Skip to content
  • Home
  • Search

વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

ગદ્ય સાહિત્ય

ઈશ્વર

Date: July 21, 2024Author: webgurjari 0 Comments

વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

હજુ તો સવાર પડી હતી. વાદળોય છવાયેલાં હતાં, ઝાકળને લીધે જમીન પર ઠરેલી ભીનાશ અકબંધ હતી. ઠંડીના લીધે એકે ઘરની બારીઓ ખુલી નહોતી. રસ્તાઓ પર છાપાંના ફેરિયા કે દૂધ દેવા- લેવાવાળા સિવાય ઝાઝી અવરજવર શરૂ નહોતી થઈ, પણ વિજયનગરના એક ચાર રસ્તા પર ભીડ જામવા માંડી. ભેગા થયેલા બેચાર જણાના અવાજમાં આક્રોશ હતો. એ આક્રોશનું કારણ હતો રસ્તા પર ઉંધા મોંઢે પડેલો એક બુઢ્ઢો આદમી. એણે પાંવરોટીની ચોરી હતી.

“પાંવરોટી? પાંવરોટીની તે ચોરી હોય ભઈસાબ!”

“હા ભાઈ હા, એણે પાંવરોટીની ચોરી કરી છે. નજરોનજર મેં જોયું છે, અને પાછો એ ભાગવાના બદલે બગલમાં રોટી દબાવીને રસ્તા પર ઊભો ઊભો બૂમો મારતો હતો, મેં ચોરી કરી છે, મને સજા આપો.”

“હેં..?

“હા..ભાઈ હા…એ બુઢ્ઢાએ ચોરી તો કરી છે સાથે ચોરીનો આરોપ કબૂલ કરીને ઈમાનદાર બનવા જાય છે. બોલો, કેવી અજબ વાત !”

“ભાઈ, આ કોઈ અજબ વાત નથી. આવા લોકો દેખાય ભોળા પણ હોય પાક્કા ઠગ. ક્યારેક ચોરી, ક્યારેક હાથસફાઈ તો વળી ભીખ માંગવાથી માંડીને તક મળે બાળકોને ઉપાડી જવા સુધીના કામ કરી લે. જેલ થાય તો જાણે બેચાર દિવસ સાસરે ગયાનું સુખ માણી આવે, વળી પાછા એ જ ગોરખધંધાએ લાગી જાય. મારો એને એક લાત એટલે થાય સીધો.”

મેલી દાઢી, લાંબા ગંદા વાળ, નામ પૂરતાં કહેવાય એવાં કપડાંમાં રસ્તા પર ઉંધા મોંઢે પડેલા એ બુઢ્ઢા આદમીના છોલાયેલા હાથપગમાંથી લોહી અને આંખોમાંથી આંસુ ઝમતાં હતાં આવી બેહાલ દશામાંય એની બગલમાં દબાવેલી રોટીને એણે કસીને પકડી રાખી હતી.

દિલ્હીનો દરેક વિસ્તાર એવો છે જ્યાં અમીર અને ગરીબની વસ્તી છે. અહીં સારીખોટી ઘટના બન્યા વગર દિવસ પસાર થતો હોય એવું ભાગ્યે બનતું. દિલ્હીનાં વિજયનગરની વસ્તીમાં પણ આવી ઘટનાઓ સામાન્ય હતી. આ વિસ્તારમાં રંગરૂપ અને બોલી પરથી કોણ પંજાબી, બંગાળી, મદ્રાસી છે એ પરખાતું. અહીં સામાન્ય માણસો રોજીરોટી કમાવવા મથે છે. સ્ત્રીઓ સારા ઘરોમાં કામ કરે છે. કશું કરી શકતા ન હોય એવા બુઢ્ઢા લોકો ભીખ માંગે, એમનું જોઈને બાળકો પણ ભીખ માંગવાનું શીખે છે. આવા અનેક બુઢ્ઢાઓની જમાતમાંનાં આ એક બુઢ્ઢાની પાછળ સવારમાં આ ઝમેલો થયો હતો.

સવાર સવારમાં ખુલેલી ગોપીની દુકાનમાંથી એણે રોટી ચોરીને ભાગવાનો મિથ્યા પ્રયાસ કરતા “મેં રોટીની ચોરી કરી છે, મને પકડી લો, જેલમાં નાખો, મારી ચોરી માટે લાંબી સજા આપો.” જેવી બૂમરાણ મચાવતો હતો. બસ, પછી તો બાકી શું રહે? ગોપીનું જોઈને ત્યાંથી પસાર થતા લોકોએ પણ એના પર હાથ-પગ અજમાવવા માંડ્યાં.

