અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
મહાત્મા ગાંધી ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વિશે આત્મકથામાં લખે છે :
પોલાક મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. તે વાંચી જજો. તમને ગમશે.’ એમ કહી તેમણે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઈરાદો કર્યો. જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય એવાં પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ (પૃ.૨૭૨)
પ્રસ્તુત કૃતિમાંથી પસાર થતાં કોઈ પણ જીવનનિષ્ઠ સહૃદય ગાંધીજીના આ અભિપ્રાય સાથે તંતોતંત સહમત થાય એવી જીવનોપાસના અર્થશાસ્ત્રનાં સિદ્ધાંતોનું મૌલિક મૂલ્યાંકન કરતાં આ પુસ્તકમાં પડેલી છે.
૮ ફેબ્રુઆરી,૧૮૧૯ના રોજ લંડનમાં જન્મેલા જોન રસ્કિન એમનાં માતા પિતાનું એક માત્ર સંતાન હતા. ઊંડી વિદ્યાપ્રીતિ ધરાવતા રસ્કિને બાળપણથી બાઈબલથી માંડીને એમના યુગની ઉત્તમ કૃતિઓનો અભ્યાસ કરેલો. નાનપણથી જ રસ્કિને સમાજજીવનને પ્રેમ કર્યો. વિવિધ કલાઓ ને રમતોમાં રસ ધરાવવા છતાં તેમનું ચિત્ત સત્યની શોધ ભણી ઢળ્યું ને સામાજિક વ્યવસ્થામાં જીવનનો આદર થાય એવા આશયથી પ્રેરાઈને તેમણે ૧૮૬૨માં આ કૃતિ દ્વારા અર્થશાસ્ત્ર ઉપર આલોચનાત્મક નિબંધો લખ્યા. આ કૃતિનાં મૂળમાં ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલોને ચી, તેટલો જ છેલ્લાને પણ છે,’ એ બાઈબલનું દ્રષ્ટાંત પડેલું છે.’
આ કૃતિ વિશે રસ્કિન પોતે નોંધે છે તેમ.. આના વિશે વાચકોનો તીવ્ર પ્રત્યાઘાત રહ્યો છે તેમ છતાં રજમાત્ર શંકા વગર હું કહીશ કે આ ચાર નિબંધો મારાં આજ સુધીનાં તમામ લખાણમાં સૌથી વધુ ઉત્તમ છે. તેનો શબ્દેશબ્દ સાચો છે અને સર્વોત્કૃષ્ટ સત્યને જ આ નિબંધો રજૂ કરે છે. આના જેટલું પ્રસ્તુત અને સુસંગત મારે હાથે હજુ સુધી બીજું લખાયું નથી કે આની પાછળની મહેનત જોતાં તો હવે પછી ભાગ્યે જ ફરી કદી આવું મારાથી લખાશે, એમ કહું તો ખોટું નથી.
આ લખાણનો પ્રથમ ઉદ્દેશ સંપત્તિની એક સ્પષ્ટ ને સ્થિર વ્યાખ્યા આપવાનો છે. બીજો હેતુ તે નીતિમત્તાનાં કેટલાંક ધોરણોનું પાલન કરીને જ સંપત્તિ પ્રાપ્ત કરી શકાય, એ બતાવવાનો છે. તે માટે પ્રમાણિકતા અનિવાર્ય છે. ચારિત્ર્યમાં પ્રમાણિકતા કેળવવી દરેક વ્યક્તિ માટે શક્ય છે તથા રોજના વ્યવહારમાં તેને અમલમાં અવશ્ય મૂકી શકાય, એવી દ્રઢ ખાતરી રાખીને તેનું સતત પાલન કરવું એ તેની સર્વપ્રથમ મહત્વની બાબત છે.
પ્રસ્તુત કૃતિ અર્થશાસ્ત્રને પ્રગટ કરતા ચાર નિબંધોમાં વહેચાયેલી છે. જેનો પહેલો વિચાર છે સમાજનો આધાર પ્રેમમય જીવન છે. આ માર્ગ સ્વીકારીને ચાલતી વ્યક્તિઓ કે વ્યવસાયો અન્યની સંપત્તિ છીનવી લેવાની પાશવી વૃત્તિને ત્યજે છે અને એવી જ વ્યક્તિઓ સમાજમાં સન્માન પામે છે.
રસ્કિન અવલોકે છે તેમ અર્થશાસ્ત્રમાં ગણાવેલ તમામ પ્રેરક – ચાલક પરિબળોની પૂર્વધારણાઓને અર્થશાસ્ત્રી ફગાવી દે નહીં ત્યાં સુધી પ્રેમભાવમાં રહેલી પ્રેરક-ચાલક શક્તિને તે પૂરેપૂરી સમજી પણ શકે તેમ નથી. કહ્યું છે ને, જે પોતાની જાતને બચાવવા જશે તે ખોશે અને જે ખોવા માટે તૈયાર હશે તે જ મેળવશે, એ જેમ બીજે સાચું છે તેમ અહીં પણ સાચું છે.
બીજા નિબંધનો વિચાર છે સુખી જીવન સંપત્તિના કેન્દ્રમાં છે . આ વાત જે સમજતો નથી તેને માટે વ્યંગાત્મકભાષામાં રસ્કિન નોંધે છે. આજના અર્થશાસ્ત્રીની રીતે તમારી જાતને ધનવાન બનાવવાની જે કલા છે તે તમારા પડોશીને ગરીબ રાખવાની કલા પણ છે.
ત્રીજા નિબંધનો વિચાર છે ન્યાયનો નૈતિક અમલ થવો જોઈએ તેમજ સંપત્તિની સમાનતા દર્શાવવી એમાંજ સમાજનું હિત રહેલું છે. અર્થાત આપણે જો કાયદેસર પૈસાદાર થઇ શકીએ તો તેની રીત પણ ન્યાયી હોવી જોઈએ. આ ન્યાય એટલે માણસે મારી –મચડીને બનાવેલો કાયદો નહીં પણ નિર્ભેળ ન્યાયનો, દિવ્યતાનો કાયદો. આ પ્રકારના ન્યાયના અમલ માટે કોઈ ન્યાયાધીશની જરૂર નથી પણ એ માટે સમાજની વ્યક્તિઓ એવી દ્રષ્ટિવાળી થાય એ જ જરૂરી છે. આ સિદ્ધાંતને વિગતે સમજાવતા રસ્કિન કોઈ અવતારી વ્યક્તિને છાજતી વાણી ઉચ્ચારતાં નોંધે છે. સુશાસન અને સહકારિતા એ સર્વ વાતે જીવનશાસ્ત્રના સોનેરી કાયદા છે, ત્યારે અરાજકતા અને હરીફાઈ એ મોતને નિયત કરનારા અફર નિયમ છે.
આપણા ધર્મગ્રંથોના જે શબ્દેશબ્દને આપણે દિવ્યવાણી કહીએ છીએ, તેમાં તો પૈસા માટેના પ્રેમનો સરાસર ઇન્કાર કરવામાં આવેલો છે.તેમાં પૈસાને જ સઘળાં દુ:ખ – પાપનું મૂળ ગણાવેલ છે. પૈસો દેવો વડે તિરસ્કાર પામેલો જીવતો જાગતો અસુર છે એમ આ ધર્મગ્રંથોમાં પોકારી પોકારીને કહેવામાં આવેલું છે, તેમ છતાં આપણે તો ઈશ્વરને વિસારી દઈએ છીએ અને લાલસાના એ દૈત્યની ઉપાસનામાં ડૂબેલા રહીએ છીએ. પૈસાની વાત આવતાં આપણાં શાસ્ત્રોને પગલે આપણે પણ છે તેને પાપાસુર કહી ભાંડીશું તો ખરા અને વળી ગરીબાઈની પવિત્રતાનાં ગુણગાન પણ કરીશું, પણ પછી એ જ આપણે ટૂંકામાં ટૂંકા રસ્તે રાષ્ટ્રને ધનિક બનાવવાને સંપત્તિના વિજ્ઞાનની ખોજ પણ આદરી દઈશું. આમ કહેતા રસ્કિનને આવા સમાજજીવનની ભારે ચિંતા છે.
