નરેશ પ્ર. માંકડ

મણકો []થી આગળ

જયદીપ બોઝ “જોજો”

એક પેઢીના અંતરાલમાં તંત્રીપદ ની સ્ટાઈલ બદલાઈ ગઈ. જયદીપ બોઝ વડાપ્રધાનને સલાહ આપવાની જવાબદારીમાં માનતા નહોતા. એમનામાં ઔપચારિકતા ન હતી એ તો સમજી શકાય, પોતાના પેટ નામ જોજો થી ઓળખાતા એમની પાસે ઔપચારિકતા ની અપેક્ષા શી રીતે રાખી શકાય?

જોજો સવારે સ્થાનિક તંત્રીને કહેશે, અખબાર આજે રાતે સમયસર નીકળી જવું જોઈએ. પછી ૧૦:00 વાગ્યે રાતે વીલું મોઢું લઈને તેની પાસે જઈને કહેશે,  મારા પર ગુસ્સે ન થતો પણ હું ફ્રન્ટ પેજ બદલાવું છું. એમને જ્યારે ઇકોનોમિક ટાઇમ્સના તંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એમની વય ૨૯ ની હતી. પછી ત્યાંથી ફેરવીને એમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અખત્યાર સોંપાયો અને ચાર વર્ષ બાદ એમના માટે એડિટોરિયલ ડાયરેક્ટરની જગ્યા ઉભી કરવામાં આવી. એમની ટાઈમ્સની  ક્રેસ્ટ એડીશન વૈશ્વિક પત્રકારત્વમાં સીમાચિહન સમાન હતી. લીડ ઇન્ડિયા (૨૦૦૭), ટીચ ઇન્ડિયા (૨૦૦૮) અને પાકિસ્તાન સાથે સંવાદસેતુ માટે પાકિસ્તાનના જંગ મીડિયા ગ્રુપના સહયોગથી  ‘અમનકી આશા ‘(૨૦૧૦) જેવા એમના પ્રયાસો ઉત્સાહ સાથે ચાલતા રહ્યા.

જોજોનો ટાઇમ્સનો દરેક પ્રોજેક્ટ વ્યૂહરચના, આયોજન અને ચાલાકીથી ભરેલી એક મોટી ગેમ જેવો હતો, પણ ભવ્ય, ૭૦ એમએમ મલ્ટી સ્ટાર્ટર બજેટ એડિશનને કોઈ મહાત ન કરી શકે એવી એ જંગી કવાયત હતી.  વાચકના દરેક વર્ગ – કોર્પોરેટ નેતા, કરદાતા અને વપરાશકર્તા માટે બજેટનું વિવરણ કરવામાં આવતું. આ પૃષ્ઠો પર વિશ્લેષણ, નિષ્ણાતોના અભિપ્રાય  જેવી જેટલી વધુ શક્ય હોય એટલી માહિતી ઠાંસીને મૂકવામાં આવ તીjojo અને આખરે વાંચનક્ષમ અને આકર્ષક પેકિંગ તૈયાર થતું.

આ અભિયાનના આરંભમાં જોજો એવું કહે કે આ વખતે સાદી આવૃત્તિ બનશે,  પણ પછી તેઓ વધુને વધુ ઉત્તેજિત થતા જાય અને પોતાની થિંક ટેન્ક સાથે ક્યારેક તો છ – છ કલાક સુધી ચર્ચા ચાલે. એક પરેશાન અને થાકેલા સહભાગી એ કહ્યું હતું, આનાથી ઓછા સમયમાં તો મારી પત્નીની પ્રસુતિ થઈ ગઈ હતી.