મહર્ષિ વિશ્વામિત્રના સગા હોય એમ સૌ એની પર ઘૃણા વરસાવવા માંડ્યા. બેચાર પહેલવાન જેવાઓએ તો અખાડામાં ઉતર્યા હોય એવું શૌર્ય દર્શાવવા બાવડાં કસવા માંડ્યા. એકઠાં થયેલાં ટોળામાંથી વળી એકનાં મનમાં ડહાપણ જાગ્યું.

“છોડો, આ મારપીટ. કાયદો હાથમાં લેવા કરતાં પોલીસને જાણ કરવી સારી.”

પાસેનાં થાણાં પર જાણ કરતાંની સાથે ડ્યૂટી પરનો પોલીસ હાજર. જાણે જીવ સટોસટ ખેલ ખેલીને કોઈ ખૂંખાર ડાકુને પકડવામાં સફળ થયો હોય એમ એ બુઢ્ઢાનો હાથ પકડીને સાથે ખેંચવા માંડ્યો.

“તેં ચોરી કેમ કરી?” થાણાં પર પહોંચતા હાથમાંનો ડંડો ઉગામીને સવાલ કર્યો. માર ખાઈને બેહાલ થયેલો બુઢ્ઢો એક અક્ષર બોલી શકે એમ નહોતો.

થાણેદારનો ક્રોધ સાતમા આસમાને. હરામખોર, ઢોંગી, જેવા અનેક શબ્દોની સાથે ડંડાબાજીથી બુઢ્ઢાને નવાજ્યો. અંતે હાંફીને કાગળિયામાં વિગતો ભરવા બુઢ્ઢા સામે નજર કરી. મારપીટની ભયંકર પીડાને લીધે જમીન પર કોકડું વળીને પડ્યો કરાંજતો હતો.

“બોલ, હવે ચોરી નહીં કરું.” પોલીસે રોફ જમાવ્યો.

“હા, કરીશ. ચોરી તો શું ખૂન પણ કરીશ.” બુઢ્ઢાના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.

“હેં શું બોલ્યો, કોનું ખૂન કરીશ?” પોલીસની રાડ ફાટી.

“જે સામે મળશે એનું.” બુઢ્ઢાએ અવાજમાં જોર ભેળવ્યું.

“કે…મ?”

“કારણ કે, મારે જેલમાં જવું છે. લાંબી સજા જોઈએ છે.”

“પણ, તારે જેલમાં કેમ જવું છે?”

“મારે રોટી જોઈએ છે. માથે છાપરું જોઈએ છે. તન ઢાંકવાં એક કાંબળો જોઈએ છે. હવે હું ઘરડો થયો છું. મરું ત્યાં સુધીનો એક આશરો જોઈએ છે. પાગલની જેમ અટ્ટહાસ્ય કરતા એ બોલ્યો. જેલ સિવાય આ દુનિયામાં મને આ બધું ક્યાં મળવાનું છે એટલે મને સજા જોઈએ છે. રોટી ચોરવી એ અપરાધ હોય તો એના પર પણ મને સજા ઠોકી દો.” એટલા ભોળા ભાવે એ બોલ્યો કે સૌ એને જોતા રહી ગયા.

“દિમાગ ખરાબ છે આનું, બંધ કરી દો એને.” થાણેદારનું માથું ઠમક્યું.

બુઢ્ઢાનો કરચલી ભરેલો ચહેરો ચમકી ઊઠ્યો. કૃતજ્ઞતાથી થાણેદારનાં પગ પકડી લીધા.

“હાશ. મારી આખરી ઇચ્છા પૂરી કરી. તારો પાડ હું ક્યારેય નહીં ભૂલું. તારાં બચ્ચાંઓ સલામત રહે. દિવસરાત તારી પ્રગતિ થાય. જેલમાં રાખીને તમે મારશો, ધીબશો પણ એક ટુકડો રોટી, ઓઢવા કાંબળો, માથે છત તો આપશો ને? કોણ કહે છે કળીયુગ છે, ભગવાન ક્યાંય નથી પણ જોયું ને ભગવાનનાં ઘેર દેર છે અંધેર નહીં.”

ત્યાં ઊભેલાં સૌ જોતાં રહ્યાં અને આંખોમાંથી આંસુની વહેતી ધાર સાથે એ બુઢ્ઢો આદમી જમીન પર ઢળી પડ્યો. એક ક્ષણ પહેલાં બોલતો એ આદમી હાથમાં કસીને પકડેલી રોટી સાથે જ હંમેશ માટે શાંત થઈ ગયો.


હિમાંશુ જોશી લિખિત વાર્તા- ભગવાન નહીં હૈ- પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Share this:

  • Click to share on X (Opens in new window) X
  • Click to share on Facebook (Opens in new window) Facebook
Like Loading...

Related

વાર્તાઃ અલકમલકનીRajul Kaushik

Post navigation

Previous Previous post: ફિલ્મી ગઝલો – ૬૦ . હસન કમાલ
Next Next post: બે ધ્વજ

Leave a comment Cancel reply

Blog Stats

  • 130,006 hits

વેબ ગુર્જરી

  • સાગરમાં વિરમેલા સૂર
  • કોને કહું દિલની વાત (૩)
  • આધુનિક ભારતના સમાજ સુધારક સંત : ગાડગે બાબા
  • ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૮
  • નવું શીખવાની કોઇ ઉંમર હોતી નથી……ખેતીમાં પણ
  1. સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા – વેબ ગુર્જરી on સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૨]December 17, 2025

    […] December 17, 2025Author: webgurjari 0 Comments આ પહેલાં શ્રી બાબુ સુથારની કૉલેજકાળની […]

  2. SARYU PARIKH's avatar
    SARYU PARIKH on એક સાહિત્યિક તીર્થ અને તેમાં રહેલી પુસ્તકપ્રતિમાઓDecember 15, 2025

    સ્મૃતિમંદિરમાં સચવાયેલી આ તમામ ચીજવસ્તુઓમાં આજે પણ ગોવર્ધનરામની ચેતના અનુભવી શકાય છે. વળી આ સ્મૃતિમંદિર ગોવર્ધન-અભ્યાસ માટેની એક સ્વાધ્યાયપીઠ પણ…

  3. Samuel's avatar
    Samuel on થાય સરખામણી તો | રમત થઇ ગઇDecember 14, 2025

    શુન્ય નહી પણ સૈૈફ પાલનપુરી

  4. એક કલાકાર: ગાયકો એકથી વધુ [૨] – વેબ ગુર્જરી on એક કલાકાર: ગાયકો એકથી વધુ [૧]December 13, 2025

    […] શ્રેણીનો પ્રથમ લેખ ૮ નવેમ્બર ૨૦૨૫ના પ્રકશિત થયો હતો જે દેવઆનંદ પર હતો. […]

  5. SARYU PARIKH's avatar
    SARYU PARIKH on વામા-વિશ્વ : ગૌહરજાનDecember 10, 2025

    ખૂબ રસપ્રદ અહેવાલ. આ નામ સાંભળ્યું જ નહોતું. સરયૂ પરીખ.

  • આરોગ્ય અને સુખાકારી
  • ઇતિહાસ
  • કાર્ટૂન
  • કૃષિ વિષયક અનુભવો
  • ગદ્ય સાહિત્ય
  • ચિત્રકળા
  • નજર ભરીને નિહાળીએ
  • નારીની જ નજરે
  • પદ્ય સાહિત્ય
  • પરિચયો
  • પુસ્તક પરિચય
  • પ્રવાસ વર્ણન
  • પ્રાચીન શાસ્ત્રોનો અભ્યાસ
  • ફિલ્મ સંગીત
  • ફિલ્માવલોકન
  • બાળ સાહિત્ય
  • મનોજગતમાં વિહાર
  • મૅનેજમૅન્ટ
  • વિજ્ઞાન
  • વિવિધ વિષયોના લેખો
  • વિવેચન અને આસ્વાદ
  • શિક્ષણ
  • સંગીતની દુનિયા
  • સંપાદકીય
  • સાંપ્રત વિષયો
  • હાસ્યરસ
  • Uncategorized

© 2025 વેબ ગુર્જરી

Blog at WordPress.com.

  • Comment
  • Reblog
  • Subscribe Subscribed
    • વેબ ગુર્જરી
    • Join 73 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • વેબ ગુર્જરી
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Copy shortlink
    • Report this content
    • View post in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d