સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

ઔપચારિક શિક્ષણ અને પરીક્ષા સંલગ્ન જ  છે. સમયે સમયે શિક્ષણ નીતિ બદલાતી જાય છે તેને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ બદલાતા નથી. બ્રિટિશ શાસનમાં પ્રાથિમક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે બહારથી ડેપ્યુટિ ઇ‌ન્સ્પેક્ટર પરીક્ષા લેવા આવતા અને ઘણુખરું પરીક્ષા મૌખિક જ લેવાતી. માધ્યામિક શાળામાં અને કોલેજોમાં લેખિત પરીક્ષા લેવાતી. આ બધી જ પરીક્ષાઓમાં યાદશક્તિની કસોટીથી વિશેષ કશું ન હતું

એક ઘટના યાદ આવે છે. એક માધ્યામિક શાળાના આચાર્યને મળવા માટે એક નિવૃત શિક્ષક આવ્યા હતા. તેમણે આચાર્યને પૂછ્યું કે તમે પરીક્ષા માટે પ્રશ્નપત્રો કેવી રીતે તૈયાર કરો છો. જવાબમાં આચાર્યે કહ્યું કે તેઓ જિલ્લા આચાર્યમંડળે તૈયાર કરેલા પ્રશ્નપત્રો જિલ્લા મથકેથી તૈયાર છપાયેલા મંગાવે છે. આ સાંભળીને પેલા નિવૃત્ત શિક્ષક ખૂબ  ગુસ્સે થઈ ગયા અને બોલ્યા “ ભણાવો તમે અને પરીક્ષા બીજા કોઇ લે તે પરીક્ષાને પરીક્ષા જ કેમ કહી શકાય? મહેરબાની કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષણનાં હિતમાં તમે જાતે જ પરીક્ષા લો. મને એ નિવૃત શિક્ષકની વાત વાજબી તો લાગી અને પરીક્ષાનો મૂળ હેતું – શિક્ષકે પોતે વિદ્યાર્થીઓને જે ભણાવ્યું છે તે વિદ્યાર્થીઓ બરાબર શીખ્યા છે કે નહિ તે જાણવું- પણ સમજાયો. પરંતુ નૈતિક મૂલ્યો એટલા ઘટી ગયા છે કે જો શાળાના જ શિક્ષકો પ્રશ્નપત્ર કાઢે તો પેપર ફૂટવાનો ડર રહે છે. આથી સલામતી માટે પરીક્ષાનો મૂળ હેતુ માર્યો જાય તો પણ અન્યને પરીક્ષક બનાવવામાં કોઇને વાંધો દેખાતો નથી. અલબત ધોરણ  10 કે 12ની બોર્ડની પરીક્ષા માટે જે ભણાવે તે જ પરીક્ષા લે તે શકય નથી.

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે ગોખણપટ્ટી, અને એમ સી ક્યુ કેન્દ્રિત પરીક્ષા પદ્ધતિ અને કોચિંગ કલાસો દ્વારા વેચાતી સફળતાની માર્ગદર્શિકાઓના ધુમ વેચાણો થાય છે. દસમા કે બારમા ધોરણની પરીક્ષાનો ડર એક કાયમી બીમારી બની ગયો છે અને આખી શિક્ષણ વ્યવસ્થા જ જાણે પ્રદુષિત થઈ ગઈ હોય તેમ લાગે છે. આવા સંજોગોમાં મળતા અહેવાલો મુજબ સીબીએસસી દ્વારા પ્રાયોગિક ધોરણે કેટલીક પસંદગીની શાળાઓમાં ધોરણ 9 થી 12 માં ગણિત અને વિજ્ઞાનની (બોર્ડની પરીક્ષા સિવાય) પરીક્ષા પરીક્ષાર્થીઓને પુસ્તકો સાથે રાખવાની છૂટ આપીને (જેને હવે પછી આપણે ઓપન બુક પરીક્ષા કહીશું) લેવાની વિચારણા ચાલી રહી છે.

ઓપન બુક પરીક્ષા લેવાનો આ ખ્યાલ આવકાર્ય લાગે છે. આ પ્રયોગ પાછળનો હેતું આજની શિક્ષણ વ્યવસ્થાના સડાને દૂર કરવાનો તો છે જ, સાથે સાથે એવી આશા છે કે તેનાથી બાળકોમાં વૈચારિક પ્રક્રિયાનું સ્તર ઊંચુ આવશે તથા શિક્ષણનો મૂળભૂત હેતુ પણ સરી શકે છે. આજે બોર્ડની પરીક્ષાઓમાં થતી ચોરી અટકાવવાના અનેક ઉપાયો છતાં પરીક્ષામાં ચોરી તથા પેપર ફૂટવા એ સામાન્ય થઈ પડ્યા છે.

