કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
માત્ર હું એક જ નહીં, પણ છાતી માથે હાથ રાખીને જવાબ આપવાનું કહેવામાં આવે તો જાત મહેનત કરી, ખેતી ને આરાધ્યદેવ માની ગુજરાન ચલાવવાની મહેનત લઇ રહેલા બધા જ ખેડૂતો ચોક્કસપણે એવો જવાબ આપવાના કે “ખેતી” હવે કરવા જેવો ધંધો રહ્યો નથી.આ ધંધામાં હવે બાર સાંધીએ ત્યાં તેર તૂટે છે. કુટુંબનું ભરણ-પોષણ પણ ઠીક રીતે થઇ શકતું નથી.
આનો અર્થ શું આપણે એવો કરશું કે સૌરાષ્ટ્રના ખેડૂતો મહેનત કરવામાં થાકી ગયા છે ? ના, એવું બિલકૂલ નથી. એના શરીરની સરખાઇ અને ખડતલતાને હિસાબે રાત-દિવસ કે ટાઢ-તડકો જોયા વિના કાળજાતૂટ મહેનત કરવામાં કદિ પણ પાછા પડતા નથી. તો પછી શું ખેતી અંગેનું એનું જ્ઞાન બૂઠું થઇ ગયું ? કે બીજા બધા ક્ષેત્રોની જેમ ખેતીનું વિજ્ઞાન શું એની ભેર નથી કરી રહ્યું ? એની ખેતી કેમ ખાડે જવા લાગી છે ?
ખેતી ખાડે જવાના કારણો કયા છે ? =
આમ ગણો તો એવું એ નથી કાંઇ ! સૌરાષ્ટ્રના તળમાંથી પાણી ભલે ઘટ્યા, બાકી સૌરાષ્ટ્રના ખેડૂતોના પાણી હજુ ઉતર્યા નથી. તેની આગવી સૂઝ અને ખેતીની રોજ-બ-રોજની સમસ્યાઓના ઉકેલ માટેની હૈયા ઉકલતે ખેતીના નવા વિજ્ઞાનની અમલવારીથી વચ્ચે એક સમય એવો ઉભો કરી દીધો હતો કે ભલભલા ઉદ્યોગકારો પણ ખેતીનો ધંધો કરવા લલચાયા હતા.[ જોકે ઉદ્યોગકારોતો આજે પણ આડેધડ મોંધી કિંમતો આપીને જમીનો ખરીદી રહ્યા છે પણ એમનો હેતુ ખેતી કરવાનો નહીં, પાંચ-પંદર દાડે એ મિલ્કતની કિંમત વધે એટલે ફુંકી મારી પૈસા રળી લેવા માત્રનો હોય છે] નવા બિયારણો, અદ્યતન ઓજારો, સંરક્ષણના ઉપાયો અને છોડ-ઝાડના ખોરાક માટે ખાતર-પાણી-તમામ પ્રશ્નોમાં દિલ દઇને એવી તો મહેનત લેવાણી કે ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાણી ! બજારભાવો પણ તે સમયે પ્રમાણમાં ઠીક મળ્યા.એટલે ખેતી કરતા કુટુંબોમાં શરીર ઉપર ઉજળા કપડાં અને પ્રસંગોની ઉજવણીમાં રોંનક દેખાવા લાગી. ગાર-માટીના છાપરાંને ઠેકાણે બેંગલોરી નળિયાં અને સિમેંટ કોંક્રેટના સ્લેબ છવાયા.
ગામડામાં રહી ખેતી કરે એટલે એને શું મનોરંજનના સાધનો કે ધર વપરાશની અદ્યતન સગવડો અને અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુઓની ઇચ્છા ન થાય ? કમાયા તેમાંથી ઘરઘંટી, કૂલર કે ફ્રીજ જેવા સાધનો ઘેર ઘેર જોવા મળવા લાગ્યા.ટ્રેકટર ખેડૂતનું ગાડું બન્યું.અને મોટરસાયકલ પ્રવાસ માટેનું વાહન નિમાયું. છોકરા ભણતા થયા અને સારે ઠેકાણે વરતા થયા. સોળે કળાએ ગામડાંમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિના આગમનના એંધાણ દેખાવાની શરૂઆત થઇ ત્યાં કોણજાણે કેમ કોઇની ભારે નજર પડી ગઇ હોય તેમ એવી રીતના એ પૂરના પાણી ઓસરવા લાગ્યા કે ઘટી ઘટીને આજે સાવ ઢેફે જઇ ઊભા રહી ગયા છે.’ખેતી’એ તો જાણે ખેડૂત માથે લોઢાને પાયે બેઠેલી પનોતી હોય તેમ રાક્ષસ બની ખેડૂતોને ભરખી રહી છે.
