સંવાદિતા
મેં જે કંઈ કહ્યું અથવા કર્યું એના પરથી હું કોણ હતો એ નક્કી કરવાની કોશિશ ન કરતા.
– કેવેફી
ભગવાન થાવરાણી
કોન્સ્ટન્ટટાઈન પી કેવેફી ( ૧૮૬૩ – ૧૯૩૩ ) વીસમી સદીના ગ્રીસ અને યુરોપના શ્રેષ્ઠ કવિઓમાંના એક ગણાય છે . ગ્રીક હોવા છતાં જીવન આખું એમણે એલેક્ઝાન્ડ્રિયા ( ઈજીપ્ત ), ઇંગ્લેન્ડ અને કોન્સ્ટેનટીનોપોલ ( ઇસ્તંબુલ – તુર્કી ) માં વિતાવ્યું અને એલેક્ઝાન્ડ્રિયામાં જ બરાબર પોતાની 70 મી જન્મતિથિએ કેન્સરથી અવસાન પામ્યા. એમની કવિતાઓ એમના હયાતીકાળ દરમિયાન માત્ર ચોપાનિયા અને હસ્તપ્રતો રૂપે એમના અંગત મિત્રોમાં ફરતી રહી.એ જગત સમક્ષ ગ્રીકમાંથી અંગ્રેજી અનુવાદરૂપે આવી એમના મૃત્યુના બે વર્ષ બાદ.
એમની કુલ ૧૫૪ કવિતાઓ ના વિષયો મુખ્યત્વે ઇતિહાસ અને શૃંગાર (સમલૈંગિકતા )છે. મજાની વાત એ કે કવિતાના આ બંને પ્રકારોને આ કવિ અભિન્ન રીતે એક જ પરિઘમાં આવરી લે છે. લોકો સુધી પોતાની કવિતાઓ પહોંચાડવા પ્રત્યે એ ઘોર ઉદાસીન હતા. કદાચ એટલા માટે કે પહેલા વાંચને એમની કોઈ રચના ભાગે જ ભાવક સમક્ષ ઉઘડી શકતી. એ વર્તમાનના નહીં, ‘વીતેલી અને ભાવિ પેઢીઓના’ કવિ હતા. એમની સૌથી અગત્યની કવિતાઓ એમની જિંદગીના પાછલા વર્ષોમાં રચાઈ.
પોતાની કવિતાઓમાં એ જે જાતિય ચિત્રણો કરે છે એ અલ્પકાલીન સંબંધોના છે. એમની કવિતાઓમાં પ્રેમ એ શારીરિક ઉત્તેજનાથી વિશેષ કશું જ નથી અને એ એવો દંભ પણ કરતા નથી કે ઇન્દ્રિઓના ઉપભોગમાં કોઈ અપરાધ-ભાવ છે. ‘એ પેસેજ ટુ ઇન્ડિયા ‘ નવલકથા લખનાર વિખ્યાત અંગ્રેજ લેખક ઇ એમ ફોર્સ્ટર એમના પરમ પ્રશંસક હતા. એ કેવેફી વિશે લખે છે, ‘ આવા લેખક લોકપ્રિય ક્યારેય ન બની શકે. કેવેફી ધીમે અને બહુ ઊંચે ઉડનારા સર્જક છે. એમનામાં વિતરાગીનું બળ છે, જેને વિશ્વનો ભય નથી. એ અવિચળ અને વિશ્વથી સહેજ ત્રાંસા ખૂણે ઊભા રહે છે. એ નશ્વરતા, સૌંદર્ય કે નિરાશા વિશે લખે તો પણ એની ભાષા અને પદ્ધતિ આગવી જ.
