ધર્મ અને વિજ્ઞાન

ચિરાગ પટેલ

ॐकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायंति योगिनः ।
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥१॥

બિંદુસહિત ૐકારનું યોગીઓ નિત્ય ધ્યાન કરે છે, જે સર્વે ઈચ્છાઓ પૂરી કરે છે અને મુક્તિ આપે છે. એવા ૐકારને નમન, નમન! – (શિવ ષડાક્ષર સ્તોત્ર)

મંત્રના અનેક શાબ્દિક અર્થ છે; જેમ કે, વેદના જે શ્લોક ઋક્, સામ કે યજુર્ છે; વાણી, રહસ્ય, પવિત્ર શબ્દ, પવિત્ર વિચાર, વશીભૂત, દૃઢનિશ્ચય, વિચારનું સાધન, મનની શુદ્ધિ કરનાર શબ્દ કે શબ્દસમૂહ.

સહુપ્રથમ શાસ્ત્રીય દૃષ્ટિએ મંત્ર અંગે વિચાર કરીએ. જે વાચકને વિજ્ઞાનની દૃષ્ટિએ મંત્રની છણાવટમાં રસ હોય એ લાંબીકૂદ લઈ છેલ્લા ચાર ખંડ પર પહોંચે.

સંસ્કૃત વર્ણમાળાનો પ્રત્યેક અક્ષર મંત્ર છે. ૐ મૂળ મંત્ર છે જેમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે જે નાદ કે ધ્વનિ થયો જેને નાદબ્રહ્મ કહે છે એ ગાયત્રી છે. અથર્વશીર ઉપનિષદ્ અનુસાર, આ વિશ્વ અગ્નિરૂપ રૂદ્રથી બન્યું છે. બ્રહ્મા વાયુને જન્મ આપે છે. વાયુથી ૐકાર જન્મે છે. ૐકારથી સાવિત્રી જન્મે છે. સાવિત્રી પ્રકાશરૂપ છે. સાવિત્રીથી ગાયત્રી જન્મે છે જે ધ્વનિ સ્વરૂપ છે. અને, ગાયત્રી લોકને જન્મ આપે છે. ગાયત્રી છંદમાં રચાયેલ સવિતાદેવનો મંત્ર ગાયત્રી મંત્ર નામે પ્રચલિત છે. કુલ ૧૦૮ ઉપનિષદોમાં અનેક મંત્રો અને એમનું વિસ્તૃત વિવરણ છે. ૧૮ પુરાણો અને અન્ય ઉપપુરાણોમાં પણ અનેક મંત્રોનું વ્યાખ્યાસહિત વિવરણ છે. મંત્રો એક, બે, ત્રણ, ઇત્યાદિ અક્ષરોથી લઈને અનેક શ્લોકસમૂહ ધરાવે છે. પૌરાણિક અને ઐતિહાસિક સાહિત્યમાં મંત્રશક્તિના પ્રભાવની આશ્ચર્ય પમાડે એવી અનેક કથાઓ છે.

સનતાનીઓ પોતાના ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવાની વૃત્તિ ધરાવતાં હોય છે. અનેક લોકો ગુરૂપરંપરા દ્વારા પ્રાપ્ત મંત્રનો જાપ કરતાં હોય છે. મંત્રોનો હેતુ સાત્ત્વિક, રાજસિક કે તામસિક હોઈ શકે છે. અથર્વવેદમાં વિવિધ રોગોના નિવારણ માટે કે વ્યક્તિગત/સામાજિક હેતુઓ માટેના મંત્રો છે. યજુર્વેદ અને સામવેદમા યજ્ઞો સહિત મંત્રની ઉપાસના પદ્ધતિઓ છે. મંત્રો અર્થસહિત કે અર્થવિહીન અક્ષરો/શબ્દો ધરાવતાં હોય છે. પરંપરાગત મંત્રો સંસ્કૃત ભાષામાં હોય છે, જેમ કે મહામૃત્યુંજય મંત્ર કે ગાયત્રી મંત્ર. પ્રમાણમાં આધુનિક મંત્રો બોલચાલની ભાષામાં હોય છે, જેમ કે સાબર મંત્રો કે નવકાર મંત્ર. મંત્ર જાપ પણ વિવિધ પ્રકારના હોય છે – જેમ કે, વૈખરી (સ્પષ્ટ ઉચ્ચાર સહિત), ઊપાંશુ (ગુંજારવ સમાન, હોઠ ફફડાવીને), અજપા ( ધ્વનિવિહીન), મનસા (માનસિક), લેખિતા (લખીને). શરીરમાં શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા સતત ચાલતી હોય છે જેને હંસ કે સોહમ્ મંત્ર કહે છે જે અજાપાજપ કહેવાય છે. અર્થાત્ જપ્યા વિના થતો જાપ! ઘણાં લોકો જાગ્રત અવસ્થામાં કોઈ પણ કાર્ય કરતાં-કરતાં સતત માનસિક મંત્રજાપ કરતાં હોય છે.

