છેલ્લા કેટલાય સમયથી કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI) ચોરે અને ચૌટે ચર્ચાની એરણે છે. ‘ભૂમિપુત્ર’માં આ વિષય પર બહુ જ માહિતીપ્રદ અને રસપ્રદ ચર્ચાશ્રેણીની રજુઆત ઓગસ્ટ ૨૦૨૩થી કરવામાં આવી છે.

અહીં તેને પ્રકાશિત કરીને આપણે આ નવી ટેક્નોલોજિના સામાન્યથી માંડીને માનવ જીવનની દિશા ફેરવી નાખી શકનારા ફાયદા અને જોખમોથી અવગત થઈએ.

સમય અને સ્થાનની મર્યાદાને કારણે અર્થવ્યવસ્થા અને રોજગાર, કૃષિ અને ખોરાક, પર્યાવરણ, કેળવણી, નિયમન, ન્યાય જેવા મહત્ત્વના વિષયોની છણાવટ સામેલ તેમાં સામેલ નથી કરી શકાઈ. વેબ ગુર્જરીના જે કોઈ વાચકો આ વિશે માહિતી મેળવી શકે તેને અહીં વહેંચવા આમંત્રણ છે.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી


કપિલ શાહ

કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI) ચર્ચાની એરણે છે. સોશિયલ મીડિઆ અને કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી સાથે જોડાયેલ વ્યવસાયકારો સ્વાભાવિકપણે તેમાં ખૂબ મોટી તકો જુએ છે. વિજ્ઞાનીઓના અભિપ્રાયોમાં બે ભાગ પડેલા છે, પણ ઇતિહાસકારો, તત્ત્વજ્ઞાનીઓ, સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશશાસ્ત્રીઓ ભારે મોટી ચિંતામાં છે. એમ કહેવાય છે કે ૨૦૩૫ સુધીમાં એકતાલીસ માનવબુદ્ધિ કરતાં પણ વધુ કાર્યક્ષમતાથી કામ કરતું થઈ જશે! આ બાબત જેટલી સંભાવનાઓથી ભરેલી છે, તેનાથી વધુ જોખમી લાગે છે.

કૃત્રિમ બુદ્ધિના પિતા ગણાતા ડૉ.હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપીને ચેતવણીનો સૂર છેડ્યો છે. ગયા માર્ચ માસમાં એક જાહેરપત્ર પ્રસારિત કરવામાં આવ્યો, જેમાં વિશ્વની સરકારોને અપીલ કરવામાં આવી કે કૃત્રિમ બુદ્ધિજન્ય ટેક્નોલોજીનું તાત્કાલિક નિયમન કરવામાં આવે અને આગામી છ માસ માટે આવી ટેક્નોલોજીને પ્રજા સમક્ષ રજૂ ન કરવામાં આવે.

આ પત્રમાં જાણીતા વિચારક યુવાલ નોઆ હરારી, ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને ડૉ.હિન્ટન જેવા લગભગ ૩૩૦૦૦ વિશ્વવિખ્યાત વિચારકો, ઇતિહાસવિદો, વિજ્ઞાનીઓ, વ્યાવસાયિકો, તત્ત્વજ્ઞાનીઓ અને ટેક્નોક્રેટ્સે મળી લોકોએ સહી કરી છે! જ્યારે ટેક્નોલોજીને વિકસાવનાર જ તેની પર એક પ્રકારની રોક લગાવવાની અપીલ કરે ત્યારે “કલબ ઓફ રોમ’નું ‘Limit to Growth’ યાદ આવે! એટમબોમ્બના શોધક ઓપન હાઈમર યાદ આવે. ગાંધીજીનો યંત્ર-વિવેક યાદ આવે!

વિનોબા કહેતા,

વિજ્ઞાનન+અધ્યાત્મ = સર્વોદય;

વિજ્ઞાન+હિંસા = સર્વનાશ!

કૃત્રિમ બુદ્ધિની સંભાવનાઓ માણસજાતનો સંહાર કરવાથી માંડોને તેને અમરત્વ આપવા સુધીની ગણાય છે. વિજ્ઞાનની આ બંને ઉપલબ્ધિઓ ભારે અનર્થકારી સાબિત થશે. કૃત્રિમ બુદ્ધિ સાથે નેનોટેક્નોલોજી અને બાયોટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો સમન્વય કરીને સુપરહ્યુમન બનાવવાનાં સપનાં જોવાઈ રહ્યાં છે! માણસના મગજમાં કોમ્પ્યુટર ચીપ નાંખવાની મંજૂરી મળી ગઈ છે અને થોડા જ વખતમાં લાગણી અને વિવેક દર્શાવતો રોબોટ તૈયાર થશે! માણસ અને મશીન વચ્ચેનો ભેદ રહેશે કે નહીં તે સવાલ છે! આ ટેક્નોલોજીનાં સંબંધી જોખમો આરોગ્ય કે પર્યાવરણથી વિશેષ જીવનના હેતુ અને મૂલ્યો સંબંધી છે, સોશિયલ ઓર્ડર સંબંધી છે, લોકશાહીના અસ્તિત્વ સંબંધી છે અને એટલે માણસજાતના
ભવિષ્ય સંબંધી છે!

એક વિચારપત્ર તરીકે ભૂમિપુત્રે આ અંકમાં પ્રાથમિક સમજ આપતાં કેટલાક લેખોને પ્રકાશિત કરવાને પોતાનો ધર્મ સમજ્યો! આ ટેક્નોલોજીની અસર સમાજનાં તમામ સ્તર અને ક્ષેત્રોને થવાની છે. તે દરેક અંગે સ્વતંત્ર લેખ હોઈ શકે, અનેકવિધ વિચાર પણ હોઈ શકે પણ સમય અને સ્થાનની મર્યાદાને કારણે અર્થવ્યવસ્થા અને રોજગાર, કૃષિ અને ખોરાક, પર્યાવરણ, કેળવણી, નિયમન, ન્યાય જેવા મહત્ત્વના વિષયોની છણાવટ સામેલ કરી શક્યા નથી તે બદલ વાચકો દરગુજર કરે! અલબત્ત તે સંબંધી કેટલાક ઉલ્લેખ વિવિધ લેખોમાં જોવા મળશે. ભવિષ્યમાં તેના વિશે છાપતાં રહીશું.

બીજું, વિષયની ગહનતા, વિવિધતા અને સતત વિકાસના સંદર્ભે સંપૂર્ણતા અન-અપેક્ષિત હોય જ. વિવિધ લેખકો લખે ત્યારે પુનરાવર્તન ટાળવાની કસરત કરતી વખતે લેખની મઝા જતી ન રહે તેનું પણ ધ્યાન રાખવું પડે છે.

જાણીતા વિચારક યુવાલ નોઆ હરારીને કોઈએ પૂછ્યું કે ‘તમે AIનાં જોખમોની વાત વધુ કરો છો, શું તમને એના ફાયદા નથી જણાતા?’

તેમણે કાંક આ મતલબનું કહેલું, “ફાયદા જણાય છે તો ખરા, પણ તેની વાત કરનારા ઘણા છે એટલે સમતુલા જાળવવા હું જોખમોની વાત વધુ કરું છું.

આ અંકને પણ તે લાગુ પડે છે !

અસ્તુ.


સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