મંજૂષા
વીનેશ અંતાણી
પંચોતેર વટાવી ગયેલા એક વડીલ સફળ જીવન જીવ્યા હતા. એમણે એમના શ્રદ્ધાંજલિ-લેખમાં શું લખાવું જોઈએ એની વાત કરી હતી. ‘હું નથી ઇચ્છતો કે મારી શ્રદ્ધાંજલિમાં મારી આર્થિક અને અન્ય સફળતાઓ વિશે વાતો કરવામાં આવે. મેં બીજા લોકો માટે શું કર્યું, મુશ્કેલીના સમયે એમને કેટલી મદદ કરી, મેં ક્યાં કેટલું દાન આપ્યું, સેવાનાં કયાં કામ કર્યાં – એવી બધી બાબતોનો ઉલ્લેખ થાય એવું હું ઇચ્છતો નથી. એ તો મારી ફરજ હતી. એવાં કાર્યોનો મને સંતોષ છે, પરંતુ એ બધું તો મેં અન્ય લોકો માટે કર્યું હતું. ખરેખર તો મેં મારા માટે શું કર્યું એની વાત કહેવાની જરૂર છે.’
આગળ કહે છે: ‘મારી અતિવ્યસ્તતામાં પણ મેં મારા પરિવાર અને મિત્રોની સાથે પૂરતો સમય વિતાવ્યો છે. મારાં સંતાનો અને એમનાં સંતાનોના વિકાસમાં મેં ધ્યાન આપ્યું છે. એ બધાંની સાથે મેં મારી જાતની પણ કાળજી લીધી છે. ત્રણ – ત્રણ કંપનીઓના સફળ વહીવટની જવાબદારીઓની સાથે મેં બીજાની દૃષ્ટિએ ક્ષુલ્લક લાગે એવી નાની – નાની બાબતોમાંથી પુષ્કળ આનંદ મેળવ્યો છે. હું રોજ સાંજે ઘેર આવું ત્યારે બીજું બધું બહાર છોડી મારી પોતાની દુનિયામાં પ્રવેશતો. મને પ્રિય પુસ્તકો અને સંગીતનો આનંદ માણ્યો છે. વિવિધ વાનગીઓ બનાવવામાં રસ લીધો છે. અમે વર્ષમાં બે’ક વાર સપરિવાર જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ કરતાં. એટલું જ નહીં, ઘણીવાર આગોતરું આયોજન કર્યા વિના હું એકલો અજાણ્યાં સ્થળોએ રખડવા નીકળી પડતો અને માત્ર મારી સાથે સમય વિતાવતો. મેં મને પ્રસન્ન રાખવાના બધા પ્રયત્ન કર્યા છે. હું ઇચ્છું છું કે મેં મારી જાત સાથે વિતાવેલા સમયનો, મેં મારા માટે પણ જે કર્યું એ બધી બાબતોનો, મારા શ્રદ્ધાંજલિ -લેખમાં ઉલ્લેખ થાય. હું મારા માટે પણ જીવ્યો છું.’
એ બેનામ વ્યક્તિની આ ઇચ્છામાં મહત્ત્વનો સંદેશ છે. દરેક જણે માત્ર બીજા માટે જ જીવવાનું નથી હોતું, પોતાના માટે પણ જીવવું જોઈએ. આપણે અન્ય લોકો પ્રત્યે ભલા હોઈએ એ ઉત્તમ ગુણ છે, પરંતુ જાતને ભૂલી જઈએ, પોતાના માટે કશું જ કરીએ નહીં એ યોગ્ય નથી. આપણે જાત પ્રત્યે પણ ભલા થવું જોઈએ.
સમગ્ર જગતને પ્રેમ કરવાના આદર્શનો આરંભ જાત પ્રત્યેના પ્રેમથી થાય છે. એ સ્વાર્થવૃત્તિ નથી. અન્ય લોકો માટે બધું જ કરી છૂટનાર માણસ જાત પ્રત્યે કઠોર રહે તો એ એક પ્રકારની હિંસા છે. સર્વજનોને પ્રેમ કરવાની ભાવના માણસાઈનું લક્ષણ છે, પરંતુ જાતને પ્રેમ કરવાનું ભૂલી જઈએ તો બધા પ્રકારના સંબંધની સમજના પાયામાં જ લૂણો લાગી જાય છે. પોતાને પ્રેમ કરીને આપણે સાર્વજનિક પ્રેમનો મહિમા કરી શકીએ.
