સંવાદિતા
બોલી, પહેરવેશ, ખોરાક, રહેણીકરણી અને સમગ્ર સંસ્કૃતિ જ માણસ – માણસને જોડે છે
ભગવાન થાવરાણી
ભારત-પાક વિભાજન વિશે ખાસ્સી માત્રામાં ભારતીય સાહિત્ય રચાયું છે. આપણા ગુજરાતના લોકપ્રિય લેખિકા શરીફાબેન વીજળીવાળાએ આ ક્ષેત્રને ખુબ ખેડ્યું છે. અનેક ટૂંકી વાર્તાઓ ઉપરાંત અમૃતા પ્રીતમની નવલકથા ‘ પિંજર ‘, રાહી માસુમ રઝાની ‘ આધા ગાંવ ‘, અસગર વજાહતની ‘ જિન લાહોર નહીં વેખ્યા ‘ જેવી કૃતિઓ તેઓ સુંદર અનુવાદો દ્વારા ગુજરાતી વાંચકો સમક્ષ લાવ્યા છે. ખુશવંતસિંહની ‘ટ્રેન ટુ પાકિસ્તાન ‘ યશપાલની ‘ આધા સચ ‘અને ભીષ્મ સહાનીની ‘ તમસ ‘ પણ આ વિષયની પ્રતિનિધિ નવલકથાઓ છે, પણ આ બધી મહદંશે ઉત્તર ભારત અને પંજાબ ઉપર વિભાજને વર્તાવેલા કેરની વાત કરે છે. પૂર્વ ભારત – બંગાળ -પૂર્વ પાકિસ્તાનમાં પણ આ જ વિભિષિકા પ્રવર્તી હતી એ વિષે બહુ ઓછું સાહિત્ય આપણી સમક્ષ આવ્યું છે. અલબત્ત અનેક બંગાળી લેખકોએ એ વિષે લખ્યું છે જે બંગાળી ભાષા અથવા વધીને અંગ્રેજી અનુવાદ સુધી સીમિત રહ્યું છે. ઇન્તેઝાર હુસૈન અને અબ્દુલ્લા હુસૈન જેવા પાકિસ્તાની લેખકો અને કયેસ અહેમદ અને હસન અઝીઝુલ હક જેવા બાંગ્લાદેશી લેખકોએ પણ આ વિશે સરસ પુસ્તકો આપ્યા છે. વિભાજન વિશેની ઋત્વિક ઘટકની ફિલ્મ-ત્રયી વિશે આપણે અહીં જ થોડા સમય પહેલા જોઈ ગયા.
આવી એક નવલકથા એટલે હિન્દી- ઉર્દુ લેખક બદીઉઝઝમા ( આખું નામ સૈયદ મોહમ્મદ ખ્વાજા બદીઉઝઝમા ) દ્વારા ૧૯૭૫ માં લખાયેલી નવલકથા ‘ છાકો કી વાપસી ‘. આ લેખક અને એમના આ પુસ્તક વિષે હિન્દી સાહિત્યમાં પણ ભાગ્યે જ ચર્ચા થઈ છે. એમણે આ પુસ્તક ઉપરાંત ‘એક ચૂહે કી મોત’, ‘અપુરુષ’, ‘છઠ્ઠા તંત્ર’ અને ‘ સભા પર્વ ‘નામના ઉપન્યાસ પણ આપ્યા. ગુજરાતમાં બહુ ઓછા સાહિત્યરસિકોના ધ્યાન પર આ મહત્વપૂર્ણ કૃતિ આવી છે. પુસ્તક બિહારના ગયા શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા એક મોહલ્લામાં વસતા બે પરિવારોના કિશોર વયના બાળકોની મૈત્રીની વાત કરે છે. મધ્યમ વર્ગના ફરજંદ ‘ ખાજે બાબુ ‘અને સાવ ગરીબ પરિવારના છાકો ઉર્ફે અબ્દુલ શકુરની વાત. ખાજે બાબુ ઉચ્ચ વર્ગના સૈયદ પરિવારમાંથી આવે છે જ્યારે છાકો ગરીબ દરજી પરિવારનો છોકરો છે. છાકો અડોશ પડોશમાં રહેતા અન્ય ગરીબ કડિયા, કુંભાર, મોચી પરિવારો વચ્ચે રહે છે. હિન્દુઓની જેમ અહીં મુસ્લિમો વચ્ચે પણ વર્ગભેદ છે. ખાજે બાબુના પિતાને અંદરખાને એ ગમતું નથી કે એમનો દીકરો આ હલકા વર્ણના છોકરા જોડે ભળે.

