આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
રસોડાંથી માંડીને ઓફિસ સુધી જીવનમાં આધુનિક ઉપકરણો તો ઘણાં ઝડપથી દાખલ થયાં, પણ જેનો પ્રસાર અભૂતપૂર્વ થયો હોય તો તે મોબાઇલ ફોન.

૧૩૦ કરોડની વસતિમાં ૧૧૨ કરોડ ફોન ખિસ્સામાં ફરે છે! કોઈ પાસે તો વળીબે ફોન પણ હોય. ગયા લેખમાં વાંચ્યું તેમ ટપાલ ખાતાના મહત્ત્વને તેણે નહીંવત્ બનાવી દીધું. એ તો ઠીક, પણ એણે
પોતાની જ પૂર્વજ એવી લેન્ડલાઇનને અસંબદ્ધ (irrelevant) બનાવી દીધી છે. ૬૦ વર્ષથી ઉપરનાંની જે પેઢીના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તેમને માટે તો આ બમણું આશ્ચર્ય છે. તેઓએ. જીવન શરૂ કર્યું ત્યારે એ ફોન પણ ન હતા, આખું ચક્ર પૂરું કરી પાછાં એ જ સ્થાને આવી ગયાં છીએ જ્યાં મોટા ભાગનાં ઘરોમાં મુશ્કેલીથી મેળવેલી લેન્ડલાઇન હવે નથી! એ “ડબલાં’ને મહામુશ્કેલીથી ઘરે લાવ્યાં હતાં પણ ચાલીસેક વર્ષમાં એને પાછું મૂકી આવ્યાં.
ટ્રીન, ટ્રીનની ઘંટડી વગાડતી લેન્ડલાઇન આઝાદ ભારતની મધ્યભાગના પેઢી માટે સંસ્કૃતિનો એક ભાગ હતી. સારી અને નરસી યાદોને એનો સંદર્ભ છે. પિતાજીની ગંભીર બીમારીના સમાચાર કોના ફોન ઉપર આવ્યા કે મા ગુજરી જવાનો ફોન આવ્યો ત્યારે ક્યાં હતા તેની ઝીણી ઝીણી વિગતો દરેકને યાદ હશે. ચોવીસ કલાક વાગતા મોબાઇલમાં ક્ષણો સંઘરાતી નથી…
દુર્લભ સગવડ :
આઝાદીના ઉષાકાળમાં ટેલિફોન માત્ર ફિલ્મમાં જોયા હતા. “અનાડી” ફિલ્મમાં મોતીલાલે રિસીવર પકડ્યું હતું એ માન્યતા દઢ કરવા માટે કે એ અમીરોનું સાધન છે. ૩૩ કરોડની વસતિમાં ત્યારે માત્ર ૮૫,૦૦૦ ફોન હતા. થોડા સમય પછી એ સરકારી ઓફિસો અને દુકાનોમાં દેખાયા. મુંબઈ જેવાં મહાનગરોમાં એ ઉચ્ચ મધ્યમવર્ગ સુધી પહોંચી આવ્યો પણ નાનાં શહેરોમાં “લક્ઝરી’નાં સ્વપ્ન કરતાંય ઉપર હતો. મોટાં શહેરોમાં સુધ્ધાં તમને એ જોઈએ એટલે મળી ન જતો. એક્સ્ચેન્જની ક્ષમતા એની માંગ કરતાં ઓછી હતી એટલે નોંધાવ્યા પછી ભૂલી ગયા હો ત્યારે એનો “વર્ક ઓર્ડર’ આવતો.
આંગળી નાંખીને ફેરવીએ એવાં ડાયલ આજે જૂનાં લાગે છે, પરંતુ અમે જે સાધન પહેલી વાર જોયું તેમાં એ સગવડ પણ નહોતી. રિસીવર ઉપાડો, એટલે ઓપરેટર પૂછે, “નંબર પ્લી…ઝ’. જોઈતો નંબર કહો એટલે પોતે એ નંબર જોડી આપે. શક્ય છે કે જો નવરો હોય તો. તમારી બંનેની વાત પણ સાંભળે! (મહિલા ઓપરેટરો નાનાં શહેરોમાં હજુ નહોતી આવી). અમારા એક મિત્ર ઓપરેટરની નોકરીની સાથે કૉલેજ કરતા એટલે ગામની ટેલિફોન એક્સચેન્જ ઘણી વાર જોયેલી. બે માળના મોટા મકાનમાં નંબર જોડવાનું બોર્ડ માંડ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટનું! માંડ ચારસો સાધનો હશે. ખુરશી પર બેઠે ઓપરેટર આખું બોર્ડ જોઈ શકે. તમે રિસીવર ઊંચકો એટલે તમારા નંબર સામે લાઇટ થાય, તમારો કૅબલ ખેંચીને તમને જોઈતા નંબરના “સોકેટ’માં જોડી દે.