આમ કેમ બન્યું હશે ?
આજે ગામડાંઓમાં ખેડૂતોના ઘર દીઠ બે જણા, બન્ને બુઢ્ઢા,દાદા અને દાદી ઘર અને મિલ્કત એ અવાવરુ નહીં થવા દેવાના ઇરાદે સંકોડાઇને પડ્યા છે.કારણ કે ખેતીમાં તો છેલ્લા કેટલાય વરસોથી માત્ર નાખ્યા કરવાનું રહ્યું છે.લેવાનું કશું જ આવતું નથી. ખર્ચનો પાર નથી અને ઉપજમાં કાંઇ વળતું નથી. ખેતીમાં મજૂરી કરતા મજૂરને પણ ભીગીદારીથી ખેડૂતની જમીન સંભાળી હોય તો તેનેય ભાગમાં કંઇસુઝે નહીં,એટલે તેને રાત લઇને ભાગી જવાનો વારો આવતો હોય ત્યાં ખેડૂત પોતેય ભાળે શું ?
ખાતર, બિયારણ, દવાઓ, ડીઝલ, ક્રુડ, મજૂરી બધામાં મોંઘવારી ફાટી નીકળી, અને ખેડૂતે પકવેલ માલના કોઇ ધણી નહીં ! એમાંએ વૈશ્વિક બજારો ખુલ્લા થયા પછી કપાસ, ડુંગળી, બટેટા કે મોસંબી, ઘઉં, ગમે તે માલ પકાવો,-નાખી દેવાના જ ભાવ મળે ! ખેડૂત કરે શું ? નવલોહિયા જુવાનિયાઓને મા-બાપ જ કોઇ બીજા ધંધે શહેર ભણી ધકેલી દે છે. ન ધકેલે તો કુટુંબ ખાય પણ શું ? વાતેય સાચી છે. કહેવાય ભલે ખેડૂત “જગતનો તાત !” પણ તાતના છોકરાનો સંબંધ કરવો હોય, અને “ગામડામાં રહી ખેતી સંભાળે છે” તેમ કહો એટલે કોઇ કન્યા દેવા તૈયાર નથી. આ સ્થિતિ છે જગતના તાતની ! ભૂક્યા,દુખ્યા ને વાંઢા ફરવાની !
તમે માનશો ? કેટલાક ભણેલા ગણેલા અને લાંબુ આયોજન કરી ખેતીને પાયાનો અને આદર્શ ધંધો માની, આમાંથી જ પ્રમાણિક રોટલો રળવા, આને જ આરાધ્યદેવ માની, એક ધૂન લઇ લાગી પડેલા તેવા પ્રયોગશીલ ખેડૂતો પણ આજે મુંજવણમાં મૂકાઇ ગયા છે, અને વિચારતા થઇ ગયા છે કે “આપણે ક્યાંક ખોટા માર્ગે તો નથી ચડી ગયાને ?”
તો મિત્રો ! આવું કેમ બન્યું ? વરસોથી ખેતી કરતા અને બધી બાબતોનો વિચાર અને આયોજન પૂર્વકની ગણતરી વાળી ખેતી કરનારા સૌને એકજ પ્રકારનો એહસાસ થવાનો કે ………
વરસાદની અનિયમિતતા, ખેત ઉપયોગી જણસોમાં અસહ્ય ભાવવધારો, રાજ્યની કોઇપણ જાતની વ્યાજબી સેંસરશીપ વિના આડેધડ ફાટી નીકળેલા અનેકવિધ બિયારણો, મોંઘી થઇ ગયેલી મજૂરી, વીઝળી આપવામાં દેવાતા દાંડિયાં અને સૌથી મોટું કારણ ખેડૂતોમાં સંગઠનની કચાશ. અને પરિણામ ? પરિણામ-ખેતી એક થઇ ગયેલ ખોખલું ગાડું ! આ બધા ઉડીને આંખે વળગે એવાં કારણો ખેતીની કેડ ભાંગી નાખનારાં બહારવટિયા બની ખેડૂતોની સામે આવી ગયા છે.