વૈદિક મંત્રોના છંદ, દેવતા અને ઋષિ હોય છે. ઋષિ એટલે એ વ્યક્તિ કે શક્તિ જે નિર્દેશિત મંત્રમાં રહેલ દેવ કે દૈવી શક્તિનો સહુપ્રથમ અનુભવ કરે છે. જ્યારે નિયત પ્રકારે મંત્રજાપ થાય છે ત્યારે મનમાં રહેલી ઋષિ શક્તિ જાગ્રત થઈ, વ્યક્તિને કલ્યાણમાર્ગે પ્રેરિત કરે છે. દેવતા એટલે નિર્દેશિત મંત્રમા રહેલી મૂળભૂત શક્તિ. ઋષિશક્તિના આશીર્વાદથી જ્યારે દૈવી શક્તિ પ્રસન્ન થઈ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારે વ્યક્તિમાં અલૌકિકતા પ્રગટ થાય છે. છંદ એટલે મંત્રના અક્ષરોની એવી ગૂંથણી જે એમાં નિહિત દૈવી શક્તિનો ભાવ પ્રગટ કરે છે. જ્યારે વ્યવસ્થિત છંદવિજ્ઞાનનું પાલન કરી મંત્ર સાધના કરવામાં આવે છે ત્યારે શરીરનો અલ્પપ્રાણ વિકસિત થઈ વહે છે.

આ થઈ મંત્રની મૂળ વિભાવના. કાળાંતરે એમાં પરિવર્તન થતાં ગયાં અને નવી પદ્ધતિઓ, વિધિવિધાનો આવતાં ગયાં. એક સરળ પધ્ધતિ પ્રમાણે, મંત્ર જાપ કરતા પહેલા, એક મંત્ર વડે પૂરક, ચાર મંત્ર વડે કુંભક અને બે મંત્ર વડે રેચક – એમ એક ચક્રના એવા અમુક નિશ્ચિત પ્રાણાયામ કરવા જોઈએ. પછી, નિશ્ચિત સંખ્યામાં કે નિશ્ચિત સમય સુધી (ઓછામાં ઓછો પ્રાણાયામના સમય કરતાં બમણો સમય) ઉચ્ચારણ સહિત કે ઉપાંશુ કે માનસિક જાપ કરવા જોઈએ અને પછી ધ્યાન. મંત્રમાં જેટલાં અક્ષર હોય એટલા લાખના જાપ એટલે એનું એક પુરષ્ચરણ કહેવાય. અને, એનાથી મંત્ર સિદ્ધ થાય એવું કહેવાય છે. મંત્ર શબ્દ છે, શબ્દ આકાશ તત્વનો ગુણ છે. અને, આકાશ તત્ત્વ વિશુદ્ધ ચક્ર એટલે કે કંઠમાં હોય છે. પ્રાણાયામથી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ તત્ત્વ શુદ્ધ થઈ શકે છે જ્યારે આકાશ તત્વની શુદ્ધિ મંત્રથી જ થાય છે.

