નરેશ પ્ર. માંકડ
મણકો [૭]થી આગળ
ટાઈમ્સ ગ્રૂપ અને જૈન પરિવાર
રામકૃષ્ણ દાલમીઆના જમાઈ હોવાને નાતે સાહુ (શાન્તિ પ્રસાદ) જૈન બેનેટ કોલમૅન એન્ડ કંપની લિ. ના મુખ્ય શેરહૉલ્ડર બન્યા. તેમના પુત્ર અશોક જૈને ૧૯૬૦થી લઈને તેમના અવસાન પર્યંત ટાઈમ્સની બાગડોર સંભાળી હતી. અશોક જૈનના ૧૯૯માં અવસાન પછી ટાઈમ્સનાં મુખ્ય શેરહૉલ્ડર તરીકે જૈન પરિવારની ધુરા ઇન્દુ જૈને સંભાળી.
ઇન્દુ જૈન – જ્યારે એક સ્ત્રી ચેરમેન બની
ચમકતા ચહેરાવાળા ઇન્દુ જૈન એના પતિ અશોક જૈનના અવસાન પછી ૧૯૯૯ માં ચેરમેન બન્યાં. મેનેજર અને તંત્રીઓએ વધુ એક પારદ સમાન વ્યક્તિગત લાક્ષણિકતાઓને અનુકૂળ થવા પ્રયત્ન કરવા પડ્યા. ઇન્દુ જૈન પ્રકાશનોને વધુ નરમ, માયાળુ અને ખુશહાલ બનાવવા માગતાં હતાં. એમણે નકારાત્મક વાતોને છાપવા પર પ્રતિબંધ મૂક્યો. સમય જતાં આમાંથી આફતોના રોજિંદા ડોઝમાંથી એક સકારાત્મક અભિગમ બહાર આવ્યો. પર્યાવરણ શાંતિ કેળવણી અને લોકોની સહભાગીતા પર તેમણે ભાર મૂક્યો અને લોકશક્તિને સરકાર અને મ્યુનિસિપલ નિર્ણયોમાં ભાગીદાર બનાવવા પ્રયત્ન કર્યા.
ટાઈમ્સ ફાઉન્ડેશન તેમનું માનસ બાળક છે. મુંબઈમાં ટાઈમ્સના બિલ્ડિંગમાં એક જગ્યા રેકીથી માંડીને ઋગ્વેદ સુધીના વર્ગો ચલાવવા માટે ફાળવવામાં આવી. દિલ્હીમાં નંદિતા અવસાન પછી તિલક માર્ગ પર આવેલો લુટેન્સ બંગલો આખો આવી સેવાઓ માટે રાખવામાં આવ્યો.
બચી કહે છે, “Yes, like Maggi, Indu Mata is different. And, yes, she can be saucy too.”
ઈન્દુ જૈનનાં ત્રણ સંતાનો હતાં, સમીર, વિનીત અને નંદિતા.
નંદિતા જૈન
સ્વર્ગીય નંદિતા જૈન ઉત્સાહી, સમર્પિત અને માનવતાવાદી હતાં અને એમના વડીલ બંધુ સમીરની જેમ ખૂબ જ ઉદાર હતાં. એમના લગ્ન વખતે ૪, તિલક માર્ગ પર આવેલો બંગલો એને આપવામાં આવેલો જેને એમણે પોતાની ડિઝાઇનની સમજ અને પોતાના કલાના સંગ્રહથી સજાવ્યો.
એ પહેલાં ઇકોનોમિક ટાઇમ્સની ૨૫મી એનિવર્સરીની પાર્ટી ત્યાં યોજવામાં આવી હતી. ત્યાં જૂની ઘસાયેલી લોન પર બુલડોઝર ફેરવી, સમથળ કરીને ૧×૧ ફૂટના ઘાસના ચોરસ પથરાવ્યાં. ET ના પિંક પેપર જેવો રંગ કરવા માટે વૃક્ષોથી ઘેરાયેલ વિસ્તારમાં વૃક્ષોને ક્રેપ રિબન વીંટાળી ને પેપર લગાડેલી સ્પોટલાઇટ મૂકી. ગુલાબી દમાસ્ક નેપકીન મૂકવામાં આવ્યા સનેગુલબી શેમ્પેઇન સર્વ કરવામાં આવ્યો. આ સુંદર સજાવટની મહિનાઓ સુધી વાતો થતી રહી.