અપણે કબૂલ પણ કરવું પડશે કે =
[૧] આપણે ખેડૂતોએ એટલી વાત જરૂર કબૂલવી પડશે કે “અતિ લોભ પાપનું મૂળ છે” એ સુત્ર આપણે ભૂલી ગયા અને વધુ ઉત્પાદનની લ્હાયમાં રાસાયણિક. ખાતર વાપરવાનો વિવેક છાંડી જઇ થેલીઓ મોઢે ઠાલવ્યા. જંતુનાશક દવાઓ જોયતા પૂરતી વાપરવાને બદલે ટીમણાંમોઢે રેડી છોડવાને ધમાર્યા અને નીચે જમીનને પણ ઝેરીલી દવાઓમાં રગદોળી ! ઉત્તેજના આપતા હોર્મોંસ છોડવે છોડવે પ્રસરાવ્યા અને પાતાળની નાડ્યુ ચૂસી ચૂસી મોળાં, ભાંભળા, ખારાં,કડવાં અને ઉના ફળફળતાં-જેવા હાથલાગ્યા એવાં પ્રવાહી [પાણી નહીં ! ] પૃથ્વીના ઉપલા જીવંત અને ફળદ્રુપ-ઉત્પાદક એવા ઉમદા પડ ઉપર ધબેડ્યે રાખ્યા.જેથી “જમીન” જમીન મટી એક નિર્જીવ ચોતરો બની ગઇ. હવે ગમે તેટલા રા. ખાતરો ઉમેરીએ તો પણ છોડવાઓ એનો જવાબ આપતાં બંધ થઇ ગયા છે. ગમે તેટલા જંતુનાશકો છાંટીએ તો પણ નુકશાનકારક જીવાતો હટતી નથી. પાણી,રા.ખાતર કે જંતુનાશક રસાયણો-કશાનો લગીરેય સાનુકૂળ પ્રતિભાવ મળતો નથી.
[૨] જે પાક એકાદ-બેવાર ઠીક પાક્યો એની પાછળ આપણે પડી ગયા.પછી તે ડુંગળી હોય કે કપાસ ! ચારે શેઢા બસ એનું જ વાવેતર ! શેઢામોસમ પણ એની જ ! એવી ‘એકપાકી’ પધ્ધતિના લાગલગાટ વાવેતર પર ઉતરી જઇ આપણા હાથે જ આપણા પગમાં કૂહાડો ઝીંક્યો હોય તેવું નથી લાગતું ?
લગાતાર વવાતા એકનાએક પાકના હિસાબે એને ભાવતા તત્વો તે જમીનમાંથી ખુટવાડી દે. અને એ પાક જેને ખૂબ ભાવે છે તેવા બધા જંતુઓ અને રોગો તેના મામા-માસીના બધા સગા-સહોદરને તેડાવી, અહીં ધામા નાખી દે ! આમાંથી જ પાકસંરક્ષણની અને પોષણતૂટની આ મોંકાણો સર્જાણી હોય એ વાત શું ખરી નથી ?
તમે જૂઓ ! ખેતીના ઉત્પાદન અને એના ખર્ચનો મેળ ઊંધો ઉતરવા લાગ્યો છે. આવક કરતા ખર્ચ વધવા લાગ્યો છે. પરિણામે ખેડૂત માથે દેવું વધતું જાય છે. વ્યાજની ઝડપને ઘોડાએ આંબતાં નથી ! ભીખ માગવાનો તો ખેડૂતનો સ્વભાવ નથી. એટલે બાવા થઇ માગી ખાવાનો કોઇને વિચાર સુધ્ધાં આવતો નથી. પણ આ બધાનો અંત આ સિવાય નહીં આવે તેવું ગણિત કરી ‘આપઘાત’કરવાના આરંભ થઇ ચૂક્યા છે. ઉકેલો ઝડપથી શોધવા પડશે.