ખાજે ભણેલો હોવાથી મહોલ્લાભરની ગરીબ સ્ત્રીઓ પરદેશ કમાવવા ગયેલા પોતાના સંતાનો કે પતિના પત્રો એની પાસે વંચાવવા કે જવાબ લખાવવા સતત આવતી રહે છે.
૧૫ પ્રકરણોમાં ફેલાયેલી નવલકથા નિરંતર ભૂત અને વર્તમાનમાં આવનજાવન કરતી રહે છે. વર્તમાન એટલે વિભાજન પછીના ત્રણ ચાર વર્ષ પછીનો ગાળો જે કથાના અંત લગી પહોંચતા ૧૯૭૧ ના બાંગ્લાદેશ સર્જન સુધી લંબાય છે.
મહોલ્લામાં જ રહેતો ખાજેબાબુના કાકાનો પરિવાર ઢાકા જતા રહેવાનો નિર્ણય કરે છે કારણ કે ત્યાં ‘ ભણેલા ગણેલા મુસ્લિમો માટે ઉજવળ ભવિષ્ય છે ‘ ખાજેબાબુનો પરિવાર પોતાનો દેશ, પોતાનું ઘર, પોતાની માટી અને પોતાના મૂળિયાં ત્યજી જવાનો વિરોધી છે, ખાસ કરીને એની અમ્મા. અધૂરામાં પૂરું, નાયકનો મિત્ર છાકો પણ રોજગારની લાલચને વશ થઈ, પૂરી વિગતો જાણ્યા – સમજ્યા વિના પાકિસ્તાનનું નાગરિકત્વ લઈ ઢાકા પહોંચી જાય છે !
સમગ્ર નવલકથાનો પ્રધાન સૂર એ છે કે લોકો- સમાજને જોડે છે તે ધર્મ નહીં પરંતુ સંસ્કૃતિ – રહેણીકરણી, ખોરાક, પહેરવેશ, ભાષા અને સંસ્કાર – જેને જમીન કહેવાય- તે છે. હોંશે હોંશે ‘ મુસલમાનોના નવા સ્વર્ગ ‘ પૂર્વ પાકિસ્તાન ગયેલ નાયકનો પિતરાઈ હબીબ ત્યાંથી લખે છે, ‘ આ બંગાળી મુસલમાનોના તૌર તરીકા હિન્દુઓ જેવા વધુ છે. અહીં કોણ હિંદુ અને કોણ મુસ્લિમ એ પારખવું જ મુશ્કેલ. ઉર્દુ તો કોઈને આવડે જ નહીં. સંસ્કારની દ્રષ્ટિએ આ લોકો હિન્દુઓની વધુ નજીક છે. અમે અહીં આવ્યા તો કદાચ આ લોકો સુધરશે.’ ત્યાં ગયેલા આ સંભ્રાંત લોકો એમ પણ માને છે કે બિહાર બંગાળના ગરીબ પછાત મુસલમાનો જો અહીં આવશે તો પાકિસ્તાનની પ્રગતિમાં અડચણરૂપ બનશે ! અન્ય એક પત્રમાં હબીબભાઈનો બળાપો, ‘ માત્ર કહેવા ખાતર આ બંગાળીઓ પોતાને મુસલમાન કહેવડાવે છે. આ લોકો કુરાનની આયતો પઢે તો આપણને હસવું આવે. જાણે કોઈ બંગાળી કિતાબ વાંચતા હોય ! આ લોકોમાં તો એટલા સંસ્કાર પણ નથી જેટલા બિહાર બંગાળના હિન્દુઓમાં છે.આ લોકોને આપણી પાસેથી કશું શીખવું જ નથી ને ! ‘
નવલકથાનો એક બિનસાંપ્રદાયિક મુસ્લિમ કહે છે ‘ હિંદુ મુસલમાનોએ જેટલું એકબીજાનું લોહી વહાવ્યું છે એનાથી ક્યાંય વધારે રક્તપાત મુસલમાનો વચ્ચેના વિખવાદ દરમિયાન થયો છે. ‘ એક કટ્ટરવાદી જ્યારે એમ કહે છે કે હિન્દુસ્તાનના બધા મુસલમાનોની ભાષા ઉર્દુ છે તો એના જવાબમાં ‘ ક્યારેક સિંધ અને બંગાળના મુસલમાનો સાથે એ ભાષામાં વાત કરી જોજો. ‘
