ગગનગોખેથી આવ્યો ઇ મેઇલ..
નીલમ હરીશ દોશી
આયો આયો રે મારા વા’લાનો ઇ મેઇલ,
ગગનગોખેથી આજ આયો રે ઇ મેઇલ..
પ્રિય દોસ્ત,
આજે તારા સુધી પહોંચવા માટે મારે પણ ગરુડે ચડીને નહીં , પણ આધુનિક ટેકનોલોજીની અંબાડીએ ચડીને જ આવવું રહ્યું ને ? આ તમારા ઇ મેઇલે, તમારા કોમ્યુટરે મારા ગરુડ સહિત બધા વાહનોને આઉટ ઓફ ડેઇટ બનાવી દીધા છે.હવે તો દોસ્ત, તારા સુધી પહોંચવાનો, મારા દિલની વાતો તારા સુધી પહોંચાડવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો મને એક જ દેખાય છે. એથી જ તો હવે કાગળ પત્તર નહીં પણ ઇમેલથી જ હું મારા મનની વાત તારી સાથે કરીશ. આમ તો મને જાણ છે કે હવે તમે બધા ઇમેલથી પણ આગળ નીકળી ગયા છો. હવે તો તમે વોટસ અપ અને ફેસબુક વાળા..પણ હજુ ત્યાં સુધી પહોંચતા મને થોડી વાર તો લાગે ને ? આ ઇમેઇલ હજુ તો માંડ માંડ શીખ્યો છું. પણ હજુ તમારા જેટલા સ્માર્ટ બનવાનું બાકી છે. હા, વોટ્સ અપ વાંચતા શીખી ગયો છું રોજ સવારે વોટ સ અપ પર તમારા સૌના અત્યંત સુંદર મેસેજ વાંચીને હું પુલકિત બની ઉઠું છું. વાહ મારો ભકત..સોરી, મારો દોસ્ત કેટલું બધું જાણે છે. આને તો મારે કંઇ કહેવા કે સમજાવવા જેવું છે જ નહીં.
ગીતાના અધ્યાય હવે મારે સમજાવવા પડે તેમ છે જ નહીં. ગીતાના કેટકેટલા નિતનવા અર્થો શોધી શોધીને તમે વોટસ અપ, કે ફેસબુક પર એ જ્ઞાનના ખજાનાની લ્હાણી છૂટે હાથે કરો છો. એનાથી હું બહું અભિભૂત થાઉ છું. ગમતું મળે તો ગૂંજે ભરીને તમે કંઇ એકલપેટા નથી બનતા એનો મને આનંદ છે.
મને ગર્વ છે મારા સર્જન પર, મને ગર્વ છે તારી અપાર શક્તિ પર. મને ગર્વ છે તારી અમાપ બુધ્ધિ પર. તને આપેલા મગજનો આટલો વિકાસ તું કરી શકયો છે એનો મને આનંદ છે. મારા કેટલા ભવ્ય મંદિરો તેં બનાવ્યા છે. મારા નિતનવા આવાસો તું સર્જતો રહે છે. મારે તો કેટકેટલી જગ્યાએ રહેવું ? સોના, ચાંદી અને હીરાના આભૂષણોથી તું મારા નિતનવા શણગાર કરે છે. છપ્પનભોગ આરોગી આરોગીને તો મારું વજન વધી જવાનો મને ડર લાગે છે. લાગે છે મારે પણ તમારી જેમ ડાયેટ ચાર્ટ બનાવવો પડશે.દોસ્ત, ખરેખર તેં તો મારી સમક્ષ અપાર વૈભવ ખડકી દીધો છે. લક્ષ્મીપતિ હું છું કે તું એવો પ્રશ્ન, એવી શંકા પણ મારા મનમાં કદીક જાગે છે.
લિ. તારો જ ઇશ્વર, અલ્લાહ, ભગવાન, જિસસ..( દોસ્ત, તને જે નામ પસંદ પડે તે તારું..)
ચપટીક ઉજાસ:
જગતનો સૌથી મોટો વણવપરાયેલો ભંડાર ભલમનસાઇનો છે.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
