સિદ્ધહસ્ત બે કવિઓનાં ઉત્તમ કાવ્યો

 

મોરપિચ્છ મોકલજો 

 હરીન્દ્ર દવે

 મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છેશ્યામવૃંદાવન રોજની અમાસ,
આજ હવે એ જ ધૂળ માથે ચડાવીએ કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

 ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી, હવે સૌરભનું લેશ ન ઓસણ,
શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે હવે કોઈની રહી ન ઓળખાણ,
કોઇ જરા ફૂલને સુંઘાડી જુઓક્યારનોય અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે, ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાંય નથી હાથવગાં, એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો, બીજી કોઈ ન કરું આશ.

 

કવિ વિનાનું ગામ

– અનિલ જોશી

પ્હાડ ફરીને પાછા વળતા પ્હાડ મૂકીને આવ્યા
પરોઢનું ઝાંખું અજવાળું ખાલી હાથે લાવ્યા

કુંજડીઓના હારબંધ ટહુકાની બારી ખુલ્લી
સૂર્ય ડોકિયું તાણે ત્યાં તો ઝળહળ ઝાકળ ઝૂલી

અંધકારનો ભણકારો થઇ ભમરો ફોરમ દોરે
સવારના ચહેરા પર બેસી અજવાળાને કોરે

કોરાતે અજવાળે ઊભાં રહીને પર્વત કાંખે
ખોબે ખોબે ધુમ્મસ પીધું પતંગિયાની પાંખે

ધુમ્મસ પીને ઝાંખીપાંખી એકલતાને ટેકે
ઢાળ ઊતરી ઊભાં આવીને પલાશ વનની મ્હેકે

પલાશવન તો જાય દોડતું ક્યાંય લગી હરણોમાં
પર્વત આખો થા કે મારા થંભેલા ચરણોમાં

મનમાં એવું થાય કે પૂગું પ્હાડ મૂકી સૂમસામ
અવાજના જંગલમાં ભટકે કવિ વિનાનું ગામ.


– પદ્યવિભાગઃ વે.ગુ. સમિતિઃ  રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