પારુલ બારોટ
કેશુભાઈ બે પગ લબડતા રાખીને નોંધારા બેઠા હતા. જમણાં પગે ફેક્ચર થયેલું ત્યાં બરાબર દુઃખતું હતું. પગ આઘોપાછો કરીને કણસવા લાગ્યાં. એમને કણસતા જોઈને બારણાં વચ્ચે ઊભેલો દીકરો તાડુકયો …
‘ડૉક્ટરે તમને ઓશિકા પર પગ રાખીને સૂવાનું કહ્યું છે. તો બેઠાં જ કેમ ?’’
‘દસ દિવસ થયા .ક્યાં સુધી પડ્યો રહું ? ‘
‘જો સારી રીતે સાચવશો નહીં તો, દસ તો શું મહિનોએ પડ્યાં રહેવું પડશે. ‘
‘તું ઊંચા સ્વરે ના બોલ કહું છું …અહીં તો મારો જીવ જાય છે અને પાછો પડતાં પર પાટુ મારે છે.’
‘તમારો જીવ જાય છે તેની ખબર છે. પેલા તમારા ભાઈબંધો વિના નહીં ફાવતું હોય પાછું.’
કેશુભાઈ આગળ કશું ન બોલ્યાં. સાલુ ક્યાં સુધી પથારીમાં પડ્યાં રહેવું. દીકરો તો તાડૂકીને જતો રહેશે ઓફિસ… બાળકો ભણવા… ને એની વહુ તો આઘીપાછી થવામાં દિવસ કાઢી નાખે. પાણી મંગાવીએ ત્યારે જ પાણી આપે. ચા પીવાનું મન થયું હોય તો ‘ કવેળાની ચા કેટલી પીશો ? ‘ એમ કરતી છણક ભણક કરતી આવી જાય. માંડ અડધો કલાકે ચા આવે. આખો દા’ડો કાઢવો કેશુભાઈ માટે અઘરો થઈ પડતો. ટીવી પણ કેટલું જુએ ને મોબાઈલમાં લોકોને કેટલાં ફોન કરવા. ડાબો પગ ભોંય પર ટેકવીને લંગડાતા લંગડાતા વોકર સુધી ગયા. વોકર લઈને રૂમની બહાર નીકળ્યા. કમ્પાઉન્ડમાં ઊભા રહીને સોસાયટીની હિલચાલ જોવા લાગ્યા. ચંપલ પહેરીને બાથરૂમ ગયા, વળી પાછા કમ્પાઉન્ડમાંથી દેખાતાં મકાનોની હિલચાલ જોવા રોકાયા. સહુ સહુના કામમાં. કોનો વિસામો શોધું ? થોડાં દા’ડાથી સામેના મકાન માલિકનો સધિયારો મળતો. એમણે આખું મકાન પાડી નાખીને નવું બનાવવા આપ્યું હતું. બે દા’ડાથી કારીગરોની આવનજાવનથી સારું લાગ્યું. મકાન માલિક કેતનભાઈ અવારનવાર કમ્પાઉન્ડની બહાર ઊભા રહીને એમની સાથે વાતોએ વળગતા ત્યારે સારું લાગતું.
અત્યારે એ કેતનભાઈની રાહ જોવા લાગ્યા. દીકરો નોકરીએ જવા તૈયાર થયો ને બાળકો એમના રૂમમાં જઈને ભણવા લાગ્યાં. વહુ છણકભણક કરતી એના કામે વળી દીકરો જતાં જતાં બોલ્યો,
‘તમને પથારીમાં પડ્યાં રહેતાં શેના ચટકા લાગે છે ? જરા સાચવો, પાંચ દિવસ પછી પાટો બદલવાનો છે. એ વખતે ડૉક્ટરને લાગશે કે હજી બે ત્રણ પાટા બદલવા પડશે ત્યારે….’
