પછી કેમ કહીએ કે અમે અસુંદર છીએ ?
પરમના હાથે ઘડાયું ઘડતર છીએ.

                                                         ઇશ્વર, અલ્લાહ, જિસસ….

નીલમ  હરીશ દોશી

 પ્રિય સખા,

કેમ છો દોસ્ત ? મારો ગઇ કાલનો ઇ મેઇલ તને મળી ગયો હશે. નેટને ઝરુખેથી મળતા કયાં વાર લાગવાની ? બરાબરને દોસ્ત? હવે હું પણ તારી જેમ નેટ સેવી થઇ ગયો છું.

દોસ્ત, અનેક આશા સાથે મેં તારી તરફ મૈત્રીનો હાથ લંબાવવાની પહેલ કરી છે. કદાચ એ મારી જરૂરિયાત, મારી ગરજ, મારો સ્વાર્થ હોય એવું પણ બની શકે. કેમકે મારા અનેક કામો જે મેં તારા દ્વારા કરાવવા ધાર્યા હતા એ બધા આજે રઝળી પડયા હોય એવું મને લાગે છે. દોસ્ત, તારા સર્જન પછી મેં કોઇ નવું સર્જન નથી કર્યું. એક કલાકાર તેના જીવનનું સર્વોત્તમ સર્જન કરી લે પછી  એનાથી ઉતરતું એને કંઇ ખપતું નથી.

દોસ્ત, તું પણ મારું પરમ સર્જન છો. તારા સર્જન વખતે મેં કેટકેટલી કલ્પનાઓ કરી હતી ! અન્ય પ્રાણીઓથી   તને વિશિષ્ટ બનાવવાની  મારી  હોંશ હતી. મેં વિચાર્યું હતું કે હવે કોઇ એવું સર્જન કરું જેના પછી મારે બીજું કશું સર્જન કરવું જ ન પડે..એ પોતે જ મારા બધા કામ કરે. એના દ્વારા જ હું મારા બધા કામો કરાવી શકું અને નિશ્વિંત બની શકું. કોઇ યોગ્ય, કુશળ, વિશ્વાસુ  વ્યક્તિને બધી જવાબદારી સોંપીને જેમ તું નિશ્વિંત બની શકે છે એ જ રીતે તારા સર્જન બાદ પરમ વિશ્વાસથી હું નચિંત બની ગયો હતો. હાશ ! હવે તું મારી બધી જવાબદારીઓ સંભાળી લઇશ. તું મનુષ્ય એટલે  મારું ગૌરવ , મારું લાડકું સર્જન. દોસ્ત, મારા આ સકારણ ગર્વને તું અકબંધ રાખીને મારું ગૌરવ જાળવીશ ને ?

દોસ્ત, તને મારી જરૂર હોય કે ન હોય પણ આજે મને તારી બહું જરૂર છે. આજે હું નહીં, પરંતુ તું મને મદદ કરીશ ને ? આજ સુધી તેં મારી પાસે અનેક વસ્તુઓ માગી છે. અનેક વાર વગર માગ્યે પણ મેં તને ઘણું આપ્યું છે. દોસ્ત, આજે મારે તારી પાસે માગવું છે. આજે હું આશાભરી મીટ તારી તરફ માંડું છું.  સદીઓથી તારી પ્રાર્થનાનો સાંભળનાર હું આજે તને પ્રાર્થના કરું તો તું સાંભળીશ તો ખરો ને ?

લિ. ઇશ્વરની યાદ


પ્રાર્થના એટલે.. કોઇ લેવડદેવડ નહીં, પણ કોઇ સૂક્ષ્મ, અદીઠ આવનજાવન..

જીવનનો હકાર..


ચાવી વિનાનુ તાળુ કોઇ બનાવતુ નથી રીતે ઇશ્વર ઉકેલ વિના કોઇ સમસ્યા નથી મોકલતો.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે