ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

સ્ત્રી અને પુરુષ જ્યારે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે છે ત્યારે પતિપત્ની બનીને જીવનભર એકબીજાનાં સુખદુ:ખમાં સાથ નિભાવવાનાં અને મિત્ર બની પ્રેમ અને હૂંફથી એકબીજાને સાથ આપવાનાં શપથ ભારતીય વૈદિક પરંપરા મુજબ લે છે. ભૌતિક સુખને જ સુખ ગણનાર આજની પેઢીને જાણવાની જરુર છે કે, મોંઘીદાટ ભેટોનું આદાનપ્રદાન એટલે જ પ્રેમ નહીં. ખરેખર સહજીવન સાવ સહજતાથી અને સરળતાથી કેવી રીતે જીવાય તે કવિ ધ્રુવ ભટ્ટનાં જીવનની સત્યઘટના થકી સમજીએ. લગ્નવેદી પર લીધેલાં જીવનભર સાથ-સહકાર નિભાવવાનાં શપથ, જીવાતાં જીવન દરમ્યાન એકબીજાને હૂંફનો અનુભવ કરાવી જાય છે.

આ અનુભવ કવિના મનમાં કેવી રીતે પ્રેમની કવિતા લખવાની પ્રેરણા આપે છે તે પણ જોઈએ.

દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ છે, તે વાતને શબ્દસહ: સાબિત કરતી આ વાત છે. ધ્રુવદાદાનાં ખૂબ સહજ અને પ્રેમમય દાંપત્યજીવનની વાત છે. તેમનાં માતાપિતાએ તેમને કોઈ પણ જાતની રોકટોક વગર મુક્ત વાતાવરણમાં ઉછેર્યા હતા. તેમને ભણવાનું બહુ ગમતું નહીં. કોલેજનાં બીજા વર્ષમાં હતાં અને ભણવાનું છોડી દીધું એટલે બહુ ઊંચા પગારની નોકરી તો મળે નહીં, પણ પોતાની જાતમાં અદ્ભુત વિશ્વાસ.  જાતે જ નવુંનવું શીખવાની અને જાણવાની ઉત્સુકતા પણ ખૂબ. જાફરાબાદનાં દરિયાકિનારે અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં બાળપણ વીત્યું. ૧૧માં ધોરણ સુધીમાં અગિયાર ગામોમાં કુદરત વચ્ચે રહીને કુદરતને પ્રેમ કરતા કરતા સંતોષ સાથે જીવવું એવો ધ્રુવદાદાનો અભિગમ પહેલેથી જ રહ્યો. કોલેજ છોડ્યા બાદ સામાન્ય ક્લાર્કની નોકરી કરતા હતા અને લગ્ન થઈ ગયા.

તેમના લગ્ન પણ નામ જેવા જ ગુણવાળા ખૂબ સરસ વ્યક્તિ, દિવ્યાબહેન સાથે થયા. બંને જણા સાદું, સહજ અને સરસ સહજીવન જીવે. દાદાનાં કોઈ પણ નિર્ણયોમાં દિવ્યાબહેનને ક્યારેય વાંધાં-વચકાં ન હોય, ભલે ને તે નોકરી છોડી દેવાનો નિર્ણય પણ કેમ ન હોય ! દાદાને બાળકો સાથે બહુ ગમે અને બાળકોને સહજતાથી નવી ચીજો શીખવવી પણ ગમે અને બાળકોની નિર્દોષતામાંથી દાદા પણ ઘણું શીખે. વરસમાં ત્રણેક વાર પાંચ છ દિવસ માટે દાદા છોકરાંઓને કેમ્પ કરાવવા દરિયાકિનારે લઈ જાય.

છોકરાઓ પાસે માત્ર ટોકન પૂરતાં નજીવા પૈસા લે. બાકીનાં દાતાઓ આપે. એક વાર આવા કેમ્પની તૈયારી થઈ ગઈ. દાતા પાસે પ્રવાસનાં પૈસા લેવા જવાને દિવસે જ વડાપ્રધાન ઈન્દીરાજી ગુજરી ગયાં. બધી ઓફિસો બંધ. દિવ્યાબહેને પોતાનાં દાગીના ઉતારી આપી દીધાં અને દાદાને કહ્યું, ”લો,આ દાગીના આપીને પૈસા ઉછીના લઈ આવો પણ બાળકોનો પ્રવાસ તો બંધ નહીં જ રહે.”

પ્રવાસમાં પોતે પણ ધ્રુવદાદા સાથે જાય. બધાંને જાતે રસોઈ કરી જમાડે. એકવાર તો આંખમાં ચૂલો સળગાવતાં કોલસાની કણી  પડી, આંખમાંથી પાણી નીકળે તોય બાળકો સાથે ત્રીસ જણાંની રસોઈ કરી. દાદાએ તેમને વાહન કરી ડૉક્ટર પાસે  જવાનું કહ્યું, ત્યાં જ તેમના સાથીદારે આંખમાં જીભ ફેરવી કોલસીની કાંકરી કાઢી આપી. દાદાનાં દરેક કામમાં ખભેખભા મિલાવી સાથ આપનાર દિવ્યાબહેનને આપણે તો સલામ કરીએ જ પણ દાદાને પૂછીએ કે બીજા જન્મમાં એક વસ્તુ કઈ આ જન્મમાં છે તે ફરી જોઈએ છે ? તો તે માત્ર ને માત્ર  દિવ્યાબહેનનું નામ કહે છે. જેમણે દરેક પરિસ્થિતિમાં દાદાને પ્રેમપૂર્વક સાથ આપ્યો છે. તેઓ ખરા અર્થમાં હું અને તું મટી એક બની સાથે જીવનપથ પર ચાલ્યા છે.

