અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

ધીરુબહેનની પ્રમુખ ઓળખ આમ તો નવલકથાકાર ને વાર્તાકારની. આથી કોઈને પણ એનું આશ્ચર્ય થાય કે ધીરુબહેન નિબંધો પણ લખે ? તો એની નવાઈ નહીં. પણ ધીરુબહેનની નિબંધસૃષ્ટિમાં વિહાર કરતાં તો અનુભવાય કે ધીરુબહેન મૂળે તો નિબંધકાર – એવા નિબંધો ધીરુબહેન પાસેથી આપણને સાંપડે છે.

ઉમાશંકર ઉચિત રીતે નીરીક્ષે છે તેમ, નિબંધ એટલે શું ? મુઠ્ઠી ભરીને મોતી વેર્યા હોય ને જે સહજ આકૃતિ નિર્માઈ જાય એનું નામ નિબંધ. ધીરુબહેન જાણે આ નિરીક્ષણ સાથે સમંત થતાં હોય એમ એમના નિબંધોની પ્રસ્તાવનામાં સહૃદયના કાનમાં કહી બેસે છે : ‘ક્યાંય પહોંચવાનું જરૂરી ન હોય છતાં મનની મોજે લટાર મારવા નીકળી પડીએ છીએ ત્યારે દરેક પડ કંઈક જુદી જ અનુભૂતિ કરાવતી હોય છે. રાજમાર્ગે ચાલતા હોઈએ ત્યાં કોઈ રમણીય કેડી પર નજર પડે ને પગ એ બાજુ વાડી જાય તોયે કોઈ કાન પકડનાર નહીં !’ એવું યે બને કે દિશા પકડવામાં ભૂલ થઈ હતી એવી ખબર પડે ; તોય શો વાંધો ? વળો પાછા ! રાજમાર્ગ તો રાહ જુએ જ છે ને ?’ આવી સહજતાથી અહીં વેરાયેલાં મોતીઓએ જાતભાતની આકૃતિ નિર્મીને સહૃદય માટે એક નવીન ભાવ લોક ઉદ્ઘાટિત કર્યો છે.

એકાવન જેટલા નિબંધોમાં ધીરુબહેનની પ્રીતિ ઢોળાઈ તો છે પ્રકૃતિની ઉપાસના કરવામાં, જેનાં મૂળિયાં પડેલાં છે લેખિકાના પ્રસન્ન શૈશવના ખોબલામાં. પોતાની સ્મૃતિને ફંફોસતાં લેખિકા જિંદગીના એ મનોહર સમયની રેતીમાં પડેલા સુવર્ણ કણ જેવી ઝળહળી ઉઠતી યાદને બંધ આંખે આમ નિહાળે છે ; ‘શૈશવ અને બાળપણના સંધિકાળનોએ સમય.. વત્સલ અને સમજુ માતાપિતાની છત્રછાયા. કલ્પનાને વાસ્તવિકતાની ભેદરેખા અત્યંત અસ્પષ્ટ ; ક્યારેક તો અદ્રશ્ય થવાની તૈયારીમાં.’(ધીરુબહેન પટેલના નિર્બન્ધ નિબંધો –પૃ.૧) આ દિવસોમાં લેખિકાના બગીચામાં વસેલા એક વૃક્ષનું લેખિકાએ પાડેલું નામ હતું. –ઝૂમ્મરિયો જાસૂદ’. કેવા હતાં એનાં ફૂલ? : ‘સવારે એનાં ફૂલ લીલા હોજમાં પડેલી અને શરમાતાં શરમાતાં બહાર નીકળતી લાલ ઓઢણી ઓઢેલી નાનકડી પરીઓ જેવાં લાગે. તો બપોરે ઊંધા ફુવારાનો આકાર ધરીને ધરતીને ભેટવા નીકળતી લાલ છોળ લાગે. અને સાંજ પડતા પહેલા તો કોઈ રાજામહારાજાના મહાલયમાં ઝળકતાં આછું આછું ડોલતાં ઝૂમ્મર જ બની જાય ! (એજન. પૃ.૧)