ગામ બહાર ટ્રંકકૉલ કરવો હોય તો જુદી વ્યવસ્થા. ઓપરેટરને નંબર આપી રાખવાનો. એ ગામની લાઇન એને જ્યારે (બે, ચાર કે છ કલાકે!) મળે ત્યારે તમને ફોન કરે અને જોડી આપે. ક્રૉસ બાર પ્રકારની એક્સચેન્જ પછી ઓટોમેટિક એક્સ્ચેન્જો આવી ત્યારે ઘરેથી નંબર ડાયલ કરવાનું શક્ય બન્યું, તેમ બહારગામ ફોન પણ સીધા કરી શકાયા. તેને Subscriber Trunk Dialling કહેવાય, તેથી ટ્રંકકૉલનું નવું નામ STD. પ્રચલિત થયું.
ફોન લાઇનોની અછત હોવાથી મોટા ભાગના લોકોનો ફોન સંપર્ક “કેર ઓફ’ પાડોશી જ રહેતો. ઉદારદિલ પાડોશી બારીમાંથી કે બાલ્કનીમાંથી બૂમ મારી જેનો ફોન હોય તેને બોલાવે. “અરે અલકાબેન, પંકજને કહો ને એનો ફોન છે.” પહોંચો ત્યાં લગી ફોન કપાઈ ગયો હોય તો તમે પૂછો, “કોનો ફોન હતો?” ફોનધારક જો કંટાળ્યા હોય તો ચિડાઈને કહે કે એ પૂછ્યું નથી. એટલે તમને ખ્યાલ આવે કે કટાણે ફોન ન કરવાનું મિત્રોને કહી દેવું પડશે! પાડોશીઓ વચ્ચેના સંબંધો ફોનના કારણે બગડતા તો. સુધારી લેવા પડતા–ફોનના કારણે!
તારનાં જોડાણો
ફોન લાઇનો મર્યાદિત હોવાનું કારણ ટેક્નિકલ હતું. એ મોબાઇલ ફોનની જેમ “વાયરલેસ’ ન હતા. આપણે બોલીએ તો ભૂંગળાંથી શરૂ કરીને સામા છેડાની વ્યક્તિના રિસીવરના કાન તરફના ભૂંગળા સુધી શબ્દશઃ તાર જોડેલા હોય છે. અમુક શેરીમાં કેટલાં કનેકશન આપી શકાય તેનો આધાર શેરી સુધી આવતા કૅબલમાં તારની કેટલી જોડીઓ છે, તેના ઉપર રહે છે. શહેરો વચ્ચે પણ તાર નાંખેલા છે, જેના થાંભલા રેલવે લાઇનને સમાંતરે ચાલતા આપણે ટ્રેનની બારીમાંથી જોઈએ છીએ. આમ, જોડાણ વધારવા માટે સરકારને ખર્ચ થતો. અનેક જગ્યાએ તારનાં જોડાણ હોવાથી અવાજની ગુણવત્તા ઉપર પણ અસર પડતી. આ બધાં છતાં વર્ષ ૧૯૮૦ સુધી જેમ તેમ રપ લાખ ફોન કનેકશન અપાયાં. આવડા મોટા દેશમાં આ સંખ્યા ઘણી ઓછી છે. ગામડાંમાં તો બહુ જ ઓછા ફોન હતા.
મહાનગરોમાં ફોનની અગત્યના કારણે કેમ સામાજિક ઢાંચાએ મારગ કાઢી લીધો હતો તે આપણે જોયું. ફોન કરનાર અને મેળવનાર એ બંને મુશ્કેલી વેઠી લેતા. એક અંગત ઉદાહરણ લઈએ. આ લેખક મુંબઈ આવ્યો ત્યારે નજીકના સંબંધીઓમાંથી એક-બેને ઘરે જ ફોન હતા. બાકીનાને જરૂર પડે તો પાડોશીને ત્યાંથી કે દુકાનમાંથી ફોન કરે. આ તરફ ઓફિસમાં એક એક્સ્ટેન્શન નંબર ઉપર ૫-૬ જણા એટલે ક્યારેક ફોન કરનારને “એન્ગેજ’ મળે. એટલે પાડોશીના ઘરમાં નીચા મોઢે દશેક મિનિટ બેસી રહેવું પડે-વારંવાર પ્રયત્ન કરવા! ને પછી ખબર પડે કે આપણે જગ્યા ઉપર નથી તો શું કરવું? ક્યારેક સંદેશો મૂકી દે તો ક્યારેક બીજી વાર બીજા પાડોશીને ત્યાંથી પ્રયત્ન કરે. આવી જ પરિસ્થિતિ આપણે એમનો સંપર્ક કરવામાં. પાડોશીને ત્યાં સમય જોઈને જ ફોન થાય.
