મારિયા સિબિલા મેરિયન

સંકલન : યાત્રી બક્ષી

પ્રકૃતિનાં રહસ્યોને સમજવા માટે સર્વ પ્રથમ તો માનવીએ કુતૂહલથી દોરવાઈને અવલોકન આદર્યાં હશે અને ત્યારબાદ આજે જેને સર્વેક્ષણ અને પૃથક્કરણ કહીએ છીએ એવા ગહન અભ્યાસના તબક્કાઓમાં પ્રવેશ થયો હશે. વિજ્ઞાનની શાખાઓમાં આ પ્રવૃત્તિઓ પ્રવેશી એ પહેલાં અવલોકન અને કળાએ પ્રકૃતિનું દસ્તાવેજીકરણ કર્યાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ખરેખર તો આજે પણ ચિત્રો, કાવ્યો અને શિલ્પ જેવી કલાઓના પુરાવાઓ પ્રકૃતિના અભ્યાસમાં પૂરક સહાયક બની રહ્યા છે. જેવા કે કવિ કાલિદાસનાં મહાકાવ્યો અને નાટકો, બૌદ્ધ પંથનાં મંદિરોમાં જોવા મળતાં પટ્ટચિત્રો તથા યુરોપના કેટલાક ચિત્રકારોનાં અદ્ભુત ચિત્રો.

આજે કેડી કંડારનારામાં એક એવાં કલાકારની વાત કરવી છે જેઓએ આજે પણ અત્યંત જટિલ ગણાતા એવા ક્ષેત્ર, કીટકશાસ્ત્રમાં પહેલ કરી હતી. તે છે, જર્મન કીટશાસ્ત્રી, પ્રકૃતિવાદી અને વૈજ્ઞાનિક ચિત્રકાર અને જાતભાતના કીટકો વિશેના અવલોકનોને પ્રત્યક્ષ રીતે દસ્તાવેજીકૃત કરનાર પ્રારંભિક યુરોપીયન પ્રકૃતિવાદીઓમાંનાં એક મારિયા સિબિલા મેરિયન.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

૧૬૪૭માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં જન્મેલાં મારિયા નિકોલસ રોબર્ટ (૧૮  એપ્રિલ ૧૬૧૪ – ૨૫ માર્ચ ૧૬૮૫) ફ્રેન્ચ લઘુચિત્ર અને કોતરણીકારથી પ્રભાવિત, એક કલાકાર પિતાના સંતાન હતાં. તેઓએ જ્યોર્જ ફ્લેગલ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. સાથેસાથે કિશોર મારિયા નાની ઉંમરથી જ કીટકો તરફ આકર્ષણ ધરાવતાં હતાં. ૧૩ વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાંથી જ તેઓએ કીટકો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. માતાના નવમા સંતાન મારિયાએ કુમળી વયમાં સગા પિતા ગુમાવેલા પરંતુ કુદરતે જાણે એનું યોગદાન નિશ્ર્ચિત કરેલું હશે કે માતાએ જેમની સાથે બીજાં લગ્ન કર્યાં તેઓ ફૂલોનાં ચિત્રો કોતરનારા કલાકાર હતા. આમ બાળપણમાં જ કુદરત સાથેનો નાતો બંધાઈ ગયો. તે સમયે ફ્રેન્કફર્ટ, રેશમ વેપારનું પ્રાદેશિક કેન્દ્ર. આ કારણે, રેશમના કીડાઓ ફ્રેન્કફર્ટના લોકો માટે જીવનનો સામાન્ય ભાગ હતો, પરંતુ મારિયા તેમાંથી અલગ હતાં.

મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમના આલેખની પ્રસ્તાવનામાં, કિશોર અવસ્થાના સમય વિશે, મેરિયન જણાવે છે કે “શરૂઆતમાં હું પ્રકૃતિના ઇતિહાસનાં ઘણાં પુસ્તકો જોતી-વાંચતી પરંતુ મોટાભાગનો સમય મેં કીટકોની તપાસ કરવામાં પસાર કર્યો. શરૂઆતમાં, મેં મારા વતન ફ્રેન્કફર્ટમાં રેશમના કીડાથી શરૂઆત કરી. મને સમજાયું કે અન્ય કેટરપિલર-કીડાઓ સુંદર પતંગિયાં ઉત્પન્ન કરે છે અને રેશમના કીડા પણ તેવું જ કરે છે. આનાથી મને તેઓ કેવી રીતે બદલાય છે તે નોંધવામાં રસ પડ્યો અને બીજા તમામ ‘કેટરપિલર’ કીડાઓ એકત્રિત કરવા તરફ દોરી ગયો.” તેણીએ રેશમના કીડા અને અન્ય જંતુઓ ઉછેર્યા અને તેમના વર્તનનું અવલોકન કર્યું. નોંધ્યું અને દરેક અભ્યાસ જર્નલમાં રેકોર્ડ રાખ્યો.

