તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

આવતા દિવસો, આપણી સ્વરાજલડત સંદર્ભે એક તબક્કે લગભગ સરખી લોકપ્રિયતાના મોજા પર સવાર હોઈ શકતી બે વિરલ પ્રતિભાઓના જયંતી પર્વના છે: ભગતસિંહ અને ગાંધીજી.

૧૯૨૦ની અસહકાર ચળવળ અને ૧૯૩૦ની દાંડીકૂચ સાથે દેશના રાજકીય જીવનમાં ઊપસી રહેલું કેન્દ્રીય વ્યક્તિત્વ સતત તો સ્વાભાવિક જ ગાંધીજીનું હતું. બીજી સંસ્થાઓ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ રાષ્ટ્રીય ચળવળનું પ્લેટફોર્મ ત્યારે અલબત્ત કોંગ્રેસ જ કોંગ્રેસ હતું. સન સત્તાવનની ધારા એક રોમહર્ષક ઉઠાવ પછી શમી ગઈ હતી, ને ૧૯૦૫માં બંગભંગ સાથે લાલ-બાલ-પાલ ફરતે લોકજુવાળ બાદ રાજકીય તખ્તે ૧૯૧૫માં ગાંધીપ્રવેશ સાથે એક તરેહના નવજીવનનો ઉન્મેષ વરતાવા લાગ્યો. ૧૯૨૦માં તિલક ગયા: એમની અર્થીને ખભો આપનારા પૈકી ગાંધીજી સર્વથી મોખરે હતા. સ્વતંત્રતાના સાદ સાથે હવે સમતાનો મંત્ર પણ ગુંજવા લાગ્યો.

દરમ્યાન, ક્રાંતિધારાને નવજીવન મળ્યું તે સાથે ગુંજેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો હતો. આ ક્રાંતિધારાનો સ્વાભાવિક જ એવો કોઈ મોટો વ્યાપ હોઈ શકતો નહોતો. એની અપીલ અલબત્ત પ્રભાવક હતી, પણ લોકહિસ્સેદારીનું જે નવું વ્યાકરણ ગાંધીયુગમાં વિકસ્યું એનો આગળ-પાછળ કદાચ કોઈ જ જોટો નહોતો. ૧૯૩૦-૩૧માં ભગતસિંહનો વિરલ ને વિશિષ્ટ પ્રવેશ અલબત્ત એમણે વડી ધારાસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો જે હલકો-ફુલકો બોંબ પ્રયોગ કીધો એને આભારી હતો. અફરાતફરીમાં આઘાપાછા નહીં થતા, કેમ કે અદાલત મારફતે પોતાની ભૂમિકા લોક લગી પહોંચે, એમણે પકડાવું પસંદ કર્યું… જેમ ન પકડાવું તેમ પકડાવું પણ એક ક્રાંતિઘટના હોઈ તો શકે! જે સજા થઈ ભગતસિંહને, એ કંઈ બોંબ ઘટનાને કારણે નહોતી. એમાં તો સોન્ડર્સની હત્યાનું નિમિત્ત હતું. એક ગોરા અફસરને બદલે ભળતો ગોરો અફસર ગોળીએ દેવાયો એ ચર્ચામાં નહીં જતાં અહીં આપણે એટલું જ નોંધીશું કે આ હત્યાનો હેતુ લાલા લાજપતરાય પર સાઈમન કમિશન સામેના વિરોધ સરઘસ દરમ્યાન અંધાધૂંધ લાઠીમારથી આગળ ચાલતાં નીપજેલ મોતનો બદલો લેવાનું હતું.

આ મુદ્દો જરી પોરો ખાઈને સમજવા જેવો છે. લાજપતરાય કોંગ્રેસ નેતા હતા. એમના રાજકારણના કેટલાક અંશ ભગતસિંહ અને સાથીઓને કંઈક નાપસંદ પણ હતા. પણ રાષ્ટ્રીય ચળવળના એક સન્માન્ય નેતા સાથેના પોલીસ દુર્વર્તાવને કેવી રીતે સાંખી શકાય, એ સવાલ હતો. માટે, ભગતસિંહ ને સાથીઓએ જાન પર ખેલવાનો રસ્તો લીધો. બાકી, ચંદ્રશેખર આઝાદનો દાખલો તો આપણી સામે જ છે. જ્યારે પોલીસથી ઘેરાયા ત્યારે પકડાવાની પળે પોતે મોત વહોરવું પસંદ કર્યું. અહીં આઝાદ અને બિસ્મિલને સંભારીને એક બીજોયે મુદ્દો કરવા જેવો છે. ક્રાંતિકારી પ્રવૃત્તિના ઉત્તરકાળમાં એ બંને ખુલ્લા શાંતિમય પ્રતિકારના વિકલ્પની તરફેણમાં વિચારવા લાગ્યા હતા. કોઈ પલાયની મનોવલણ એની પાછળ નહોતું, પણ સંદેશો લોકમાં સંક્રાન્ત થવો અને એની ફરતે લોકનું ઉદ્યુક્ત થવું એ ચાલના મુખ્ય હતી.

