછા આપણા જ પગ તળે દબાઈને પાછળ કચ્ચરઘાણ વળતો હોય એવું કરૂણ દ્રશ્ય પણ ખડું થઈ જતાં વાર લાગતી નથી.
બનેલો પ્રસંગ :
અમે અમારા જૂના ગામ ચોસલામાં રહેતા હતા અને જ્યારે ઓટોમેટિક વાવણિયાની હજુ શોધ થઈ નહોતી તે વખતની વાત છે. પંચવટીબાગમાં ઓરવાણ કરેલ પડામાં બળદના વાવણિયે ચાર વીઘા ઘઉંની વાવણીનું કામ પરવારી બાર-સાડાબારે હું બપોરા કરવા બેઠો તો દીકરી વનિતાએ ભાત છોડી, મને મગના શાક સાથે લાપસી પીરસેલી ભાળી હું તો રાજીના રેડ થઈ ગયો ! સવારથી તે બપોર લગણ બળદિયા અને વાવણિયા સાથે કરેલી ધમાલથી લાગેલો થાક અને ભૂખ પણ કકડીને લાગી હતી. પીરસાયાભેળી જ મેં બોલાવેલી ખાવાની ઝપટ જોઇ, દીકરી વનિતા કહે, ‘બાપા ! કેવી લાગી લાપસી ?’ મેં હસતાં હસતાં જવાબ આપ્યો “બેટા ! તેં બનાવી હોય પછી મીઠી જ લાગે ને?” “એટલું જ નહીં બાપા ! આપણા ઘરડા માજીએ કહ્યું હતું કે તારો બાપો આજ ઘઉં વાવવા ગયો છે. એને ખબર ન રહે તેમ બિયારણના ઢગલામાંથી થોડાક ઘઉં ચોરી લાવે તો ખરી માનું ! મેં માજીને પૂછ્યું કે એવું શું કામ ? તો કહે એની લાપસી બનાવીએ ને તો એ ઘઉંનો ઘેરો બહુ સારો થાય ! એટલે બાપા, હું વાડીએ આવી અને છાનીમાની-તમને ખબર ન પડે એમ તમારા બિયારણના ઢગલામાંથી થોડાક ઘઉં ચોરી ગઈ’તી, અને એ દળીને આ લાપસી બનાવી છે, એટલે લાપસી તો મીઠી હોય જ, પણ તમે વાવેલ ઘઉંનો આ ઘેરો પણ ખરેખરો થવાનો છે, એવું આપણા માજી કહેતા હતા.”
આમ ગણીએ તો માજીનું અનુમાન સાચું જ ગણાય ને? કારણ કે ઘઉંની વાવણી કરનાર ખેડૂતનું ધ્યાન આસપાસ કોણ આવે-જાય છે કે શું થઈ રહ્યું છે તે જોવામાં ડાફોળિયા મારવાને બદલે બિયારણ પૂરી ઉંડાઇએ અને સપ્રમાણરીતે જ વવાઇ રહ્યું છે ને ? વાવેલા બીજ ખુલ્લા તો નથી રહેતાને ? તેની ઉપર માપસરની માટી ઢંકાતી આવે છે ને ? બળદિયા આડાઅવળા હાલવાને બદલે પૂરેપૂરી સીધાણમાં જ હાલે છે ને ? વગેરે જેવી બીજવાવણીને લગતી ઘણી બાબતોની એકધારી ચીવટ લેવામાં જ એ ખેડૂત એટલો એકાગ્ર હોય છે કે બીજના ઢગલે કોણ આવે છે કે જાય છે એની ખબર એને ક્યાંથી હોય ? બસ એનું તો સમગ્ર ધ્યાન ઉત્તમ રીતની વાવણી કરવામાં જ રોકાએલ હોય ! અને જ્યાં આવી ચીવટભરી વાવણી થઈ હોય તે ઘઊંનો ઘેરો થોડો નબળો રહે ? આ શુભ પરિણામ ખેડૂતની એ કામ પ્રત્યેની એકાગ્રતાનું જ ગણાય કે બીજું કાંઇ, તમે જ કહો !
