દીપક ધોળકિયા
મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું અને બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો, વિદેશી કપડાંની હોળી કરો, ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો. એમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા, સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી.
એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું. જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી. હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી. આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા. સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ. ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા. કરાંચી, મુંબઈ, મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી. લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા…ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને!
જવાહરલાલ નહેરુ
નહેરુ પોતાની આત્મકથામાં લખે છેઃ
“ઓચિંતો ‘મીઠું’ શબ્દ રહસ્યમય બની ગયો હતો, એ હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો. સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતો…પણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતી… આખા દેશમાં, શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય, તે જ હતો. અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું, એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક, ખાઈ ન શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા, જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને એ મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું. અમારું મીઠું સારું હતું કે ખરાબ, એ વાતનો કંઈ અર્થ નહોતો, અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા. લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો, એ અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર આ સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી. અમને એ માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિતપણે વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું ”
નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા. એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો. સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો. નહેરુને છ મહિનાની કેદની સજા થઈ.
જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી
જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા. સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી. એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાના માલિકો, બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી. જેમ કે, જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં. આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકો ગુસ્સાથી ઊકળી ઊઠ્યા.
કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ
કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૩મી ઍપ્રિલે કે. કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ (કલીકટ)થી કૂચ શરૂ કરી. ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું. એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં, રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં. આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા.
૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા, થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો. હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા. સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા. પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું. એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા. લાઠીઓના માર ખાતાં ખાતાં. સત્યાગ્રહીઓ “ભારત માતા કી જય” અને “ગાંધીજી કી જય” પોકારતા રહ્યા. કેલપ્પન ‘કેરળના ગાંધી’ તરીકે ઓળખાય છે.
વેદારણ્યમમાં સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ શરૂ થયા પછી એક મહિનામાંચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મદ્રાસ પ્રાંતમાં મીઠાના સત્યાગ્રહનું કર્યું. એ કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવા માગતા હતા કારણ કે ત્યાં અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે. પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું. કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું; એટલે તાંજોર (તંજાવ્વૂર) જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું. ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું.
રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી, તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે. કામરાજ નાદર, એમ. ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી. આર. નરસિમ્હમ પણ હતા.

મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા. જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે. છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી.
૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી (હવે તિરુચિરાપલ્લી)માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ. રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી. જો કે એમને રાતવાસો કરવા કે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા. પણ એમને કલેક્ટરે છ-છ મહિના માટે કેદની સજા કરી. તે પછી લોકો ડરવા લાગ્યા. આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા. હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું. બીજી બાજુ. બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો. એમને કોઈ ખાવાપીવાનું ન આપે, માલ વેચવા તૈયાર ન થાય. પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે!
૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા. રાજાજીએ ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કર્યો. રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા. રાજાજીની ધરપકડ કરી લેવાઈ. કામરાજ પણ પકડાયા. એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ. સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં.
બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી. પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું.
૦૦૦
સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
