તવારીખની તેજછાયા

ગાંધી મેદાનમાં જનમેદનીને સંબોધતા જે.પી.

પ્રકાશ ન. શાહ

આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઈતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો. એક રીતે, એમાં નેવું વરસ પર જેનો સૂત્રપાત થયો હતો એ સમાજવાદી આંદોલનનું સ્વાતંત્ર્યોત્તર સંધાન હતું.

આ ક્ષણે, પાંચમી જૂનના જોગસંજોગનો અવસર ઝડપી હું એક મુદ્દો ખસૂસ કરવા ઈચ્છું છું- અને તે એ કે વાજપેયીનાં છ વરસ (૧૯૯૮-૨૦૦૪) દરમ્યાન જેના કંઈક દબાતા, કંઈક સંવારેલા ઉદગારો સંભળાતા હતા અને જે કથાનક ઉભરતું આવતું હતું, યથાપ્રસંગ કથિત લિબરલ મેકઅપ સાથે, તે ૨૦૧૪-૨૦૨૪ના આ મોદી દશકમાં એકદમ બુલંદપણે અને પ્રસંગોપાત તો પ્રાકૃત લાગવાની હદે ખાસ ફિકર વગર ઉભર્યું છે.

આ કથાનક અલબત્ત ‘રાષ્ટ્ર’નું છે, એની સાંકડી ને આક્રમક વ્યાખ્યાનું છે, પણ હમણેના ગાળામાં એક વૈકલ્પિક કથાનક, અને તે પણ સ્વરાજસંધાન સાથે, ઊઘડતું આવે છે. પરિણામથી નિરપેક્ષપણે હવે એ કંઈ નહીં તો પણ વ્યાપક સમાંતર સ્વીકૃતિ ધરાવતું માલૂમ પડે છે. આ કથાનકને ગાંધીયુગીન લેખે અંશતઃ પણ ખતવી તો શકાય, પણ એમાં જો લવણ સાટું લડ્યાનું લાવણ્ય છે તો પુના કરારનું ખરબચડું સત્ પણ છે.

એની પાસે સદભાગ્યે સાવરકર નથી, પણ મહદભાગ્યે ભગતસિંહ જરૂર છે- એ ભગતસિંહ, જેનો બોંબપ્રયોગ હલકાફૂલકા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો હતો, અને જેની મુખ્ય વાત આર્થિક-સામાજિક ન્યાયની હતી. લાહોર જેલમાં ૧૯૨૯ની આઠમી ઓગસ્ટે જવાહરલાલ ભગતસિંહ અને સાથીઓને મળવા ગયા ત્યારે એક મહિનાથી ભૂખ હડતાળ ચાલુ હોવા છતાં, એમણે આત્મકથામાં સંભાર્યું છે કે ભગતસિંહના ચહેરા પર ઝળકતી બૌદ્ધિક પ્રતિભા આકર્ષતી હતી, અને તે સાથે એના પરની શાંતિ ને સ્વસ્થતા પણ… કેટલી મૃદુતા ને સુજનતાથી એ વાત કરતા હતા!

વોટ્સએપ યુનિવર્સિટીના સૌ લબરમૂછ (કેટલાંક તો મોટી ઉંમરનાં) બાળુડાંને આઝાદીના લડવૈયાઓની વિવિધ ધારાઓ વચ્ચે મતભેત છતાં કેવું સૌહાર્દ હતું એ સમજાય એટલા માટે જવાહરલાલની આત્મકથામાંથી આ ઉલ્લેખ કર્યો છે.

મુદ્દાની વાત એ છે કે રાષ્ટ્રવાદના ગર્જનતર્જનમાં ગંઠાઈ ન રહેતાં સમાજવાદે આમ આદમીના આર્થિક-સામાજિક ન્યાયની ચિંતા કરી. તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ તો ગાંધીદીધું તાવીજ હતું જ. કોંગ્રેસ સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ ગાંધીજી સાથે નિરાંતે વાતો કરવા ગયું ત્યારે એના નેતા આચાર્ય નરેન્દ્ર દેવે સરસ કહ્યું હતું કે તમે આવ્યા અને સ્વાતંત્ર્યલડતનો વ્યાપ સુખી મધ્યમવર્ગની વંડી ઠેકીને આગળ વધી રહ્યો છે એના જ અનુસંધાનમાં કિસાનો ને કામદારો સહિત સૌની સહભાગિતાની અમારી સમાજવાદીઓની કોશિશ છે.