એવું જ ચોમાસા પહેલાં કપાસ-મગફળી જેવા પાકના વાવેતર માટે અગાઉથી સેંદ્રીય ખાતર ચાસે ચડાવવા ખુલ્લા ખેતરમાં ખેડૂતો ચાસ પાડતા હોય છે. ચાસ પાડતી વખતે ભલે બળદના સાંતી દ્વારા પડાતા હોય કે ટ્રેકટરના સાંતી દ્વારા- બળદ કે ટ્રેક્ટર હાંકનારે શરૂઆતમાં સામેના શેઢે એક નિશાન ધારી લઈ, બરાબર તેની જ સીધાણમાં પોતાનું સાંતી સહેજે ડાબે-જમણે ન ખેંચાઇ જાય એ રીતે ચલાવવાની ચીવટ રખાય તો જ ચાસ એકદમ સીધો પડતો હોય છે. પણ ચાલુ સાંતીએ ક્યાંક આડું અવળું જોવાઇ ગયું તો ખલાસ ! ચાસમાં તે જગ્યાએ આંટી-ઘરલ-વાંક પડ્યા વિના રહે જ નહીં, એવો આપણો અનુભવ છે. જાતે ખેતી કરતા ખેડૂતની ખેતીનું જાડું માપ કાઢવું હોય તો એની મોલાતના ચાસ સામે દ્રષ્ટિ માંડવા માત્રથી મળી જતું હોય છે. “ચાસની સીધાણ” વાડીની તો શોભા છે જ, ઉપરાંત તે ખેડૂતની માનસિકતાના પણ દર્શન કરાવે છે. એકદમ સીધા અને ભેળિયા-પહોળિયા ગાળા વિનાના સમાન ગાળે પડાએલા ચાસ એ એ ખેડૂતની કામ પ્રત્યેની એકાગ્રતાની નિશાની છે.
ઇતિહાસની શાખ :
મહાભારતમાં એક પ્રસંગ આવે છે. ગુરુ દ્રોણે વૃક્ષ પર બેઠેલ પંખીની આંખ વીંધવા બાબતે કૌરવો અને પાંડવોને એકપછી એક-દુર્યોધન, યુધિષ્ઠિર, ભીમ વગેરે બધાને વૃક્ષ ઉપર નજર કરાવી પૂછે છે કે “ બરાબર ધ્યાનથી જુઓ, તમને સામે શું દેખાય છે ?’” ત્યારે “ગુરુજી ! અમને તો બધું દેખાય છે, ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે, આકાશમાં પંખીઓ ઉડતાં દેખાય છે, અમે કંઇ બેધ્યાન નથી !” એ રીતના જ સૌના જવાબો હતા. પણ જ્યારે અર્જૂનનો વારો આવ્યો ત્યારે ગુરુ એને પૂછે છે, “અર્જૂન ! તને સામે શું દેખાય છે ?” “ગુરુજી ! ઝાડ પર બેઠેલું પંખી.” “ શાબાશ, બરાબર જો ! તારે જે કરવાનું છે તેને સંભાળ.” “ગુરુજી ! તો હવે મને પક્ષી યે દેખાતું નથી, મને કેવળ એની આંખ જ દેખાઇ રહી છે.” ત્યારે ગુરુજીએ કહ્યું “હા, હવે ચલાવ બાણ” અને અર્જૂને એ પંખીની આંખ વીંધી નાખી.