નંદિતા કામ પૂર્ણરીતે સંકળાયેલી રહ્યાં. તેણે પ્રેમ, ઉત્સાહ અને કલ્પનાથી ઉજવણીના કાર્યક્રમો આખું વર્ષ યોજ્યા. તે એક મિત્ર જેવાં બૉસ હતાં. પોતાની ટીમને નિયમિત રીતે બપોરના અને સાંજના ભોજન માટે બહાર લઈ જતાં અને પોતાના ભાઈઓથી વિપરીત, એ પોતાને તેના પ્રથમ નામથી સંબોધિત થવાનું પસંદ કરતાં. આર્ટ તેનું સૌથી મોટું વળગણ હતું. તેણે ૧૫૦ વર્ષની ઉજવણીના આરંભમાં તેને યોજેલું Timeless Art અદભુત હતું. તેની દેખરેખનું કામ પ્રખ્યાત કલાકાર મનજીત બાવાનું હતું. મુંબઈમાં નંદી તેમનો જમણો હાથ હતાઅને દિલ્હીમાં સબિના સેહગલ, સૈકિયા તથા શિખા ત્રિવેદીએ તેમને સાથ આપ્યો. ૨૦૦૮માં ૨૬/૧૧ના તાજ મહાલ હોટેલ પરના આતંકવાદી હુમલામાં સબિનાનું હજી એની ચાલીસીમા જ નિધન થયું.
૨૦૦૧માં નંદિતા જૈન અને અન્ય સાત વ્યક્તિઓને લઈ જતું હેલિકોપ્ટર અરૂણાચલના જંગલમાં તૂટી પડવાથી તેઓ મરણ પામ્યાં. નંદિતાની જીવંત તસવીર વિનીતની દિલ્હી ઓફિસમાં મૂકેલી છે. જૈનોનો મૃત્યુ તરફનો બધો સમભાવ આ આઘાતને હળવો નથી બનાવી શક્યો.
સમીર જૈન – ટાઈમ્સના વી.સી અને એમ.ડી.
ટાઈમ્સની પરંપરા સિનિયર મેનેજર અંદરથી જ ઊભા કરવાની હતી. સતીષ મહેતા અને રામલક્ષ્મણ બંને આઇ.ટી.સી.ના સિગરેટ અને હોટેલ વિભાગમાંથી લાવવામાં આવ્યા હતા, પણ મોટાભાગના લોકો અંદરથી જ પ્રમોશન મેળવીને આગળ આવ્યા હતા, જેમ કે પી.આર કૃષ્ણમૂર્તિ પર્સનલ સેક્રેટરીમાંથી જનરલ મેનેજર બન્યા હતા. પછી આવેલી પેઢી જુદી રીતે વિચારતી હતી, એટલે સમીર અને વિનીત જૈન એ બંને ભાઈઓએ મલ્ટીનેશનલ કોર્પોરેશન (એમ એન સી)માંથી અધિકારીઓ પસંદ કરવાનું શરૂ કર્યું. પેપ્સીકોના ઉચ્ચ હોદ્દા પરથી રવિ ધારીવાલ અને મહેન્દ્ર સ્વરૂપ ને ટાઇમ્સમાં લાવવામાં આવ્યા.
સ્વરૂપને પહેલી જ મુલાકાતથી ખ્યાલ આવી ગયો કે તેમણે આ બે જૈન ભાઈઓ માટે કામ કરવાનું છે બેનેટ માટે નહીં. લગભગ આવો જ અનુભવ ધારીવાલને પણ થયો.
એમ એન સી અને વીસીની સ્ટાઈલમાં તફાવત ડાઇનિંગ ટેબલનો હતો એવો સ્વરૂપને ખ્યાલ આવી ગયો. સ્વરૂપે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એ સમીર જૈન (વીસી – Vice Chairman) એમને કહેતા અને પોતે જ એમને પીરસતા પણ. ક્યારેક તેઓ સ્વરૂપના ઘરે પહોંચી જતા, પાછળ એમનો ડ્રાઇવર મોટું હોટ કેસરૉલ લઈને ચાલતો હોય. પછી તેઓ કહે, ” મહેન્દ્રજી, આજ આપકી ફેવરિટ કઢી બનાઈથી.”
