પ્રવાસી યુ. ધોળકિયા

ત્રિમૂર્તિના બીજા ક્રમના દેવતા એટલે ભગવાન વિષ્ણુ. તેઓ સૃષ્ટિના પાલનકર્તા છે. પુરાણોમાં વિષ્ણુનો ‘વિશમાં પ્રવેશ કરવો’ અથવા ‘સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત (वेवेष्टी इति विष्णु )’ એવો અર્થ કરાયો છે, જે વેદની ઉક્તિ – तद्श्रुष्टवा तदेवान प्रतिशवी – નો પડઘો છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં જ ભાવિકના મનમાં સ્વાભાવિકપણે જ તેમનાં શાંતિ અને ઐશ્વર્યનાં સ્વરૂપની ઉત્કૃષ્ટ સ્તુતિ ધ્યાનમાં આવવા લાગે છે.

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

ત્રણ પગલાં: ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય

વિષ્ણુ શેષનાગ પર અનંત શયન કરે છે, એટલે સતત વહેતા કાળ પર તેઓ શાશ્વત બિરાજે છે. અહીં શાંત અને અનંત એ એક મહાતત્ત્વનાં પાસાંઓ છે તેવો ભાવ છે. વિષ્ણુ ભગવાનનાં કાર્યો વર્ણવવાં ખુબ જ કઠણ છે. આમ છતાં, વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં વામન અવતાર સ્વરૂપની વિષ્ણુની ત્રણ પગલાંની હૃદયંગમ કથા અચૂક જોવા મળે છે. ઋગ્વેદ કહે છે કે જે જે સ્થળોએથી વિષ્ણુનાં પગલાં પૃથ્વીનાં સાત ભુવનોમાં ફરી વળ્યાં ત્યાંના દેવો અમારી પર કૃપા કરે ! તેમનાં બીજાં પગલાંમાં જ વિષ્ણુ વિશ્વનાં બધાં સ્થળોનું અતિક્રમણ કરી ગયા હતા. તેમના પગની ધુળમાંથી જે સર્જાયું તે આપણું ભૌતિક વિશ્વ છે. આ ત્રણ પગલાં દ્વારા વિષ્ણુએ સૃષ્ટિમાં સત્વ, રજસ અને તમસની ત્રિગુણાત્મક વ્યવસ્થા સ્થાપી. બીજા અર્થમાં, આ ત્રણ પગલાં વિશ્વની નીચે મુજબની ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય બની રહ્યાં.

(૧) ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ

(૨) ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ

(૩) ઈશ્વર, બ્રહ્મ, પ્રકૃતિ

(૪) કર્મ, ભક્તિ, જ્ઞાન

(૫) ધર્મ, અર્થ, કામ

(૬) દૈહિક, દૈવી, ભૌતિક

(૭) યોગ, યજ્ઞ, તપ

(૮) માતા, પિતા, સંતાનો

(૯) ભૂત, વર્તમાન, ભવિષ્ય

(૧૦) સત્, ચિત્, આનંદ

(૧૧) બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ

તેથી જ વિષ્ણુપુરાણ કહે છે કે સમગ્ર વિષ્ણુમાંથી પ્રગટ્યું છે, અને વિષ્ણુમાં જ ટકી રહ્યું છે. વિષ્ણુ જ તેનાં સાતત્ય અને લયનું કારણ છે. વેદનું પરમ તત્ત્વ બ્રહ્મ છે અને તેનું ગતિશીલ સ્વરૂપ ઈશ્વર છે. વિષ્ણુ એટલે પરમ બ્રહ્મ અને પરમ ઈશ્વર છે. બ્રહ્માજીની ઉત્પતિ વિષ્ણુનાં નાભિકમળમાંથી થઈ છે તે તો સર્વને સુવિદિત છે.

સૃષ્ટિનાં સ્થાપન અને સંવર્ધનમાં જે કંઈ ગતિશીલ અને વિધાયક છે તે વિધાયક તત્ત્વનાં વિરોધી અને નકારાત્મક બળ, વૃત્ર,નો ઈંન્દ્રએ વિષ્ણુની મદદથી સંહાર કર્યો હતો, એટલે વિષ્ણુનું બીજું સુંદર નામ ઉપેન્દ્ર છે.