જ્ઞાનતંતુની કવાયતમાં ચર્ચા ક્યારેક ભટકી જઈને ક્રિકેટ, રાજકારણ અને પુરાણી યાદોમાં સરી પડતી. દર ૧૫ મિનિટે કોઈ વાતને ફરી મુદા પર લાવતું . પી.રામ, અજીત નીનાન, નીલાભ બેનર્જી જેવા ચિત્રકારો તેમના ખયાલોની યાદી મોકલતા.  દરેક આવૃત્તિ આગલી આવૃત્તિ કરતાં વધારે અપીલ કરનારી હોવી જોઈએ એવો વિચાર રહેતો. પ્રત્યેક વર્ષ આ એક મુશ્કેલ કાર્ય બનતું જતું હતું.  પ્રથમ પૃષ્ઠના પાંચ કે છ વર્ઝન બનાવવામાં આવતાં.  સ્ટાર ચેમ્બર ફરી ભેગી થતી. જોજો કહેશે, ઓકે કયું વર્ઝન?  કોઈ કહે C વર્ઝન.  જોજો કહેશે,  હા પણ તમને નથી લાગતું કે D વધુ મૌલિક છે? તમે એમનો મત સ્વીકારો તો એ કહેશે, એમાં સમસ્યા એ છે કે… બે કલાક પછી તમે A વર્ઝન પર આવો છો જે એમણે પહેલેથી નક્કી કરેલ જ હતો.  કોઈ કંટાળીને કહેશે, જોજો, અમને આટલા ભમાવવાની બદલે પહેલેથી જ આ વિકલ્પ કેમ પસંદ નથી કરી લેતા?  જોજોને ખોટું લાગશે અને કહેશે,  “શું માનો છો આ સરમુખત્યારશાહી છે?”

એવી શંકા પ્રવર્તતી હતી કે નાણાપ્રધાન બજેટનું આયોજન શરૂ કરે એથી પણ પહેલા જોજો બજેટ આવૃત્તિનું આયોજન શરૂ કરી દે છે.  મોડેલ કે ટેમ્પલેટ પહેલેથી પેનલ્સ, બોક્સ, ઇન્ફોગ્રાફ, ટેબલ્સ, આંકડાઓ અને ટ્રીવીયાથી સજ્જ રાખવામાં આવે છે.  એમાંના કેટલાક બજેટના દિવસે ‘ગરમ કરીને ખાઈ લો’  (Heat and Eat) જેવા તૈયાર હોય છે, બીજા કેટલાક નાણામંત્રીના ભાષણ પછી તૈયાર કરી શકાય છે.  અસંખ્ય ડમી તૈયાર કરવામાં આવે. સેંકડો સંભવિત ફોટોગ્રાફ ડાઉનલોડ કરી રાખવામાં આવે છે, જે સ્માર્ટ કીકર્સ એટલે કે આકર્ષક મથાળામાં બંધબેસતા થઈ શકે. બજેટના અલગ અલગ ભાગ માટે વૈકલ્પિક શીર્ષકોની યાદી પહેલેથી જ તૈયાર રાખવામાં આવે અને ખૂબ સુઘડ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એડિટોરિયલ ડાયરેક્ટર, જોજો, કરતાં પણ વધારે વ્યસ્ત એમનો અંગત મદદનીશ (પી. એ.)  સૂચનાઓનો માસ્ટર ડોક્યુમેન્ટ અને તેની અસંખ્ય પુરવણીઓ ફોજના સૈનિકો અને એમના સરદારો ને અને કમાન્ડરને મોકલી આપવામાં રહેતો.

છેલ્લા સપ્તાહમાં કોપી લખાણનાં તેમ જ પેનલનાં લખાણનાં ચમકદાર મથાળા તૈયાર કરવા માટે ચાર લેખકોની એક ચુનંદી ડેસ્ક ટીમ બનાવાતી જે કોઈ પણ નીરસ વાત ઘુસી ના જાય તેની ખાસ ખાતરી કરતી.  એક વર્ષે એક નીરસ બજેટને ‘ઠંડાગરમ.કોમ ‘ શીર્ષક આપ્યું હતું અને નાણાં પ્રધાને એના જવાબમાં કહ્યું હતું, “નહીં, આ ગરમાગરમ છે.”

