રિન્કુ રાઠોડ ‘શર્વરી’
ગઝલ
તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?
આધાર લઈને ભીંતનો ઊભી રહી ક્ષણિક,
ત્યાં પોપડા સહિત હયાતી પણ ખર્યા કરે.
લોકોની જેમ આંગળી ચીંધી શકે નહીં,
તું આયના સમીપ જઈ નાહક ડર્યા કરે.
જીવન વિશે હૃદય! મને સાચો જવાબ દે,
ધબકાર હોય છે કે તું બસ થરથર્યા કરે?
આ વારતાનો અંત પણ હું માંડ લાવું છું,
પ્રત્યેક પાને તે છતાં તું અવતર્યા કરે.
:આસ્વાદઃ
સપના વિજાપુરા
મૂળ દાહોદના વતની અને હાલમાં ગાંધીનગર સ્થિત યુવા કવયિત્રી રિન્કુ રાઠોડ ‘શર્વરી’
આપણને એક સુંદર ગઝલ આપે છે.
“તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?”
પ્રિય વ્યક્તિ શારીરિક રીતે તમારાથી દૂર થઈ જાય, પણ ખરેખર એ મનથી દૂર થાય છે ખરી?
એનો સતત અભાવ હૃદયમાં રહ્યા જ કરે! એ એક નામ હૃદયમાં ગૂંજ્યા કરે. એ એક નામની ચર્ચા હૃદયમાં થયા કરે. આ કોણ છે જે હૃદયમાં તારું નામ લઈ ફર્યા કરે છે? વ્યક્તિ દૂર ચાલી જાય તો પણ એનું નામ હૃદયમાં ગુંજ્યા કરે.
“ગુંજતા હું જો દિલ મેં તો હૈરાન હો કયું ,
મૈં તુમ્હારે હી દિલ કી તો આવાઝ હું,
સુન સકો તો સુનો ધડકનો કી ઝુબાં!”
મન એકલું રહેતું નથી. મનમાં સતત એના અભાવની ચર્ચા રહે છે. જે હૃદયમાં બિરાજમાન છે એ વિચારો પર રાજ કરે છે. એ રક્ત બનીને નસોમાં ફર્યા કરે છે.વ્યક્તિનું પાસે હોવું જરૂરી નથી. વ્યક્તિની યાદ સતત ગૂંજ્યા કરે. તું જહાં રહે તું કહીં ભી રહે, તેરી યાદ સાથ હૈ. બે પંક્તિના આ શેરમાં કવયિત્રીએ કોઈના ના હોવા છતાં હૃદયમાં રહેતી એ વ્યક્તિનો અભાવ કેટલો છે તે જણાવી દીધું.
“આધાર લઈને ભીંતનો ઊભી રહી ક્ષણિક,
ત્યાં પોપડા સહિત હયાતી પણ ખર્યા કરે.”
કોઈના સહારે જિંદગી કાઢવી અને એ સહારાનો આધાર જિંદગીભર લેવો કેવો ક્ષણભંગૂર નીકળે છે. એ આધાર જ પાંગળો નીકળે તો! તમારી હયાતી પણ ખરતી જાય! એ આધારના પોપડાની જેમ ખરતો જાય અને જીવન પણ પૂરું થતું જાય. આવા સંબંધનો અંત લાવવો જ રહ્યો.
“વોહ અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન;
ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા!”
જે સંબંધ તમારી હયાતીને ધીમેધીમે ઓછી કરતો જાય એ સંબંધ તોડવામાં ભલાઈ છે. ધીરી ગતિથી સાબુની ગોટીની જેમ ઓગળવું એના કરતાં પથ્થર બની ટકરાઈ જવું સારું!
“લોકોની જેમ આંગળી ચીંધી શકે નહીં,
તું આયના સમીપ જઈ નાહક ડર્યા કરે.”
દર્પણ જૂઠ ના બોલે. દર્પણ સત્ય જ બોલશે. લોકોની ઉડાડેલી વાતો પર આંગળી નહિ ચીંધે! એ ખામોશ છે. જે સામે છે એ જ બતાવે છે. દર્પણ સામે જવા માટે ડરવાની જરૂર નથી. એ લોકોની જેમ વાતો ઘડી નહીં કાઢે.
માણસ જ્યારે પોતાની આંખ સામે આંખ મેળવી શકે ત્યારે એને આયનાથી ડરવાની જરૂર નથી. જો તમે સાચા હો તો ડરવાની જરૂર નથી. દર્પણને જેવું ચિત્ર બતાવશો, એનું જ પ્રતિબિંબ બતાવે છે.
“જીવન વિશે હૃદય! મને સાચો જવાબ દે,
ધબકાર હોય છે કે તું બસ થરથર્યા કરે?”
‘આહ’ નીકળી જાય એવો શેર બન્યો છે. હૃદયનું ધડકવું એ જીવન હોવાની નિશાની છે. પણ ખરેખર હૃદયનું ધડકવું એ જ જીવન છે? કવયિત્રી હૃદય પાસે જવાબ માંગે છે. મારા ધબકારમાં જીવન છે કે નહીં કે તું ખાલી થરથર્યા કરે છે?
શ્વાસનું આવવું જવું કે હૃદયનું ધડકવું એ જીવન છે? થરથરવું એ ડરની નિશાની પણ છે. કોઈના ડરથી થરથરી જવું. હૃદયના ધબકારમાં કેટલાય ભાવ હોય છે. પ્રેમથી ભીંજાવું, કોઈને જોઈને ધબકાર ચૂકી જવું, ગુસ્સાથી કંપી જવું. અને કોઈને જોઈને શરમથી ધબકી જ જવું. જો હૃદય સાચો જવાબ આપે તો! હૃદય પાસે કવયિત્રી જવાબ માંગે છે, બોલ મારામાં જીવન છે કે નહિ?
“આ વારતાનો અંત પણ હું માંડ લાવું છું,
પ્રત્યેક પાને તે છતાં તું અવતર્યા કરે.”
વાર્તા હોય, કે શાયરી હોય તો જ અવતરે જો હૃદયમાં પ્રેમ હોય! ગઝલનો વાર્તાનો અંત આવે છે,
પણ પાનેપાને તું જ અવતર્યા કરે! મત્લાનો શેર યાદ આવી ગયો.
“તારા અભાવની સતત ચર્ચા કર્યા કરે.
આ કોણ તારું નામ લઈ મનમાં ફર્યા કરે?”
જે વ્યક્તિ હૃદયમાં ગૂંજતી હોય તે પાનેપાને અવતરી શકે છે. એ દ્રષ્ટિથી દૂર છે પણ મનથી નહીં.
ગઝલ પૂરી કરવાનું મન થતું નથી. કારણકે પાને પાને તું જ દેખાય છે. ફરી બીજી વાર્તા, બીજી ગઝલ શરુ થશે પણ તું જ હોઈશ પાનેપાને!
“તું હી રે તેરે બીના કૈસે જીયું!”
માંડ કરીને વાર્તાનો અંત લાવું, પણ તું પાનેપાને દેખાય છે અને વાર્તા પૂરી નથી થતી. આ લેખન તો
ચાલતું જ રહેશે, જ્યાં સુધી વાર્તામાં તારું નામ ના આવે!
“આંખથી ઓજલ પણ નજરની સામે જ છે તું,” – પ્રેમથી ભરપૂર સુંદર ગઝલ!