અવતારોનું રહસ્ય

સૃષ્ટિનું સંવર્ધન કર્યા પછી ભગવાન વિષ્ણુનું બીજું ભગીરથ, અને સમગ્ર જૈવિક સૃષ્ટિ માટેનું મહાન, કાર્ય અવતાર ધારણ કરવાનું રહ્યું છે.  વરાહ પુરાણ, બ્રહ્મ પુરાણ, અને મસ્ત્ય પુરાણ તેમજ દેવી પુરાણ મસ્ત્ય, કુર્મ, વરાહ, વૃશ્ચિક, વામન, પરશુરામ, રામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એમ  વિષ્ણુના દસ અવતાર બતાવે છે.

વિષ્ણુના અવતારોનું રહસ્ય સમજાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતા  કહે છે કે દુષ્ટોના સંહાર અને ધર્મનાં રક્ષણ અર્થે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે.

“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।”

આ અવતારોને પરિણામે જ માનવ ઉત્ક્રાન્તિ શક્ય બની છે અને તમસમાંથી દિવ્યતા તરફ તેની કૂચ નિશ્ચિત બની છે. વળી શ્રીરામ અને કૃષ્ણના, અનુક્રમે સાતમા અને આઠમા, અવતારોને પ્રતાપે જ ભારતવર્ષમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્ય ક્રાન્તિઓ થઈ. સનાતન ધર્મની સરવાણી જ્યારે સુકાઈ જવા પર હતી ત્યારે પ્રભુભક્તિ અને ઈશ્વર શરણાગતિના ઉપદેશ સાથે વૈષ્ણ્વ સંપ્રદાયે ભારતીય ધર્મ અને અધ્યાત્મ ચેતનામાં પ્રાણ પુર્યા. મધ્યકાળમાં શંકરાચાર્ય, રામાનુજ વલ્લભાચાર્ય, ચૈતન્ય, મીરાંબાઈ અને નરસિંહ મહેતા અને આધુનિક સમયમાં સહજાનંદ સ્વામી, પ્રભુપાદ ભક્તિવેદાંત વગેરે એ આ ચેતનાને વધારે બુલંદ કરી. જ્યારે બુદ્ધ અવતારે કોરિયા, જાપાન, તિબેટ અને અગ્નિએશિયામાં ધર્મ અને અધ્યાત્મના પાયા નાખ્યા.  એક પરંપરા પ્રમાણે જૈનોના પ્રથમ તિર્થંકર ઋષભદેવ વિષ્ણુનો અવતાર છે.

ટુંકમાં ભારતની, અને ખાસ કરીને તો ગુજરાતની, જે અસ્મિતા છે તેમાં વૈષ્ણવ અને જૈન ધર્મોનો ફાળો કોણ નકારી શકે ! મહામનવ મહાત્મા ગાંધી વૈષ્ણવ હતા.

સમુદ્રમંથન

ભગવાન વિષ્ણુનું અન્ય મહાન કાર્ય દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથનનું હતું. મહાભારત અને વિષ્ણુપુરાણની કથા પ્રમાણે શ્રમિત થયેલા દેવોને અમૃત પીવડાવીને ભગવાન નારાયણે નવી તાકાત અને સ્ફુર્તિ આપ્યાં હતાં  વળી ધન્વંતરીના હાથમાંથી અમૃતકુંભ લઈને દાનવો નાસી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈને દાનવોનો હેતુ સફળ થવા ન દીધો. પરિણામે દાનવોનો પરાજય થયો. આ રીતે આસુરી શક્તિને નિયંત્રિત કરી શકાઈ અને સમુદ્ર મંથનું કાર્ય સિદ્ધ થયું.

સમુદ્રમંથનમાંથી વિશ્વને નીચે મુજબની ભેટો મળીઃ

૧) કાલકૂટ વિષ – જેનું પાન કરવાથી શિવ નીલકંઠ કહેવાયા અને વિશ્વને નષ્ટ થતાં બચાવ્યું.

