સંકલન કર્તાઃ  દેવિકા ધ્રુવ

વિડીયો સૌજન્યઃ ભૌમિન મહેતા

કોમ્પ્યુટરના આકાશમાં ‘વેબ’ની રંગબેરંગી પાંખો લઈને વિશ્વભરમાં ઊડતાં, ઝુમતાં, નાચતાં, ગાતાં,

એકમેકની સાથે સંધાતાં અને બંધાતાં  ગુજરાતી ભાઈ-બહેનોનો  મહામૂલો દિવસ છેઃ ૨૪  ઑગષ્ટ 

વિશ્વગુજરાતી દિન માટે ખાસ….ગુજરાતી તરીકે ગૌરવભેર….

માત્ર ગુજરાત કે ગુજરાતી વિશેની જ  પદ્ય-પંક્તિ કે શેરની અંતાક્ષરી…

ભાગ લેનારઃ

પ્રકાશ મજમુદાર,નીતિન વ્યાસ, મનોજ મહેતા,
ફતેહ અલી ચતુર,દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ.. 

 

https://youtu.be/_OR61LTsVII?si=LshWxSpzgorb6dwZ

૧.
ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉદ્યમ પ્રીત. ખબરદાર

૨.
તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
પણ તૂટ્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત. મનીષ ભટ્ટ

૩.
તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
નવા યુગોના રંગથી નવી નવી તું ભાત કર. રસિક મેઘાણી

૪.
રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત, અમારી રઢિયાળી ગુજરાત! માધવ ચૌધરી

૫.
તારામઢી સપના સજી આ રાત છે,ગુજરાત છે,
એ આંગણું પાવન થયાની વાત છે,ગુજરાત છે. હરદ્વાર ગોસ્વામી

૬.
છોછ કશો ના નડે મને, એ મારું સ્વાભિમાન
ધર્મ-કર્મના ભ્રમો ભેદી, ઉન્નત કરૂં ઉડાન
ગુર્જર ગાથા થશે પછીથી, દેશ-વિદેશે ગવાતી,
હું ગ્લોબલ ગુજરાતી. યોસેફ મેકવાન

૭.
તવ તીર સિંધુતરંગ મંડિત, ગાનથી ઘરકુંજ રી
તવ શસ્ય પલ્લવ પુંજ રી, જય હે જયતુ, જયગુર્જરી. રાજેન્દ્ર શાહ

૮.
રમે અન્ય સખીઓ થકી દઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી. ઉ.જોશી

૯.
તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
નાત-જાત-ભાત તારી કોઈ પણ હજો,
ખભેખભા મિલાવીને, ફંદ સૌ ફગાવીને
માદરે વતનને કાજ, જંગમાં ખપી જજો. ઉ.જોશી

૧૦.
જય સોમનાથ, જય દ્વારકેશ,જય બોલો વિશ્વના નાથની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… રમેશ ગુપ્તા

૧૧.
નરસી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે,
જીંદાદિલીથી છલછલોછલ જાત છે,ગુજરાત છે. હરદ્વાર ગોસ્વામી

૧૨.
છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત.. દેવિકા ધ્રુવ

૧૩.
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત. નર્મદ

૧૪.
તારે ક્યારે કૈંક દુલારે દિલના શોણિત પાયાં.
પુત્રવિજોગી માતાઓનાં નયન-ઝરણ ઠલવાયાં.
ઝંડા અજર અમર રે’જે, વધ વધ આકાશે જાજે. ઝવેરચન્દ મેઘાણી.