પરંતુ નિષ્ણાતોના મત મુજબ શિક્ષણ આપવાની ચીલાચાલુ પદ્ધતિ અને ઓપન બુક પરીક્ષા બન્ને એક સાથે ચાલી શકે નહિ. આથી આ પ્રકારે પરીક્ષા લેવા માટે આપણી શાળાના વર્ગમાની શિક્ષણ પદ્ધતિમાં  ધરખમ ફેરફાર જરૂરી બને છે.

સૌ પ્રથમ તો આપણે શિક્ષણશાસ્ત્રને તેના મૂળભૂત અર્થમાં ગંભીરતાથી લેવું જોઇશે. આજની પરિસ્થિતિમાં તો શિક્ષકોનું એક માત્ર  લક્ષ્ય જે તે ધોરણના અભ્યાસક્રમને પૂરો કરવાનું હોય છે. શિક્ષણનો સાચો હેતુ તો વિદ્યાર્થીની ક્ષમતાને બહાર લાવવાનો છે. આ માટે વર્ગની ચીલાચાલુ પદ્ધતિ છોડીને વિદ્યાર્થીઓં સાથે અર્થપૂર્ણ સંવાદ કરીને તેનું માનસ જે તે વિષય શીખવા માટેની જિજ્ઞાસા ઊભી કરવા માટે તૈયાર કરવું જોઈએ. શિક્ષક એ પોપટિયુ જ્ઞાન પીરસનારો નથી. પરંતુ બાળકને લાગવું જોઈએ કે શિક્ષક જાણે શીખવા માટેનો સહયાત્રી છે. પુસ્તકમાંની તૈયાર વ્યાખ્યાઓ, થિયરીઓ કે માહિતીનો બોજો લાદ્યા વિના વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ઊભી કરીને તે પોતે સવાલ કરતો થાય એ જરૂરી છે. આજની શિક્ષણપદ્ધતિમાં વિદ્યાર્થીને ભાગ્યેજ પાઠપુસ્તકની બહાર વિચારવાની તક મળે છે. પરાપૂર્વથી પરીક્ષાપદ્ધતિ એ માત્ર યાદદાસ્તની કસોટી બનીને જ રહી છે. ગૂગલ ગુરુ જેવા તૈયાર માહિતીના યુગમાં વિદ્યાર્થીની યાદશક્તિનું મૂલ્ય ખાસ રહ્યું નથી

ઓપન બુક પરીક્ષામાં પ્રશ્નો એવા પૂછાવા જોઈએ કે સવાલો આંટીઘૂંટીવાળા હોય તેમજ ઉત્તર  આપવા માટે વિદ્યાર્થીએ પોતાની કલ્પનાશક્તિનો સહારો લેવો પડે. ખરેખર તો આ પ્રકારની પરીક્ષા એ પરીક્ષકની કસોટી કરે તેવી હોવી જોઈએ. જો સવાલો એવા પૂછાય કે જેના જવાબો પાઠ્યપુસ્તકમાંથી સીધેસીધા મળી રહે તો ઓપન બુક પરીક્ષા એક ફારસ બનીને જ રહેશે. ઉદાહરણ તરીકે કો‌ન્સ્ટાટિનોપલનું પતન કઈ સાલમાં થયું? એવો સવાલ પૂછાય તો તેનો જવાબ પાઠ્યપુસ્તકમાં તૈયાર મળી રહેશે. તેના બદલે એમ પૂછાય કે કો‌ન્સ્ટાટિનોપલના પતનની ભારતના અને વિશ્વ પર શું અસર થઈ? તો તેના ઉત્તર માટે વિદ્યાર્થીએ વિચાર કરવો પડશે. અલબત વર્ગમાં આને આનુષાંગિક ચર્ચા થયેલી હોવી જોઈએ. ઉપલા ધોરણના વિદ્યાર્થીને ખેડૂત આંદોલન અને બંધારણના મૂળભૂત હક્ક વિશે ટૂંક નોંધ પૂછી શકાય.