અમેરિકાના લેખક ડેનિયલ પીઅર્સે કહ્યું છે : ‘પોતાને પ્રેમ કરનાર વ્યક્તિ બીજાને ધિક્કારી શકતી નથી અને જાતને ધિક્કારનાર વ્યક્તિ બીજા કોઈને પ્રેમ આપી શકતી નથી.’ ઘણાં લોકો બીજાની લાગણીને ઠેસ ન પહોંચાડવા પોતાની લાગણીઓને અન્યાય કરે છે.
એક તેજસ્વી યુવતી જીવનમાં ઘણું કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતી હતી. એ સંગીત શીખવા માગતી હતી, લેખક બનવા માગતી હતી, પોતાના પગ પર ઊભી રહી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માગતી હતી. પરંતુ એ પરણી પછી પોતાને ભૂલી ગઈ. પતિની ઇચ્છાને વશ થઈ સાસરિયાના બૃહદ્દ પરિવાર તથા પતિ -સંતાનોને જ ખુશ રાખવા લાગી. એણે પોતાને શું જોઈએ છે એનો ખ્યાલ રાખ્યો નહીં. બીજાંને ખુશ રાખવાની ધૂનમાં એ પોતાની ખુશીને કચડતી ગઈ. એની ઉંમર થઈ, પતિ મૃત્યુ પામ્યો, સંતાનો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં અને એ સાવ એકલી પડી ગઈ. સમય એના હાથમાંથી સરી ગયો પછી એને લાગ્યું કે આટલાં વર્ષોમાં એણે પોતાના માટે કશું જ કર્યું નથી, એનું જીવન વ્યર્થ ગયું છે. એ અફસોસ એને કોરી ખાવા લાગ્યો અને જીવનભરનો થાક જીરવવો અસહ્ય થઈ પડ્યો. અન્ય લોકોની અપેક્ષાઓ સંતોષવામાં એણે પોતાનાં સપનાંનું ખૂન કરી નાખ્યું.
ઘણાં લોકો એમના જીવનમાં કશુંક અનિચ્છનીય બને તો પોતાને દોષ દેવા લાગે છે. તેઓ બધા જ પ્રકારની નિષ્ફળતા માટે પોતાને જવાબદાર માને છે. એ કારણે એમનામાં અપરાધભાવ જાગે છે. તેઓ પોતાને માફ કરવા તૈયાર હોતા નથી. દોષનો ટોપલો પોતાના પર ઢોળવો સહેલું છે.
ઘણીવાર અનિચ્છનીય બનાવ કે નિષ્ફળતા માટે અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે. માત્ર જાતને જ અપરાધી ઠેરવવાથી પરિસ્થિતિનું તટસ્થ પૃથક્કરણ કરી શકાતું નથી. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જાત પ્રત્યે અનુકંપા ધરાવવી હકારાત્મક વલણ છે. પોતાની મર્યાદાઓમાંથી બહાર નીકળવા માટે પણ જાત પ્રત્યે ભલા થવું જોઈએ.
આત્મપીડન વ્યક્તિને ક્યાંય પહોંચાડતું નથી. બીજાંની ભૂલો માફ કરી શકીએ તો પોતાની કેમ નહીં? આપણું જીવન કેવળ બીજા માટે જ નથી, આપણું પણ છે. બધાં સાથે જોડાયેલા હોવા છતાં આપણે સ્વતંત્ર છીએ, શક્તિશાળી છીએ અને પૂર્ણ વ્યક્તિ છીએ. જીવન પૂર્ણ રીતે જીવી જવા માટે જ મળ્યું છે.
દરેક વ્યક્તિની જીવનયાત્રા પોતાનાથી શરૂ થાય છે અને પોતાની સાથે પૂરી થાય છે. બધાં સાથ છોડી દેશે પરંતુ આપણો પંડ આપણને છોડીને ક્યાંય જવાનો નથી. સાદી વાત છે – હું છું તો જગત છે. જાતરૂપી કાયમી સાથીદારનો અનાદાર કરવાનું બંધ કરી જાત પ્રત્યે પણ ભલા રહીએ.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
