દીપક ધોળકિયા
કાકોરી કાંડમાં રાજેંદ્ર લાહિડીને મૃત્યુદંડ મળ્યાનું આપણે વાંચી લીધું. એમના વિશે વધારે જાણવાની જરૂર છે.
એમનો જન્મ તો બંગાળના પબના જિલ્લા (હવે બાંગ્લાદેશ)માં થયો પણ પિતાએ એમને આગળ ભણવા વારાણસી મોકલ્યા. અહીં એ રામપ્રસાદ બિસ્મિલ, ચન્દ્રશેખર આઝાદ, ભગત સિંહ વગેરેના સંપર્કમાં આવ્યા અને હિન્દુસ્તાન રીપબ્લિકન આર્મી (HRA)માં જોડાઈ ગયા. થોડા વખત ઉત્તર પ્રદેશની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા, તે પછી HRAએ બોંબ બનાવવાનું નક્કી કર્યું. આની તાલીમ લેવા માટે લાહિડીને ફરી પાછા બંગાળ મોકલવામાં આવ્યા.
બંગાળમાં ક્રાંતિકારીઓ વધારે સક્રિય હતા અને સશસ્ત્ર વિદ્રોહની તૈયારીઓમાં લાગ્યા હતા. બૅંક લૂંટવી કે નાનામોટા છાપા મારવામાં એમને બહુ રસ નહોતોં. એટલે એમણે દક્ષિણેશ્વર અને એની પાસેના શોભા બજારમાં બોંબ બનાવવાનાં કારખાનાં બનાવ્યાં હતાં. દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસના કાલિમંદિરનું ધામ છે. અહીં યાત્રાળુઓની અવરજવર બહુ રહેતી એટલે પોલીસનું ધ્યાન કોઈ ગુપ્ત હિલચાલ પર જાય એવી શક્યતા ઓછી હતી. આ કારણે બધા ક્રાન્તિકારીઓ દક્ષિણેશ્વર અથવા શોભાબજારમાં જ રહેતા હતા.
૧૯૨૪ના જૂનમાં એક બ્રિટિશ વેપારીને ક્રાન્તિવીર હરિમોહન શહાએ મોતને ઘાટે ઉતારી દીધો. જો કે એની હત્યા ભૂલથી થઈ હતી. ખરેખર તો પોલીસ કમિશનર ચાર્લ્સ ટૅગર્ટને મારવાનો હતો. યુગાંતર સંગઠન અંગ્રેજો પર સતત હુમલા કરતું હતું પણ બંગાળ પ્રાંતની સરકાર આ બ્રિટિશ વેપારીની હત્યા પછી બહુ જ સક્રિય બની ગઈ.
૧૯૨૫ની ૧૦મી નવેમ્બરે દક્ષિણેશ્વરના કારખાનામાં જ બોંબ ફાટ્યો. ધડાકાથી પોલીસ ઝબકીને જાગી અને બન્ને સ્થળોએ દરોડા પાડીને કેટલાક ક્રાન્તિકારીઓને પકડી લીધા. આમાં રાજેંન્દ્ર લાહિડી ઉપરાંત બીજા આઠ – હરિનારાયણ ચંદા ( દક્ષિણેશ્વર જૂથના નેતા), અનંતહરિ મિત્રા, નિખિલ બૅનરજી, બીરેન બૅનરજી, સુધાંશુ ચૌધરી, ધ્રુબેશ ચૅટરજી. દેબીપ્રસાદ ચૅટરજી અને રાખાલ ડે પકડાઈ ગયા. એ જ દિવસે પોલીસે શોભાબજારમાંથી પ્રમોદ રંજન ચૌધરી અને અનંત ચક્રવર્તીને પણ પકડી લીધા. બધાને અલીપુર સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા. માત્ર દોઢ મહિનામાં, ૧૯૨૬ની ૯મી જાન્યુઆરીએ કેસનો ચુકાદો આવ્યો અને જુદી જુદી સજાઓ કરવામાં આવી. નિખિલ, રાખાલ, ધ્રુબેશ અને બીરેનને પાંચ વર્ષની સખત કેદ અને દેબી પ્રસાદ અને સુધાંશુને બે વર્ષની સખત કેદ મળી. હરિનારાયણ ચંદા, અનંતહરિ મિત્રા અને રાજેન્દ્ર લાહિડીને દસ વર્ષ માટે કાળા પાણીની સજા થઈ. પરંતુ કાકોરી કાંડાના કેસમાં પણ લાહિડીનું નામ આવતાં એમને લખનઉ સેંટ્રલ જેલમાં મોકલી દેવાયા.
પરંતુ દક્ષિણેશ્વર બોંબ કેસના આરોપી ઉપરાંત અલીપુર સેંટ્રલ જેલમાં બીજા ક્રાન્તિકારીઓ પણ હતા અને એ શાંત નહોતા. ૧૯૨૬ના મે મહિનાની ૨૮મીએ એમણે નામચીન સ્પેશિયલ સુપરિન્ટેન્ડન્ટ રાયબહાદુર ભૂપેન્દ્રનાથ ચૅટરજીની જેલના કંપાઉંડમાં જ હત્યા કરી. એ ચાલાક હતો અને કેદીઓમાં મિત્ર તરીકે ભળી જતો અને માહિતી કઢાવવાની કોશિશ કરતો. બે ક્રાન્તિકારીઓ જદુનાથ અને યોગેશ ચંદ્ર ચૅટરજીએ આપેલી જુબાની મુજબ ક્રાન્તિકારીઓને એના માટે નફરત હતી અને એમણે એને માથા પર લોખંડનો સળિયો મારીને હત્યા કરી.
આ ઘટના પછી દક્ષિણેશ્વર કેસ ફરીથી ખોલવામાં આવ્યો અને પ્રમોદ રંજન, અનંતહરિ અને બીરેનને ફાંસીની સજા કરવામાં આવી અને બાકીના બધાને તરીપાર કરાયા. આ ચુકાદા સામે બૅરિસ્ટર એ. સી. મુખરજીએ કલકત્તા હાઈકોર્ટમાં અપીલ કરી તેમાં બીરેનની ફાંસી માફ થઈ ગઈ અને પ્રમોદ રંજન ચૌધરી અને અનંતહરિ મિત્રાને ૨૮મી સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ ફાંસી આપી દેવાઈ.
એમની ફાંસી પછી જે વિગતો બહાર આવી તે પ્રમાણે સુપરિન્ટેન્ડન્ટ પર સળિયાનો પ્રહાર ખરેખર નિખિલ બૅનરજી અને ધ્રુબેશ ચૅટરજીએ કર્યો હતો પણ રાયબહાદુર ભૂપેન્દ્રનાથને મારવાનો નિર્ણય સૌનો હતો એટલે કોને સજા થાય છે તે ક્રાન્તિકારીઓને મન મહત્ત્વની વાત નહોતી. એટલે કોઈએ આ વાત જાહેર ન કરી અને જેમણે ખરેખર હત્યામાં સીધો ભાગ નહોતો લીધો તે બે જણ પોતાના ગુપ્તતાના સોગંદ ખાતર ફાંસીએ ચડી ગયા.રાજેન્દ્ર લાહિડીને પછી કાકોરીના કેસ સાથે જોડીને ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની જેલમાં ફાંસી આપી દેવાઈ.
બધા વીરોને શત શત નમન.
000
સંદર્ભઃ
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