રવિ ધારીવાલને યુનીલિવરનો અનુભવ હતો, જ્યાં કાળજીપૂર્વક દસ્તાવેજીકરણ થતું અને નાણાકીય નિયમોને અનુસરવામાં આવતા. અહીં તો બિઝનેસ સહજવૃત્તિ (instinct) થી ચાલતો હતો અને કોઈને કંઈ ફરિયાદ ન હતી. પ્રદીપ ગૂહા, અરુણ અરોરા, વિજય જિંદાલ, રવિ ધારીવાલ, રાહુલ કૌશલ, આ બધી જ તદ્દન એકબીજાથી અલગ વ્યક્તિઓ હતી. આ કંપની બહુ અલગ છે. બીજી જગ્યાએ એજન્ડા હોય છે, એની ચર્ચા કરીને બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. અહીં તો લીડરશીપના દરબારમાં વીસી પોતાનું મુક્ત ભાષણ આપે છે અને બીજાઓ પોતાના અલગ મત વ્યક્ત કરે છે જે વીસીને ગમે છે પણ એ સ્વીકારે તો પસંદ કરેલા માણસોના જ અભિપ્રાયો.
રવિ ધારીવાલ માને છે કે કોઈ માનીતો કર્મચારી ટાઈમ્સ છોડીને જાય એના જેવું દુઃખ બંને ભાઈઓને માટે, ખાસ તો સમીરને, બીજું કંઈ નથી. જનારો સામાન્ય રીતે પાછો ફરે છે – જેમ બચી કરકરીયા ત્રણ વાર પાછાં આવ્યાં.
વીસી (VC) સમીર એની ઓફિસમાંથી નીકળીને ક્યારેક એડિટ કે રિસ્પોન્સ ડિપાર્ટમેન્ટમાંપ્રગટ થાય. હવે એની હાજરીથી થતું ટેન્શન હળવું થયું છે, પહેલાના સમયમાં તો એ અચાનક જતા ન રહે ત્યાં સુધી બધા ચિંતાથી થીજી જતા. હવે તે પત્રકારોની સંગતમાં ઘણા કલાકો ગળે છે, એમની બુદ્ધિશક્તિનો આનંદ લ્યે છે અને કેટલાક પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. નાનો ભાઈ વિનીત એડિટ પેજના અસ્તિત્વ પણ માન્ય નથી કરતો, જ્યારે મોટા ભાઈ તેના પર અતિ ભારે ધ્યાન આપે છે. કોઈ લાઈન અમુક રીતે શા માટે લખાઈ છે તેના પર કલાકો સુધી સમીર વિચાર અને વિશ્લેષણ કરે છે. એક કોલમ લેખક સમીરને તેની એક વાક્યરચના ટાંકતા સાંભળીને ડઘાઈ ગયો હતો. હાસ્યરસના લેખો પર અન્ય કોઇ મીડિયાના માલિકે તેના જેટલું ઊંડાણપૂર્વક અને વિચારપૂર્વક ધ્યાન નથી આપ્યું.
૧૯૯૬માં ચેરમેન અશોક જૈને એક કોલમની લેખિકાને બોલાવીને બેંગલોર આવૃત્તિની એમ. વી. કામઠે કરેલી આડંબરી ટીકા વિશે કટાક્ષપૂર્ણ ખંડન કરવા માટે રાજીપો વ્યક્ત કર્યો. ચેરમેને કબૂલ કર્યું કે હાસ્યરસના લખાણ વિશે સમીરે મને સમજાવ્યું એ પહેલાં તેઓ એને બિલકુલ નકામું ગણતા હતા. સમીર સામે ટકી રહેવા માટે અખબારે ભજવવાના ઘણા રોલના બિનપરંરાગત ખ્યાલને સમજવો પડે. તાતાની અસરકારક ટેગ લાઈન ” We also make steel” ની જેમ સમાચાર પૂરા પડવા નું કામ તો માત્ર આનુષંગિક છે, મૂળ મહત્વનું કાર્ય તો ટાઈમ્સનાં વાચકોને બદલાતાં વલણો સમજ વાં અને એ રમતમાં આગળ રહેવા માટે મદદરૂપ થવામાં વધુ મોટો અને ઊંડો ભાગ ભજવવાનું છે.
બચી બહુ સરસ રીતે કહે છે, “આ સંભાળપૂર્વક કેળવેલી મેનેજમેન્ટ સ્ટાઈલ છે – કૈંક નિકોલો મેકિયાવેલી, કંઇક ચાણક્ય, કંઇક માઈકલ ડી મોન્ટેઇન અને સંપૂર્ણતઃ સમીર જૈન. In VC, being mercurial is not a chance genetic trait; it is a dispassionately devised and copyrighted strategy.”