જે મોટેથી બોલીએ એ વૈખરી વાણી, મનમાં ઉઠતાં સંકલ્પ-વિકલ્પ એ મધ્યમા વાણી, સંકલ્પ-વિકલ્પ શાંત ભાવે ઉઠે અને એના શબ્દો જોઈ શકીએ તો એ પશ્યંતી વાણી. અને જ્યાં મનના સંકલ્પથી વાણી અટકી પડે કે વાણીથી સંકલ્પ અટકી જાય તો એ પરા વાણી. વાચિક મંત્ર જપની પરાકાષ્ઠામાં વ્યક્તિ ચારે વાણીઓને અનુભવી શકે છે.

સામાન્ય રીતે આપણે જે મંત્રોનો જાપ કરીએ છીએ એ લોમ છે. મંત્રના પ્રત્યેક અક્ષરને ઉલટાવીને જાપ કરીએ તો એ વિલોમ છે. વિલોમના બે પ્રકાર છે – અજંત વિલોમ અને હલંત વિલોમ. વળી, સ્વર અને વ્યંજન છૂટા પાડીને જાપ કરીએ એ વિશ્લેષણ કહેવાય. જેમ કે,

ૐ નમઃ શિવાય (લોમ)
યવાશિ મઃન ૐ (અજંત વિલોમ)
અય્આવ્ઇશ્ હમ્અન્ મ્વ (હલંત વિલોમ)
અ ઉ મ્ ન્ અ મ્ હ શ્ ઇ વ્ આ ય્ અ (વિશ્લેષણ લોમ)
અ ય્ આ વ્ ઇ શ્ હ મ્ અ ન્ મ્ ઉ અ (વિશ્લેષણ વિલોમ)

લોમ પછી અજંત વિલોમ અને હલંત વિલોમ એ અવરોહ ક્રમ કહેવાય. હલંત વિલોમ, પછી અજંત વિલોમ અને પછી લોમ એ આરોહ ક્રમ કહેવાય. એ જ પ્રમાણે, વિશ્લેષણ અવરોહ એટલે વિશ્લેષણ લોમ પછી વિશ્લેષણ વિલોમ જાપ. વિશ્લેષણ આરોહ એટલે વિશ્લેષણ વિલોમ પછી વિશ્લેષણ લોમનો જાપ.

ઘણી વાર મંત્ર જાપ માટે અધિકારોની ચર્ચા કરવામાં આવે છે. જેમ કે, સ્ત્રીઓ કે બ્રાહ્મણેતર ગાયત્રી મંત્રના જાપ કરી શકે નહીં. વૈદિક શાસ્ત્રોમાં એવા કોઈ નિષેધ નથી. જે પોતાની બુદ્ધિને પ્રકર્ષણમાર્ગમાં (આત્મદર્શન અને બ્રહ્મજ્ઞાન) વાળવાની ઈચ્છા ધરાવે છે એ સર્વે ગાયત્રી મંત્રના અધિકારી છે.

મંત્ર વિષે અઢળક માહિતી લખી શકાય એમ છે અને એ બધુ અહિ સમાવી શકાય નહીં. એટલે આપણે આધુનિક વિજ્ઞાન પરત્વે દૃષ્ટિ દોડાવીએ.

ૐકાર મંત્રજાપનું આધુનિક ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મૂળ અભ્યાસ લેખો વાંચવા આ લિન્ક જુઓ – https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9623891/ અને  https://scialert.net/fulltext/?doi=itj.2009.781.785 . ટૂંકમાં એના તારણો જણાવું છું. ૐ જાપથી ત્વચાના વિદ્યુત અવરોધમાં સુધારો થાય છે જે તણાવમુક્ત સ્થિતિ દર્શાવે છે, હૃદયના ધબકાર ઘટે છે અને માનસિક તાણ ઓછો થાય છે. ઓમ કે અઉમ્ જાપ લગભગ સરખા તરંગો જન્માવે છે. ૐનો જાપ કરવાથી મન શાંત અને સ્થિર થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, ઊંચું રક્તચાપ ઘટે છે, અને એકાગ્રતા વધે છે. ૐનો પાવર સ્પેક્ટ્રલ ડેન્સિટી (psd) ગ્રાફ એ વ્હાઇટ નોઈઝ (શ્વેત કે નેપથ્ય ધ્વનિ)ના ગ્રાફ જેવો છે. અર્થાત્ ૐકારમાં સર્વે અક્ષરોના ધ્વનિનો સમાવેશ થઈ જાય છે. એટલે, ૐકાર અન્ય ધ્વનિની ધ્યાન ભટકાવતી અસર દૂર કરવા માટે પ્રયોજાય છે.

