પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ
આજે આપણી આસપાસ નજર ફેરવીએ તો લગભગ દરેક પોળ કે સોસાયટીમાંથી; અને ક્યાંકતો ઘરદીઠ એકાદ વ્યક્તિ કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા અથવા આરબ દેશોમાં હશે અથવા એ દિશામાં કાર્યવાહી કરતી હોવાનું જણાશે. દાયકાઓ પહેલાં વ્યવસાયિક ધોરણે, ખાસ કરીને કારીગર વર્ગમાં આ પ્રવાહ આફ્રિકા તરફનો હતો. આફ્રિકા સ્થાયી થનાર વ્યક્તિ પછી પોતાના સગાં કે મિત્ર અથવા ગામના અન્ય કુશળ કારીગરને ત્યાં આવવાનું ઇજન આપતી. આજે 86 વર્ષની વયેપહોંચેલા આપુસ્તકના લેખક, વલ્લભભાઇ નાંઢા કિશોર વયે પિતાની પાછળ આફ્રિકા પહોંચેલા અને ત્યાં સારો એવો સમય ગાળ્યા પછી લંડન સ્થાયી થયા. અન્નનો કોળિયો જેમ ચાવીએ તેમ મોંમાં વધુ મીઠાશ વર્તાય; તેવું જ વલ્લભભાઇને પોતાની જીવનસફર બાબતે જણાતું. સફરમાં વિવિધ તબક્કે આવેલા વળાંકો, મુકામો અને પડાવો તેમજ કથામાં આવેલા આરોહ અને અવરોહ તેમને વધુ આકર્ષક અને રોમાંચક જણાયા. વીતેલા સમયમાં સંબંધોની હૂંફ, ઉષ્મા અને મીઠાશનો અહેસાસ ગાઢ હોવાનું તેમને લાગતું. વલ્લભભાઇ મૂળે લેખક જીવ. લેખક તરીકેની સફરમાં વાર્તાસંગ્રહો, નવલકથાઓ, સંપાદનો અને સાહિત્યિક લેખો લખ્યા છે. આ આંક ૧૭ જેટલો છે. તેમણે પોતાના સંભારણાને અક્ષરસ્વરૂપ આપ્યું. સંભારણા છેવટે જીવનકવન જ રજૂ કરે. લેખક હોવાના નાતે તે સુપેરે જાણતા હતા કે ચરિત્રલેખન માટે અલગ કૌશલ્યની જરૂર પડે. આથી આ પુસ્તક પ્રકાશિત કરતાં પહેલાં તેમણે જાણીતા ચરિત્રલેખક બીરેન કોઠારીની મદદ લીધી અને તેમના કૌશલ્યને બિરદાવ્યું છે.
આ પુસ્તકમાં લેખકના ત્રણ ભૂખંડોમાં જીવાયેલા જીવનને આધારે કથાને ત્રણ ખંડમાં વહેંચીને આલેખાઇ છે. પહેલા ખંડમાં લેખકના પરિવારની પૂર્વભૂમિકાથી માંડી લેખકની જન્મભૂમિ કુતિયાણાની ભૂગોળ અને ત્યાં વીતેલા બાળપણની રોચક વાતો છે. આઝાદી સાથે ભારતના ભાગલા થયા અને જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. કુતિયાણા જૂનાગઢની નવાબી હકૂમતમાં આવતું હોવાથી તે સમયના તંગ માહોલ અને આરઝી હકુમત વિશે રસપ્રદ વાતો છે.
બીજા ખંડમાં લેખકની આફિકા તરફની સફર અને સંજોગોનું બયાન છે;એ ઉપરાંત લેખકને મળેલા શિક્ષકો અને શિક્ષણ તેમજ તેમણે અપનાવેલી શિક્ષક તરીકેની વ્યવસાયિક કારકીર્દીની વાતો પણ છે. આ ખંડમાં મુગ્ધાવસ્થામાં પાંગરેલા પ્રેમની પાકટતાની અદભૂત અને હૃદયસ્પર્શી કથા પણ છે. આફ્રિકામાં વસતા ગુજરાતી સમાજનું ઝીણવટભર્યું ચિત્રણ તેમાં છે, જે પૃથ્વીના જુદા ગોળાર્ધમાં વસતા ગુજરાતીઓના જીવન અને જીવનશૈલી પર પ્રકાશ પાડે છે.
લેખક માંડ સ્થાયી થયા ત્યાં રાજકીય સંજોગો બદલાયા. ટાંગાનિકા – ઝાંઝીબારનું જોડાણ થયું અને તાન્ઝાનિયા અસ્તિત્વમાં આવ્યું.સરકાર અને કાયદા બદલાયા. એશિયનો માટે અજંપો પેદા કરતી હવેની પરિસ્થિતીમાં લેખકે લંડનની વાટ પકડી. શિક્ષણ ક્ષેત્રમાં કારકીર્દી અપનાવી ચૂકેલા લેખક નવી ભૂમિમાં નવેસરથી પોતાના પગ ટેકવવાની કવાયતના ભાગરૂપે દરજીકામ કરે છે; બસમાં કંડક્ટર અને રેલ્વેમાં બુકીંગ ક્લાર્ક તરીકે નોકરી પણ કરે છે. એક નવા જ ભૂખંડમાં નોકરી મેળવવાની આ કવાયત અને વાસ્તવિક અનુભવોનું રોચક બયાન પુસ્તકના ત્રીજા ખંડમાં આવરી લેવાયું છે. યુ.કે.માં વસતા ગુજરાતીઓના જીવનનો પણ ઘણો અંદાજ મળી રહે છે.
આ પુસ્તકનું સૌથી રસપ્રદ પાસું એક ચોક્કકસ સમયગાળાને આવરતાં લખાણો છે. આવરી લેવાયેલી ઘટનાઓ ભલે લેખકની આસપાસ ફરે, પરંતુ માનવીય સંબંધોની ઉર્મિઓ ઝીલતી કથાઓ એટલી તો સુંદર અને સહજ રીતે આલેખાઈ છે કે વાંચનાર હર કોઇને તેમાં પોતીકી કથાનો અંશ દેખાય છે. ભારત ઉપરાંત આફ્રીકા તથા યુ.કે. (લંડન) – એમ ત્રણ ભૂખંડોમાં પથરાયેલી આ કથામાં અનાયાસે જે તે દેશોની સાંસ્કૃતિક છબી બખૂબી ઉપસતી હોવાથી આ પુસ્તક સામાજિક બાબતોના અભ્યાસુઓ ઉપરાંત ઇતિહાસના અભ્યાસુઓ માટે પણ મહત્વનું સાબિત થાય તેમ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
ત્રિખંડ ત્રિવેણી: વલ્લ્ભ નાંઢા
પૃષ્ઠસંખ્યા : 274 | કિંમત : ₹ 475/
પ્રથમ આવૃત્તિ :એપ્રિલ 2024
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :ઝેન ઓપસ, જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે, નવરંગપુરા પોલિસ સ્ટેશન લેન, અમદાવાદ- 380 009
સંપર્કઃ +91 79- 26561112, 4008 1112
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