‘કશું થવાનું નથી… આ પાટો છોડ્યા પછી બીજો પાટો બદલવો જ નથી.’
કેશુભાઈએ વોકર પછાડ્યું એટલે દીકરો હસતો હસતો ચાલ્યો ગયો. વોકરના ટેકે ઊભા રહીને મનોમન પેલાં એક્ટિવાવાળાને ગાળો બોલવા માંડ્યા.
“સાલો બદમાશ….હું તો રસ્તો પસાર કરવા જતો હતો.બધું ખુલ્લું હતું. ને રોંગ સાઈડમાંથી ક્યાંયથી ટપકી પડ્યો. ટક્કર…મારીને જોવાય રોકાયો નથી. એ તો ફૂટપાટની રેલિંગ માથામાં ન વાગી તે સારું થયું. પણ વાગવામાં કાંઈ ઓછું નહોતું વાગ્યું. પગની નળીનું ફેક્ચર થઈ ગયું હતું. એ વખતે જ પગ લબડી પડ્યાં જેવું થયેલું. દીકરો તો નોકરીએ ગયેલો. અજાણ્યા માણસોએ બેઠો કરીને બાજુની ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કરી દીધો. મેં ઘરનો નંબર આપ્યો ત્યારે જેટલાં સોસાયટીવાળાએ જાણ્યું તે તમામ આવી ગયાં. દીકરો મોડો આવ્યો. આવતા વેંત તાડૂક્યો.
‘મને ખબર જ હતી કે તમારા એક દિવસ ટાંટીયા ભાગવાના જ છે. કેટલીવાર ના પાડું છું કે બહુ રસ્તા ઓળંગવા નહીં કે બહુ આગળ સુધી જવું નહીં, પણ મારું માને તે બીજા….’
એની વહુ જોડે ઊભી હતી. કદાચ મારું મોં વિલાયેલું જોઈને એણે દીકરાને વાળ્યો …
‘હવે મેલો ને સાલ…’
છોકરો ધૂંઆપૂંઆ થતો ડોક્ટર પાસે ગયો. આવીને પાછો કેશુભાઈ ઉપર વિફર્યો….
‘ડોક્ટરે શું કીધું તે ખબર છે ? ‘
‘બધી ખબર છે. ‘
‘મને નથી લાગતું કે તમે મહિના સુધી સાજા થશો.’
‘ તું મને હેરાન ના કર… મારી હાલત તો જો. પગના બે ટુકડા થઈ જાય તેવું ફેક્ચર થઈ ગયું હતું. એ તો આ ડોક્ટર સારો છે કે ઓપરેશન સારી રીતે કર્યું….’
‘બીજું તો કશું નથી કહેતો…સાચવશો તો જલદી ઊભા થશો…’
કેશુભાઈએ પગ ઊંચો કર્યો ‘ઓ બાપા…’ કરીને કણસ્યા. દીકરો ગયો ને મહેમાનો ખબર કાઢવા આવ્યા હતા. એમણે એવી દિલસોજી વ્યક્ત કરી કે દીકરો મને અળખો ઝેર જેવો લાગ્યો. કમ્પાઉન્ડમાં ઊભેલા કેશુભાઈને આ બધું યાદ આવ્યું. પત્ની યાદ આવી ને એમનું અંતર હિબકે ચડ્યું.
‘તું હોત તો મારે કોઈની જરૂર નહોતી. જોયું…. તારો છોકરો કેવો મને પીડા આપી રહ્યો છે…’
કેશુભાઈનું અંતર વલોવાતા આંસુ એમની આંખોમાં દેખાયાં. સામેના મકાનના કારીગરો આવી ગયા હતા. એમાં બધાનો ઉપરી જેવો દેખાતો એ માણસ કેશુભાઈને કમ્પાઉન્ડમાં ઊભેલા જુએ એટલે ખબર પૂછ્યાં વિના રહે જ નહીં. કેશુભાઈને ઊભેલા જોઈને એ એમની પાસે આવ્યો.
