સંવાદિતા

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ
હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ
નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ
બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ
તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ
કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ
છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ
હશે કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ..
ગઝલમાં જૂનાગઢ શહેરનો ઉલ્લેખ તો છેક અંતિમ શેરમાં આવે છે પરંતુ આ શહેર જેમની નસ નસમાં વસેલું છે એમને તો ત્રીજા જ શેરથી ખબર પડી જાય કે આ એમના પ્રિય નગર અને ત્યાંની સ્મૃતિઓની વાત છે. ગઝલના દરેક શેરનો અદ્રષ્ય ધ્વનિ તો એ છે કે કોઈ શહેર કે ગામને તમે દિલથી ચાહ્યું હોય, એમાં અલગારી રઝળપાટ કરી હોય, એને સદૈવ શ્વસ્યું હોય તો તમે સ્થૂળ રીતે ત્યાં ( કે જગતમાં પણ ! ) ન હો તો પણ ત્યાંની આબોહવામાં સુક્ષ્મ રૂપે તમે મળો જ. દરેક શેર લાક્ષણિક ‘ રાજેન્દ્ર શુક્લાઈ ‘ મિજાજમાં છે જ્યાં પંક્તિએ પંક્તિએ અધ્યાત્મ, નિસર્ગ અને કવિની આગવી છટા વર્તાય છે. અહીં ક્યાંક દામોદર કુંડ અને ગિરિ તળેટી છે, ક્યાંક ગિરનારની ટૂક અને દત્તાત્રેય શિખર છે, ક્યાંક અશોક શિલાલેખ છે તો ક્યાંક ઉપરકોટની ભરબપોરની સૂની રાંગ પણ છે. નરસિંહ ચોરાનું નગારું અને એમના પ્રિય રાગ કેદારનો ઉલ્લેખ છે તો ગિરનારની પરકમ્મા પણ છે. કવિએ પોતાની પ્રકૃતિ અનુસાર આ પરકમ્માને સ્વયંની શોધ જોડે સાંકળી લીધી છે. શિલાલેખમાં આલેખાયેલી હવે લુપ્ત એવી બ્રાહ્મી લિપિનો ઉલ્લેખ કરી એમણે માણસને ઉકેલવાની વાત પ્રતીકાત્મક સ્વરૂપે મૂકી છે. હૃદયમાં ટીસ ઉઠાવતા એક શેરનો ઉપાડ છે ‘ છતાં યાદ આવે તો કેદાર ગાજો ‘ . અહીં ‘છતાં’ શબ્દમાં એ પીડા અભિપ્રેત છે કે મોટે ભાગ તો હું યાદ નહીં જ આવું ! કવિને વળી કોણ સંભારે ? પણ ધારો કે યાદ આવું તો બસ કેદારો ગાજો. હું તુરત આવીને મળીશ. ક્યાં ? ભીતરે સ્તો !
તાજેતરમાં જૂનાગઢના ઉપરકોટના થયેલા પુનરુદ્ધારમાં શાસને જૂનાગઢના આ રત્નકવિને યાદ કરી પરિસરમાં એમના નામની તકતી પણ મૂકી છે એ થઈ સવિશેષ આનંદ અને સંતોષની વાત.

નિશાળેથી ભાગી જતા જ્યાં રિસેસે
મહાબતના એ મકબરે હું મળીશ જ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
