ગઝલઃ

માર્ગી દોશી

જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.  

અંગ શું! આત્મા શું ! અંતર શું!
બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી?

છે ઘણી ફૂટપાથ એવી જ્યાં
દ્રષ્ટિ પહોંચી, દયા નથી પહોંચી.

ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ
આપણી આસ્થા નથી પહોંચી.    

કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.

હામ, શ્રદ્ધા, દુઆ ને દાનત છે,
હું કશે એકલા નથી પહોંચી.

હોય સંબંધ સાવ “ઘર જેવા”
ત્યાંય સંવેદના નથી પહોંચી.

શ્વાસ રૂંધાય છે એ જગ્યાએ
પ્રેમની જ્યાં હવા નથી પહોંચી.

ભર બપોરે પરબ બહુ તડપી
એક પણ કાં તૃષા નથી પહોંચી!

સમજી લો, જો છવાય સન્નાટો
આ ગઝલમાં સભા નથી પહોંચી.


રસદર્શનઃ

ભુજકચ્છનાં વતની અને વ્યવસાયે ડોક્ટર એવાં માર્ગી દોશીની કલમ ગઝલ ક્ષેત્રે નવીનકોર છે. પણ ખંત અને ચીવટપૂર્વક સારી એવી ધાર કાઢીને આગળ વધતી જતી જણાઈ આવે છે. તેઓ જણાવે છે કે, નાનપણથી મનનાં કોઈ ખૂણે ધરબાયેલ સાહિત્યનું બીજ હવે પાંગરતું અનુભવાય છે.

‘નથી પહોંચી’ ગઝલ ખરેખર તો ઘણા વિષયો સુધી પહોંચી ગઈ છે. આરંભથી જ જીવન અને કલાને જોડતો મત્લા, જિંદગીના હાર્દને સ્પર્શી મેદાન મારી જાય છે.

‘જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.’

વાહ, સાવ સરળ શબ્દોમાં કલા અને જીવનને એકબીજાનાં પર્યાય પ્રસ્થાપિત કરીને ગઝલ આગળ વધે છે.

બીજા શેરમાં તનમનને થતી, ઈજા-પીડા તો દરેકના જીવનમાં સ્વાભાવિક જ છે એ વાતને અતિ સહજ પૃચ્છા કરી એક ગર્ભિત જવાબ વાચક પર છોડી દીધો છે. પ્રાણી માત્રને જુદીજુદી રીતે, ક્યાંક ને ક્યાંક દુઃખ થતું રહેતું હોય છે. ક્યારેક પડવા-આખડવાથી કે બીજી કોઈપણ રીતે શરીર પર, ક્યારેક કોઈ શબ્દબાણથી અંતરને ઠેસ પહોંચે તો વળી ક્યારેક આત્મા કકળી ઊઠે એવું પણ કંઈક બને. જીવન છે ને? એટલે આ બધું થવાનું જ છે એવી ચિંતનીય વાતને અહીં સરસ રીતે ઉલ્લેખી કવયિત્રી આગળ કહે છે કે, આ વિષમતાઓ વચ્ચે સુમેળ સાધવા માટે શું શું જરૂરી છે એનો પણ નિર્દેશ કરે છે. આગળના શેરોમાં સુંદર રીતે થોડાથોડા શબ્દોમાં એ ભાવ સચોટ રીતે બયાન થતો જાય છે.

આગળના બે ત્રણ શેરોમાં એ કહે છે કે, આંખ હોય અને જોઈ શકાતું હોય પણ જો નજર પડ્યા પછી પણ દિલમાં દયા ન જાગે, ફૂટપાથ પર પડેલી અસહાય,લાચાર ગરીબી તરફ સહાનુભૂતિ ન જાગે તો શું કામનું? મંદિરોમાં દીવા કરીએ,ધૂપ કરીએ,પ્રસાદ વહેંચીએ પણ દિલમાં શ્રદ્ધા નામની કોઈ ચીજ જ ન હોય તો એનો શું અર્થ છે? બહુ સિફતપૂર્વક ‘પહોંચી’ રદીફને હૃદયની ‘આસ્થા’ના કાફિયા પર વજન મૂકી દે છે! ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ આપણી આસ્થા નથી પહોંચી. જોકે, અહીં મિસરામાં જરાક છંદદોષ વર્તાય છે, પણ તે મર્મને બદલતો નથી!