ભૌતિક વિજ્ઞાન પ્રમાણે પ્રત્યેક તરંગની આવૃત્તિ એટલે કે એક સેકંડમાં કેટલાં તરંગ કોઈ એક બિંદુમાંથી પસાર થઈ શકે એ આંકડો લઈ તરંગનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે, આપણે સાંભળી શકીએ એ તરંગની આવૃત્તિ ૨૦થી ૨૦,૦૦૦ હર્ટઝ હોય છે એટલે કે જે તરંગ એક સેકંડમાં વીસથી વીસહજારની સંખ્યામાં ઉત્પન્ન કે પસાર થાય એ આપણાં કાન સાંભળી શકે. વર્ષોના અને ચારેદિશાના સતત તરંગમારને લીધે કાનની ક્ષમતા ઓછી થઈ હોય એટલે લગભગ ૭૦ થી ૧૨,૦૦૦ આવૃત્તિને આપણે સાંભળી શકતાં હોઈએ છીએ.

ધ્વનિ તરંગો વાતાવરણ સિવાય પ્રસરી શકતાં નથી. વળી, એ તરંગોનું વિખેરણ થઈ જતું હોય છે એટલે દૂર અંતર સુધી ફોન કે માઇક વગર ધ્વનિ પહોંચાડી શકાય નહીં. શાંત જળમાં પથરો ફેંકવાની જેને ટેવ હોય એને જાણ હશે કે પથરો જ્યાં ફેંકાયો હોય એ બિંદુથી ચારે દિશામાં વમળો ઉઠશે. એક સાથે બે-ત્રણ મોટાં પથરા ફેંકી શકો તો જોઈ શકો છો કે આ વમળો એકબીજા સાથે પ્રતિક્રિયા કરશે અને નવા આકારો જન્માવશે.

શ્રી હાંસ જેની નામના વૈજ્ઞાનિકે સાયમેટિક્સ નામે ઓળખાતી ધ્વનિ તરંગ પ્રક્રિયા પર સંશોધન કરી ધ્વનિ તરંગોથી આકૃતિઓ બનાવતા પ્રયોગો કરી બતાવ્યાં હતાં. તેણે એક જાણીતા પ્રયોગમાં દર્શાવ્યું હતું કે ૐનો ધ્વનિ કેન્દ્ર બિંદુ સાથેના સંપૂર્ણ વર્તુળનો આકાર બનાવે છે. એ પ્રમાણે, પ્રત્યેક અક્ષર ભિન્ન પ્રકારનો આકાર ઉત્પન્ન કરે છે. હવે, અનેક અક્ષરોના સમૂહની આપણાં શરીર-મગજના કોષો પર પ્રતિક્રિયા થઈ ચોક્કસ પ્રકારનો આકાર જન્માવતો હોવો જોઈએ. એ માટેનો છંદ અને સ્વર જેટલાં સ્પષ્ટ અને ચોક્કસ એટલો એ આકાર સચોટ એમ માની શકાય. એટલે કે, મંત્રજાપ શારીરિક-માનસિક અસર જન્માવતી કોઈ સુનિયોજિત પધ્ધતિ છે. જેમ મકાનની છત પરથી કૂદકો મારીએ તો નીચે પડીએ પછી ભલે ગુરુત્વાકર્ષણ બળને સ્વીકારીએ કે ના સ્વીકારીએ; તેમ જ, મંત્રમાં માનીએ કે ના માનીએ, એ મગજને લાભકારી અસર જન્માવતી પધ્ધતિ છે એવું અનેક પ્રયોગોથી સાબિત થયું છે.

|| ૐ તત્ સત્ ||


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com