વીસી (Vice Chairman)નો એકે એક શબ્દ જેમને તેનો અમલ કરવાનો છે એમના સુધી જંગલમાં નગારાઓના સાદ વડે પહોંચાડાતા સંદેશની જેમ પહોંચી જતો. ‘ સહકર્મીઓ ‘ માટે તો એ મુશ્કેલ વિચિત્ર માણસ ખોપરીની ગુફામાં વસતા ફેન્ટમ જેમ મહોરું પહેરેલ વ્યક્તિ જ છે. સહકર્મી (colleague) શબ્દ પણ HR એજન્ડા માટે જ છે, એ વાસ્તવમાં સમાવેશક નથી એ સહુ જાણે છે. એમના માટે બોડી લેન્ગવેજ અગત્યની બાબત છે. મીટીંગ કે મુલાકાતમાં એમની સામે દિલીપ પડગાંઓકર પણ ક્યારેય પગ ક્રોસ કરીને ન બેસતા. કોઈના બૂટના તળિયાં એમની સામે રહે એ પણ સ્વીકાર્ય નહોતું. એક વખત એમની મીટીંગ એટલી મિત્રાચારીપૂર્ણ અને અનૌપચારિક રીતે ચાલતી હતી કે એક સ્ત્રી તંત્રી ખુરશીમાં આરામદાયક સ્થિતિમાં બેઠાં હતાં. ત્યાં તેણે જોયું કે વીસી એક વાળેલી નોટ એના તરફ સરકાવી રહ્યા હતા. એમના કરોળીયા જેવા અક્ષરમાં લખેલું હતું, “ખૂબ સમજદારીપૂર્વક અને આ નોટનો પ્રતિભાવ આપતા હો એવું ન લાગે એ રીતે કૃપા કરીને ટેબલની ધાર સાથે તમારા પગ દબાવીને નહીં બેસો.”
વિસીના દરબારમાં લેખન પેડ વગર આવવું એ મોટા ગુના જેવું હતું. આવી મિટિંગમાં નવા સમાવિષ્ટ થયેલાં એક સિનિયર તંત્રીને એક ડિરેક્ટરે ” વીસી તરફથી ભેટ” કહીને એક નાની સુઘડ નોટબુક આપી ત્યારે તે બહુ ખુશ થયાં. પ્રદીપ ગુહાને એમણે વાત કરી ત્યારે તેમણે કહ્યું, કે તમારે વિગતવાર નોટ્સ લેવી જોઈએ એવું કહેવાની આ એમની રીત છે. પછીના સમયમાં નોટબુકનુ સ્થાન લેપટોપે લીધું.
સમીર જૈનની ઉદારતાના ઘણા પ્રસંગો બચી યાદ કરે છે. એની સાથોસાથ એમની ખર્ચ બચાવવાની ટિપ્સ પણ યાદ કરે છે. રીસ્પોન્સની એક કોન્ફરન્સ વખતે ઇન્દિરા દેઇશે રિસેપ્શનિસ્ટને સવારે જગાવવા માટે કૉલ કરવાનું અને સાથે ચાની કિટલી મોકલવાનું કહ્યું. તેના ખભા પર કોઈએ ટેપ કરી, પાછળ ફરીને જોયું તો એ વીસી સમીર જૈન હતા. તેણે ઇન્દિરાના હાથમાં બે ટી બેગ મૂકી. “ત્યાર બાદ હું હંમેશા ટી બૅગઝ નું બોક્સ રાખું છું અને માત્ર ગરમ પાણી મંગાવું છું. આમ હું કરકસરનું મૂલ્ય સમજી.” સમીર હંમેશા સલાહ આપતા કે તમારી ડીશ પૂરું જમ્યા પહેલાં ન બદલો, અન્યથા યજમાનને વધુ ડિશના પૈસા ચૂકવવા પડશે.