૧૫.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. ખબરદાર

૧૬.
તું વિદ્યા છે, તું જ ધર્મ છે,
તું અમ હ્રદય અને તું મર્મ છે.
તું અમ દેહ તણો છે પ્રાણ,
વંદન કરું તુજને હે માત. ગોવર્ધન દવે

૧૭.
તમે ગુજરાતી અમે ગુજરાતી, આપણે સૌ ગુજરાતી,
બાર ગામે બોલી બદલે, તોય બધા ગુજરાતી. હર્ષદ રવેશિયા

૧૮.
તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો હું તો, છેલ છબીલો ગુજરાતી..
હું છેલ છબીલો ગુજરાતી.. અવિનાશ વ્યાસ

૧૯.
તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠા ટાબરિયાં
તારા ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વિસરિયાં
ઝંડા કામણ શા કરિયાં,
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં……….. ઝવેરચંદ મેઘાણી
ય… ય નો અ કરવાની છૂટ છે..

૨૦.
એકવાર સત્યના ચરખાને કાંતી તો જો,
અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
સાબરનો આરો ને તાપી કિનારો,
ગુજરાતની ગરિમાને ગાઇ તો જો. દેવિકા ધ્રુવ

૨૧.
તો હવે ‘જ’ નો ‘ઝ’ થાય ને? !!
ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત. મનીષ ભટ્ટ

૨૨.
તું પ્રેમ-દીપ બાળવા વદન વદનથી વાત કર.
તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
તું વિશ્વ-ગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર . રસિક મેઘાણી.

૨૩.
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
જય દયાનંદ જય પ્રેમાનંદ, જય બોલો બહુચરમાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …યશગાથા ગુજરાતની.. રમેશ ગુપ્તા

૨૪.
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. ઝવેરચંદ મેઘાણી

૨૫.
છલકાતી એક-એક અગાસી,ઉપર જામ્યો રંગ
આજ ગગનમાં પતંગ ઊડે, મનમાં ઉમટે ઉમંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો, ઊડે રે પતંગ ગુજરાતનો. રઈશ મણીઆર

૨૬.
નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
નવી સવારે નવું કિરણ લઇ આવ્યું નવલી વાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત કૃષ્ણ દવે.

૨૭.
તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર, અવિનાશ વ્યાસ.

૨૮.
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવર્ણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. ઝ.મે.

૨૯.
વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની. શૂન્ય પાલનપૂરી.

૩૦.
નક્કી એક દિન આવશે એવો, જહાં જ્યારે ચકિત થાશે
અમારી કિર્તીગાથાઓ તણાં ગૌરવ ગીતો ગાશે.
અમારી આત્મશ્રદ્ધાથી જગાવીશું નવો પલ્ટો,
જહાંના પંથથી ન્યારો નવો રસ્તો રચાવીશું. કવિ રવિ ઉપાધ્યાય

૩૧.
શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની. શૂન્ય પાલનપુરી

૩૨.
ન તો હું કહું છું, ન ગુજરાત કે’છે, સૌ દેશવાસીનો છે આ અવાજ,
ભારતની અર્થ વ્યવસ્થાનું સુકાન, ગુજરાતીને હાથ, કે’છે આ અવાજ,
દરિયા ખેડી, દરિયા તરી, અવકાશે યાત્રા કરે છે એ આ પ્રજા,
‘સહુના સાથ સહુના વિકાસ’ માટે, ગુજરાતીનો રણકે છે આ અવાજ.
-મનોજ મહેતા

૩૩.
જય હે જય ગુજરાત! તને હો વંદન અપરંપાર
મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર
તને હો વંદન અપરંપાર,જય હે જય ગુજરાત. વિનોદ જોશી

૩૪.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત. નર્મદ

૩૫.
તને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં.
હર પળે, ને હર જગે, આ શિર નમે તુજને ગુજરાત. શૈલા મુનશા

૩૬.

ત્યાં લોખંડી નર એક સૂત્રમાં ગૂંથે પ્રાંતેપ્રાંત..
ત્યાં એક વૈશ્વજન કહેવાયા, સમગ્ર રાષ્ટ્રના તાત
અહો, તે તો છે ગુજરાત.. તે તો છે ગુજરાત.. પ્રીતિબહેન સેનગુપ્તા

તે તો છે ગુજરાત.. અમારી ગુણવંતી ગુજરાત.
અમારી ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત. અમારી ગુણવંતી ગુજરાત.