પરેશ ૨. વૈદ્ય
માણસજાતની કોઈ પણ બે પેઢીઓ વચ્ચે વિચારોનું અંતર રહ્યું જ હશે. તેની સાથે સુખસગવડો અને સામજિક વ્યવહારો વચ્ચે પણ અંતર હશે – ૫છી એ બે પેઢી ન્યૂ યોર્કની રહેવાસી હોય કે ડાંગના અદિવાસીની હોય. “જનરેશન ગૅપ’ એ શબ્દ આમ કાલજયી અને સ્થાનજયી છે.
આટલું જાણ્યા પછી એવું કહેવાની ઇચ્છા છે કે જે પેઢી અત્યારે ભારતમાં તેના સંધ્યાકાળમાં છે તેણે પોતાના એક જીવનકાળમાં જેટલા સામજિક અને ટૅક્નૉલૉજિકલ ફેરફારો જોયા છે તેટલા કોઈ પેઢીએ ક્યાંય નહીં જોયા હોય. આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જનમ્યા હોય.
આની પાછળ અરસપરસ ગૂંથાયેલાં બે કારણો છે : એક તંત્રવિદ્યાને લગતું અને બીજું રાજકીય. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિજ્ઞાને ઘણી મોટી ફાળ ભરી હતી. તેનું ટૅક્નૉલોજિમાં રૂપાંતર બીજા વિશ્વયુદ્ધને કારણે વધારે ઝડપથી થયું. સદીના ઉત્તરાર્ધમાં એ સતત થતું રહ્યું. એને કારણે દૈનિક જીવનમાં થતાં પરિવર્તન તો આખી દુનિયામાં થતાં હતાં. તેમાંથી સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ ભારતના સંદર્ભમાં ખાસ બાબત એ કે આપણી આઝાદી વિશ્વ યુદ્ધ પછી તુરંત એ અરસામાં આવી. એટલે આર્થિક અને સામાજિક નિર્ણયો લેવાની રીતમાં અચાનક ફેરફાર થયો. વહીવટી વ્યવસ્થા ઉપર આપણો પોતાનો કાબૂ હોવાથી ટૅક્નૉલોજિના ઉપયોગ માટેની નીતિઓ પાછી સમાજલક્ષી બની.
નવા દેશના નવા રાજનેતાઓની સાથોસાથ નોકરશાહીને પણ ઉત્સાહ હતો કે “આપણા’ લોકોની જિંદગીમાં કશુંક એવું ઉમેરીએ જે ગુલામ દેશમાં ન હતું. પરદેશની ટૅક્નૉલોજિને અહીં આવતાં પચાસ વર્ષ થઈ જતાં તે સમયગાળો ક્રમે ક્રમે ઘટીને ર૦ વર્ષ થઈ ગયો (૧૯૯૧ પછી તો આ ગૅપ વધુ ઘટ્યો છે.) આઝાદી વખતે આપણા દૈનિક જીવનમાં વીસમી સદીની શરૂઆતની જ ટૅક્નૉલોજિ પ્રાપ્ત હતી. ઘરમાં વીજળી, રેડિયો, ટેલિફોન, વિમાનયાત્રા એ બધું હતું જ નહીં એમ કહી શકાય. પરંતુ ૧૯૫૫-૫૭ પછીથી ચિત્ર ઝડપથી બદલાયું. અપણે વાત કરીએ છીએ એ પેઢી શાળામાં આવી અને પરિવર્તનને આત્મસાત્ કરતી ગઈ. ટેક્નૉલોજિની એ તાકાત છે કે એ સામજિક જીવન અને સમીકરણો ઉપર પણ અસર પાડે જ છે. બા૫ અને દીકરો સાથે મળીને રેડિયો પર (આજે તો ઓનલાઈન) કૉમેન્ટરી સાંભળે એવું તેથી અગાઉની પેઢીમાં વિચારવું પણ અશક્ય હતું.
આને કારણે જ કહ્યું કે આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

યોગાનુયોગ આ લખનારની ઉંમર પણ આશરે ભારતીય ગણતંત્ર જેટલી જ હોવાથી તે પણ ચર્ચા હેઠળની પેઢીનો ભાગ છે. અમારી પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.
એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
+ + +
પોસ્ટકાર્ડ સામે વૉટ્સએપ
એક વખત જીવનનું મહત્ત્વનું અંગ હતું તે ટપાલ વ્યવસ્થાને ઇન્ફર્મેશન ટૅક્નૉલોજિની ક્રાન્તિએ કેવી અદૃશ્ય કરી દીધી તેની વાત આજે કરીશું.

રતુભાઈ સ્ટેશને ઊતર્યા અને ભત્રીજાને શોધવા આમતેમ નજર ફેરવતા હતા ત્યાં જ મોબાઇલ રણક્યો — “કાકા, મારાથી આવી નથી શકાયું. પરંતુ ચિંતા ન કરતા, મેં ઉબેર ટૅક્સી બુક કરી છે. એમ કરો, એન્જિન તરફનો દાદરો લઈ પહેલા પ્લેટફૉર્મ પર આવી જાઓ. “એક્ઝિટ’નીસામે જ ફલાણા નંબરની ટૅક્સી હશે. ત્યાં પહોંચો ત્યાં સુધી ઓટીપીનો મેસેજ કરું છું.”
કોઈ તકલીફ ન થઈ. રતુભાઈએ પચાસ વર્ષની ટૅક્નૉલોજિ યાત્રા કરી હતી એટલે ટૅક્સી શોધીને ઓટીપી આપવાનું તો કરી જ શક્યા. ગાડીમાં બેઠાં બેઠાં એમના મનમાં “ફ્લેશ બૅક’ ચાલ્યો.
ગઈ સદીના પચાસના દાયકામાં પોતાના મામા ગામથી મુંબઈ આવેલા ત્યારે ખાસ્સું નાટક થયેલું. મોબાઇલ તો. શું સાદા ટેલિફોન પણ બધાને ઘેર હતા નહીં. માત્ર ટપાલનો જ આધાર હતો. ટપાલ મળતાં ૫-૭ દિવસ થાય એ ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ ઘડવાનો રહેતો. મામાએ ૨૦ દિવસ પહેલાં જ કાગળ નાંખી પુછાવેલું કે ગામમાં તો હોઈશું ને? બાપુજીએ જવાબમાં એ પણ લખ્યું કે પોતે સ્ટેશને લેવા જશે.
ત્યારે રિઝર્વેશનની પ્રથા તો હતી નહીં. એટલે મહેમાન કયા ડબ્બામાંથી ઊતરે તે નક્કી નહીં. ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ગાડીની બારીમાંથી આવનાર વ્યક્તિ ડોકું કે હાથ બહાર કાઢી ધ્યાન ખેંચે. એટલે આપણે ડબ્બા જોડે દોડતાં જવાનું. બાપુજી સ્ટેશને પહોંચે તે પહેલાં ટ્રેન આવી. ગઈ, એટલે મામા મળ્યા નહીં. પ્લેટફૉર્મ પર અરધો કલાક આંટા મારી બાપુજી નિરાશ થઈ ઘરે આવ્યા. તેમની પાછળ તુરત સામાન ઢસડતા મામા પણ પહોંચી આવ્યા. બે સામસામા ક્રૉસ કેમ થાઈ ગયા એની દલીલો બે દિવસ ચાલી.
બધાંને આવો અનુભવ ક્યારેક તો થતો જ.
મોબાઇલના જમાનામાં આવો પ્રસંગ પડતો નથી. આમેય પોસ્ટકાર્ડમાં જેટલું લખાય એટલું તો હવે એસએમએસ કે વોટ્સએપમાં લખી જ શકાય છે. ટિકિટ લેતાં અગાઉ કરવાની ચોખવટો ૧૫-૨૦ મિનિટમાં થઈ જાય છે; વીસ દિવસની તૈયારી નથી લાગતી.
