મંજૂષા

વીનેશ અંતાણી

વાયા ભારતીય લેખક રસ્કિન બોન્ડ મૂળ અંગ્રેજ પરિવારના. એમનો જન્મ પહાડી શહેર કસૌલીમાં થયો હતો. એમણે ભારતને પોતાનું વતન બનાવ્યું. વચ્ચે થોડાં વર્ષો બાદ કરતાં એમનું મોટા ભાગનું જીવન ભારતમાં પહાડોની વચ્ચે વીત્યું છે. અત્યારે પણ એ ઘણાં વર્ષોથી મસૂરીના એક ગામમાં રહે છે. નાનપણથી પહાડો સાથે બંધાયેલો સંબંધ જીવનભર ટક્યો છે. એ જાણે પહાડના અવિભાજ્ય અંગ બની ગયા છે! એમણે કહ્યું છે: ‘હું પહાડોનાં વૃક્ષો, ફૂલો અને ભેખડો – ખડકોનો કુટુંબીજન બની ગયો છું.’

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

સ્વાભાવિક રીતે એમણે મોટા ભાગનું લેખન પહાડોના સાંનિધ્યમાં કર્યું છે. એ કારણે એમની કૃતિઓમાં કુદરતી વાતાવરણની તાજગી, સુગંધ અને એક પ્રકારની હળવાશનો અનુભવ થાય છે. એમના વિપુલ સર્જનમાં બાળસાહિત્યથી માંડીને નવલકથા, વાર્તા, નિબંધો, કવિતા જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. પહાડોમાં વસતા લોકો સાથે રોજિંદા સંપર્કથી એમની લેખનશૈલી અને ઘટનાઓમાં સરળતા અને નિર્દોષતા માણી શકાય છે. કુદરતનાં તત્ત્વો સાથે એમનો ઘનિષ્ઠ અનુબંધ એમના શબ્દેશબ્દમાંથી નીતરે છે. એમની કથાઓ પરથી ‘ધ બ્લ્યૂ અમ્બ્રેલા’, ‘સાત ખૂન માફ’, ‘જૂનુન’ જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ થયું છે.

ગયા મહિને – ઓગણીસમી મેના રોજ – એમણે નેવુંમા વર્ષમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગે એમણે કહ્યું હતું : ‘હું નેવુંમા વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે મારે મને આ સવાલ અવશ્ય પૂછવો જોઈએ કે શું હું પ્રસન્ન અને ભરપૂર જીવન જીવ્યો છું? એનો જવાબ છે – હા, ક્યારેક ક્યારેક! અને જો તમે ‘ક્યારેક ક્યારેક’ પ્રસન્ન રહી શક્યા હો તો શક્ય છે કે બાકીના સમયમાં પણ પ્રસન્ન અને ભરપૂર જીવન જીવી શકશો.’

જીવનમાં પ્રસન્ન રહેવાની વાત સમજાવવા એ આપણને બાલ્યાવસ્થામાં લઈ જાય છે. કહે છે કે આપણે બાળક હોઈએ ત્યારે વારંવાર રડીએ છીએ. પછી સમય આવે છે સ્મિત અને કિલકારીઓનો. બાળકની કિલકારીઓ આ જગતનો સૌથી મીઠો અવાજ હોય છે. એવી કિલકારીઓમાંથી જ બાળક આ ‘મજેદાર’ દુનિયાની ખોજ કરવાનો આરંભ કરે છે. માણસને કોઈ પણ ઉંમરે બાળસહજ હાસ્યની જરૂર પડે છે. હાસ્ય માનવજાતને મળેલી બહુ મોટી ભેટ છે. ખાસ કરીને જીવનમાં આવતા મુશ્કેલ સમયમાં પણ આપણે હસી શકીએ, પ્રસન્ન રહી શકીએ, તો એ ભેટ વધારે મૂલ્યવાન બની જાય છે.

પ્રસન્નતાની વાત કરતાં કરતાં રસ્કિન બોન્ડની કલમમાંથી વિચારપ્રેરક સૂત્ર જેવું આ વાક્ય સરી પડે છે: ‘તમે સુખ – પ્રસન્નતાની પાછળ દોડશો નહીં તો એ સામે ચાલીને તમને મળશે.’ આ વાક્યને એમણે સુંદર દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કર્યું છે: ‘તમે પતંગિયાને પકડવા એની પાછળ દોડશો તો એ ઊડી જશે, સ્થિર ઊભા રહેશો તો એ જાતે જ તમારા હાથ પર બેસી જશે.’ પછી ઉમેરે છે કે જીવનમાં હાસ્ય અને હળવાશને આકર્ષી શકીએ તો એ આપણા આત્માનો હિસ્સો બની જશે.