નવલકથાના પાત્રો સ્થાનિક મગહી બોલીનો ઉપયોગ કરે છે જેમાંથી ભોજપુરી અને મૈથિલી જેવી લોકબોલીઓ ઉતરી આવી છે. ગયા શહેરની ભૌગોલિક સ્થિતિ, શહેરની ફલગુ નદી અને નદીના ઘાટ, શેરીઓ, રસ્તાઓ અને સ્થળોનું પણ તાદ્રશ વર્ણન કરાયું છે. સમાજ એવો ગંગા – જમુની કે મુસ્લિમ બાહુલ્યવાળા વિસ્તારમાં એકલો હિન્દુ હજામ આરામથી રહે. એ એમના બાળકોની સુન્નત કરે, એમની જાનમાં દુલ્હાનું છત્તર પકડે, મુહરમમાં સિપર ઝાલે, પિંડદાન કરાવવા આવેલા હિન્દુઓનું મુંડન પણ એ જ કરે અને એને ઘરનો માણસ ગણી મુસ્લિમ સ્ત્રીઓ એનાથી પરદો પણ ન કરે !
ઢાકામાં બિહારી અને બંગાળી મુસલમાનો વચ્ચે રમખાણો થયાના સમાચાર વધુ એકવાર પુરવાર કરે છે કે ધર્મનું જીવનમાં શું સ્થાન છે . હબીબભાઈ આ બંગાળી મુસલમાનો વિષે વધુ એક વાર ટિપ્પણી કરતાં લખે છે કે એમની આગળ ઈકબાલનો કોઈ શેર કહીએ તો મોઢું વકાસીને જોઈ રહે ! એમને તો ટાગોરના ગીત જોઈએ ! ઘરે ઘરે અહીં રવિન્દ્ર સંગીત !
માત્ર ધર્મના કારણે વતન છોડી જતા લોકો માટે એક બિનસાંપ્રદાયિક મુસ્લિમ પાત્ર કહે છે ‘ ઇન્હેં વતન કભી નસીબ નહી હોગા. યે ભટકતે રહેંગે ઔર અપની મિટ્ટી ઔર હવાઓં કે લિયે તરસતે રહેંગે. ‘
વર્ષો લગી રોજગારી માટે ઝઝૂમ્યા પછી નાયકને આખરે જજની નોકરી મળે છે. પૂર્વ પાકિસ્તાન થી વતન વિઝા ઉપર આવેલો છાકો આવીને પોતાના જૂના મિત્ર આગળ કાલાવાલા કરે છે કે મારે કોઈ પણ રીતે પાછું અહીં ગયા આવવું છે. તું વગદાર છો. કંઈક કર ને ! વિટંબણા એ કે એ મુસલમાન છે, પાકિસ્તાની નાગરિક છે. એનું કુટુંબ અહીં હોવા છતાં હવે કાનૂનન કશું થઈ ન શકે !
સમયાંતરે નાયકના પિતા અને માતાનું અવસાન થાય છે. એ હવે એકલો છે અને સાથે છે માત્ર ગયા, પરિવાર અને પોતાના લોકોની સ્મૃતિઓ ! આખરે પૂર્વ પાકિસ્તાન નવા દેશ બાંગ્લાદેશમાં પરિણમે છે અને અહીંથી ત્યાં ગયેલા બિહારી મુસલમાનોને ફરી એકવાર પશ્ચિમ પાકિસ્તાન ભાગવું પડે છે !
આને ઇતિહાસનું પુનરાવર્તન કહીશું !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
