અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
વર્તમાન સમય સંદર્ભ આપણને સૌને ઉત્તરોત્તર યંત્રપ્રધાન સંસ્કૃતિ ભણી ખેંચી રહ્યો છે ત્યારે પણ ખૂણે બેસીને ઝીણું કાંતતો કોઈ કવિ આપણને ‘મહાગુફામાં પ્રવેશ’ કરાવી શકે એવી ગુંજાયેશવાળી કવિતા લઈને આવે ત્યારે આપણી આશા સંકોરાય છે. આવા ઝીણા જંતરની જેમ આછું ને ઓછું વાગતા એક કવિની કવિતા વિશે માંડીને વાત કરવાનું મન થાય, એવા કવિ છે. રમણીક સોમેશ્વર.
‘તમે ઉકેલો ભેદ’ નામનો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયેલો એક જ કાવ્યસંગ્રહ જેમના નામે ચડેલો છે તેવા આ કવિ પાસે વિષયવૈવિધ્ય ને ભાવવૈવિધ્ય તો છે જ. તેમની કવિતામાં શૃંગારની કોમળતાનો મખમલી સ્પર્શ છે. નગરજીવને ડહોળી નાખેલ માનવજીવન પ્રત્યેનો વિષાદ છે, વિરહની વેદના પણ છે. કચ્છના પરિવેશથી પરિચિત હોવાને લઈને રણનો અનુભવ પણ છે. પણ આ બધા અનુભવોમાંથી ઉપર ઊઠીને કવિએ અંદર પડેલા, રણઝણતા જીવતરના જંતરને કાન દઈને સાંભળ્યું છે, એટલું જ નહીં, પણ એના ઝણકાર સાથે પોતાનો ‘સા’ મેળવ્યો પણ છે. પરિણામે તેમની કવિતામાં એક પ્રકારનો પરિતોષ આકાર લેતો દેખાય છે.
પરમતત્ત્વ પ્રત્યેની પ્રીતિ તો મધ્યકાળના દરેક કવિમાં લગભગ સમાંતરે ગવાઈ છે. એ પછી અર્વાચીન યુગના કવિઓ પણ એમાંથી અસ્પૃશ્ય નથી રહ્યા. સુન્દરમ જેવામાં તો એ મુખર થઈ ઊઠી છે. અનુગાંધીયુગના કવિઓનું એ મુખ્ય પરિબળ પણ બની છે. રવીન્દ્રનાથના પ્રભાવે કરીને. આ સૌમાં પ્રગટતો આ પ્રકારનો મનોભાવ ગુજરાતીમાં રહસ્ય તરીકે પણ ઓળખાવાયો છે. કેટલીક વાર ‘રહસ્ય’નો આ ભાવ આરોપિત કે અનુમાનને આધારે પ્રગટ્યો હોય એવું પણ બન્યું છે.સોમેશ્વરની કવિતામાં જીવનનું રહસ્ય આગવી મુદ્રાથી આલેખાયું છે. સોમેશ્વરની કવિતાને જોતાં પણ કંઇક આવું જ કહેવાનું મન થાય. તેમના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી હરિકૃષ્ણ પાઠકે પણ આ વાત સ્વીકારતાં નોંધ્યું છે: “આપણા સિદ્ધ ગઝલકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લમાં જે ઊર્ધ્વનો અનુભવ, અલખની ઓળખ અને અવધૂતી આનંદના પ્રતીતિકર રણકા સાંભળવા મળે છે તેના અણસાર આ કવિએ પણ આપ્યા છે.”
સંગ્રહની અન્ય કવિતાઓમાં આ કવિએ જીવતરના વિષમ અનુભવોને પણ પૂરા ગાંભીર્યથી પ્રમાણ્યા છે. તેમનું આ ગાંભીર્ય ઊર્ધ્વમાં આરોહણ કરતાં પ્રશાંત બને છે. પોતે જે જોયું છે, અનુભવ્યું છે, તેને પ્રાપ્તિ માનવાના ઘમંડમાં તણાવાને બદલે સૌમ્યતાપૂર્વક એ તત્ત્વનો હવાલો એ ભેદ ઉકેલવાની જેની હેસિયત છે એવા સંતોને સોંપીને આમ બાજુ પર ખસતાં કવિ જણાવે છે :
ક્ષર – અક્ષરની આરપાર જે
રમે શબ્દ ટેકીલો રે,
સૂરજનો દીવો સંકોરી
સંતો, ભેદ ઉકેલો રે.
કવિએ તો માત્ર અદબપૂર્વક જ્ઞાનદીપનું, આંતરજ્યોતનું દર્શન જ કર્યું છે. તેના અજવાસમાં ભેદ ઉકેલવાનું મહાકાર્ય તો કો’ઋષિ જ કરી શકે એમ કવિનું માનવું છે.
કવિ ભલે ને નમ્રતાપૂર્વક ભેદ ઉકેલવાની નાં પાડે, પણ એ કામ તેમણે જેને સોંપ્યું છે એ સંત કવિનું જ અડધિયું છે. પછીની પંકિતમાં કવિનો સહોદર, કવિમાંનો સંત આ રીતે પ્રગટ્યો છે :
ઋતુ ઋતુનાં ફરે ચક્ર
પણ મને કશું નાં થાતું,
ભલે ફૂકાંતા શંખ,
કશું ક્યા મારામાં પડઘાતું ?
મીરાંએ દિલ ખોલીને દીવો કરવાની વાત કરી છે. એ ખોલતાં મીરાંને દેખાઈ છે વાડીઓ, સંભળાયા છે મોરના ઝીંગોરા. સોમેશ્વરની અનુભૂતિમાં મીરાં પડઘાય છે.