‘કેશુકાકા અત્યારે પગે કેમ છે ? ‘
‘સાલુ દુખાવો મળતો નથી….’
‘ચિંતા ના કરો મટી જશે….દવાખાને જવું હોય તો મને કહેજો. હું મારા બાઈક પર લઈ જઈશ.’
એ તો ગયો પણ કેશુભાઈને રાહત આપતો ગયો કેશુભાઈ એકલાં પડ્યા. દરવાજો ખોલ્યો. એમને બહાર જતાં જોઈને દીકરાની વહુ દોડતી આવી.
‘ક્યાં જાઓ છો બાપુજી ? ‘
‘આ સોસાયટીની બહાર આંટો મારતો આવું. ‘
‘તમને કેમ જંપ થતો નથી. તમારા દીકરાને ફોન કરું ? ‘
કેશુભાઈએ વોકર પર જોરથી હાથ ભીડ્યા. કઠોર નજરે વહુ સામે જોઈ રહ્યા. તરત જ પાછા ફર્યા.
સાંજે દીકરો આવ્યો. હાથ, પગ, મોં ધોઈને એ કેશુભાઈના રૂમમાં આવ્યો.
‘તમને બહાર ફરવા જવાનું બહુ મન થાય છે… નહીં ! ‘
કેશુભાઈ ચૂપ રહ્યા. દીકરાએ આંખો કાઢવા જેવું કર્યું . કેશુભાઈને મનમાં ક્રોધ ચડ્યો. ‘ જોને આ દીકરો…જ્યારથી ફેક્ચર થયું છે ત્યારથી તો એ મારી પાછળ પડ્યો છે. શું કરું એને ! ‘
એ મૂંગા બેઠા. એટલે દીકરો ખાસ બોલ્યો નહીં. એ ગયો એટલે એમની નજર દીવાલ પર ટિગાયેલા પત્નિના ફોટા પર પડી.
‘તું મને એકલો મૂકીને વહેલી જતી રહી. શું કામ ?’ કેશુભાઈના બે હોઠ વચ્ચેથી ‘શું કામ’ અવાજ જરા મોટેથી નીકળ્યો ને દીકરો દોડતો આવ્યો.
‘શું થયું પાછું…. ‘
‘કાંઈ નહીં… ભગવાનનું નામ લઉં છું.’
‘હા , જો…જો… પાછા મનમાં ગાળો ના બોલતા… ‘
‘ભાઈ…. મારે શું કામ કોઈને ગાળો બોલવી પડે. એમના કરમ એમની પાસે. ‘
દીકરો કંઈ સમજ્યો નહીં . કેશુભાઈ આવી વિકટ સ્થિતિમાં પણ હસ્યા. પલંગમાં જઈ આડા પડ્યા. પગ નીચે બે ઓશીકા મૂકીને પગ લાંબો કર્યો. સારું લાગ્યું. આંખો અવળસવળ ફેરવવા લાગ્યા. ઘડિયાળમાં એક વાગવા આવ્યો હતો. દોઢ વાગે જમ્યા પછી સાલી ઊંઘ જ આવતી નથી. બસ ટગરટગર ઘડિયાળના કાંટા સામે જોઈને દિવસ ક્યારે પૂરો થાય તેની રાહ જોવાની…
પંદરમે દિવસે પાટો બદલવા ગયા ત્યારે ડોક્ટરે કહ્યું ; ‘ઓપરેશન સરસ થયું છે .ખાવા પીવામાં જરા ધ્યાન રાખશો તો પંદર દિવસમાં તો તમે ચાલતા થઈ જશો.’
ડોક્ટરે હૈયાધારણા આપી તેથી એ ખુશ થયા. ઘરે આવ્યા ત્યારે એ ખુશખુશાલ હતાં .હવે જેટલો બને તેટલો આરામ કરવાનું એમણે નક્કી કર્યું. બહારની દુનિયા જોયે ખાસ્સા દિવસો પસાર થયાં હતાં. હવે પગે સારું થયું જાય તો મિત્રોને મળવાનું તો ખરું જ. પણ… સારા તીર્થસ્થાનો જોવા જવું હતું. એમની ગેરહાજરીમાં પાંચ સાત મિત્રો સુંધામાતાના દર્શન કરીને આવ્યા. ફોન પર કેશુભાઈએ બધાને ધમકાવ્યા.
‘મને એકલો મૂકીને તમને સુંધામાતા જતાં શરમ ના આવી.’
‘શું કરીએ ….બધાની ઈચ્છા થઈ આવી પણ જતા પહેલા તમને ખૂબ યાદ કર્યા હતાં.’
‘તો કોઈએ ફોન તો કરવો જોઈતો હતો ને ! ‘
‘ફોન કરીએ તો તમને દુઃખ થાય .તમારું ફેક્ચર મટી જાય એટલે ગુજરાત બહારની એક ટૂર કરવી છે.’
‘જો…જો… મને ભૂલી ના જતા .’
મિત્રોએ પ્રોમિસ કરીને ફોન મૂક્યો. મિત્રો પોતાનું ધ્યાન રાખે છે. તેથી એમના મનની પીડા ઓછી થઈ હતી.
બે દિવસ ઘરમાં જ રહ્યા. માત્ર નાહવાધોવા પૂરતા જ બહાર નીકળતા. કશી જ કોઈની કનડગત નહીં. ક્યારેક ટી.વી. જોવાનું મન થઈ આવતું ત્યારે પગની દિશા બદલીને એ ટી.વી. જોતા. ત્રીજા દિવસે કમ્પાઉન્ડનું બારણું ખખડ્યું. ને સામે કામ કરવા આવતાં બે ત્રણ કારીગરો એમનાં રૂમમાં ધસી આવ્યા. આવતાવેંત પેલા ઉપરી જેવા માણસે કેશુભાઈને ઠપકો આપવાનો શરૂ કર્યો.
‘કેશુભાઈ તમારા દર્શન દુર્લભ થઈ ગયાં છે. તબિયત તો સારી છે ને ? ‘
કેશુભાઈ હસીને બેઠા થયા . ત્રણેયના મોં પર લાગણી જોઈ એમના દિલમાં હર્ષના આંસુ આવ્યાં .આ લોકો મારી કેટલી ખબર રાખે છે. પગ આઘો પાછો કરીને બોલ્યા ;
‘ડોક્ટરે વધુમાં વધુ આરામ કરવાનું કહ્યું છે એટલે બહાર ઓછું નીકળું છું.’
‘પણ , અમે તમને જોતા નથી એટલે કામ કરવાની મજા નથી આવતી.’
‘પણ, આરામ કરવાથી પગે રાહત જેવું થયું છે..’ દીકરાની વહુ ત્રણેય ના…ના . પાડતાં રહ્યા તોયે ચા બનાવીને લઈ આવી.ચા પીતાપીતા ભીખાએ ચેતવ્યા…
‘કંઈ ખાટુંબાટું ખાતા નહીં…’
‘હું તો શાક રોટલા સિવાય કંઈ ખાતો જ નથી…’
કેશુભાઈએ ઓશિકા નીચે હાથ લંબાવ્યો. બીડીની ઝૂડી કાઢી. પણ, ઝૂડી તો ખાલીખમ્મ…
‘સાલી બીડીએ થઈ રહી. તમે કોઈ પીવો છો ? ‘
‘ના… મસાલો ખાવો હોય તો છે…’
‘હું મસાલો નથી ખાતો. આ નાનપણથી બસ બીડીનું વળગણ વળગ્યું છે તે છોડાતું જ નથી. કોની પાસે મંગાવું ? ‘
‘ચિંતા ના કરો. હું દુકાનેથી લઈને આપી જઉં છું..’