મારિયાએ પણ ૧૭-૧૮મી સદીમાં એક મહિલાના જીવનમાં આવતા તમામ પડકારોનો સામનો કરવો પડ્યો. વારંવારના સ્થળાંતર, લગ્ન બાદની સામાજિક-આર્થિક જવાબદારીઓ અને ભાવનાત્મક કઠણાઈઓ વગેરે વચ્ચે તેણે ચિત્રકલા અને ભરતગૂંથણને આજીવિકા અને લોકસંપર્કનું માધ્યમ બનાવ્યું અને સાથે પોતાનો કીટકપ્રેમ જાળવી રાખ્યો. બે પુત્રીઓનો ઉછેર, પતિ તરફથી મળતી તકલીફો અને હંમેશનો ટેકો એવી પોતાની માતાના અવસાન છતાં મારિયાએ કીટકોનો અભ્યાસ ચાલુ રાખેલો. એ સમયે કુદરતી દૃશ્યો અને ફૂલ-છોડ-પંખી-પતંગિયાઓનાં ભરતકામ ખૂબ પ્રચલિત હતાં. બીજી મહિલાઓ પણ તે કરતી પરંતુ તેમાંથી કોઈ આ વિશે અભ્યાસ નહોતી કરતી.

એ સમયે યુરોપમાં યુવતીઓ માટે ભરતકામ એ શિક્ષણનો આવશ્યક ભાગ હતો. અન્ય કાલાકારોનાં કામોની નકલ કરવી એ કલાકારની તાલીમનો આવશ્યક ભાગ હતો. મારિયાની રચનાઓ સ્કોલીંગ સ્ટેમ્પ એમ્બ્રોઈડરી ડિઝાઈનની કમ્પાર્ટમેન્ટની શૈલીને મળતી આવે છે જે તે સમયે યુરોપમાં સામાન્ય હતી. મારિયાની તેની કલા બનાવવાની પ્રક્રિયામાં વેલ્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ જમાનામાં પાશ્ર્ચાત્ય જગતની રૂઢિઓ મુજબ મહિલાઓને તૈલીય રંગોથી રંગવાની મંજૂરી ન હતી આથી તેને બદલે વોટર કલર્સ અને ગૌચેથી રંગવામાં આવ્યા છે. ૧૬૮૫ થી, ૧૬૯૦ મારિયા, તેની પુત્રીઓ અને તેની માતા ફાઈલેન્ડમાં ત્રણ વર્ષ રહ્યાં અને મારિયાને પ્રાકૃતિક ઇતિહાસ અને લેટિનનો અભ્યાસ કરવાનો સમય મળ્યો, જે ભાષામાં તે સમયે વૈજ્ઞાનિક પુસ્તકો લખાયાં હતાં. ફાઈલેન્ડમાં, મૂર્સમાં, તેણીએ દેડકાના જન્મ અને વિકાસનું અવલોકન કર્યું, અને તેમના વિચ્છેદન માટે તેમને એકત્રિત કર્યાં.

૧૬૯૦થી ૧૬૯૮ મારિયા પુત્રીઓ સાથે એમ્સ્ટરડેમ રહેવા ગયાં. મેરીઅન અને તેની પુત્રી ચિત્રો વેચીને જીવન નિર્વાહ કરતી હતી. મારિયાએ ફૂલોનાં ચિત્રો આર્ટ કલેક્ટર એગ્નેસ બ્લોકને વેચ્યાં. એમ્સ્ટરડેમના મેયર અને ઇસ્ટ ઇન્ડિઝ સોસાયટીના ડાયરેક્ટર ડોક્ટર નિકોલસ વિટસેન અને એમ્સ્ટરડેમના સેક્રેટરી શ્રી જોનાસ વિટસેનના મોંઘા સંગ્રહોને જોવાનો અવસર મળ્યો. ઉપરાંત શ્રી ફેડરિક્સ રુયશ, દવાના ડૉક્ટર અને શરીર-રચના અને વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર શ્રી લિવિનસ વિન્સેન્ટ અને અન્ય ઘણા લોકોનો સંગ્રહ પણ જોવા મળ્યો. આ સંગ્રહોમાં મારિયાને અસંખ્ય અન્ય કીટકો જોવા મળ્યા. પરંતુ સાથે એ પણ જાણવા મળ્યું કે તેમની ઉત્પત્તિ અને પ્રજનન અજ્ઞાત છે. કેટરપિલર અને કાયસાલાઈઝ વગેરેથી શરૂ કરીને તે બધા જ કેવી રીતે રૂપાંતરિત થાય છે, એની કોઈ જાણકારી નહોતી પરંતુ આ મુલાકાતોએ જ મારિયાના લાંબા સમયના સપનાને સાકાર કર્યું અને સુરિનામની સફર નિશ્ર્ચિત કરી.