લગ્નનાં સાતમા વર્ષે ધ્રુવદાદા પાસે સામાન્ય નોકરી હતી. લગ્નતિથિએ મોટી કોઈ ભેટ આપવાનાં પૈસા નહીં પણ પ્રેમ તો ભરપૂર અને તેમણે ભેટમાં જે આપ્યું તે આ ગીત….

મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું,
પળમાં પળમાં ગૂંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું.

કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું,
વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું.

આંખોનાં પોપચાંમાં સાચવી મૂક્યાં છે એને સપનાં કહું કે કહું શું,
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું.

મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી,
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી.

પંખી તો કોઈને કહેતું નથી કે એણે પીંછામાં સાચવ્યું છે શું,
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું

પોતાનાં હૃદયના અગાધ પ્રેમના સાત દરિયાની આરપારમાં હું અને તું મટી એકમેકનાં અસ્તિત્વમાં ઓળઘોળ થઈ જીવાએલ દાંપત્યની અભિવ્યક્ત થયેલ પ્રેમસભર લાગણીઓથી વધીને વિશેષ ભેટ શું હોઈ શકે? જીવનસાગરમાં ભલેને અનેક કઠણાઈઓનાં તોફાન આવે, પણ એક પ્રેમાળ વ્યક્તિનો સાથ સહકાર અને હૂંફ હોય ત્યારે આંખોની અંદર સાચવીને મૂકેલાં સપનાં પૂરાં થશે જ એવો દૃઢ વિશ્વાસ થઈ જાય છે. વહાલનાં દરિયામાં તમે ઝબોળાતાં હો ત્યારે દુન્યવી ભૌતિક સુખો સાવ વામણાં લાગે છે. પોતાની અંદરનો વહાલનો દરિયો ઊભરાતો હોય ત્યારે બહારના દરિયાની ઓટ અંગે વિચારવાનું જ ક્યાંથી હોય? પંખીએ પોતાની પાંખમાં શું સાચવ્યું છે તેની કોઈને ક્યાં ખબર હોય છે ? પોતાના હૃદયમાં ધ્રુવદાદાએ કેટલી વહાલપ અને સપનાં સાચવ્યાં છે તેની માત્ર એકબીજાને જ ખબર છે, દુનિયાને દેખાડવાની ક્યાં જરૂર ?

તેમના પ્રેમની ઉચ્ચ સીમાઓ દર્શાવતી આટલી વહાલભરી કવિતાની ભેટ આપણને ઘણું શીખવી જાય છે. કદાચ સાત માળના બંગલા કરતાં પણ આ અદકેરી ભેટ છે. પોતાની હથેળી ભલે ખાલી છે પણ વહાલપની થેલી ભરપૂર છે કહી હૃદયની સચ્ચાઈથી પોતાના પ્રેમનો સહજ રીતે એકરાર કરે છે.

ધ્રુવદાદાએ તેમની નવલકથાઓનાં બધાં સ્ત્રી પાત્રોને ખૂબ સન્માન સાથે ખૂબ શક્તિશાળી દર્શાવી, સ્ત્રીઓને ઉચ્ચ દરજ્જો આપ્યો છે. ‘તત્વમસિ’ની સુપ્રિયા હોય કે ‘અકૂપાર’ની સાંસાઈ કે ‘અગ્નિકન્યા’ની દ્રૈાપદી. જેવું ધ્રુવદાદા વિચારે છે તે જ પોતાની નવલકથામાં અભિવ્યક્ત કરે છે.

પોતાની સહચારિણી દિવ્યાબહેનને ખૂબ સન્માન અને ભરપૂર પ્રેમ સાથે આવી સુંદર કવિતા ભેટ ધરી દાદા કહે છે,

“વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું”

ત્યારે તેમનાં પ્રેમથી ઝળહળતાં દાંપત્યજીવનની પ્રતીતિ મેઘધનુષી રંગે નિખરી ઊઠે છે. પોતાના પૌરુષત્વનો અહમ્ એકબાજુ પર મૂકી, એકબીજામાં ઓગળી, ગમે તેવાં સુખદુ:ખમાં સાથે ચાલી તેમાં જ સુખ માણવાની વાત કરી છે. ચાલો, આપણે સૌ પણ આ જોઈ આપણાં વહાલને મુક્ત મને વહેંચતાં શીખીએ અને દાંપત્યનાં સાચા રંગોને પામવા કોશિશ કરીએ.


સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.