રસ્કિન બોન્ડ માને છે કે આપણે ચોવીસે કલાક પ્રસન્ન રહી શકીએ નહીં. પરંતુ થોડા સમય માટે તો ચોક્કસ ખુશ રહી શકીએ. દરેક નવો દિવસ, કશાકની નવી શરૂઆત, જીવનમાં આવતો દરેક નવો તબક્કો પ્રસન્નતાપૂર્વક માણતાં શીખવું જોઈએ.

એ પોતે પહાડોમાં વસતા હોવાથી એમને પહાડોના પ્રભાતનો અવર્ણનીય આનંદ માણવાનો લાભ મળ્યો છે. એમની દરેક સવાર સુંદર અને અલૌકિક વાતાવરણથી શરૂ થાય છે. કૂકડાનું કૂકડેકૂક અને પક્ષીઓના ચહેકાટ કાને પડતાં એમના દિવસનો આરંભ થાય છે ઘરની બારી ઉઘાડતાં જ ક્ષણેક્ષણે રંગ બદલતી ક્ષિતિજ અને પરોઢની શીતળ હવા એમના ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે. પરોઢનું અજવાળું ધીરેધીરે પહાડો પર, ઘરોનાં છાપરાં પર અને ખેતરો અને જંગલ પર ફેલાવા લાગે છે. ત્યાર પછી સૂરજ બધું પોતાના હાથમાં લઈ લે છે અને પૃથ્વી પરનું જીવન જીવંત થઈ ઊઠે છે.

શહેરોમાં રહેતા લોકોને પહાડોની વહેલી સવારનો લાભ ન મળે, પરંતુ શહેરીજનો પણ એમની રીતે નાનીનાની બાબતોમાંથી આનંદ મેળવી શકે. રસ્કિન બોન્ડ કહે છે તેમ શિયાળાની ઠંડીમાં તાપણાની આજુબાજુ બેઠેલાં પરિવારજનો સાથે માણેલી ક્ષણેક્ષણને આપણે આપણી ભીતર સંગોપી રાખીએ. ચોમાસામાં આકાશમાં આકાર બદલતાં વાદળો અને વરસાદનો આનંદ માણી શકાય. વહેલી સવારે ફરવા નીકળીએ ત્યારે આસપાસનાં વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ અને માણસોમાંથી કશુંક નવું જોઈ શકાય છે. રસ્કિન બોન્ડ કહે છે: ‘કોને ખબર છે – આજે આપણે જે રસ્તા પર ચાલ્યા એના પર ફરી ચાલવા મળશે કેમ?’

એમણે બીજી એક ખૂબ મહત્ત્વની વાત કહી છે – તમારાં સપનાંને કદીય વિલાવા ન દો. તમે કોઈ સપનું સેવ્યું હોય તો એને સાચું પાડવા સતત પ્રયત્નશીલ રહો. સપનાં તમને ટકાવી રાખશે. તમે સેવેલાં સપનાં સાકાર કરવાનો માર્ગ પ્રસન્ન જીવનયાત્રા બની રહે છે. પ્રસન્નતા બહુ રહસ્યમય બાબત છે. એ સાવ નજીવી બાબતો અને ખૂબ મોટી બાબતોની વચ્ચે ક્યાંક રહેલી હોય છે અને તે આપણે જાતે શોધવાની છે. હળવા રહી ન શકતા, ગીતો ગાતાંગાતાં નાચીકૂદી ન શકતા લોકો પ્રસન્ન રહી શકતા નથી.

રસ્કિને પોતાને પૂછેલો સવાલ આપણે પણ આપણી જાતને પૂછી શકીએ – હું ખુશ છું એથી નાચું છું કે નાચું છું એથી ખુશ રહું છું? હું ગીતો ગાઉં છું એથી મને આનંદ મળે છે કે હું ગાઈ શકું છું એ કારણે પ્રસન્ન રહું છું?’


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.