૧૬૯૯માં, એમ્સ્ટરડેમ શહેરે મારિયાને તેની નાની પુત્રી ડોરોથિયા મારિયા સાથે દક્ષિણ અમેરિકામાં સુરીનામ જવાની પરવાનગી આપી. આ સાહસિક પ્રવાસનો મુખ્ય હેતુ સુરીનામમાં પાંચ વર્ષ રહી કીટકોની નવી પ્રજાતિઓનો અભ્યાસ અને ચિત્રણ કરવાનો હતો, મારિયાએ પોતાનાં ૨૫૫ ચિત્રો વેચી ખર્ચને પહોંચવા નાણાંનો બંદોબસ્ત કર્યો. ૫૨ વર્ષની ઉંમરે, મારિયાએ તેની સૌથી નાની પુત્રી ડોરોથિયા સાથે દક્ષિણ અમેરિકાના સુરીનામની નવી જ વસેલી ડચ વસાહતના કઠોર વાતાવરણમાં જવાનું નક્કી કર્યું. નેધરલેન્ડથી દક્ષિણ અમેરિકાનાં વરસાદી જંગલોમાં હજારો માઈલ દૂર નવા અને અદ્ભુત કીટકો શોધવાનું સાહસ કર્યું. કોઈ અધિકૃત આશ્રયદાતા અથવા સુરક્ષા માટે સહાયક વિનાની મહિલા માટે તે અતિ બહાદુર પગલું હતું. તેમ છતાં, તે મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અવલોકનો રેકોર્ડ કરવા અને દોરવા ત્યાં રહ્યાં.

ત્રણ વર્ષ પછી એમ્સ્ટરડેમ પરત ફર્યા બાદ તેઓએ પ્રકૃતિ વિજ્ઞાનની નવી જ કેડી કંડારતા પુસ્તકના પ્રકાશનનું કામ શરૂ કર્યું. કીટવિજ્ઞાન – એન્ટોમોલોજીની આ સૌથી પ્રખ્યાત કૃતિ, મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ, ૧૭૦૫માં નોંધપાત્ર કીટશાસ્ત્રી અને અતુલ્ય કલાકાર, આ બંને કૌશલ્યો અસાધારણ રીતે દર્શાવ્યાં છે. મારિયાએ વિશ્ર્વમાં સૌ પ્રથમ બોટનિકલ આર્ટિસ્ટ તરીકે પોતાનું નામ બનાવ્યું. પ્રકૃતિવાદીઓ માટે તેમના પોતાના સંશોધનનું ચિત્રણ કરવું તે અસામાન્ય નહોતું, પરંતુ મારિયા તેમના જીવનભરના અભ્યાસને દર્શાવવા માટે પ્રારંભિક વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત કલાકારોમાંની એક હતી.

મારિયા. “મધર ઓફ એન્ટોમોલોજી” ગણવામાં આવે છે અને આર્થિક રીતે અપ્રસ્તુત ગણાતા કીટકોનો અભ્યાસ કરનાર પ્રથમ પ્રકૃતિવાદીઓમાંનાં એક હતાં. પ્રકાશિત એકાઉન્ટ્સના લગભગ એક દાયકા પહેલાં એટલે કે અન્ય કોઈપણ વિજ્ઞાનીએ પ્રક્રિયાનું સચોટ વર્ણન પ્રકાશિત કર્યું તેના વર્ષો પહેલાં તેર વર્ષની ઉંમરે, મારિયાએ બટરફ્લાય મેટામોર્ફોસિસનો અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૬૭૫માં, તેણે ત્રણ વોલ્યુમની શ્રેણી પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. જેમાં દરેકમાં ફૂલો દર્શાવતી બાર પ્લેટો હતી. તેણે આ શ્રેણીની જોડીને ૧૬૮૦માં જર્મનીમાં, ન્યુઝ બ્લુમેનબુચ (ફૂલોનું નવું પુસ્તક) અને ‘ધ કેટરપિલર, શાનદાર પરિવર્તન અને અનોખા ખોરાક એવાં ફૂલો’ પ્રકાશિત કર્યાં, જેણે કીટકોની ઉત્ક્રાંતિ વિશેની અનુગામી પ્રકૃતિવિદોની સમજને બદલવામાં મદદ કરી.