ઓપન બુક પરીક્ષા માટે પ્રાથમિક શરત શિક્ષકોની સજ્જતા છે. તેમની પાસે પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય પુસ્તકોનું વાંચન અને મનન હોવા જોઈએ. 35 વર્ષ સુધી સતત ગુજરાતી વિષય ભણાવીને નિવૃત થયેલા એક શિક્ષકને મેં તેમણે વાંચેલા પુસ્તક વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેમણે હીરાલાલ ઠક્કરનું પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ એ એક માત્ર પુસ્તક વાંચ્યું હતું! આથી પરીક્ષા પદ્ધતિમાં જો ફેરફાર કરવો હશે તો સૌ પ્રથમ શિક્ષણ આપનારને શિક્ષિત કરવા જરૂરી છે. સરકારની જાહેર પરીક્ષા માટે વિશાળ વાચનની અપેક્ષા ઉમેદવારો પાસે રાખવામાં આવે છે તેના પ્રમાણમાં નહિવત અપેક્ષા નવા ભરતી થનારા શિક્ષકો પાસે રાખવામાં આવે છે. શિક્ષકોનું કામ બાળકોમાં સર્જનાત્મકતા તેમજ વૈચારિક સ્તરને ઊંચુ લઈ જવાનું છે. આ માટે એવા શિક્ષકો હોવા જોઈએ કે જે  મુકરર અભ્યાસક્રમને પકડી રાખ્યા વિના મુક્ત ચર્ચાઓ કરી શકે અને આવી ચર્ચા કરવા વિદ્યાર્થીઓને પ્રેરી શકે.

એક વાત સમજી લેવાની જરૂર છે કે ઓપન બુક પરીક્ષા એ આજની આપણી શિક્ષણવ્યવસ્થા અને ખાસ કરીને શિક્ષકો માટે મોટો પડકાર છે. એકના એક સવાલો પૂછવાને બદલે શિક્ષકોએ પોતાનાં મગજને નવા વિચારો અને પ્રયોગો માટે સતત સક્રીય રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે પણ તે સહેલું નહિ હોય. તેમને સવાલોના જવાબો પુસ્તક કે ગાઈડમાંથી તૈયાર નહિ મળે. વિદ્યાર્થીએ પોતાની વૈચારિક પ્રક્રિયાને  વિશ્લેષણાત્મક બાનાવવી પડશે. આ ઉપરાંત સર્જનાત્મક કલ્પના પણ જરૂરી છે. અલબત્ત ઉત્તર આપવા માટે લેખનકૌશલ્યની જરૂર તો પડશે જ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(A. I)નો યુગ વધુ ને વધુ ક્ષેત્રોના બારણા ખખડાવી રહ્યો છે, ડિઝિટલ યુગનો મધ્યાહ્ન તો તપી જ રહ્યો છે, આપણ્રે નવી શિક્ષણ નીતિ પણ અપનાવી છે એવે સમયે ગોખણપટ્ટીને અલવિદા કહેવાનો સમય પાકી જ ગયો છે. સમગ્ર વિશ્વ સાથે કદમ મિલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને વર્ગમાની શિક્ષણ પદ્ધતિ તેમજ પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર જરૂરી બની ગયો છે. આ કામ સહેજ પણ સરળ નથી સૌ પહેલા તો એ માટે યોગ્ય શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે, જે રીતે જાહેર સેવા માટે ભરતી કરાતા અધિકારીઓ પાસે વિશાળ વાંચનની અપેક્ષા રાખવામાં આવે છે તેવી અપેક્ષા  શિક્ષકો પાસે પણ રાખવી પડશે. સ્પષ્ટ છે કે આ માટે પગાર ધોરણો પણ ઊંચા જ રાખવા પડે. પરંતુ આર્થિક રીતે મોંઘો લાગતો આ સોદો લાંબે ગાળે સસ્તો પડી શકે છે.

જમાના જૂની પરીક્ષા પદ્ધતિનું માળખું એટલું જૂનુ અને જીર્ણ થઇ ગયું છે કે માત્ર જીર્ણોદ્ધરથી કારગત નીવડી નહિ શકે. નવું માળખું જ ઊભું કરવું પડશે. આ કામ માત્ર સરકાર, શિક્ષકોનું કે શિક્ષણકારોનું જ નથી, પરંતુ પરીક્ષા દેવી માટે નવું મંદિર શોધવા માટે સમગ્ર સમાજના બુદ્ધુજીવીઓએ અને વિચારકોએ  લક્ષ્ય આપવું પડશે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.