+                             +                             +

પ્રીતિેશ નંદી

ખુશવંત સિંહે વીકલી છોડ્યું પછી થોડો સમય એમ. વી. કામઠ  આવ્યા, પછી બીજા સેલિબ્રિટી તંત્રી મળ્યા પ્રીતિશ નંદી.  ખુશવંત વસ્ત્રોની બાબતમાં જેટલા નિસ્પૃહ  હતા એટલા જ ભપકાદાર પ્રીતિશ હતા.  તેમને સંપૂર્ણ કાળા પોશાકનો, ખુલ્લા બટન વાળા શર્ટ અને ચુસ્ત જીન્સનો શોખ હતો. એક રીતે તેઓ ટાલિયા રાસ્પુટીન જેવા હતા. તેઓ કવિ હતા અને ભાષા બાબત ચુસ્ત હતા.  ખુશવંત સિંહથી ઉલટું, તેઓ જૈન પરિવારના અંતરતમ વર્તુળના સભ્ય હતા – ખાસ કરીને સમીર અને નંદિતાના.

એકવાર હાથમાં વીકલીની નકલ લઈને નંદી ઓફિસમાં આગ ઉગળતા ઘસી આવ્યા. પોતાના ચાર સહાય તંત્રીઓને બોલાવીને ગરજયા, “મેં ફ્લાઇટમાં જોયું. મારું મસ્તક શરમથી ઝૂકી ગયું. મારા સહપ્રવાસીઓ સામે હું નજર નહોતો મેળવી શકતો. આ f…ing શરમજનક છે. કઈ જાતનું કંટાળાજનક s..t તમે બહાર પાડ્યું છે?”  પછી તેના ટુકડા કરી ને કારપેટ પર ફેંક્યા અને પોતાના ટ્રેડમાર્ક બુટથી તેને કચડ્યા. હમેશની જેમ અડધા કલાક પછી પોતાના ખુશ મિજાજમાં આવી ગયા.  બચી એના માટે ‘ખૂંખાર આખલો’ શબ્દ વાપરે છે.

જેને બચી દેશની સૌથી કાર્યક્ષમ પત્રકાર કહે છે એવાં શેરના ગાંધીએ કહ્યું હતું કે બીજા કોઈ પણ તંત્રી કરતાં એમને નંદી પાસેથી વધુ શીખવા મળ્યું હતું.  એક ખોટું અલ્પવિરામ મૂક્યું હોય કે ન મૂક્યું હોય તો એ બહાર આવીને આખો ચોથો માળ સાંભળે એવી રીતે બૂમો પાડે.  એક વાર નંદી અમેરિકા ગયા હતા ત્યારે એક અંકમાં ઘણી ટાઈપની ભૂલો હતી. સબએડિટરને બચીએ કહ્યું, }તારાં નસીબનો આભાર માન કે નંદી અહીં નથી.”. બચીને ખબર ન હતી કે એમને જ્યાં હોય ત્યાં વીકલી એર મેઇલથી મોકલવામાં આવે છે.  એમણે ફોન પર સતત પંદર મિનિટ સુધી ભૂલ કરનાર ‘ સબ ‘ને ધમકાવ્યો હતો.

દિલ્હી બ્યુરોમાં કામ કરતી સરોજ નેગીએ એમના મિજાજ અને લે – આઉટ શીટની બાબતમાં એમના તાંડવ જેવાં યુદ્ધ નૃત્ય વિશે સાંભળ્યું હતું પણ દિલ્હીમાં નંદી આવે ત્યારે માનેકા ગાંધી સાથે કે અન્ય રાજકીય બાબતોમાં જ તેમનો સમય જતો.  એક વાર તેઓ ઓફિસમાં આવ્યા અને કોઈ બાબતમાં તેમના સ્વભવનો ફ્યુઝ ઊડી ગયો.  સરોજ સ્તબ્ધ બની ગઈ, “દર બીજા શબ્દમાં ગાળ આવતી હતી.  હું માની શકતી નહોતી કે આ એ જ વ્યક્તિ છે જેની લાગણીસભર કવિતાઓની હું પ્રશંસક છું.” શેરના ગાંધી ઉમેરે છે નંદી ખેલદિલીપૂર્વક પોતાની ટીકાનો સ્વીકાર કરતા.

