તારી વાત..મારી વાત..
નીલમ હરીશ દોશી
કર્મકી શાખા કો હિલાના હોગા,
ન હોગા કુછ કોસને સે અંધેરે કો,
અપને હિસ્સે કા દિયા ખુદ હી જલાના હોગા
પ્રિય સખા,
કાલે તારો ઇ મેઇલ મને મળ્યો. દોસ્ત, તારી ફરિયાદ મારા સર આંખો પર.તેં તારા ઇ મેઇલમાં મને ફરિયાદ કરી છે કે હું રોજ રોજ પ્રાર્થના કરું છું. પણ તું મારી વાત સાંભળતો જ નથી. મારી કોઇ માગણી તું પૂરી કરતો જ નથી. તું શું બહેરો છે ?
તારો આક્રોશ કદાચ તારી દ્રષ્ટિએ વ્યાજબી હશે. પણ દોસ્ત, તું જરા મારો વિચાર કરીશ તો તને સાચી વાત સમજાશે.
દોસ્ત, મને એક વાતનો જવાબ આપ. રોજ રોજ તારે ઘેર અનેક લોકો આવે, જાતજાતની વાતો કરે તો દોસ્ત, સાચું કહે તને એમાંથી શું અને કેટલું યાદ રહે ?
દોસ્ત, તને ખબર છે જ કે મારી પાસે પણ રોજ હજારો લોકો જાતજાતની માગણી લઇને આવે છે.દરેકની ઇ્ચ્છાઓને યાદ રાખવી ન પડે એથી હું તમારા દરેકની ભીતરમાં જ અડ્ડો જમાવીને બેઠો છું. પણ દોસ્ત, તું એ વાત તો સમૂળગી ભૂલી જ ગયો છે અને મને ખોટી જગ્યાએ શોધતો ફર્યા કરે છે. જયાં હું હૌઉ જ નહીં ત્યાં તું પ્રાર્થના કરે, કોઇ માગણી કરે તો એ મારા સુધી કેવી રીતે પહોંચી શકે ? હું તારી ભીતર જ છું પણ તું તારી ભીતર ઝાંકવાની તકલીફ તો લેતો જ નથી. હું કદીક ઝીણા રવે તને કહેવાનો પ્રયાસ કરું છું પણ તેં તારી આસપાસ કેટલો કોલાહલ જમા કર્યો છે કે મારો સાદ દોસ્ત, તને સંભળાતો જ નથી. બોલ, હવે દોષ કોનો ? ફરિયાદ કોણે કરવી જોઇએ ?
જો તું તારા પોતાના આત્માનું સાંભળે, સમજે અને સાચી દિશામાં પ્રયત્ન કરે તો ચોક્કસ તારી બધી માગણીઓ પૂરી થશે જ. બની શકે તારી માગણીઓનો પ્રકાર પણ બદલાઇ જાય. બાકી જે જગ્યાએ હું છું જ નહીં, એવા તેં બનાવેલા ભવ્ય મંદિરોમાં તું કલાકો બેસી રહે અને પ્રાર્થના કરે કે મારા પરિવારનું દુઃખ દૂર કરો તો કંઈ થશે નહિ. હકીકતે તારા દુઃખ માટે તારે પોતે જ કાર્યરત થવું પડશે અને તું જયારે સાચા દિલથી, પૂરી પ્રામાણિકતાથી થાકયા સિવાય પ્રયત્ન, પરિશ્રમ કરતો રહીશ ત્યારે તારી ભીતરમાં બેસેલો હું તને જરૂર મદદ કરતો રહીશ. દોસ્ત, જે સ્વયંને મદદ નથી કરી શકતો એને હું પણ મદદ નથી કરી શકતો. દોસ્ત, આશા રાખું છું તું મારી વાત સમજી શકીશ. અને ભીતરનો અવાજ સાંભળવા માટે બહારનો કોલાહલ થોડો ઓછો કરવો પડશે. દ્રષ્ટિ થોડી ભીતર તરફ વાળવી પડશે.ત્યારે જ તું અંદરનો અવાજ સાંભળી શકશે.
લિ. ઇશ્વરના સ્નેહ સ્મરણ
ચપટી ઉજાસ…
સહુથી મહાન ઇરાદા કરતા સહુથી નાનું શુભ કાર્ય વધારે મહત્વનું છે.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