ચોથા નિબંધનો મૂળ વિચાર છે વ્યાજ નહીં પણ જીવનલક્ષી સિદ્ધાંતના પાયાવાળું અર્થશાસ્ત્ર જ આવશ્યક છે. આ વિચારને દ્રઢાવતો રસ્કિન સમજાવે છે તેમ, આ રીતે સાચા અર્થશાસ્ત્રને હીન વર્ણસંકર જેવા આજના અર્થશાસ્ત્રથી જુદું તારવવાનું છે, જેમ વૈદકીય વિદ્યાને દોરાધાગાની કરામતથી, જેમ ખગોળવિજ્ઞાનને જયોતિષથી. સાચું શાસ્ત્ર તો રાષ્ટ્રને શીખ આપે કે જીવન જેથી બલવત્તર બને તેની ઝંખના કરો, તે માટે શ્રમ કરો, જાવનને જે વિનાશ તરફ ઢસરડી જાય છે અને જે નુકસાનકારી છે તેનો સદંતર નાશ કરો, તેને ધુત્કારી જ કાઢો.
શ્રીમંતો પ્રત્યે કંઈક નારાજગીના સૂરમાં અભિવ્યકત થતા રસ્કિનનું મંતવ્ય છે તેમ કેટલાક લોકોને આપણે શ્રીમંત કહીએ છીએ પણ ખરેખર એ પોતાની તિજોરીને મારેલાં તેમનાં તાળાં કરતાં વધુ શ્રીમંત નથી.આવા લોકો શ્રીમંત હોઈ શકે જ નહીં અને તેમનાથી શ્રીમંતાઈ જીરવી શકાય પણ નહીં રાષ્ટ્રના હિતની દૃષ્ટિએ જોઈએ તો આ લોકો એક ખાબોચિયાના ગંધાતા સ્થગિત બંધિયાર પાણી જેવા છે.નદીનો પ્રવાહ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આહલાદક છે, તેનો ઉપયોગ થઈ શકે છે.નદીનો પ્રવાહ રૂંધાઈ જતાં તેના વમળની ઘુમરીમાં ફસાઈને ડૂબી જવાય.
રસ્કિનનો ભોગવાદી સમાજ પ્રત્યે પ્રશ્ન છે તેમ..ભૌતિક મૂલ્યોનો મોહ ઉમદા ચારિત્ર્યને નીચે ઉતારે છે, એ વળી તેની બીજી બાજુ છે, એટલે આપણો ઉદ્દેશ હવે એ તપાસવાનો રહ્યો કે સંપત્તિના ભોગવનારના ચિત્ત પર તેની શી અસર થાય છે? કેવા પ્રકારની વ્યક્તિ એ આકાંક્ષા સેવે છે? અને તેની સફળતા કોને મળે છે? આ દુનિયામાં થતી પ્રગતિ માટે, તેમાં થતી નવી શોધખોળ માટે, તેમાં ઉત્પન્ન થતા માલસામાન માટે, આ બધાં માટે આ જગત કોનું ઋણી છે? એક, જે ગરીબ છે તેનું કે એક, જે શ્રીમંત છે તેનું?