એક વાવનાં સાત પગથિયાં
સાત પગથિયે દીવા રે,
દીવા જે પ્રગટાવી જાણે
તે નાર તો મરજીવા રે.
આતળું કહીને કવિ અટક્યા નથી. એ મરજીવા કૃત્ય તેમણે કર્યું પણ છે, જેનું પ્રમાણ આ રીતે મળે છે :
કશું કર્ણ મધ્યે રણકતું ઝણકતું,
અહા ! જીવ મહાલે છે અજવાસ મધ્યે !
શિરાએ શિરાએ વહે સર્વ નદીઓ !
વહે વાયુઓ સર્વ અવકાશ મધ્યે !
આભાસ, આવાસ, આકાશ, આ હાશ,
બધું એક ભાસે ચિદાકાશ મધ્યે !
કોઈ મરમી પામી શકે તેવું, નરવી દ્રષ્ટિથી થયેલું, ચિદાકાશનું આ દર્શન કવિને શ્રી ફલશ્રુતિ આપે છે તે પણ જોવા જેવું છે. કવિ તો ચાલ્યા ગયા છે અપારના પ્રદેશમાં, જ્યાં હોવું, ન હોવું, કેમ હોવું જેવા પ્રશ્નોની ઝંઝટ વ્યર્થ બની જાય છે;જ્યાં સર્વ ખરી પડે છે. આ તટે ઊભેલાં સર્વની વિદાય લેતાં જાણે કવિ ગાઈ ઊઠે છે :
મારું પગેરું ક્યા મળે છે કોઈ સ્થળ કે કાળમાં,
બીજમાં હું હોઉં છું, ને હોઉં ટગલી ડાળમાં !
મંદ મસ્તીભર પદોમાં કે પછી કરતાળમાં,
હું તો વણાતો જાઉં છું ધીમે કબીરી સાળમાં !
આમ તંતોતંત વહેતો હોઉં છું ચારે તરફ,
ને છતાં હોતો નથી હું કોઈ સ્થળ કે કાળમાં !
આ પ્રાપ્તિ પછી કવિ બને છે નિઃશેષ કવિનો ‘સા’ બરોબરનો બેસી ગયો છે ને પ્રગટ્યો છે સંવાદ ને માત્ર સંવાદ :
હોઉં ઘરમાં ડાયરા વચ્ચે અને
એ જ ઘડીએ શક્ય છે, બારે’ય હોઉં.
આ અનાસક્તિ કવિને એક જ ક્ષણમાં
સિદ્ધાર્થમાંથી બનાવી દે છે ‘બુદ્ધ’.
ઘટના મને સ્પર્શીને ચાલી ગઈ અનાગતમાં,
નીકળી હું મારાથી પ્રવેશું છું તથાગતમાં,
આ બન્યું જેમ ? કવિને પણ તેનું સાનંદ વિસ્મય છે.
એ હવે રુવે રૂંવે ઊતરી ગયો ભીતર,
હાથમાં લીધો પદારથ જે શરારતમાં.
રમત –રમતમાં અજવાળું થઇ ગયું. ‘સહજ મિલે અવિનાશી’ જેવો તાલ થઈ ગયો !
અનાગતથી તથાગત સુધીની યાત્રાનો નકશો એટલે સોમેશ્વરની અવધુતિયા રંગવાળી રંગીન કવિતા. આ યાત્રા ઠેબે ચઢાવે તેવી છે, અળવીતરી છે, ખાંડાના ખેલ છે ને તેમ છતાં એનું કવિને અપાર આકર્ષણ છે. તેનું કારણ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે.
થરકતા ધ્રૂજતાં પણ પહોંચવાનું થાય છે મન જ્યાં,
હજુ પણ કૈક છે એવું અગોચર આપણી અંદર !
અંદર પડેલા અગોચરને અનુભૂતિના બળે વાળી-ઝૂડીને સ્વચ્છ કરવાનું અઘોર કાર્ય કવિ કરી શક્યા છે.
શ્રી સોમેશ્વરની કવિતા તેમની નિરામય અંતર્યાત્રાની સૂચક છે. તેમનો લહેરાતો ભગવો રંગ જીવન પ્રત્યેના વિષાદમાંથી કે પલાયનમાંથી નહીં, પણ અનિવાર્ય આવશ્યકતામાંથી જ ઉદ્ભવ્યો જણાય છે. આથી જ જીવન સમદરને હનુમાનના આંચકાથી કૂદતા આ કવિ પ્રસાદપૂર્વક કહી શક્યા છે :
ચરણ થંભ્યા પ્રથમ થોડું હવામાં,
અને આ કેટલું કૂદી જવાયું !
અનર્ગળમાં પ્રવેશવાની ગતિએ પહોંચ્યા પછી મળેલી વિસ્મિત સ્તબ્ધતા કવિને શૈલાધીરાજતનયા પાર્વતીની લગોલગ મૂકે છે આમ :
અકળ એવો ધ્વનિ રણક્યો અનર્ગળ,
બધું થંભી ગયું, થીજી જવાયું.
કૂદતાં – કૂદતાં થીજી જતા કવિએ જોયું છે અર્જુને જોયેલું વિરાટ દર્શન, પોતામાં જ રહેલું વિરાટ સ્વરૂપ. કવિ એને પચાવી શક્યા છે. આથી જ વિસ્મિત થવાને બદલે તેઓ ઉપશમને પામ્યા હોય તેવી અક્ષુબ્ધતા એમનાં કાવ્યોમાંથી પામી શકાય છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