આવા આ વૃક્ષને જીવનભર ચાહતાં રહેલાં લેખિકા એમની એક અંગત વાત સહૃદયના કાનમાં મંત્રની જેમ ફૂકતાં કહે છે : ‘એટલે માંડ માંડ જીવ ચલાવીને આખી જિંદગી કોઈ કરતા કોઈને ન કહેલી આ વાત આજે તમને બધાને જણાવી દઉ છું. કોઈક વાર ઝૂમ્મરિયો જાસૂદ નજરે પડે તો એ જમાનો યાદ કરજો જયારે બાળપણ આવું હતું, મા-બાપ આવાં હતાં અને રહેઠાણ ધરતીની સોડમાં હતાં.” (એજન. પૃ.૫)

પ્રકૃતિ પ્રત્યેનો આવો છલછલતો પ્રેમ લેખિકાને ક્યારથી થયો હશે એવું વિસ્મય આપણને સહેજે જાગે. જેનો ઉતર લેખિકાએ ગાળેલાં પ્રફૂલ્લ શૈશવમાં સાંપડે છે. એમનું બાળપણ કલ્પનાવિહાર અને વાચનમાં વીત્યું. સાયકલ પર બેસીને પ્રવાસ કરતા કાંઈ કેટલાય કાલ્પનિક પ્રદેશો વટાવવાના હોય, કેટલાંય જોખમોનો સામનો કરવાનો હોય ને મોજાઓની અનંત સવારી સામે ધરતી પર બરાબર મજબૂતીથી પગ ટેકવવાના હોય … લેખિકાના હંસરાજ વાડીમાં આવેલા ઘર પાસે અનેક વૃક્ષો એમાં એક વડનું ઝાડ. એ એમનો પહેલા નંબરનો મહેલ. દક્ષિણ દિશામાં આવેલી ઘટાદાર આંબલી તે બીજા નંબરનો મહેલ અને ઘરની તદ્દન પાસે આવેલી નાની ચીકુડી તે ત્રીજા નંબરનો મહેલ. એમનું વાંચવાનું રાજમહેલમાં ચાલે. પ્રકૃતિ સાથે તેમનો આવો નાળ સંબંધ. ને એમાં ભળી નિરીક્ષણની કલા, જીવન પ્રત્યેની છલછલતી પ્રીતિ ને જન્મજાત સાંપડેલું સર્જકત્વ.

આથી જ તો ઝૂમ્મરિયાજાસૂદ જેટલાં જ આસોપાલવના પાનને ચાહતાં લેખિકાનું નિરીક્ષણ જાણે દર્શનમાં પરિવર્તિત થઈ બેસે છે; “હમણાં જ નહાઈને આવેલી કિશોરીના ઘાટા વાંકડિયા વાળની યાદ આપે એવાં, ઊંચીનીચી લહેરખીની કિનારવાળાં ઘેરા લીલા રંગનાં, મજબૂત, લાંબા ને અણિયાળાં આસોપાલવનાં ચમકદાર પાન મને બહુ ગમે છે.

જીવનથી છલોછલ એ પાંદડાંને કાજે જ જાણે વૃક્ષે અવતાર લીધો છે. નાળિયેરી જેવાં વૃક્ષો તેમનાં ફળને લીધે કૃતકૃત્ય બને છે. લેબર્નમતેનાં ફૂલને કારણે સ્મૃતિમાં ચિરંજીવ રહે છે પણ આસોપાલવને એવી કશી તમા નહીં. જંગલના ભીલ જેવા એના કાળ દેહ પર બે-ચાર આડીઅવળી ડાળીઓ ફૂટી ન ફૂટી ત્યાં તો લાંબાં લાંબાં, પવનમાં ગેલ કરતાં પાનનો તોરો સીધો બંધાઈ જ જવાનો.”(એજન પૃ.૬)

 ચંદ્રમલ્લિકાનાં ફૂલોને અપાર ચાહતાં લેખિકા એનાં કેવાંકેવાં રૂપ ભાવક સમક્ષ ઉઘાડી આપે છે! ‘દૂધ જેવાં સફેદ, મોતી જેવાં કે એથી ઘેરી પીળી ઝાંય વાળાં અને પછી ખૂલ્લે ખૂલ્લાં કે એથી ઘેરા પીળા જ. આછાં લવંડર રંગના પાસવાળાથી માંડીને રતાળુ રંગનાં, નાનાંમોટાં તીણી પાંદડીવાળા…અને ગોળ પાંદડીવાળા … બહુ જ નાજૂક, સ્વપ્નામાં આવીને ઊડી જતા કોઈ મધુર અનુભવ જેવી મોહનીય એની સુંગધ !’ (એજન પૃ.૨૬)