એમના પુરોગામીની જેમ નંદીને પણ ladies’ man કહી શકાય પણ ખુશવંત માત્ર બડાશ મારતા જ્યારે નંદી તો તેનો અમલ પણ કરતા.  જેટલા ઉત્સાહથી એક ટીવી અભિનેત્રીની પાછળ પડ્યા હતા એટલા જ નિશ્ચયપૂર્વક તેને પડતી પણ મૂકી દીધી હતી.  એ મહિલા ગુસ્સાભેર આવીને નંદીની સેક્રેટરીના રૂમમાં ઘુસી ગઈ અને નંદીને મળવાની માગણી કરી.  અનુભવીએ સેક્રેટરીએ તેઓ બહાર ગયાં છે એવું બહાનું કાઢ્યું , પણ પણ પેલી મહિલાએ મચક ના આપી.  સેક્રેટરીએ બાજુના રૂમમાં જ બેઠેલા નાંદીને ચેતવી દીધા.  નંદી બારણા માંથી છટકીને રીતસર દોડતા ઉપરના માળે એમના જ તંત્રીપદ હેઠળના ‘ઇન્ડિપેન્ડન્ટ’ ની ઓફિસમાં ઘૂસી ગયા.

નંદીની પત્રકાર તરીકેની કુશળતાના ઘણા ચાહકો એમની માનેકા ગાંધી સાથેની મિત્રતાના ટીકાકાર હતા. એ ચાહકો માટે માનેકાએ તેમને પોતાને કિંગ મેકર સમજતા રાજકીય પ્રાણી બનાવી દીધા હતા. નંદી હસ્તક વીકલી વધુ વિવાદાસ્પદ બની ગયું.  તેઓ એક પછી એક દંભી પણ શક્તિશાળી વ્યક્તિઓ પર નિશાન સાધવા લાગ્યા. ઓરિસ્સાના મુખ્યપ્રધાન જે. બી. પટનાયક સામે તેમની ગુસ્તાખી ભારે પડી ગઈ અને તેઓએ માફી માગવી પડી હતી.

એવું જ ચંદ્રા સ્વામીની બાબતમાં બન્યું. દુનિયાના અડધો ડઝન જેટલા દેશના વડાઓને છેતરીને ચંદ્રા સ્વામી કરોડો રૂપિયાના હીરા લઈને ભાગી ગયા હોવાની સ્ટોરી એમણે છાપી. ચંદ્રા સ્વામીએ ઇન્ટરવ્યૂ આપવાનું ઇન્કાર કરેલો તેથી નદીએ છેતરપિંડીનો માર્ગ લીધો અને સ્વામીના ચમચા બનીને એમને મળ્યા. સ્વામીએ કહ્યું ” યે પ્રીતિશ નંદી કૌન હૈ? હરામજાદા હમારે પીછે લગા હૈ.  હું તને ૧૦ લાખ ડોલર આપીશ, તું એને મારા વિશે લખતાં અટકાવી દે. એને પૈસા આપીને બાકીના તું રાખી લેજે.”. નંદીએ નાટક આગળ ચલાવ્યું: “ગુરુજી,  હું જ પ્રીતીશ નંદી હોઉં તો ? ” એક ગાળ બોલીને સ્વામી કહે, “દેખો યે હૈ મેરી તીસરી આંખ. મૈં ભવિષ્ય દેખ સકતા હું. હમકો કોઈ ઉલ્લુ નહિ બના સકતા હૈ.” નંદી વધુ આગળ વધ્યા: “તો મારું ભવિષ્ય શું છે ” “તારામાં શક્તિ છે તું જેટલો ગધેડા જેવો લાગે છે એટલો નથી, તું ક્યાંક પહોંચીશ” સ્વામીએ કહ્યું.

નંદીના ઇન્ટરવ્યુ વિક્લીની વિશેષતા બની ગયા.  એમાંનો એક હતો પ્રમુખ જ્ઞાની ઝૈલસિંઘનો, જેમાં એમણે કહ્યું હતું કે મને કોઈ કંઈ માહિતી નથી આપતા.  એમાંથી પછી બંધારણીય કટોકટી સર્જાઈ જેના પરિણામે તેઓ વડાપ્રધાન રાજીવ ગાંધીને બરતરફ કરશે એવી અફવા ફેલાઈ હતી.