૨) સુરા

૩) ઉચ્ચૈશ્રવા – ઈંન્દ્રનો અશ્વ

૪) કૌસ્તુભ મણિ – વિષ્ણુનો શણગાર

૫) ચંદ્ર – શિવની જટાનો શણગાર

૬) ધન્વંતરી – આયુર્વેદ વિજ્ઞાનના પિતા

૭) શ્રી (લક્ષ્મી) – વિષ્ણુનાં પત્ની; માનવજાતની સુખાકારી અને કલ્યાણનાં માપદંડ

૮) કામધેનુ / સુરભી – દેવોની ગાય

૯) ઐરાવત – ઈંન્દ્રનો હાથી

૧૦) છત્ર – વરૂણનો શણગાર

૧૧) પારીજાત –  સ્વર્ગનું વૃક્ષ

૧૨) અપ્સરા

૧૩) કર્ણફૂલ – ઈન્દ્રએ જેને માતા અદિતીને ભેટ ધરી હતી

૧૪) સૂર્યનો અશ્વ

સમુદ્રમંથન વખતે એક અદ્‍ભૂત ઘટના બની. દેવો અને દાનવોને પાનો ચડાવવા વિષ્ણુએ શંખધ્વનિ કર્યો, જેમાંથી સાત સ્વર નીકળ્યા. ચૌદ મન્વંતરો આ સાત સુરોમાંથી નીકળતા તરંગોને આધારે જ પોતાનો કાર્ય કાળ સમાપ્ત કરે છે અને મન્વંતરોનું કાર્ય સિદ્ધ થાય છે. માનવજાત માટે ઉપકારક સંગીતના સાત સ્વરો પણ આ શંખધ્વનિમાંથી જ પ્રગટ્યા.

સૂર્ય પણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ લેખાય છે. તેથી શતપથ બ્રાહ્મણે તેની લક્ષણિક શૈલીમાં કહ્યું છે કે જ્યારે વિષ્ણુનો શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે છૂટું પડેલું મસ્તક આપણો સૂર્ય બની ગયો.

વેદોમાં સોમરસનું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. આ સોમ માનવજાતનો પોષક  છે અને વિષ્ણુનું જ સ્વરૂપ છે.

એ જ રીતે વેદોમાં એક પ્રશ્ન સુંદર રીતે પુછાયો છેઃ આ પૃથ્વીની અંતિમ સીમા ક્યાં છે? પૃથ્વીની નાભિ કઈ છે? યજુર્વેદ આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે યજ્ઞની વેદી જ પૃથ્વીની પરમ સીમા છે અને તે જ પૃથ્વી નાભિ છે. આ યજ્ઞ પણ વિષ્ણુનું જ સ્વરૂપ છે.

ભગવાન વિષ્ણુની કેટલીક અન્ય અવનવી લાક્ષણિકતાઓ

ભગવાન વિષ્ણુનાં પત્ની બનવાનું સૌભાગ્ય શ્રીલક્ષ્મી અને ભૂમિને છે. તેનાં ઉગ્ર પ્રતિવ્રત અને પવિત્રતાને લીધે તુલસીને પણ વિષ્ણુનાં પ્રિય પાત્ર બનવાનું સન્માન મળ્યું.

ભૃગુઋષિએ જ્યારે ત્રિમૂર્તિની પરીક્ષા લીધી ત્યારે બ્રહ્મા પોતાના અભિમાનને કારણે અને શિવ તેમના પાર્વતી સાથેના પ્રેમાલાપને કારણે ભૃગુઋષિની પરીક્ષામાં  નિષ્ફળ નીવડ્યા. વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરવા ઋષિએ તેમને છાતીમાં લાત મારી. તેમ છતાં, ભગવાને બહુ સાહજિક ભાવથી ઋષિને પડેલાં કષ્ટ બદલ તેમની ક્ષમા માગી. આમ, ત્રિમૂર્તિના શ્રેષ્ઠ દેવનું બિરૂદ વિષ્ણુ જીતી ગયા.

