ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

અમે નાનપણમાં ‘જૂની’ ફિલ્મો જ જોયેલી એમ કહું એનો અર્થ એ કે મહેમદાવાદમાં કદી નવી ફિલ્મ આવતી જ નહીં. ‘નવી’ ફિલ્મ જોવા માટે કાં નડીયાદ જવું પડે કે પછી અમદાવાદ. મહેમદાવાદની ‘આશા ટૉકિઝ’ સૌથી જૂની. એ પછી સેવાદળ તરફ ‘મુમતાઝ ટૉકિઝ’ થયેલી, જે અમને ઘણી ‘દૂર’ લાગતી. એ હદે કે ત્યાં કઈ ફિલ્મ આવી છે એનીય ખબર ન પડે. એક વાર ત્યાં ‘ખરેખર જૂની’ ફિલ્મ આવી. એવું યાદ છે કે અમે જોવા ગયેલા કોઈક બીજી ફિલ્મ, અને ત્યાં ગુરુદત્તની ફિલ્મોનાં સ્ટીલ્સ જોયા. એટલે જાણ્યું કે હવે ત્યાં ‘ચૌદહવીં કા ચાંદ’ આવવાની છે. આથી એ ફિલ્મ આવી એટલે હું અને ઉર્વીશ ઉપડ્યા મુમતાઝ ટૉકિઝે.

ગુરુદત્તનું પડદા પરનું એ અમારું પહેલવહેલું દર્શન હતું. ‘ચૌદહવીં કા ચાંદ હો’ એ એક જ ગીત અમારું જાણીતું, પણ અમને બીજાં ગીતો સાંભળવામાં બહુ જ રસ હતો. ફિલ્મના ટાઈટલ શરૂ થતાં જ મહમ્મદ રફીના સ્વરમાં ‘યે લખનઉ કી સરજમીં’ ગીત આરંભાયું એ સાથે જ અમારા પહેલવહેલા ઉદગાર હતા: ‘ઓહો! આ ગીત આ ફિલ્મનું છે?’ એ પછી તો લગભગ દરેક ગીત વખતે આ ઉદગાર નીકળતા જતા. બધાં જ ગીતો પરિચીત હતાં, પણ અમને એ ખ્યાલ નહોતો કે તે આ ફિલ્મનાં હતાં.

ગુરુદત્ત, વહીદા રહેમાન, જહોની વૉકર, રહેમાન, મીનૂ મુમતાઝ જેવા જાણીતા કલાકારો ફિલ્મમાં હતા અને ફિલ્મની પૃષ્ઠભૂમિ લખનઉની હોવાથી ઉર્દૂપ્રચૂર સંવાદો હતા. આમ છતાં, અમને બહુ મઝા આવી.

(ડાબેથી:શકીલ, રવિ અને મ.રફી)

શકીલ બદાયૂંનીનાં ગીતોને રવિએ સ્વરબદ્ધ કર્યાં હતાં. કુલ દસ ગીતો પૈકી ‘ચૌદહવીં કા ચાંદ હો’, ‘મિલી ખાક મેં મુહબ્બત’, ‘મેરા યાર બના હૈ દુલ્હા’ અને ‘યે લખનઉ કી સરજમીં’ રફીસાહેબના એકલગીત હતાં. ‘દિલ કી કહાની રંગ લાઈ હૈ’ અને ‘બેદર્દી મેરે સૈયાં શબનમ હૈ કભી શોલે’ આશા ભોંસલેનાં એકલગીત હતાં. ‘બદલે બદલે મેરે સરકાર નજર આતે હૈ’ લતા મંગેશકરે ગાયેલું. આ ઉપરાંત ‘શરમા કે યે ક્યૂં કબ પરદાનશીં’ (આશા, શમશાદ બેગમ અને સાથીઓ), ‘બાલમ સે મિલન હોગા’ (ગીતાદત્ત અને સાથીઓ) તેમજ ‘યે દુનિયા ગોલ હૈ’ (મ.રફી અને જહોની વૉકર) જેવાં ગીતો પણ મજાનાં હતાં. ગુરુદત્તે શકીલસાહેબ સાથે કદાચ પહેલી વાર સંયોજન કર્યું હતું, જેનું આગળ જતાં ‘સાહિબ, બીવી ઔર ગુલામ’માં પુનરાવર્તન કર્યું. સંગીતકાર તરીકે તેમણે રવિને શાથી લીધા હશે એ સવાલ છે. જો કે, આ ફિલ્મનાં ગીતો રવિએ સરસ રીતે સ્વરબદ્ધ કર્યાં હતાં.

૧૯૬૦માં રજૂઆત પામેલી આ ફિલ્મમાં ટાઈટલ સોંગ તરીકે મહમ્મદ રફીના ગવાયેલા ‘યે લખનઉ કી સરજમીં’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. લખનઉની વિશેષતાઓ અહીં જણાવવામાં આવેલી છે. લખનઉનું એ પ્રશસ્તિકાવ્ય છે એમ કહી શકાય.

આ ગીતના શબ્દો અહીં આપેલા છે.

ये लख़नौ की सरज़मीं…
ये लख़नौ की सरज़मीं (4)

ये रँग-रूप का चमन
ये हुस्न-ओ-इश्क़ का वतन
यही तो वो मक़ाम है
जहाँ अवध की शाम है
जवां-जवां हसीं-हसीं
ये लख़नौ की सरज़मीं (2)

शबाब-ओ-शेर का ये घर
ये अह्ल-ए-इल्म का नगर
है मंज़िलों की गोद में
यहाँ हर एक रहगुज़र
ये शहर लालादार है
यहाँ दिलों में प्यार है
जिधर नज़र उठाइये
बहार ही बहार है
कलि-कलि है नाज़नीं
ये लख़नौ की सरज़मीं (2)

यहाँ की सब रवायतें
अदब की शाहकार हैं
अमीर अह्ल-ए-दिल यहाँ
ग़रीब जांनिसार हैं
हर एक शाख़ पर यहाँ
हैं बुलबुलों के चहचहें
गली-गली में ज़िंदगी
कदम-कदम पे कहकहें
हर इक नज़ारा है दिलनशीं
ये लख़नौ की सरज़मीं

ये लख़नौ की सरज़मीं
ये लख़नौ की सरज़मीं
ये लख़नौ की सरज़मीं ……

એ પછી આ ગીત ધીમી ગતિએ ફિલ્મમાં અન્યત્ર સંભળાય છે, જેના શબ્દો આ મુજબ છે.

यहां के दोस्त बावफा,
महोब्बतों से आशना,
किसी के हो गये अगर,
रहे उसी के उम्रभर,
निभाई अपनी आन भी,
बढाई दिल की शान भी,
है ऐसे महेरबान भी,
कहो तो दे दें जान भी,
जो दोस्ती का हो यकीं,
ये लखनउ की सरजमीं. (5)

———–

सरज़मीं = ભૂમિ

अह्ल-ए-इल्म = વિદ્વાન,

अह्ल-ए-दिल = પ્રેમાળ, ઉદાર

रहगुज़र= રસ્તો

रवायतें = કથાઓ

अदब की शाहकार = સાહિત્યની ઉત્તમ કૃતિઓ,

बावफा =વફાદાર,

आशना = પરિચીત

———————–

અહીં આપેલી લીન્કમાં આ ગીતના બન્ને ભાગ સાંભળી શકાશે.

 


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપ યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)