હવે કરવાનું શું ? “
જમીન પરની ખેતી” અને “દરિયા પરની ખેતી” એ બે જ પાયાના ઉદ્યોગ ગણાય. આવા કરોડરજ્જુ સમાન ઉદ્યોગમાં નહીં નહીં તોય ગુજરાત રાજ્યમાં 65 થી 68 ટકા લોકો ખેતી અને એને સંલગ્ન ધંધાઓમાંથી આજીવિકા મેળવે છે. આ ધંધાને જે કારમી થપાટ લાગી રહી છે, તેમાંથી તેને ઉગારી નહીં લઈએ તો તે ઘરડા બળદની જેમ પૂંછલે પડી જશે. પછી બહુ બધા મળી ડીંગડાં લઈ ઊભો કરવા બળ કરશું તોયે તે ઊભો થઈ ડગ માંડશે કે નહીં, તે કહી શકાય તેવું નથી.
[૧]…..સૌથી પહેલી વાત-ખેતીમાં ખર્ચ ઘટાડવો પડશે. જ્યાં કરકસર થઈ શકે તેમ હોય ત્યાં ભૂલ્યા વિના કરીએ. જ્યાં ખર્ચમાં કાપ મૂકી શકાય તેમ હોય ત્યાં મૂકીએ. ખર્ચ કરવામાં થોડા કઠ્ઠણ બની જઈએ. ઉત્પાદન થોડું ઓછું આવે તો કુરબાન, પણ ખર્ચ તો ઘટાડવો જ પડશે !
[૨]……પાકની એવી જાતો પસંદ કરીએ કે જે પ્રમાણમાં ખોરાક અને પાણી બન્ને ઓછાં માગે. તેની કોઇ લક્ઝરિયસ જરૂરિયાતો ન હોય. જે કાંઇ સહેજે ઉપલબ્ધ હોય તેનાથી ચલાવી લે તેવા જ પાકો પસંદ કરીએ.
[૩]……..રાસાયણિક ખાતરોનો ખૂબ જ વિવેકસભર ઉપયોગ કરીએ.અરે ! ખૂબ જ ઓછી માત્રામાં, એક અનિવાર્ય અનિષ્ટ તરીકે સમજીને જ ચાલીએ.
[૪]……..પાકના સંરક્ષણ અર્થે વપરાતી રાસાયણિક દવાઓ સદંતર બંધ કરી જૈવિક દવાઓ ભણી વળવું પડશે. કુદરત દ્વારા આપમેળે થઈ રહેલી જીવાત-સમતુલા પદ્ધતિમાં શ્રદ્ધા રાખી ધીરજ ધરવી પડશે.
[૫]………ભલે થોડું ઓછું ઉત્પાદન આવે પણ પોતાના શરીરને રોગ સામે ટક્કર લઈ અડીખમ રાખી શકે તેવી, પર્યાવરણને સાનુકૂળ થઈ જીવી જાણનારી જાતોનાં બિયારણ શોધવાં પડશે. એનો વ્યાપ વધારવો પડશે.
[૬]……..હવામાં ભમતા નાઈટ્રોજનને પકડી મૂળિયાંમાં ભેળો કરનાર અને જમીનમાં જકડાઇને પડી રહેલ ફોસ્ફરસને છોડ ખાઇ શકે તેવા સ્વરૂપમાં ફેરવનાર કુદરતના કીમિયાગર [જૈવિક ખાતર] બેક્ટેરિયાના મામૂલી કિંમતે મળતાં નાનાં એવાં પડીકાં અને પ્રવાહી બોટલોનો વપરાશ- થેલીબંધ તત્વોનો ઉમેરો કરવાની તાકાત ધરાવે છે. આપણે તેનો સાથ લેવાનો શરૂ કરીએ.