લોકોમાં સામાન્યપણે એક ભ્રામક માન્યતા છે કે વિષ્ણુ અને શિવ વચ્ચે મનમેળ નહોતો. સત્ય તો એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ બ્રહ્મશક્તિનાં ગત્યાત્મક પાસાં છે. ભગવાન શિવે જાહેર કર્યં હતું કે જો મારા બે કકડા કરવામાં આવે તો મારા હૃદયમાં વિષ્ણુ જોવા મળશે. ભગવાન વિષ્ણુએ દેવો સમક્ષ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તમે જે શિવતત્ત્વની ખોજમાં છો તે મારામાં લિંગરૂપે છે. શિવના તાંડવ નૃત્ય વખતે વિષ્ણુએ જ મૃદંગથી સાથ કરેલો.

વિષ્ણુની મૂર્તિઓ

આ મહાન દેવની ચતુર્ભુજ અને અષ્ટભુજ મૂર્તિઓ બનાવવાની વિશદ ચર્ચા પુરાણો, સમરાંગણ સૂત્રધાર અને વૈખાનસ આગમ જેવા ગ્રંથોમાં મળે છે. વિષ્ણુની ઊભી મુદ્રા અને શયન મુદ્રામાં મૂર્તિઓ કંડારવાનું વિધાન છે. તેમાં યોગ સ્થાનક, ભોગ સ્થાનક, વીર સ્થાનક અને અભિકારિકા સ્થાનક  પ્રકારની મૂર્તિઓ આવી જાય છે. ગરૂડાસન મૂર્તિઓ પણ એટલી જ પ્રચલિત છે. તેમના દસ અવતારોનાં સ્વરૂપોની મૂર્તિઓથી સમગ્ર હિન્દુસ્તાન પવિત્ર થયું છે.

વિષ્ણુની મૂર્તિઓના દરેક શણગાર અને આભુષણોનો આધ્યાત્મિક અને માનવજાત માટે કલ્યાણકારી અર્ઘ છે.  વિષ્ણુનો શ્યામ રંગ ઈશ્વરનું નિરંકારી સ્વરૂપ છે, જ્યારે શ્વેત રંગ અદ્વૈત ભાવ દર્શાવે છે. ગરૂડ વિષ્ણુની રક્ષા અને કમળ અલિપ્તતાનાં પ્રતિક છે. સુદર્શન ચક્ર વિષ્ણુનું કાળ પરનું નિયંત્રણ છતું કરે છે. શંખ આયુષ્ય અને ગદા બુદ્ધિનાં  પ્રતીક છે. કૌસ્તુભમણિ આત્માની જ્યોતિ છે. તો વૈજયંતીમાળા[1] પંચમહાભૂતની દ્યોતક છે. યજ્ઞોપવિત પ્રણવનું ચિહ્ન છે, જ્યારે શ્રીવત્સ પ્રકૃતિ, ઉપાધી અને સ્થિતિ દર્શાવે છે. ધનુષ પાંચ ઈન્દ્રિઓનો નિગ્રહ અને પીતવસ્ત્ર ત્યાગ બતાવે છે. શાલીગ્રામ પથ્થર શરીરનાં ઓજનું પ્રતીક છે.

સમાપનમાં …

દરેક વૈષ્ણવ ભક્ત વિષ્ણુના પરમ ભક્ત ધ્રુવ અને પ્રહલાદ બનવાની અદમ્ય આકાંક્ષા સેવે છે. તેઓનાં મુખે વિષ્ણુનાં સહસ્ત્ર નામોનું રટણ અવિરત ચાલતું રહે છે. આપણે પણ નારાયણને સ્મરીએઃ

करार विन्दे न पदार विन्दं , मुख़ार विन्दे विनये शयन्तम ||
वटस्य पत्रस्य पुटे शयानम, बालं मुकुन्दं मनसा स्मरामि ||


[1] આ માળામાં પંચમહાભૂત – પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ – નાં પ્રતિનિધિ એવા, અનુક્રમે, નીલમ, મોતી, માણેક, પોખરાજ અને હીરો એ પાંચ મણિ હતાં.


હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ત્રિમૂર્તિના અધિનાયક – ભગવાન સદાશિવ ની   વાત કરીશું


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.