પણ અહીં પહોંચતાં સુધીની સંદેશવ્યવહારની યાત્રામાં ઘણા પડાવ આવ્યા છે. એ ટચૂકડા પોસ્ટકાર્ડે જ દાયકાઓ સુધી રાજ કર્યું. અંગત સંબંધો તેમ જ વેપાર-ધંધામાં ટપાલ વ્યવસ્થા એ એકમાત્ર કડી હતી.
એક વાર કાગળ લખ્યો તો ૧૦-૧૨ દિવસ પછી તેના જવાબની રાહ જોવાનું શરૂ થતું. નોકરીની અરજી હોય કે વેવિશાળની વાત હોય, ઉત્કટતા એવી જ રહેતી જેવી આજે વૉટ્સએપ સંદેશો ચૂક્યા પછી ૧૦-૧૨ મિનિટમાં જવાબની તાલાવેલીમાં જોવા મળે છે! ટપાલ દિવસમાં બે વાર આવતી. ગલીને નાકેથી ટપાલી દેખાય કે ડોક ખેંચાતી, શું આપણા દરવાજે પણ આવે છે? ન આવે તો જે નિરાશા થતી તેનું નિરૂપણ ધૂમકેતુની વાર્તા “પોસ્ટ ઓફિસ’માં બરાબર થયું છે. ગાડીવાન અલી શિયાળામાં સવારે રોજ ત્યાં જઈ દીકરી મરિયમના કાગળની પૂછા કરતો.
આ કેટલું વાસ્તવિક છે તેનો એ પેઢીમાં બધાને અનુભવ હતો. ૧૯૬૦માં મોટાબહેનનાં લગ્ન મુંબઈ કર્યા. તે વખતે ભુજ સ્ટેશને જઈ જાનને વળાવી આવ્યા પછી વડીલો ગણતરી કરતા રહેતા, “આજ નીકળ્યાં, કાલે સાંજે પહોંચશે. પરમ દિવસે કદાચ ટાઇમ ન મળે તો બુધવારે કાગળ લખશે. આવતા સોમવાર
સુધી આવવો જોઈએ’. એટલે આઠ દિવસ સુધી ચિંતાને દબાવી દેવાની આ યુક્તિ. આમાં એ વાતની તો ગણતરી નહીં કે નવા ઘરમાં વહુને કાર્ડ કે કવર કોણ લાવી આપશે, પોસ્ટ ઓફિસ કેટલી દૂર હશે, વગેરે. આવું તો દરેક અગત્યના પ્રસંગે થાય. મન મનાવીને જીવનમાં ધીરજ રાખવાની ફરજિયાત ટ્રેનિંગ મળતી રહેતી. ટૅક્નૉલોજિએ એ સાધનાની તક છીનવી લીધી છે
સદભાગ્યે ટપાલ પાછળની લાગણીઓને એ ખાતું બરાબર સમજતું. અંગ્રેજોએ જડબેસલાક વ્યવસ્થા બનાવી હતી. ધીમા વાહનવ્યવહારને કારણે ટપાલ મોડી મળે તે ખરું, પણ ગેરવલ્લે જવી તે અપવાદ હતો. બધા ટપાલી ડિલિવરી કરીને પાછા આવે ત્યારે પોતપોતાના ખાખી થેલાઓને ઊંધા કરી, ઝાટકીને ગડી કરવાનો નિયમ હતો. આ સાદી વ્યવસ્થાથી ખાતરી થતી કે કોઈ પતાકડું ભૂલથી ય રહી ન જાય.
આમ છતાં, કોઈ પત્ર ગેરવલ્લે જાય તો તેની ભાળ કાઢવાનીય વ્યવસ્થા હતી. જેને “ડેડ લેટર ઓફિસ’ કહેતા.