અરે ! આપણા રોજબરોજ બનતા રહેતા પ્રસંગોની વાત કરીએ તો આપણા સગાવહાલાઓમાં ઉજવાતી રામાયણ કે ભાગવત સપ્તાહમાં એમના આમંત્રણને માન આપી મહેમાન બની સાંભળી રહ્યા હોઈએ, પુરાણી રામાયણમાંથી “ભાઇ હો તો ભરત જેવો ! અરે, રામ-લક્ષ્મણ બાંધવોની કેવી જોડી !” જેવી ઉપમાઓ આપી રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્ન જેવા ભાઇ ભાઇ વચ્ચેના પ્રેમની, એકબીજા વચ્ચે રખાતી આમન્યાની, એમની વચ્ચેની બંધુત્વ ભાવનાની એમાંથી આપણે સૌ શ્રોતાજનો ધડો-શીખ લઈ શકીએ એવી સરસ વાતો કરી રહ્યા હોય, ત્યારે આપણે બેઠા હોઇએ ભલે મોંઘેરા મહેમાન બની મંડપ વચાળે, આપણું મોઢું હોય પૂરાણી સામે જ અને આપણા કાન પણ વાત તો પૂરાણીના મોઢેથી જ બોલાતી સાંભળતા હોઈએ છતાં આપણું મન જો એવા જ વિચારે ચડ્યું હોય કે “નાનો ભાઇ આજ હળખેડ કરી રહ્યો છે ને વખતે સરહદનો ખુંટો હલાવી ન નાખે તો સારું, દીકરાને મરચીના રોપનો ક્યારો પાવાનું કહ્યું તો છે પણ ભૂલી તો નહીં જાય ને ? આજ મારે ત્યાં રહેવાની જરૂર હતી” શરીર ભલે સપ્તાહમાં બેઠું હોય પણ મનની એકાગ્રતા પૂરાણીના વેણને બદલે અન્ય ઠેકાણે ભટકતી હોય તો પછી કથા સાંભળી તોયે શું અને ન સાંભળી તોયે શું ?
ખેતીમાં મોટાભાગનાં કામો એવાં છે કે એમાં જરીકે ચૂક થઈ ? તો મર્યા સમજો ! આપણે કડબ, મગફળી, સાંઠી, તલહરાં કે પરાળ ગમે તે ચીજનું ભરોટું ભરતા હોઇએ અને ધ્યાન બરાબર ન રહ્યું ને પૂળા કે પાથરા આઘાપાછા કરતા જો વધુ પડતુ એકે બાજુ વજન દેવાઇ ગયું તો તરત જ ભરોટા ઉપરથી દડી જવાય, અને ક્યારેક ભરોટું પણ નમી જાય અને ઠેકાણે પહોંચતાં પહેલાં રસ્તામાં જ ક્યાંક ઠલવાઇ પણ જાય. અરે ! વરામનું વાગી નહીં જાય એનું યે કંઇ નક્કી થોડું છે?
ભર્યા ટ્રેલરે ટ્રેક્ટરને કારમૂક ઊંચો ચડાહ ચડાવતા ધ્યાન ક્યાંક ગયું હોય તો એક્ઝીલેટરને ભીંહ દેવાને બદલે બ્રેકને ભીંહ દેવાઈ ગઈ હોય તો કઈ દશા થાય બોલો ! ટ્રેક્ટર ચડાહ તો ન જ ચડે, ધુમાડો કાઢી બંધ પડી જાય અને ફરી ચાલુ કરવા માટે ગિયરમાંથી ફ્રી કરતાવેંત ઢાળમાં પાછુ દડવા માંડી ભૂંડાઇનો અકસ્માત સર્જી દે તે વધારામાં.
ફળો ઉતારતા હોઇએ કે શાકભાજી ચૂંટતા હોઇએ, ઊભા પાક પર દવા છાંટતા હોઇએ કે પોષકતત્વોની પૂરવણી કરતા હોઇએ, કે ભલેને પાકને પિયત આપવાનું કામ કરતા હોઇએ કે પછી તૈયાર ઉત્પન્નનું ગ્રેડીંગ કરતા હોઇએ, જેમાં પુરું મન આપીને કામગિરી કરાઇ હોય એ કામ ઓર દીપી ઉઠતું હોય છે, એ કામમાં હાથની સાથે હૈયું ભળેલું હોય એટલે એની ભાત્ય જુદી પડ્યા વિના રહેતી નથી મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
