દેવિકા રાહુલ ધ્રુવ
હે….. બુલંદ નાદે, નોબત વાગે, મૃદંગ બાજે, માઝમ રાત,
કસુંબ કોરે, આભની ટોચે, રતુંબ રંગે, સોહત માત.
હે… ચુંદડી ઓઢી, સહિયર સાથે, માવડી નાચે, નવનવ રાત,
ધડક ધડક નરનારી આજે, ખનન ખનન કર કંકણ સાજ.
હે… કંદોરો કેડે, પાઘડી શિરે, દાંડિયા ખેલે,નોરતાની રાત,
રસિયા જાગી, રંગ જમાવે, છલક છલક ગોરી ગુજરાત….
હે… રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝર બાજે, ઝનન ઝનન ઝનકાર.
થનગન થનગન જોબન નાચે, ઠુમક ઠુમક ઠુમકાર.
હે… પનઘટ વાટે, ઈંઢોણી માથે, ઘડુલા સાથે, ઝુમતી નાર,
બાંસુરી બાજે, યમૂના ઘાટે, નટખટ નાચે, ગોકુળ ગામ.
હે… મોબાઈલ મંચે, વોટ્સઍપ વાટે, વિડીયો ઝૂમે અનરાધાર.
મેસેજ ખુલે, ઈમોજી ખીલે, ‘ઝૂમ’પર નાચે નવ નવરાત..
હે…. ગબ્બર ગોખે, ભવાની અંબે, ઘટઘટ ગૂંજે, ‘અપો દીપો’ નાદ
જગજન ચોકે, શક્તિ વેરે, ઝળહળ ઝળહળ, દીવડા હાર…
હે…… આઠમ રાતે, અર્ધા ચંદ્રે, સૃષ્ટિ નાચે, ભૂલી સાનભાન.
ઢોલક નાદે, તાલી તાલે, તન-મન ડોલે, છુમક છુમક છુમછુમ.
હે… છેલછોગાળા, મૂરલીવાળા, નટવર, નટખટ નંદલાલ
નવતર રૂપ ધરી, ફરી અહીં અવતરી, આંતરદીપ પ્રગટાવ..
આ દોહાઓ નીચેની લિંક પર ક્લિક કરવાથી સાંભળી પણ શકાશે
https://www.dropbox.com/l/AAA9J20MSua9xRBOOcOhmFEGxHFc2lO5Of8/forgot_finish
ddhruva1948@yahoo.com