કેવેફી એલેક્ઝાન્ડ્રિયાના પોતાના નિવાસસ્થાન વિશે લખે છે, ‘ આનાથી સુંદર કઈ જગ્યા હોય ! મારા ઘરની નીચે જ વેશ્યાલય, એનાથી થોડેક દૂર સર્વે ગુનાઓની માફી આપવું ચર્ચ અને અને ત્યાંથી સ્હેજ આગળ મૃત્યુને પામી શકીએ એવી હોસ્પિટલ ! ‘
એમની સૌથી જાણીતી અને ચર્ચિત કેટલીક કવિતાઓના શીર્ષક છે બપોરનો સૂર્ય, શહેર, દુશ્મનો, પગલાં, બર્બર સેનાની પ્રતિક્ષામાં અને ઈથાકા. તેમની એક મહાન કવિતા ‘ઇથાકા’નો ભાવાનુવાદ જોઈએ એ પહેલા ઈથાકા વિશે થોડુંક.

ઈથાકા એ ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ઓડિસીમાં દર્શાવાયેલો એક કાલ્પનિક ટાપુ છે જે એના નાયક ઓડિશિયસનું વતન છે. લાંબા યુદ્ધ પછી એને ત્યાં પાછા ફરવું છે. એક રીતે એ પ્રતીક છે જીવનભર જેના માટે પ્રયત્નશીલ હોઈએ એવી કોઈક ઝંખનાનું, મુસાફરીના અંતનું, અંતિમ લક્ષ્યનું !
: ઈ થા કા :
તમે ઈથાકા માટે નીકળો
ત્યારે આશા એવી રાખજો
કે પ્રવાસ સુદીર્ઘ હોય
સાહસ અને નવી શોધોથી ભરપૂર
માણસખાઉ રાક્ષસો, એક-આંખાળા પિશાચો અને ક્રોધિત ભૂકંપ-દેવ રસ્તામાં મળે તો
મૂંઝાશો નહીં
જ્યાં સુધી વિચારો ઉન્નત રાખશો
જ્યાં સુધી કોઈ વીરલ ઉત્તેજના
તમારા સત્વ-તત્વને ચલાયમાન રાખશે
ત્યાં સુધી એ બધા તમને નહીં મળે
સિવાય કે એ બધાંને તમારી ભીતરે જીવવા દો
સિવાય કે
તમારો માંહ્યલો એમને સાથેને સાથે રાખે
એવી અસંખ્ય ઉનાળુ સવારો તમારી મુસાફરીમાં આવશે
જ્યારે તમે આનંદવિભોર બની
પ્રથમ વાર જોયા હોય
એવા નવા બંદરોએ પહોંચશો
તમે ફિનીશીયાની બજારોમાં
અણમોલ મોતી, પરવાળા, અંબર, અબનૂસ
અને ઊંચા અત્તરોના સોદા કરશો મન ભરીને
તમે મિસરના નગરોમાં પહોંચી
ત્યાંના વિદ્વજ્જનો પાસેથી
જ્ઞાનના ભંડારો હાંસલ કરશો
મનમાં હમેશાં ઈથાકા રાખશો
તમારું પ્રારબ્ધ તમને ત્યાં જ પહોંચાડશે
પણ મુસાફરીમાં ઉતાવળ બિલકુલ નહીં
બેહતર છે એ લાંબી ચાલે
જેથી તમે એ ટાપુ ઉપર પહોંચો
ત્યાં સુધીમાં વૃદ્ધ થઈ જાઓ
અને રસ્તામાં જે મેળવ્યું એનાથી સંપત્તિવાન પણ
એવી અપેક્ષારહિત
કે ઈથાકા તમને ધનવાન બનાવશે
ઈથાકાએ જ તો તમને આ અદ્ભુત પ્રવાસ કરાવ્યો
એના વિના
તમે નીકળ્યા જ ન હોત
ઈથાકા પહોંચો ત્યારે
કદાચ ઈથાકા પાસે
તમને આપવા જેવું કશું જ ન બચ્યું હોય
એ જો તમને નિર્ધન લાગે
તો એનો અર્થ એવો નહીં કે
એણે તમને છેતર્યા
જો આ દરમિયાન
ડહાપણ અને અનુભવ પામ્યા હશો
તો સમજી જ ગયા હશો
ઈથાકા એટલે શું ? ….
અંગ્રેજી અનુવાદ : એડમન્ડ કીલી અને ફિલિપ શેરાર્ડ
ગુજરાતી ભાવાનુવાદ : ભગવાન થાવરાણી
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