આ ફૂલોને કલકતામાં જોઇને લેખિકા પ્રસન્નતાથી સભર બનીને ઉદ્ગારી ઊઠ્યાં : ‘કોલકતામાં ઊગેલી અને હજાર માઈલનો પ્રવાસ ખેડીને કોઈના હૃદયમાં આનંદનો પ્રદીપ પ્રગટાવવા આવેલી ચંદ્રમલ્લિકા ! મારું મન ભરતી પછીના સમુદ્રકાંઠા જેવું સ્વચ્છ અને શાંત થઈ ગયું. કોલકાતા માત્ર ધૂર્ત ધંધાદારીઓનું નહીં, ચંદ્રમલ્લિકાના ચાહકોનું શહેર પણ છે એ મને યાદ આવી ગયું-હવેથી એ જ યાદ રહેશે.(એજન, પૃ.૨૭)

લેખિકાને ફૂલો જેટલો જ પ્રિય છે વરસાદ, વરસાદને સ્વજન જેટલું વહાલ કરતાં લેખિકા જાણે વરસાદને આશ્લેષમાં લેતાં ગણગણી ઊઠે છે:

‘ આજેય વરસાદનું કોક વાંકું બોલે તો જરાયે નથી ગમતું. મુશળધાર વરસાદને લીધે પડતી અને પડનારી અનેક તકલીફોનો પૂરેપૂરો ખ્યાલ હોવા છતાં “આજે વરસાદ બરાબર જામ્યો છે !” એવા શબ્દો સાંભળતાંવેંત મન એક આવેગપૂર્ણ આનંદથી છલોછલ ભરાઈ જાય છે… સુદર્શનની બે ગોળીઓ ગળવી પડશે એ જાણું છું, ગળી લઉં છું ! તોયે તેની હજુ કદાચ એટલી જ મઝા આવે છે – જરા જુદી જાતની.(એજન પૃ.૧૩)

જીવતરના લયમાં સહજ રીતે વહેતાં રહેલાં લેખિકા પોતાને થયેલા અનુભવોનું અર્થઘટન કેવું તો સફળતા પૂર્વક કરી શક્યા છે એનાં ઉદાહરણો આ નિબંધમાં ઠેરઠેર વેરાયેલાં છે. કોઈ અજાણ્યા પક્ષીનો ‘તું ક્યાં છે?’ એવો સાદ લેખિકાનો સતર્ક કર્ણ ઝીલે છે ત્યારે પોતાની ચેતનાને ફંફોસતા લેખિકા જાણે સ્વગત ઉચ્ચારી બેસે છે : ‘પેલા પક્ષીની માફક બે પાંખો તો નથી અને ઝાડની ડાળે ચડીને કલાકોના કલાકો બગાડવાનું પણ પોસાય એવું નથી. આપણને તો કેટલાં બધાં કામ ? આખો વખત ‘તું ક્યાં છે? તું ક્યાં છે ?’ ની શોધમાં તો મશગૂલ રહેવાય નહીં ને ?

અને ધારો કે ભૂલેચૂકે એ શોધ સફળ પણ થઇ થાય તો ? તો વળી નવી ઉપાધિએને કહીશું શું ? જો કંઈ નહીં કહીએ તો એ પૂછશે નહીં કે ‘શા માટે બોલાવતા હતા ?” ને ધારો કે કંઈ અષ્ટમ પષ્ટમ કહીને એને બનાવવા જઈએ કે આમ જ અમથું જ જરા ટાઈમ પાસ; તો તેવે વખતે એની નજર જિરવાશે?

બધો વિચાર બરાબર કરી લેજો. ‘તું ક્યાં છે? તું ક્યાં છે?’ની શોધ પંખીને પોસાય, આપણને નહીં. આકરું લાગે છે નહીં, આવું બધું સાંભળવાનું ? પણ શું થાય ? ક્યારેક તો સાંભળવું પડે. કોઈની પાસેથી નહીં તો આપણા પોતાના મન પાસેથી. અને એક નવી સ્નેહભરી, કુતુહલભરી નજર નાખવી પડે આ સૃષ્ટિ પર. હજી સમય છે આપણી પૃથ્વીને બચાવવાનો અને આપણી જાતને પણ.” (એજન, પૃ.૬૫)

અહીંયા ક્યાંય બોધનું વજન નથી; છે નિરામય સંવાદ, કદાચ જાત સાથેનો સાથોસાથ પોતા જેવા જ જાગતલ જણ સાથેનો.