ફિલ્મી ગાયક કિશોરકુમારનો એમણે લીધેલો ઇન્ટરવ્યૂ યાદગાર બન્યો.

વિવાદાસ્પદ કવર સ્ટોરી માટે તેઓએ અલગ, બિનપરંપરાગત રીતો અપનાવી હતી.  આંતરરાષ્ટ્રીય ગુનેગાર ચાર્લ્સ શોભરાજે જેલમાં એક નવલકથા લખી હતી.  નંદીના કહેવા મુજબ શોભરાજ તેની વકીલના પ્રેમમાં હતો.  તેને પટાવીને એમણે નવલકથાની એક નકલ મેળવી લીધી અને એમાંથી થોડો ભાગ તેમણે વીકલીમાં છાપ્યો હતો.

બાંગ્લાદેશના વડા પ્રધાન ઝિયા ઉર રહેમાનની રુશવતખોરીની વાત મેળવવા નંદીએ તેની રખાતને સાધી લીધી.  એ સ્ત્રી ઝિયાના નાણાં સાથે ન્યૂયોર્કમાં છુપાયેલી હતી.

અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ હતી ત્યારે એમણે કવર સ્ટોરી આપી: Superstar Finished.  બીજી એક સ્ટોરી હતી: “સુનિલ ગાવસ્કર વિશ્વના સૌથી ખરાબ કેપ્ટન છે?”. આ સ્ટોરી કોને લખી હશે એનું અનુમાન કરી શકો છો?  શશી થરૂરે.  નંદી કલકત્તાથી એમના પરિચિત હતા.

નંદી ટાઇમ્સમાં જોડાયા એની વાત પણ રસપ્રદ છે.  એમને લિસ્બનથી કેલિકટની વાસ્કો દ ગામાની મુસાફરીને લઈને એક નવલકથા લખવા માટે ભાભા ફેલોશીપ મળી હતી અને તેઓ મુંબઈથી પ્લેનમાં કલકત્તા જઈ રહ્યા હતા. યોગાનુયોગ બાજુની સીટ પર અશોક જૈન બેઠા હતા. તેમણે નંદીને પોતાને ઘરે બ્રેકફાસ્ટ માટે આમંત્રણ આપ્યું. નંદી જૈન હાઉસમાં પહોંચ્યા. એમને નોકરીની ઓફર આપવામાં આવી અને એમણે કલકત્તા છોડ્યું, તાતાની ફેલોશિપ પણ છોડી અને ટાઈમ્સમાં જોડાઈ ગયા. એમના કહેવા મુજબ એમને આખા ગ્રુપને ફ્રેશ કરવાનું કામ સોપાયું હતું પણ ” ટાઇમ્સના સિનિયર પત્રકારો સાથે વાત કરવાનું અશક્ય હતું. એ લોકો એવા જૂનવાણી હતા જેઓ પોતે દુનિયા આખીના માલિક છે એમ માનતા હતા. તેઓ પોતાની શક્તિ અને.વગને મારી સામે મૂક્યા કરતા હતા. ગિરીલાલ જૈન પોતાના હોદ્દાને સામંત શાહી વારસો ગણતા હતા. મને સતત કહેવામાં આવતું હતું કે ગિરીએ વડાપ્રધાનને આ કહ્યું અને પેલું કહ્યું.. શ્રીમતી ગાંધીએ ગિરીની આ વાત પર સલાહ માગી પણ મને એવું લાગતું હતું કે ટાઈમ્સના તંત્રીનું કામ વડાપ્રધાનને સલાહ આપવાનું નહોતું. એનું કામ મક્કમતાથી ઉભા રહીને વડાપ્રધાન ક્યાં ખોટા છે એ વાંચકોને જણાવવાનું હતું. ”

ગિરીએ અશોક જૈનને એવું કહ્યું હોવાનું મનાય છે કે પ્રીતિશ અંગ્રેજી લખી શકતો નથી, એ અધૂરાં વાક્યો લખે છે, એ જાહેરખબરીયું અંગ્રેજી લખે છે.  આ વાતની જાણ થઈ ત્યારે પ્રીતિશે કહ્યું, “હું જેમ બોલું છું એમ લખું છું, મોટી ભારેખમ વાતો નહીં. હું ગિરી જેવું લખું તો એ શરમજનક હશે.