[૭]……જમીનને જીવતી રાખવા, તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતા કાયમી રીતે ટકાવી રાખવા જેમ બને તેમ સેંદ્રીય ખાતરો વધુ વાપરતા થઈએ. સાંઠી, તલહરા, કુંવળ,પરાળ, પાંદડાં, ઓગાહ, કુણાં કાંટા સહિતનો ખેત-કચરો “ક્યારેય સળગાવશું નહીં” એવા શપથ લેવા પડશે. તેને કરડી,મરડી, ભાંગી-ભુક્કો કરી, માલઢોરના છાણ-પેશાબ તથા માટીમાં રગદોળી-સેડવી દઈ, વધુ દેશી ખાતર જાતે બનાવવાની મહેનત લેવી પડશે.
[૮]……..મોસમી પાકોની સાથે કેટલાક પર્યાવરણીય વૃક્ષ પાકોને ભેરુ બનાવી ઉત્પાદનમાં અને વરસાદી માહોલ તૈયાર કરવા માટે મદદે લેવા પડશે.
[૯] …..મગફળી અને કપાસ જેવી એકમાર્ગી પદ્ધત્તિને બદલે મિશ્રપાક પદ્ધત્તિ અને પાકની ફેરબદલીનું ચક્ર ગોઠવવી ચુસ્તપણે અમલ કરવો પડશે.
[૧૦] …..અત્યાર સુધી ઘણું “રેળ” પાયું ! હવે તો પાણીનો કરકસરપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ કરનારી પદ્ધત્તિઓ સિવાયની બીજીને રજા દેવી પડશે.
[૧૧]………વરસાદી પાણીને વહી જતું રોકી જમીનમાં ઉતારશું, પણ પાછા ઊંડા દાર વાટે નીચેના ખરાબ તળમાં વહી ન જાય, કે નીચેના ખરાબ તળનું પાણી ઉપર આવી મીઠા તળમાં ભેગા કરેલા પાણીને બગાડી ન જાય માટે માપથી વધુ ઊંડા દાર-બોર છે તેને બૂરીને સીલ કરી દેવાનું વિચારવું પડશે.
[૧૨] ….જેના થકી ખેતી વ્યવસાય ઉજળો છે એવું પશુપાલન અને એમાંય તે “ગાય-પાલન” કે જે ખેતીપાકોની મુખ્યપેદાશની સાથોસાથ ફરજિયાત રીતે પ્રાપ્ત થતાં ગૌણપેદાશ રૂપી પાંદડી, ડાંખળી, પરાળ, કુંવળ, કડબ, ઘાસ-પૂસ અને પાલા જેવી ચીજોને ખોરાક બનાવી દૂધ, ગોબર, ગૌમુત્ર અને ધીંગાધોરી [બળદ] ની ભેટ ધરનાર “ગાય” નો સાથ કદિ ન છોડીએ.
આ બધાના પરિણામે વાતાવરણ પ્રદુષણમુક્ત બને, ખેતી ચિરંજીવ બની રહે, કૃષિમાંથી ઉત્પન્ન થતો માલ ઝેરી રસાયણોથી મુક્ત અને સાત્વિક હોય તેવો તૈયાર થાય, તો તેને વાપરનારા પણ સુખી થાય, એ હવે આપણું લક્ષ બનશે ત્યારે ખેતી વ્યવસાયમાં ફરી પ્રાણ પુરાશે.
ખેતી ખાડે નાખવામાં કેટલાક કુદરતી અને બાકીનાં બધાં માનવસર્જિત-બન્ને પ્રકારના પરિબળો કારણભૂત બન્યાં છે. એની ચર્ચા ગમે તેટલી કરીએ, નિવેડો તો જ આવે કે ખેતી-પરિસ્થિતિમાં જે સમય બદલાયો છે તેને ઓળખી લઈએ, જે વળાંક આવ્યો છે તેને બરાબર પારખી લઈએ. કહોને સમયની રૂખને જાણી લઈએ અને તેમાંથી સીધો અને સરળ જે રસ્તો દેખાય એને નજર સમક્ષ રાખી આપણાં ખેત-આયોજનો અને કાર્યક્રમોમાં ફેરફારો શરૂ કરીએ. જો થોડાકેય મોડા પડ્યા તો મહા મોંઘવારી અને વિશ્વીકરણ-વ્યાપારના આ ઘોડાપૂરમાં ક્યારે ઓવાળે ચડી જઈશું તેની ખબર ખુદ આપણનેય રહેશે નહીં !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