તેના સમગ્ર જીવન દરમિયાન કીટકોની ૧૮૬ પ્રજાતિઓના જીવન- ચક્ર તેમજ અન્ય ઘણા છોડનાં ચિત્રો અને પ્રાણીઓની પ્રજાતિઓનાં અવલોકનો અને ચિત્રો તૈયાર કર્યાં હતાં જે તેમની અગાધ લગનને પ્રતિબિંબિત કરે છે. આમાંનાં કેટલાંક, બે સંગ્રહોમાં છે જે તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન પ્રકાશિત કર્યાં છે. દક્ષિણ અમેરિકામાં સુરીનામના શોધકાર્ય આધારિત પ્રકાશન ‘મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ’એ ત્યાં કરેલાં અવલોકનો આધારિત તે દેશની ઇકોલોજી ઉપરનું સર્વ પ્રથમ પ્રકાશિત કાર્ય હતું.

મારિયાના દરેક ચિત્રમાં આપણે ઈંડાથી લઈને પુખ્ત સ્વરૂપ સુધી વિવિધ કીટકોના જીવનચક્ર અથવા મેટામોર્ફોસિસનું નિરૂપણ કરતું એક કાળજીપૂર્વક ગોઠવેલું દૃશ્ય જોઈ શકીએ છીએ. તેઓ છોડ અથવા અન્ય કીટકો પણ દર્શાવે છે જે સામાન્ય રીતે પ્રજાતિઓ તેમજ સામાન્ય રહેઠાણો માટે ખોરાકનો સ્રોત હશે. આ પ્રકારનાં અવલોકનો પૈકીનાં કેટલાંક પ્રથમ નોંધાયેલાં હતાં અને કીટકોની વૈજ્ઞાનિક સમજણ પર નોંધપાત્ર અસર કરી હતી.

મારિયાના મૃત્યુ પછી તેનાં સચોટ અને સુંદર ચિત્રોનો ઉપયોગ કાર્લ લિનીયસ સહિતના વિજ્ઞાનીઓ દ્વારા પ્રજાતિઓનું વર્ગીકરણ કરવા માટે કરવામાં આવ્યો હતો અને આજે વિશ્ર્વભરનાં મ્યુઝિયમોમાં તેની પ્રિન્ટ અને ચિત્રો અનમોલ યોગદાન માનવામાં આવે છે. મારિયાના સન્માનમાં છોડ અને પ્રાણીઓની એક ડઝનથી વધુ પ્રજાતિઓનું નામ આપવામાં આવ્યું છે.

વિશ્વ પ્રશંસા :

વીસમી સદીના છેલ્લા સમયગાળામાં, મારિયાના કાર્યનું પુન:મૂલ્યાંકન, માન્યતા અને પુન:મુદ્રણ કરવામાં આવ્યું. જર્મની યુરોમાં રૂપાંતરિત થાય તે પહેલાં તેણીનું પોટ્રેટ ૫૦૦ ઉખ નોટ પર છાપવામાં આવ્યું હતું. તેણીનું પોટ્રેટ ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ બહાર પાડવામાં આવેલ ડીએમ સ્ટેમ્પ પર પણ દેખાયું છે, અને ઘણી શાળાઓ પણ તેના નામ પર છે. ૧૯૮૦ના દાયકાના અંતમાં પોલિડોર લેબલની આર્કાઈવ છાપે વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટના પિરિયડ ઇન્સ્ટ્રુમેન્ટસ પર કરવામાં આવેલા અને મેરિયનનાં ફલોરલ ચિત્રો દર્શાવતા વુલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટના પિયાનો કાર્યોના નવા રેકોર્ડિંગની શ્રેણી બહાર પાડી. તેણીની ૩૬૬મી જન્મજયંતી નિમિત્તે ૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ તેણીને ગૂગલ ડૂડલથી સન્માનિત કરવામાં આવી હતી.