કેશુભાઈ પૈસા આપવા માંડ્યા. પણ, ભીખાએ ના લીધાં. થોડીવાર બેસીને ત્રણે જણ ગયા. થોડીવારમાં તો ભીખો બીડીની ઝૂડી આપી ગયો. કેશુભાઈ બીડી પીતાપીતા વિચારવા લાગ્યાં.
‘સાલુ અચાનક મને આ વિઘ્ન નડ્યું નહીં તો થોડાં દિવસ ભાઈઓ પાસે ગામડે જવું હતું. મોટાભાઈનો તો ફોન આવ્યો હતો કે થોડાં દા’ડા અહીં આવી જા તો મને ગમે…’
સામેના મકાનમાં દીવાલો તોડવાનું કામ ચાલતું હતું. ટકાટકના અવાજથી સોસાયટી ભરી ભરી બનતી જતી હતી. ઊંઘ આવે નહીં તોય શું કરવું? સાવ સૂનકાર ભર્યા વાતાવરણમાં આ ટકાટક અને ધડાધડ જીવંત લાગતી હતી.
હવે થોડાંદિવસથી બહાર નીકળવાનું શરૂ કર્યું હતું. દીકરો હમણાંથી ઓછુ બોલતો હતો. એક દિવસે બીડી ખલાસ થઈ ગઈ હતી. સામેના મકાનના કારીગરો કાંઈક જમવા ગયાં હતાં. રજાના દિવસે દીકરો ઘરે હતો. કેશુભાઈએ બીતાબીતા એની પાસે બીડી મંગાવીને દીકરો ઉકળી ઉઠ્યો ;
‘હમણાંથી એ ઠૂંઠા પીવાનું વધી ગયું છે. રૂમમાંથી રોજ કેટલાં બધાં ઠૂંઠા નીકળે છે…’
‘શું કરું ટેવ પડી છે તે ! ‘
‘તે બંધ કરો. આ પગ ભાગ્યો ત્યારથી તમારી હરકતો વધતી જાય છે હો..’
કેશુભાઈ ચૂપ થઈ ગયાં. મનમાં ‘ મેં શી હરકતો કરી ? ‘ કામ પડે ત્યારે એ બીતાં બીતાં ચીંધુ છું. બીડીની તલપ લાગે ત્યારે માંડ એની પાસે મંગાવું છું. જોયું શું કરવું મારે ….’એ હાથમાં પૈસા લઈને ઊભા હતા. ત્યાં સામેથી ભીખાને આવતો જોયો. એમણે દીકરો ન જુએ તેમ હાથ લાંબો કર્યો.
‘બોલો કેશુકાકા કંઈ કામ હતું…’
કેશુભાઈએ ઘરમાં નજર નાખી, હોઠ પર આંગળી મૂકીને એને પૈસા આપ્યાં. માત્ર ધીમેથી બોલ્યા ; બીડી…..’
ભીખાએ એની પાસે ઊભેલાં મજૂરને બીડી લેવા મોકલ્યો. બીડી લાવતાં વાર થઈ એટલે કમ્પાઉન્ડની દીવાલ પર માથું રાખીને રોડ બાજુ જોવા લાગ્યા. ત્યાં દીકરો બહાર નીકળ્યો.
‘શું જુવો છો ? કોઈ આવવાનું છે ? ‘
‘ હા…. ના….હા…’
‘તો ઘરમાં જઈને આરામ કરો ને…’
મનમાં ગુસ્સો આવ્યો. પણ કોની આગળ ગુસ્સો કરે. આ તો છોરું કછોરું…જવા દે. એ દરમિયાન પેલો બીડી લઈને આવ્યો. એમણે બીડી લીધી એ છોકરો જોઈ રહ્યો હતો.