પાંચમી જૂને આ પિછવાઈ સંભારણું એટલા વાસ્તે કે બેસતે સ્વરાજે ગાંધીસૂચવ્યા બે કોંગ્રેસ પ્રમુખો સમાજવાદી જયપ્રકાશ ને સમાજવાદી નરેન્દ્ર દેવ હતા. ગાંધીએ આંબેડકરનું નામ રાષ્ટ્રપતિ પદે વિચાર્યું હતું એવું કવચિત્ સાંભળવામાં આવ્યું હશે, પણ આ લખનાર કને એની કોઈ સાહેદી નથી. અલબત્ત, બંધારણના ઘડતર સાથે આંબેડકરનું સંકળાવું ગાંધીપહેલને આભારી હતું.

ગમે તેમ પણ, સ્વરાજના ઉષાકાળે જે નામો શાસનસ્થ નેહરુ-પટેલથી ઉફરાટે ગાંધીને સાંભર્યા તેમાંથી એકને આ દેશના પરંપરાગત વર્ણવાસ્તવની પાકી ખબર હતી તો બીજાને વર્ગવાસ્તવની. ૧૯૫૬ સંકેલાતે સૂચિત લોહિયા-આંબેડકર મુલાકાત આંબેડકરના અસામયિક નિધનથી રહી ગઈ. બાકી, લોહિયાનું આંબેડકર જોગ આગ્રહભર્યું કહેવું હતું કે તમારે સ્વરાજ પછીની રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવાનું છે.

(આઠેક વરસ પર અમદાવાદમાં ઉમાશંકર વ્યાખ્યાનમાં આનંદ તેલતુંબડેએ સંભાર્યું હતું કે આંબેડકર બંધારણમાં ‘સમાજવાદ’- અલબત્ત, લોકશાહી સમાજવાદનો સ્પષ્ટ ઉલ્લેખ ઈચ્છતા હતા.)

સ્વરાજ પછી કોંગ્રેસમાંથી જુદા પડેલા સમાજવાદી પક્ષના નીતિ વિષયક નિવેદનમાં, આગળ ચાલતાં નેહરુ-ઢેબરની કોંગ્રેસમાં, પ્રજા-સમાજવાદી પક્ષથી ફારેગ થઈ ભૂદાન આંદોલન ભણી વળતી વખતે જયપ્રકાશે સાથીઓ જોગ લખેલ પત્રમાં, ૧૯૭૭ના જનતા ઢંઢેરામાં, જનતા અવતાર છાંડી ભારતીય જનતા પક્ષ રૂપે લીધેલ આરંભિક ભૂમિકા માંહેલા ગાંધીવાદી સમાજવાદમાં, લોહિયા-પ્રભાવિત ચિંતનને પગલે વીપીએ ઘુમાવેલ મંડલાસ્ત્રમા અને હમણેની કોંગ્રેસ ભૂમિકામા તમને આ ઈતિહાસનું સાતત્ય જૂજવે રૂપે જોવા મળશે. ક્યાંક એ પૂરા કદમાં નહીં તો પ્રભાવિત ટુકડાઓમાં છે, ક્યાંક કોસ્મેટિક પણ હશે.

જોકે, મને પોતાને બે રોમહર્ષક અવસર પચમઢી કાર્યક્રમ (મે ૧૯૫૨) અને સંપૂર્ણ ક્રાંતિ દિવસ (૫ જૂન, ૧૯૭૪) લાગતા રહ્યા છે. પચમઢીમાં સમાજવાદીઓ મળ્યા તો હતા આકરી હાર પછી, પણ પાવડો, જેલભરો અને મતપેટી- રચનાકાર્ય, અન્યાય પ્રતિકાર તેમજ લોકશાહી પ્રશિક્ષણની એની ત્રિસૂત્રી રાજ્ય અને સમાજના ધોરણસરના રુધિરાભિસરણ ને ચયાપચયની રીતે બેમિસાલ હતી, છે અને રહેશે.

૧૯૭૪ના માર્ચથી બિહારમાં આવેલ છાત્રઉઠાવ જયપ્રકાશના નેતૃત્વમાં કેવળ વિધાનસભા વિસર્જનની માંગ ન અટકતાં સંપૂર્ણ ક્રાંતિના વ્યાપક અભિગમ ભણી વળ્યો એ સમાજવાદી આંદોલનની સર્વોદયસંધાન સહિતની ગાંધી ઘડી હતી… છે ને આ બધી નવ્ય કથાનકની ઈતિહાસ-સામગ્રી?


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.