સમીર કહેતા કે ટ્રાવેલ માટેની ટિકિટ લેવાનું કામ સેક્રેટરીઓ ઉપર ન છોડવું, કારણ કે એ લોકોને ખર્ચના પાસાંનો ખ્યાલ નથી હોતો. એમનું કહેવાનું એવું હતું કે સૌથી સસ્તા ક્લાસમાં નહીં પણ સૌથી સસ્તા રૂટ પર ટ્રાવેલ કરો. અશોક સેન યાદ કરે છે, વીસીને પેસિફિક રુટથી અમેરિકા જવા માટે મફત સ્ટોપ ક્યાં મળે એ જોવા માટે એકવાર તેઓ એટલાસ લઈને બેઠા હતા. એમણે ટાહિટી શોધી કાઢ્યું. સમીરને પોલીનેશિયન સંસ્કૃતિની સમજ મળી એનો બહુ આનંદ થયો. તેઓ દેશની અંદર ઇકોનોમી વર્ગ પસંદ કરતા. એક વખત તેઓ મોડા પડ્યા અને છેલ્લે પ્લેનમાં ઇકોનોમી ક્લાસમાં દાખલ થયા. સીટ બેલ્ટ બાંધવાની સૂચના બંધ થઈ કે તરત એમને મળવા માટે બિઝનેસ ક્લાસના મહાનુભાવોની કતાર લાગી, અને સીટની બે હરોળ વચ્ચેની આઇલ પર જામ થઈ ગયો.
વિનીત જૈન
વિનીત જૈન સમીર જૈનથી લગભગ દસેક વર્ષા નાના હતા. બન્ને ભાઈઓના વ્યક્તિત્વમાં પણ એટલો જ ફરક હતો. તેમણે ટાઈમ્સનું માત્ર પ્રિન્ટ માધ્યમમાંથી રેડિયો, ટેલીવીઝન ઇન્ટરનેટ, ઓટીટી, જેવાં વધારે સમાચારો અને જાહેરાતોનાં વધારે વ્યાપવાળાં માધ્યમોમાં પ્રસારણ કર્યું. છેવટે ૨૦૨૩માં બન્ને ભાઈ વચે ટાઈમ્સ સામ્રાજ્ય એ રીતે જ વહેંચાઈ પણ ગયું.
જગવિખ્યાત અમેરિકન સામાયિક ધ ન્યૂયોર્કરમાં Citizens Jain શીર્ષક હેઠળ ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલ લેખ[1]માં કેટલીક મહત્વની બાબતો ઉલ્લેખ પામી છે.
વિનીત જૈને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે અમે પરંપરાગત રીતે ધંધો નથી કરતા. અમે અખબારના વ્યવસાયમાં નથી, અમે જાહેરખબરના વ્યવસાયમાં છીએ. “તમારી નેવું ટકા જેટલી આવક જાહેર ખબરમાંથી આવતી હોય તો તમે જાહેર ખબર ના વ્યવસાયમાં છો.” પહેલાં અખબારોમાં બૌદ્ધિક ઉન્નતભ્રુ માટે લખાતું અને એ બહુ ગંભીર વાંચન હતું. વાંચકો માટે એ પ્રસ્તુત ન હતું.
વિનીત જૈને ટાઈમ્સની નકલ ટેબલ પરથી ઉપાડી. પહેલા પાના પર ૧૦ – ૧૧ સ્ટોરી હતી, અલગ અલગ સમાચારોના નાના બોક્સનો જમેલો હતો અને મોટા ફોટોગ્રાફ કે સુઘડતા અને સમતોલન માટે ડિઝાઇનના તત્વો ન હતાં. આઠ પાનાના બીજા વિભાગથી અખબારનું નાવીન્ય શરૂ થતું હતું. તેનું શીર્ષક તો હતું ‘બોમ્બે ટાઈમ્સ’, પણ અંદરના વર્તુળોમાં એ ‘પેજ થ્રી’ તરીકે ઓળખાય છે બોલીવુડ સ્ટાર, ક્રિકેટના દેખાવડા વ્યવસાયકો અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીની વાતો, આકર્ષક સ્ત્રીઓના રંગીન ચિત્રોથી આ વિભાગ છલકાય છે.
વિનીત જૈન સમજાવે છે કે આ બધી સ્ટોરી સ્ટાફના રિપોર્ટર એ લખેલી છે પણ સેલિબ્રિટી કે એમના પ્રચારકોએ એ માટે પૈસા ચૂકવ્યા છે બોલીવુડના નવા રિલીઝ થયેલા ચલચિત્રોનો પહેલેથી જ કવરેજ આવી જાય છે. આ વિભાગના મથાળા હેઠળ નાના ટાઈપમાં “એડવર્ટોરીયલ એન્ટરટેનમેન્ટ પ્રમોશનલ ફીચર” લખાયેલું છે. જૈન કહે છે કે “પારદર્શિતા માટે આ પૂરતું છે. આખી દુનિયામાં એડવર્ટોરીયલ્સ કરવામાં આવે છે.” પણ વિનિત જૈનનાં અખબારોમાં એડવર્ટોરીયલ્સ સ્ટાફ લેખકો દ્વારા લખાય છે અને એની ચેતવણી વાંચવા મેગ્નિફાઇંગ ગ્લાસની જરૂર પડે છે.
જૈને આ વિભાગની પ્રેરણા વર્જિન ગ્રુપના રિચાર્ડ બ્રાન્સનનો ઇન્ટરવ્યૂ વાંચીને મળી. તેણે કહ્યું હતું કે પેરેશુટથી પ્લેનમાંથી કૂદવાના સ્ટંટ એ મફત પબ્લિસિટી માટે કરે છે, જેથી એની કંપનીને જાહેરાતના લાખો ડોલર બચી જાય છે. આ વાંચીને જૈને વિચાર્યું, ” અરે ભગવાન, હું મૂર્ખ છું, મને એટલું પણ ન સમજાયું કે હું મફતમાં આ લોકોનો વાચકો સાથેનો સંપર્ક કરાવી આપુ છું, તો પછી એ લોકો મને જાહેરાત શું કામ આપે? ” કોઈ બોલીવુડ સ્ટુડિયો કે કાર કંપની ફેશન શો કરે, તો અખબાર શો વિશે કવરેજ આપશે, પણ સ્ટુડિયો કે કંપનીનું નામ નહિ આપે. “તેઓ એક બ્રાન્ડનું પ્રમોશન કરે છે તો મને એ માટે ચુકવણું કરવું જોઈએ.”
જૈન આ પ્રકારનાં જાહેરાત દ્વારા વેચાણ (એડ સેલ્સ’ને મીડિયાનેટ કહે છે. પહેલા રિપોર્ટરોને સારું કવરેજ આપવા માટે ભેટ સોગાદ રૂપે રોકડાના કવર કે બીજા ફાયદા મળતા તો એને બદલે શા માટે અખબારને જ એ ન મળે? થોડાં વર્ષો પહેલાં અમેરિકન અખબારોમાં આવી ચુપચાપ કરાતી જાહેરાતો વાચકોનાં કે પત્રકારત્વનાં હિતમાં ગણાય કે નહીં તેની વ્યાપક ચર્ચા થતી. હવે ટાઈમ્સ ગ્રૂપમાં સંસ્થાના વ્યાવસાયિક પાંખે આ બાબતે કોઇ પરવાંગી લેવાની જરૂર નથી રહી.. આખું પહેલું પાનું જાહેરાત તરીકે વેચાય છે અથવા અડધું કે બે તૃતીયાંશ જેટલું જાહેરાતમાં રોકાય છે ભારે ઊંચી કિંમત લઈને ટાઈમ્સે પોતાનું માસ્ટહેડ ફેરવીને ટોયોટાની જાહેરાત માટે ‘વાકુડોકી ઇન્ડિયા’ એવું મથાળું કર્યું હતું.
સમીરે આવકનો એક બીજો નવો તુક્કો પણ શોધ્યો હતો. નાની કંપનીઓ ની જાહેરાત ટાઈમ્સ આપે એના બદલામાં એની ઈક્વિટીમાં ટાઈમ્સને અમુક ભાગ મળે. આજે ટાઈમ્સ ગ્રૂપ પાસે લગભગ ૩૫૦થી વધારે કંપનીઓમાં આવો હિસ્સો છે.
સમીર અને વિનીત જૈન એવો કોઈ જ દાવો નથી કરતા કે તેઓ જે કરે છે એ જાહેર જનતાના હિતમાં છે. સંપાદકીય સ્વતંત્રતા કે ન્યુઝરૂમ અને જાહેરાત વિભાગ વચ્ચેની લક્ષ્મણ્રરેખા વચેની પરવા કર્યા વિના તેઓ સન્નિષ્ઠપણે માને છે કે અખબાર પ્રકાશનના વ્યવસાયને ધીકતો રાખવા માટે આ દિવાલને તોડી પાડવી જોઈએ. સંક્ષેપમાં કહીએ તો પત્રકારત્વના ઊંચા સિદ્ધાંતો અખબારનું સ્વાતંત્ર વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે સાથે અખબારને કંઈ સંબંધ નથી એ માત્ર એક ધંધો જ છે અને એનો હેતુ નફો કરવાનો છે.
[1] Citizens Jain – Ken Auletta
આ લેખમાળાના બધા મણકા હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.
Behind The Times બચી કરકરિયાની નજરે – Naresh Mankad
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

સાવ અનોખા અને ભાગ્યે જ સ્પર્શાતા વિષયની અનોખી રજૂઆત !
LikeLike