શહેરોમાં ક્યાંક વળી પબ્લિક ફોનના ડબ્બા મુકાયા ત્યારે આ સામાજિક દ્વિધામાંથી મુક્તિ મળી. પરંતુ જાહેર મિલકતને લોકો દુરુપયોગથી બગાડી નાંખે. ડાયલ ટોન ન આવે તો ડબ્બા ઉપર મુઠ્ઠીઓ પછાડે. અવાજ સ્પષ્ટ ન હોય તો રિસીવરના વાયરને ખેંચ ખેંચ કરે. કેટલાક તો એમાં એક રૂપિયાનો સિક્કો નાંખવાને બદલે પતરાનાં એ સાઇઝનાં ચકતાં નાંખી ફોન કરી જાય.
કૉમેડી અને ટ્રેજેડીના આ ઝાટકાઓ વચ્ચે ૧૯૮૧માં ભારતના ભાગ્યમાં શ્રી સામ પિત્રોડા નામના સજ્જન અવતર્યા. પોતાના ઘરે અમેરિકા ફોન કરવામાં તેમને મુશ્કેલી થતી, તેમાંથી ભારતની સંદેશવ્યવહાર ક્રાન્તિનો જન્મ થયો. ભારત સરકારને તેમણે નવા વિચારો આપ્યા અને સરકારે તે ગંભીરતાથી લીધા (શ્રી પ્રભાકર દેવધર, પાછળથી જે ઇલેક્ટ્રોનિક કમિશનના ચેરમેન બન્યા તે અને તેના મિત્ર રાજીવ ગાંધીની મદદ લઈ પિત્રોડા શ્રીમતી ઇન્દિરા ગાંધી સુધી કેમ પહોંચ્યા તે બીજી રસભરી કહાણી છે). આ પ્રયત્નોથી ર૫ લાખ ટેલિફોનમાંથી ૧૯૯૯ સુધી અઢી કરોડ થયા. વધુ મહત્ત્વનું કે અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. વિદેશી ટ્રંકકૉલ પણ એવા સ્પષ્ટ બન્યા કે ત્યારે અમને વિશ્વાસ ન પડતો. ગામડાંઓને પંચાયત ઘરમાં કનેક્શન મળ્યાં.

નવી નીતિનું અગત્યનું અંગ હતું STD – PCO બૂથની સંસ્કૃતિ. મહાનગરની ફ્લેટ સિસ્ટમમાં પ્રચલિત પાડોશીનો ફોન વાપરવાની રીત નાનાં ગામ અને શહેરોનાં ડેલીબંધ ઘરો અને બંગલાઓમાં ન ચાલતી. એ લોકોએ જીવનમાં ફોન નથી એમ જ માની લીધેલું. ફોન લાઇનો વધી તેમાં ઘણાં ઘરમાં ફોન આવ્યા. તેથીય વધારે સગવડ STD બૂથની થઈ. રાત્રે ૧૦ વાગ્યા પછી તેનો ભાવ અરધો લાગતો એટલે રાતના સમયે બૂથ સામે લાઇન લાગતી. જાણે એ આધુનિક ચોરો (ચોપાલ) હોય. ઓફિસના કામે બહારગામ જવાનું થાય અને ઘરે સલામતીના સમાચાર આપવા હોય તો આ બૂથો થવાથી સરળ બન્યું. આ તબક્કો જોકે બહુ લાંબો ન ચાલ્યો. મોબાઇલ ફોન આવી જતાં આ બધી મુશ્કેલીઓને એવી ભૂતકાળમાં ધકેલી દીધી છે કે યાદ કરવા માટે આવા લેખો વાંચવા પડે છે!
અગનપંખી
લેન્ડલાઇન કરતાં મોબાઇલનો, પ્રચાર જલદી થવાનું મુખ્ય કારણ કે એનું કનેક્શન લેવું સરળ હતું. એક નાનો-શો SIM કાર્ડ હાથમાં આવ્યો કે દુનિયાના દરવાજા ખૂલી જાય છે. વાયરિંગ કરવાની
જરૂર નથી. આ હરીફાઈના કારણે ટેલિફોન તંત્રે પોતાની કાર્યક્ષમતા સુધારી પરંતુ ટેક્નૉલૉજીના પ્રવાહ સામે એ પૂરતું ન હતું. લેન્ડલાઇન ફોનની સંખ્યા વધતી અટકી અને ઊલ્ટું ઘટવા લાગી. દંતકથાનું પેલું અગનપંખી પોતે સળગી જઈ નવા પંખીને જન્મ આપે તેમ લેન્ડલાઇન ફોને મોબાઇલને જન્મ આપ્યો. આ “હાથફોન” જ્યારે સ્માર્ટ બન્યો ત્યાર પછી તો તેણે બીજી પણ અનેક ચીજોને હટાવવાનું શરૂ કર્યું છે. એ જ કૅલ્ક્યુલેટર છે, ઘડિયાળ છે, એલાર્મ છે, રેડિયો છે, ટેપરેકૉર્ડર અને DVD પ્લેયર પણ છે. એમાંનું કમ્પ્યૂટર એક આખી લાઇબ્રેરી પણ છે અને “સેલ્ફી’ના મોડમાં ચલાવો તો અરીસો પણ એ જ છે!
સૌજન્યઃ નવનીત સમર્પણ * જુલાઈ ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