લેખિકાને જીવન પ્રત્યે અપાર શ્રદ્ધા છે. આથી જ તો એમની જીવન પ્રત્યેની અનુભૂતિમાં આવી આસ્તિકતા ઝિલાઈ છે : ‘જ્યાં લગી લાગણીની લીલોતરી જીવે છે ત્યાં લગી કુટુંબજીવનને ઊંચી આંચ આવવાની નથી.’ (એજન, પૃ.૬૯-૭૦)

દરેક યુગને કામ લાગે એવું મૌલિક વિચારમૌક્તિક ધીરુબહેને આપણે અહીં ભેટ ધર્યું છે. ‘શરૂઆત કરવી હોય તો ‘અમારા જમાનામાં’ એ શબ્દોથી શરૂ થતાં તમામ વાક્યોને દેશવટો આપવો પડશે. એ શબ્દથી આપણે આપણી જાત અને આપણા શ્રોતાઓ વચ્ચે એક દીવાલ ચણી દઈએ છીએ જેને લીધે પરસ્પર વાર્તાલાપ કે વિચારોનું આદાનપ્રદાન અશક્ય બની જાય છે. પેલી બાજુ ઊભેલા છોકરો કે છોકરી એમ વિચારતાં થઈ જાય છે કે ‘તે જમાનો ગયો. હવે નવો જમાનો આવ્યો છે, અમારો જમાનો આવ્યો છે. એમાં અમે અમારી રીતે જીવીશું – તમે પંચાત ન કરો.’

આવું શા માટે થવા દઈએ? જ્યાં લગી જીવીએ છીએ ત્યાં લગી જે જમાનામાં જીવીએ છીએ તે જ જમાનો આપણો છે વળી! (એજન, પૃ.૭૦)

         જીવનને સભર રીતે, સંતૃપ્તિથી ઉપાસતાં રહેલાં ધીરુબહેનની મૂલ્યનિષ્ઠાના મૂળિયાં ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ એ નિબંધમાં જડે છે. ટ્રેનનો પાસ રીન્યૂ કરાવતી વેળા કલાર્ક પાસેથી પાછા લીધેલા પૈસા વધારે આવી ગયા હોવાથી ધીરુબહેનના પિતાએ સાંજે ને સાંજે જ એ પરત કરવા ધીરુબહેનને કડકાઈ પૂર્વક સ્ટેશને મોકલ્યાં ને તેથી પિતા પ્રત્યે મનમાં નારાજ થયેલાં ધીરુબહેનને પિતાજીએ મંત્ર દીક્ષા આપતાં કહ્યું રૂપિયા તો સવારે પણ અપાત પણ એક ગરીબ માણસની એક રાતની ઊંઘ બગડત એનું શું ? એ ઉજાગરાની કિંમત તું એને કઈ રીતે ચૂકવત ? પિતા પાસેથી સાંપડેલી આ મંત્ર દીક્ષા કદાચ આ નિબંધોનો નિચોડ છે.

એવો જ બીજો નિબંધ છે ‘અમૂલ્ય અશ્રુ’. જીવનની મોંઘેરી જણસ જેવી એક અમૂલ્ય ક્ષણને વાગોળતાં લેખિકા માર્મિક કાકુમાં નોંધે છે : ‘વાગોળવાનું કામ પશુઓના જે વર્ગમાં થાય છે તેમાં બેસી શકાય એમ નથી. એવી નિવૃત્તિ ક્યાંથી લાવું ? એવી માનસિક શાંતિ પણ ક્યાંથી લાવું ? પણ કેટલીક ક્ષણો એવી જરૂર છે, જે વારંવાર યાદ કરવી ગમે. એમાંની એક તમને જણાવું.’ (એજન, પૃ.૮૩) એમ કહીને વાત માંડતા લેખિકા એમનાં વર્ગ શિક્ષિકા મિસ દીવાનનું અદ્ભુત ચિત્ર દોરે છે.’ વર્ગશિક્ષિકા મિસ વીરબાઈ દીવાન અદ્લ બાલજીવન ગ્રંથમાળાના સચિત્ર પુસ્તકોમાં આવતી પરી જોઈ લો ! ચેસ્ટનટ રંગના વાંકડિયા વાળ, ગોળ મોં, ગોરીગુલાબી ચામડી અને પાછા તપખીરિયા રંગની આંખોવાળી પારસી કુમારિકા નખશિખ શુભ વસ્ત્રોમાં સજ્જ થઈને વર્ગમાં પ્રવેશે ત્યારે અમને સીધા સ્વર્ગમાં જ પહોંચી ગયા જેવું લાગે !’ (એજન, પૃ.૮૩)