મારિયાના કામમાં નવેસરથી વૈજ્ઞાનિક અને કલાત્મક રુચિને અંશત: સંખ્યાબંધ વિદ્વાનો દ્વારા ઉત્તેજિત કરવામાં આવી હતી જેમણે તેની કૃતિઓના સંગ્રહની તપાસ કરી હતી, જેમ કે રોસેનબોર્ગ કેસલ, કોપનહેગનમાં. ૨૦૦૫માં, ‘આરવીમારિયા એસ. મેરિયન’ નામનું આધુનિક સંશોધન જહાજ જર્મનીના વોર્નેમ્યુન્ડે ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૬માં, મેરિયનનું મેટામોર્ફોસિસ ઇન્સેક્ટરમ સુરીનામેન્સિયમ અપડેટેડ વૈજ્ઞાનિક વર્ણનો સાથે ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યું. માર્ચ ૨૦૧૭માં, સિનસિનાટી, ઓહાયોમાં આવેલ લોયડ લાઈબ્રેરી અને મ્યુઝિયમે “ઓફ ધ પેજ” નામે એક પ્રદર્શન આયોજિત કર્યું હતું, જેમાં મેરિયનનાં ઘણાં ચિત્રોને સાચવેલા કીટકો, છોડ અને ટેક્સીડર્મીના નમૂનાઓ સાથે શિલ્પ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. જૂન ૨૦૧૭માં, એમ્સ્ટરડેમમાં મારિયાના વિશેષમાનમાં એક પરિસંવાદ યોજાયો હતો.

ઉપનામ

મારિયાના મૃત્યુના લાંબા સમય પછી તેના નામ પર સંખ્યાબંધ ટેક્સા અને બે પેઢીઓ રાખવામાં આવી હતી. ત્રણ પતંગિયાઓનું નામ તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૦૫માં સ્પ્લિટ-બેન્ડેડ ઘુવડ બટરફ્લાયની પેટા જાતિને ઓપ્સીફેનેસ કેસિના મેરિયાના; ૧૯૬૭માં સામાન્ય પોસ્ટમેન બટરફ્લાયની પેટાજાતિ હેલિકોનિયસ મેલ્પોમેન મેરિયાના; અને ૨૦૧૮માં પનામાનું એક દુર્લભ બટરફ્લાય કેટાસ્ટીટા સિબિલા, ક્યુબન સ્ફિન્કસ શલભને એરિનીસ મેરિયાના નામ આપવામાં આવ્યું છે. ટેસ્સારાટોમિડે બગને, પ્લીસ્થેનિસ મેરિયાના નામ આપવામાં આવ્યું છે. મેન્ટીસની એક જીનસને સિબિલા અને ઓર્કિડ મધમાખીને પણ યુલેમાં મેરિયાના નામ આપવામાં આવ્યું છે.

કરોળિયા પરના તેમના સંશોધનનો સંદર્ભ આપતા, પક્ષી ખાનાર  સ્પાઈડર એવિક્યુલારિયા મેરિયાનાનું નામ તેમના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. ૨૦૧૭માં સ્પાઈડર મેટેલિના મેરિયાના નામ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાની તેગુ ગરોળીનું નામ સાલ્વેટર મેરિયાના રાખવામાં આવ્યું છે. એક દેડકોને રાઇનેલા મેરિયાના નામ આપવામાં આવ્યું હતું. એક ગોકળગાયનું નામ કોકવાંડીએલા મેરિયાના હતું. આફ્રિકન સ્ટોનચેટ પક્ષીની મેડાગાસ્કન વસ્તીને સેક્સિકોલા ટોર્કેટસ સિબિલા નામ આપવામાં આવ્યું હતું. આર્જેન્ટિનાના બ્લેક એન્ડ વ્હાઈટ ટેગુ (સાલ્વેટર મેરિયાની), એક પ્રકારની મોટી ગરોળી, તેની શોધ અને વર્ગીકરણ પછી મેરિયનના માનમાં નામ આપવામાં આવ્યું હતું. ફૂલોના છોડની એક જાતિનું નામ મેરિયાનિયા હતું. મેઘધનુષ જેવા છોડને વોટસોનિયા મેરિયાના નામ આપવામાં આવ્યુ હતું.

આમ ૧૬મી સદીના જગતમાં માત્ર ૬૯ વર્ષના જીવનકાળમાં મારિયા સિબિલ મરિયને સૌથી જટિલ ક્ષેત્રમાં એક અત્યંત વિલક્ષણ કેડી કંડારી.


Source: Wikipedia


યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com


સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ જૂન, ૨૦૨૪