ટાઈમ્સની ‘ઓલ્ડ લેડી’ ની છાપ દૂર કરવા જૈન પરિવાર તાજગી લાવવા માટે નવા દિમાગની જરૂરિયાત જોતા હતા. ત્યારે ટાઈમ્સના ૧૫૦ વર્ષ પણ પૂરા થતા હતા, એની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી. એ સમયે ટાઈમ્સમાં જોડાવાનું નિમંત્રણ આપવા માટેની યાદી તૈયાર કરવામાં આવી. નંદીના મતે એમના પાસે ખૂબ જ સત્તા હતી કારણ કે અશોક જૈન નો તેમને ટેકો હતો. “મને પરિવર્તન લાવવાની સત્તા આપવામાં આવી હતી પણ ડો. તરનેજા અને કૃષ્ણમૂર્તિ દ્વારા દોરવાતી બ્યુરોક્રસીની સંખ્યા મોટી હતી.” તરનેજાએ નંદીના પહેલા જ દિવસે ફરિયાદ કરી હતી કે તે ફાટેલું જીન્સ પહેરીને કામ કરવા આવે છે અને છાતી દેખાય એમ ખુલ્લો શર્ટ પહેરે છે. આ જગ્યાની સંસ્કૃતિનો તે નાશ કરી દેશે. એ સ્ટ્રીટ ફાઈટ માટે તૈયાર થઈને આવે છે.  આ શબ્દો ભવિષ્યના વર્તારા સમાન હતા

PRK, એટલે પી. આર. કૃષ્ણમૂર્તિ, સાથે તો એમને ટાઇમ્સમાં જોડાતાં વેંત જ ઘર્ષણ થયું.  નંદિની પોતાની કેફીયત જોઈએ તો તેઓ ટાઈમ્સમાં જોડાયા પછી એક અઠવાડિયા બાદ એમનો પરિવાર મુંબઈ આવ્યો; એમના ટિકિટના પૈસા બહુ સમય સુધી નંદીને ચૂકવાયા નહીં એટલે એમણે કૃષ્ણમૂર્તિની ઓફિસમાં જઈને કહ્યું કે મારું બિલ ક્યાંક અટવાયું છે. ઠાવકાઈથી કૃષ્ણમૂર્તિએ જણાવ્યું,  “એ ક્યાંય નથી અટવાયું, મારી પાસે જ છે. અટકાવવાનું કારણ એમને એવું આપ્યું કે ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરી છે એનો પુરાવો આપવા માટે ટિકિટ જોઈએ.”  “ટિકિટ તો સ્ટેશનની બહાર નીકળતી વખતે ટી સી લઈ લે છે”, દંગ થઈ ગયેલા નંદી એ કહ્યું. કૃષ્ણમૂર્તિએ બળતામાં અંગાર ચાંપ્યો,  ” તમે કંપનીને છેતરતા નથી એ મને કેમ ખબર પડે?” ગુસ્સાથી ભાન ભૂલીને નંદી કૃષ્ણમૂર્તિ પર તૂટી પડ્યા અને એમના સફેદ સફારીનું કોલર પકડીને ધમકાવ્યા “તમે એમ માનો છો કે હું છેતરું છું ? લાત મારીને તમારા દાંત તોડી નાખીશ. તમને એમ લાગે છે કે હું તમારા પિતાનો નોકર છું?”

બીજા દિવસે બિલ ચૂકવાઇ ગયું. ત્યાર પછી કૃષ્ણમૂર્તિ એમની સાથે સાકર જેવા મીઠા બની ગયા હતા.

બચી કહે છે, આ વાત એકપક્ષી છે અને પ્રીતિશ નંદીની કડક તંત્રી કાર્યશૈલીમાંથી બંધ નથી બેસતી.. “મને ક્ષમા કરશો, મેં કૃષ્ણમૂર્તિ સાથે આ ‘ક્લોઝ એન્કાઉન્ટર ઓફ ધ થર્ડ ક્લાસ’ ની ખરાઈ કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો.”