આરંભે મેં ૧૯૩૦-૩૧ના કેટલાક મહિના ગાંધીજી અને ભગતસિંહની લોકપ્રિયતા સરખેસરખી સરસાઈ પર હતી એમ કહ્યું તે વાસ્તવમાં કોંગ્રેસના અધિકૃત ઈતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાનું વિધાન છે. સરખેસરખી સરસાઈના, ખાસ તો ભગતસિંહને છેડેથી જોતાં જેટલા ટૂંકા એટલા જ તેજતર્રાર ગાળા બાદ સતત સંકળાયેલો એક વિવાદમુદ્દો ગાંધીજી ભગતસિંહને કેમ બચાવી ન શક્યા એ છે. એને અંગે ચર્ચાને અવશ્ય અવકાશ હોઈ શકે, પણ એ માટે ગાંધીજીને નાના કે ક્ષુદ્ર મનના દેખાડવાની ગણતરીથી ઊંચે ઊઠી ઈતિહાસ સમગ્રને જોવો પડે. વાત એ છે કે ગાંધી-અરવિન સમાધાનીને અન્વયે જેમને છોડી મૂકવાના હતા એ સૌ શાંતિમય પ્રતિકાર સર પકડાયેલા હતા. એટલે સમાધાન સમજૂતીનો એક હિસ્સો આ માંગ બની શકે નહીં. સુભાષબાબુ જેવાને લાગતું હતું કે ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવાને મુદ્દે બાજી ફિટાઉસ કરી નાખવી જોઈએ. જોકે, તેમ છતાં, એમણે પણ નોંધ્યું છે કે ગાંધીજીએ પોતાના તરફથી અરવિનને કહેવામાં કોઈ કસર છોડી નહોતી. એમણે એક વહેવારુ મુદ્દા તરીકે એ પણ ધ્યાન દોર્યું હતું કે ભગતસિંહ અંગેની તીવ્ર લોકલાગણીને તમે માન આપશો તો સમાધાની સાથે અપેક્ષિત પરિસ્થિતિને પણ મદદ મળશે. અરવિનની (લોર્ડ હેલિફેક્સની) એ ગાળાની ડાયરી બોલે છે કે અહિંસાના પૂજારીને એક હિંસાના આરાધકને બચાવવાની આટલી બધી શું કામ પડી છે તે મને સમજાતું નથી.

આંબેડકર ત્યારે મરાઠીમાં ‘જનતા’ પત્ર ચલાવતા. એમણે ફાંસી પ્રકરણની જે ચર્ચા કરી છે તે મરાઠીમાં હોઈ વ્યાપક સમાજનું ધ્યાન એ તરફ ગયું નથી. આનંદ તેલતુંબડેએ તાજેતરનાં વર્ષોમાં એ અંગ્રેજીમાં સુલભ કરી એમાં પ્રધાન મુદ્દો એ છે કે બ્રિટનની તે વખતની સરકાર માટે ઘરઆંગણાના રાષ્ટ્રવાદી ઉછાળ સામે, ચૂંટણીને લક્ષમાં રાખી ભગતસિંહની સજા મોકૂફ રખાવી શક્ય નહોતી. પ્રશ્ન ગાંધી-અરવિનના વશનો નહોતો. હિંદની અંગ્રેજ અફસરશાહી અને બ્રિટનમાં વિરોધમત, એ બે મુખ્ય ચાલક બળ હતાં. ગાંધીજીને છોડવાનું ને મંત્રણા માટે બોલાવવાનું પગલું જ બ્રિટનની સરકારને વિરોધમતની બીકે નામોશીભર્યું લાગતું હતું, અને એમાં જો ભગતસિંહને બક્ષ્યા તો- વસ્તુત: સ્વરાજલડત અને સ્વરાજનિર્માણની દૃષ્ટિએ લોકહિસ્સેદારીનું વ્યાકરણ ને વિજ્ઞાન કેમ વિસ્તરે અને દૃઢમૂળ બને એ પાયાનો પ્રશ્ન છે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫-૦૯– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.