અહીં એક સરસ ઉક્તિ સાંભરે છેઃ “મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં મનમાં પ્રગટેલો એક શ્રદ્ધાદીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે.”

આમ, દયા અને આસ્થાની વાત કર્યા પછી આગળના શેરોમાં બીજા પણ કેટલાક ગુણોની જીવનમાં  જરૂર છે, તેની વાત આવે છે. પણ તે પહેલાંના શેરમાં ‘મા’ની  અસીમ શક્તિનું સ્મરણ જાગે છે અને સ્નેહભીનો શેર સરે છે કે,

કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.

તરત જ પછી માતૃપ્રેમનાં પૂરને સમજણપૂર્વક ખાળી લેતી કલમ મગરૂરીપૂર્વકનો વળાંક લે છે:

હામ, શ્રદ્ધા, દુઆ ને દાનત છે,
હું કશે એકલા નથી પહોંચી!

કેટલી સાચી વાત છે? રસાકસીથી ભરપૂર આ દોડમાં હિંમત જોઈએ, શ્રદ્ધા અને સારી દાનત એટલે કે,ઉમદા આશય જોઈએ અને મનની સાચી દુઆ,પ્રાર્થના જોઈએ. તો જ સફળતા સુધી પહોંચી શકાય છે. બાકી ઘર જેવા જણાતા સંબંધો અને સંવેદનાની તો વાત જ રહેવા દો કહીને જે શેર રજૂ થયો છે તેમાંથી એક ઝીણી વેદના છૂપાયેલી અનુભવાય છે. તેને જાણે કે તરત જ અવગણીને મૂળ ભાવ ખરી રીત તરફ વળે છે કે, સાચા ધ્યેય સુધી પહોંચવા માટે સાચી તરસ જોઈએ અને આસપાસ પ્રેમની મહેક પણ જોઈએ જ. ભરબપોર અને પરબનું રૂપક  કવયિત્રીએ બખૂબી ચિત્રીત કરીને હજાર ભાવોનું વિશ્વ ખોલી દીધું છે.

ભર બપોરે પરબ બહુ તડપી.
એક પણ કાં તૃષા નથી પહોંચી!

વાહ… અને મક્તાના શેરમાં તો સભા મધ્યે તાળીઓની અવિરત ગૂંજ લેતાં કવયિત્રીની મૂરત, મત્લાની જેમ જ ફરી એકવાર મેદાન મારતી નજરે ચડે છે.

સમજી લો, જો છવાય સન્નાટો

આ ગઝલમાં સભા નથી પહોંચી…. ક્યા બાત! અને ‘બહોત ખૂબ’ ના ઉદ્ગારો અનાયાસે નીકળી જ જાય છે.

આમ, એકસાથે ઘણા વિષયો સુધી પહોંચી ગયેલ, ૧૦ શેરોમાં ગૂંથાયેલ આ ગઝલ ભાવ અને શેરિયતની દ્રષ્ટિએ સાદ્યંત સુંદર બની છે.

અહીં જીંદગી, કલા, પીડા, દ્રષ્ટિ,દયા, આસ્થા, સાહસ,શક્તિ, મા, દુઆ, દાનત, સંવેદના,સંબંધો, તરસ, પ્રેમ, ભરબપોરની પરબ… કંઈ ઘણું બધું ઠલવાયું છે અને જરાયે ભારણ વગર સહજ રીતે વ્યક્ત થયું છે.

માર્ગી દોશીને ખૂબ અભિનંદન.

દેવિકા ધ્રુવ