‘હમમમ… બીડી લેવા મોકલ્યો હતો નહીં…’
કેશુભાઈ દીકરા સામે જોયા વિના ઘરમાં ગયા. ઓશીકા પર પગ ટેકવીને એમણે બીડી સળગાવી. આજે કોણ જાણે બીડી પીવાની મજા આવી રહી હતી. ચપટી વગાડીને બીડીનો ગલ ખંખેરવા ગયા ત્યાં બે આંગળીઓ વચ્ચે ગલ પડ્યો. થોડો આછો ચમકારો થયો. ત્યારે મોબાઇલ પર ઘંટડી રણકી ઉઠી.
‘ કોણ…? ‘
‘ હું ન્યૂ ઇન્ડિયામાંથી બોલું છું. ‘
‘ બોલો ભાઈ..’
‘ આપ જ કેશુભાઈ ? ‘
‘ હા.. ‘
‘ તમે મેડિક્લેમ માટે ફાઈલ મોકલી હતી તે પાસ થઈ ગઈ છે.’
‘ આભાર દોસ્ત..’
‘ હું ચેક લઈને આવું છું. ‘
કેશુભાઈએ ફોન મૂક્યો. ત્યારે ખીલખીલાટ હતા. દીકરો એના રૂમની બહાર કોઈ કામે નીકળેલો. એણે મેડિક્લેમ જેવા શબ્દો સાંભળ્યાં હતાં એણે પૂછ્યું ;
‘કોનો ફોન હતો ? ‘
દીકરાને કશી વાત કરવી ન હતી તોય એ કરી બેઠા.
‘ન્યૂ ઇન્ડિયા કંપનીનો ફોન હતો. આપણી મેડિક્લેમની ફાઈલ મંજૂર થઈ ગઈ છે. ‘
‘શું વાત કરો છો ? ‘
દીકરાનો હરખ માતો નથી. એ હરખાતો હરખાતો એના રૂમમાં ગયો કે કેશુભાઈએ એની પીઠ પર અટ્હાસ્ય વેર્યું.
કેશુભાઈનો પાટો બદલાવ્યા પછી દુ:ખવાનું ચાલુ હતું છતાં વોકરનો સહારો લઈને એ ચાલી શકતા હતા. સામેના મકાનમાં ટકાટક અને ધડાધડથી સોસાયટીનું અસ્તિત્વ ટકી રહ્યું હતું. તે દરમિયાન બહાર નીકળવાનું ઓછુ થવા લાગ્યું. ભીખો એક દિવસે ખબર આપી ગયો કે ;
‘બે ચાર દિવસ પછી હોળી છે. અમે કાલે વતનમાં જતાં રહીશું. પંદર – વીસ દિવસ પછી આવીશું.
કેશુભાઈ ‘હે ?’… કરતા રહ્યા અને કારીગરો તો વતન જવા નીકળી પડ્યા.
બે દિવસ કશી અસર વર્તાઈ નહીં. સોસાયટીમાં સૂનકારનો અણસાર વર્તાવા લાગ્યો. દીકરો તો મેડિક્લેમની જ રાહ જોઈને બેઠેલો. હવે કેશુભાઈના રૂમમાં એની અવરજવર ઓછી થઈ હતી. સામેના મકાનમાં ટકાટક અને ધડાધડ ઓછી થઈ અને કેશુભાઈ જાણે એકલાં પડી ગયા. બહાર નીકળે… મકાન સામે તાકી રહે… ભીખાને શોધવા આંખો આકળવિકળ થાય અને ભોંઠી પડીને પાછી પડે. મનમાં એક અભાવ ઉલેચાયો…. ને જાણે પોતે પોતાના સ્વજનો ગુમાવી બેઠાં હોય તેમ નિ:સહાય થઈને ઓટલા પર પટકાયા….

વાર્તા ગમી. દ્રશ્ય-અદ્રશ્ય લાચારી અને સ્વાર્થી સંબંધો સારી રીતે રજુ કર્યા છે.
સરયૂ પરીખ.
LikeLike