લેખિકાને અત્યંત પ્રિય એવાં આ શિક્ષિકાને લાગ્યું કે ધીરુબહેન કોપી કરે છે. આથી આંસુભરી આંખે એમણે ફક્ત એટલું જ કહ્યું : ‘ધીરેન્દ્રબાળા તમારે માટે મેં આવું નહોતું ધાર્યું !’ સ્તબ્ધ થયેલાં લેખિકાને લાગ્યું કે ‘કોઈને કેવી રીતે સમજાવી શકું કે દીવાન સિસ્ટરે મને શું કર્યું હતું ! એક નાનકડા વાક્યમાં મારો એક વ્યક્તિ તરીકેનો સ્વીકાર, આત્મીયતા, શ્રદ્ધા અને એ શ્રદ્ધાને વાગેલી ઠેસ બધું અવિસ્મરણીય રીતે મૂકી દીધું હતું. ‘મોટી ઉંમરે ઘણી વાર નિયમપાલનના આગ્રહ માટે લોકોએ મશ્કરી કરી છે, વર્તનના અમુક ધોરણ માટે સજાગ રહેવાને કારણે દુન્યવી દ્રષ્ટિએ ઘણી ખોટ પણ ખાધી છે, પરંતુ ગંગાજળ કરતાંયે પવિત્ર પેલાં ચમકતાં અશ્રબિંદુની આણ મેં હંમેશા જાળવી છે. મારા જીવનની એ એક અમૂલ્ય ક્ષણ હતી. આજે મિસ દીવાન નથી પણ એ ક્ષણ હજુ મારી પાસે જ છે.’ (એજન, પૃ.૮૪)

જીવતર પાસેથી શિષ્ય ભાવે ગ્રહણ કરેલી આવી દીક્ષાઓને લઈને જ ધીરુબહેનને બરાબર ભળાયુ છે તેમ, એટલે આ બધી બાબતોમાં બહુ ઊંડા વિચારોમાં અટવાવા જેવું છે જ નહીં. પ્રાણરૂપી પક્ષી એક એવા પિંજરામાં બેઠું છે જેનાં નવ દ્વાર ખુલ્લાં છે. એટલે તે ઊડી કેમ ગયું એની નવાઈ એ વાતની છે કે આવા ખુલ્લા દરવાજાવાળા શરીરરૂપી પાંજરામાં હજી લગી એ બેસી કઈ રીતે રહ્યું છે ?(એજન, પૃ.૯૯)

પ્રકૃતિપ્રેમ, જીવનશ્રદ્ધા ને મૂલ્યનિષ્ઠાના ત્રિવિધ તાંતણે જીવનવસ્ત્રને વણતાં રહેલાં લેખિકાને જે સાંપડ્યું છે તે કોઈ વિરલ ભક્તને જ જડે તેવું મરજીવાનું મોટી છે : ‘ખરી વાત એ છે કે આવો સ્વર નીકળવો મુશ્કેલ છે. શ્રદ્ધાથી રણકતો, આતુરતાથી છલકતો, અનન્ય પ્રીતિથી સંયુક્ત એવો નિર્મળ સ્વર જો હૃદયમાં એક જ વાર જાગે તો કોની મગદૂર છે કે ન સાંભળે ? ન દોડી આવે ?(એજન, પૃ.૮૬)

ફૂલ અને પવનની નજાકતથી કે રેખાની મદદથી ઊઘડતા રંગોનાં લાલિત્યથી અનુભૂતિના લસરકે રચાયેલા આ નિબંધો વાંચતા ઊડી સભરતા ને પ્રસન્નતાના પમરાટની અનુભૂતિનો સમન્વય સહૃદયના ચિતમાં વ્યાપી વળે છે. અને એ મોન્ટેઇનના વાચન પછી ઉદગારી ઉઠતાં માદામ દ સેવેનીની જેમ કહી બેસે છે; ‘Ah Charming men (Women)!, What good company he(she) is!’


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.