વિમલા પાટીલ

ફેમીનાનાં તરવરાટિયાં તંત્રી વિમલા પાટીલને એમના ક્ષેત્રમાં પબ્લિશિંગ ડાયરેક્ટર તરીકે પ્રિતીશ નંદી દખલ કરવા લાગ્યા એ પસંદ નહોતું પડ્યું.  પ્રીતિશના અભિપ્રાય મુજબ “વિમલા તખ્તા પર ખડા થઈને ભારતીય સ્ત્રીઓએ શું બનવું જોઈએ એનો બોધ આપે છે. મને એની સામે ગંભીર વાંધો છે. હું નથી માનતો કે આધુનિક નારી માટેનું સામાયિક આવું હોવું જોઈએ.”

જ્યારે ૧૯૭૦ના દશકમાં ફેમીનીઝમના પ્રથમ આવેગમાં સહકર્મીઓ નામની આગળ Ms લગાડતી હતી ત્યારે વિમલા ભારપૂર્વક Mrs Patil ને વળગી રહ્યાં હતાં.  એમની યુવાવસ્થામાં તેઓ  એટલાં આકર્ષક હતાં કે તેઓ લંચ રૂમમાં જવા કે ડો. તરણેજાને મળવા મેનેજર હોલમાંથી પસાર થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાની પેન નીચે મૂકીને એમને નિહાળતા  રહેતા.

ડેરીલ ડી મોન્ટેએ એવી વાત કરી હતી કે ઇમરજન્સી જાહેર થઈ ત્યારે વિમલાએ ઇન્દિરા ગાંધી વિશે પ્રશસ્તિ રજૂ કરતું લખાણ લખ્યું હતું. અમે બધા ડઘાઈ ગયા અને એમને આર્ટીકલ પાછો મંગાવી લેવા માટે સમજાવ્યાં; એમને ચેતવણી આપી કે સેન્સરશિપના નવા નિયમ મુજબ કોઈ પ્રકાશન ઇન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ ન કરી શકે.  વિમલા બહુ સ્માર્ટ હતાં અને તેઓ વાત માની ગયાં એનું કારણ એ જ હોય કે તેઓએ પોતે એ ન લખવાનું નિરધાર્યું હોય.

સરોષ બનાજી

ફિલ્મફેરના જૂના વાંચકો સરોષ બનાજીના ફિલ્મ રિવ્યૂ વાંચવાનું પસંદ કરતા પણ  એ મુશ્કેલ કર્મચારી હતા; એમને દૂર કરવાનું વધુ મુશ્કેલ હતું કેમ કે એ કાયમી નોકરી પર હતા. તેથી વધુ સરળ ઉપાય તરીકે કંપની એમને કંઈ જ કામ ન આપતી. તે પોતાના ડેસ્ક પર અવકાશમાં નજર નાખતા ૯:૩૦થી ૫ વાગ્યા સુધી બેસી રહેતા.  મરાઠી લેખિકા શાંતા ગોખલે એનું વર્ણન કરે છે: ” હમણાં જ નાલીમાંથી નીકળ્યા હોય એમ તે ઓફિસમાંથી બહાર નીકળતા , એના હાથ શરીરથી દૂર લંબાયેલા હોય અને ચહેરા પર અણગમો હોય.”

પણ એ “રંગહીન, વાસવિહીન પ્રજાતિનું એક ખાનગી જીવન હતું.” એ રાયફલ રેન્જ પર સારા નિશાનબાજ હતા.


ક્રમશઃ


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


૧૦ – ૧૦ – ૨૦૨૪ના હવે પછીના મણકામાં બહેરામ કોંટ્રાક્ટર નો પરિચય કરાવ્યા પછી બચી કરકરિયા ટાઈમ્સ ઑવ ઈન્ડીયાની તવારીખના એક બીજાં મહત્ત્વનાં પ્રકરણ – જનરલ મેનેજરો’નો લાક્ષણિક પરિચય રજુ કરે છે.