સાચું અર્થશાસ્ત્ર ઘડતા સિદ્ધાંતો રસ્કિનને મતે આ છે.. કોઈ પણ ખરું અર્થશાસ્ત્ર ગૃહજીવનના કાયદાઓમાંથી નીપજતું શાસ્ત્ર છે. એના કાયદાઓના અનુશાસનને કડક બનાવો એના નિરૂપણને સરળ બનાવો, અને તેના કાર્યક્ષેત્રને ઉદાર બનાવો બગાડ અને દુર્વ્યય અટકાવી તથા અર્થહીન આગ્રહ કે ગ્રંથિ સેવો નહીં. પૈસો વધુ પેદા કરવાની ખેવના રાખો નહીં પણ તેનો પૂરેપૂરો સાર્થક ઉપયોગ કેમ થાય તે માટે જાગ્રત રહો.એક પાસે હોય તે બીજા પાસે હોવું જોઈએ એમ બનવાનું શક્ય નથી. જે કંઈ વાપરીએ છીએ તેનો કણેકણ અમોલા માનવજીવનની ક્ષણ ક્ષણ વડે નિર્માણ પામ્યો છે.તેનો વપરાશ એટલે તેટલા ભાગ પૂરતા માનવજીવનનો જ વપરાશ, તેનો જ ઉપભોગ અને તેનો જ વ્યય તે જો આપણી સામે રહેલા આ માનવજીવનને બચાવવા, સાચવવા કે સમૃદ્ધ કરવાના હેતુમાં કામ લાગે તેમ હોય તો તે વપરાશઉપભોગ ચગ્ય છે પણ તેવા કોઈ તંતુમાં તે વપરાશ-ઉપભોગ જો કામ લાગતાં ન હોય તો તેવા વપરાશ ઉપભોગને પરિણામે એમાં સમાયેલ માનવજીવન માટે સર્જાય છે યા તો ગૂંગળામણ યા તો વિનાશ
સમાજને સર્વોદયનો સિદ્ધાંત શીખવતા ઋષિ રસ્કિનનો અંતિમ સંદેશ એમના ભાષાપ્રભુત્વનું ઉત્તમ દૃષ્ટાંત બની રહ્યું છે: “આંખ આડે આવી ગયેલાં આવાં પડળ હિંમતપૂર્વક દૂર કરો,ખુલ્લી આંખ રાખી પ્રકાશની સન્મુખ જુઓ. શરીર પરની મરણ-પછેડીના કફનનો કટકો દૂર કરી દો.આંખને આંસુથી ધોઈને આંખનું તેજ સતેજ કરો. પ્રભુ ઈશુએ કહ્યું છે તેમ સૌને સૌના ભાગનો રોટલાનો ટુકડો મળી ન રહે અને સૌથી નબળામાં નબળાને તેનો ભાગ મળે નહીં ત્યાં સુધી તને કે તેને શાંતિ મળે નહીં..”
આજીવન મૂલ્યોની અખંડ ઉપાસના કરનાર રસ્કિને પોતાના સિદ્ધાંતોને સમજનાર ને ઝીલનાર વ્યકિતની અપેક્ષા કરતાં ૧૮૬૧માં ઉચ્ચારેલું શાંતિના નીરવ આહલાદને સમર્પિતટોચવાળા, આત્મગૌરવની કાંતિ વડે ઓપતા, આત્મસંયમની સર્વોપરી સંપત્તિમાં પરમ સમૃદ્ધિ માનનારા, ભારે મોટી ધનસંપત્તિઓના ખજાનાઓ પાછળ નહીં ભટકનારા પણ ચિત્તની નિર્મળ શાંતિના અખંડ આનંદની ખોજમાં રાચનારા, આલીશાન સંપત્તિઓની ભવ્યતાની ઝંખના નહીં સેવનારા પણ સરળ સાદગીભરેલી જીવનની તરેહવાર રોજિંદી વિવિધતાઓના આનંદમાં પ્રસન્ન રહેનારા, જગતને જીતીને મળતી મહાનતા મળે કે નહીં તે ઈશ્વરને આધીન છોડીને પોતે તો કેવળ તેના આ જગતમાં જીવન જીવવા મળેલ જિંદગીને પ્રભુનું વરદાન સમજીને તેના આનંદમાં મગ્ન રહેનારા, એવા, સ્વયં પોતાના જીવન વડે જગતને ઉદાહરણરૂપ બની રહેનારા લોકોની આજે આપણને ખાસ જરૂર છે.” જેની સાર્થકતા મહાત્મા ગાંધી દ્વારા સિદ્ધ થઈ ને આ પુસ્તકની ઉત્તમ ફલશ્રુતિ રસ્કિનને સાંપડી.
આ પુસ્તકને ગુજરાતીના મૂર્ધન્ય સર્જક મનુભાઇએ એક જ વાકયમાં ઉત્તમ અર્ધ્ય આપતાં નોંધ્યું, “જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં અન્ટુ ધિસ લાસ્ટ અક્ષયપાત્ર છે.
(‘કોડિયું’ માટે તૈયાર કરેલ લેખ, થોડા ફેરફાર સાથે)
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