“એ… તારવાળો…‘”
રગશિયાં ગાડાની ટપાલવ્યવસ્થામાં સંદેશા ઝડપથી મોકલવા માટે પણ વ્યવસ્થા હતી. તેને “તાર’ (ટેલિગ્રામ) કહેતા. “હતી” એવો ભૂતકાળવાચક શબ્દ વાપર્યો છે, કારણ કે, છેલ્લાં ૧૦ વર્ષથી તાર ખાતું બંધ કરાયું છે. શરૂઆતમાં તાર મૉર્સની સંજ્ઞાઓ વાપરીને મોકલાતા. લખવામાં એ ટપકાં અને લીટીનાં મિશ્રણથી બનેલ બારાખડી, છે, પણ વ્યવહારમાં એ વીજળીનો ‘“કૉન્ટેક્ટ’ ટૂંકા અને લાંબા સમય માટે પકડી રાખવાથી થતો અવાજ છે. એક છેડે તાર માસ્તર ઇલેક્ટ્રિક ચાંપને દબાવીને આવા અવાજ પેદા કરે અને સામે છેડે કાન ઉપર ભૂંગળું મૂકી બેઠેલ તાર માસ્તર અવાજની શ્રેણી પરથી અક્ષર ઓળખી ઝડપથી શબ્દો લખતો જાય. ટૅક્નૉલોજિને નિચોવીને પણ પોતાની જિંદગી સુધારવાના માણસના સ્વભાવનું આ જૂનું ઉદાહરણ. પછી તો ટેલિપ્રિન્ટર આવ્યાં, ડિજિટલ સંદેશા આવ્યા.
તાર વિશે ક્યારેક રમૂજી તો ક્યારેક કરુણ ઘટનાઓ બનતી. તાર મૂકવાનો ખર્ચ શબ્દોની સંખ્યા પ્રમાણે લેવાતો. એટલે તેનો ડ્રાફ્ટ બનાવનારા ટૂંકાણમાં કેટલું વધારે કહી દેવાય તેની ભાંજગડમાં રહેતા. અને તેમાંથી ગોટાળા પણ થતા. (આજે the ને “d’ કે andને n’ લખનારી પેઢીને આ વાત સમજાશે!) એવી ટૂંકી ભાષાને “ટેલિગ્રાફિક’ ભાષા કહેતા.
તાર મોડો પડે તો તેનાથી પહેલાં મહેમાન ઘરે આવી જાય તેવું ય બનતું. કોઈ તેનાથી હસતું તો કોઈ ગુસ્સે થતું. રાત્રે ૧૧ વાગ્યા પછી જો ડેલીએ “એ… તારવાળો…” એવી બૂમ પડે તો ધ્રાસ્કો પડતો. કારણ,
આવી કવેળાએ તારવાળા માત્ર મરણના સમાચાર દેવા માટે જ ડ્યૂટી કરતા.
ભારતનો છેલ્લો તાર ૧૪મી જુલાઈ ૨૦૧૩માં થયો – એ હતો સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન શ્રી કપિલ સિબ્બલ જોગ, એ વિનંતી કરવા માટે કે “તાર ખાતું બંધ ન કરવું!”
પહેલાં ઇ-મેઇલ અને પછી મોબાઇલે ટપાલ ખાતાનું કામ ક્રમશઃ ઘટાડી નાંખ્યું.
કુરિયર વ્યવસ્થા આમ તો ટપાલ જ છે, પણ એમાંથી ઉત્કંઠા અને સંતોષના એ ભાવ નથી નિષ્પન્ન થતા જે ગઈ સદીમાં ટપાલીના આગમનથી થતા. લેખની શરૂઆતમાં જોઈ તેવી રતુભાઈ અને તેના યજમાનની મુશ્કેલીઓ પણ હવે નથી જ. ઊલટું, આજે તો લોકો ઘેરથી સ્ટેશન જવા નીકળે ત્યારથી “સ્ટેટ્સ’ આપવા લાગે છે. એમણે ભજિયાં ક્યાં લીધાં અને “ચાય’ કયે સ્ટેશને પીધી તેની ય તમને ખબર રહે છે. છેવટે ટ્રેન પહોંચી આવે ત્યારે પ્લેટફોર્મ ઉપર એક કાને મોબાઇલ અને બીજો હાથ દૂરથી હલાવી સામસામી હાજરી દેખાડતા લોકો જરૂર દેખાય છે.
સૌજન્ય: નવનીત સમર્પણ | જૂન ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
