આશાની ઉજળી લકીર

તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો….

નીલમ  હરીશ દોશી

 પ્રિય દોસ્ત,

કેમ છો દોસ્ત ? તને યાદ છે ? તને દોસ્ત માનીને તારી સાથે મનની અનેક વાતો કરવાની મજા આવે છે.આશા છે કે એ વાતો તને ગમશે અને કદીક એનો અમલ કરવાનો પ્રયાસ પણ વત્તે ઓછે અંશે કરીશ. આજે ફરી એકવાર તને દોસ્ત માનીને વાત કરું છું. કેમકે હજુ હું તારામાંથી  સાવ શ્રધ્ધા ગુમાવી નથી બેઠો. હજુ યે આશાની લકીર, શ્રધ્ધાની, વિશ્વાસની કોઇ ચિનગારી પ્રજવલિત છે. જે મને નિરાશ નથી થવા દેતી. કેમકે તારી ભીતરની  સારપ આજે યે અકબંધ છે એ હું જોઇ શકું છું. તારા મનમાં અનેક ગડમથલ ચાલતી રહે છે એ જ તારી સારપનો પુરાવો છે, તું મને મળવા,  મેળવવા, મને સાંભળવા દોટ મૂકતો રહે છે, ભલે એ જગ્યા કદાચ ખોટી હોય પણ મને મળવાની તારી ભાવનાની હું કદર કરું છું અને એથી જ તારી સામે અનેક ફરિયાદો પછી યે હું વારંવાર તારી તરફ આશાથી નીરખી રહું છું

દોસ્ત, તને અનેક વિશિષ્ટ શક્તિઓ આપી, ઉમદા મન અને વિચારશીલ મસ્તિષ્ક આપ્યું. સારા, નરસાનો જાતે જ વિચાર કરી શકે એ માટે બુધ્ધિ શક્તિ,  વિચાર શક્તિ આપ્યા બાદ હું હાશકારો પામીને નિરાંતવા જીવે બેઠો હતો.  હે સખા, તારા પર કેટકેટલી આશાઓ રાખી હતી, કેવો મદાર બાંધ્યો હતો તારા પર..

પણ દોસ્ત, મારે અફસોસ સાથે કહેવું પડે છે કે તેં મને નિરાશા આપી છે. તારામાં મૂકેલા વિશ્વાસમાં તું ઉણો ઉતર્યો છે  એનું દુખ મને  કોરી ખાય છે. હે મારા પરમ અંશ, તને ખોટી દિશામાં જતો જોઇને મને કેટલી પીડા થાય છે એની તને જાણ છે ખરી ? મારા આંસુ તું જોઇ શકે છે ખરો ? તારું કોઇ બાળક અવળે રસ્તે ચડી જાય તો તને કેવું દુખ થાય ? બસ, હું પણ આજે એવું જ દુખ, એ જ પીડા, વ્યથા અનુભવી રહ્યો છું.

આજે કદાચ તું પણ વ્યથિત છે, હું પણ વ્યથિત..શા માટે ? દુનિયામાં બધા માણસો કંઇ ખરાબ નથી. હકીકતે નરસા માણસો કરતા સારા માણસોની સંખ્યા વધારે જ છે. બસ, મને પજવે છે એ સારા માણસોની નિષ્ક્રિયતા. મને પજવે છે સારા માણસોની સંવેદનહીનતા. મને પજવે છે સારા માણસોની અલિપ્તતા, મને પજવે છે તારી જડ, બુઠ્ઠી થતી જતી ચેતના..દોસ્ત, તારી ચેતનાની વાટને સંકોરી શકીશ ? દોસ્ત, તારી નિષ્ક્રિયતાના કોચલામાંથી બહાર આવીશ ?

લિ.ઇશ્વર, તારો પરમ દોસ્ત..

પ્રાર્થના એટલે.. ભગવાન પાસે આત્મનિવેદન કરી ગાઢ સંબંધ બાંધવો

જીવનનો હકાર..

એક નાનકડી સાચી પ્રશંશા કોઇના આખા દિવસને મધુર બનાવી શકે છે.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે