ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
બોલો, પ્રજનનની ઋતુમાં નર દરજીડાને બે વધારાના પીંછા પૂંછડી વચ્ચેથી બહાર નીકળે. આમ તો નર અને માદા એમ બંને દરજીડા લગભગ સરખા દેખાય. જેણે પણ આ સૃષ્ટિ બનાવી છે તેણે હંમેશા દરેક જીવમાં કોઈ ને કોઈ ખૂબી મૂકતાં થાક્યા નથી. કેટલી બધી વિવિધતા આ પક્ષી જગતમાં જોવા મળે છે! ખરેખર કુદરત ખુબ અજાયબીઓથી ભરેલું છે.

દરજીડાનો માળો ખુબ ચોકસાઈ અને ચતુરાઈથી બનાવેલો હોય છે, તેવી જગ્યાએ માળો બનાવે કે તમને દેખાય પણ નહિ. રૂ,પીંછા,વાળ વગેરે વાપરી પોચી ગાદીની આજુબાજુ પાંદડાથી સિલાઈ કરી દે અને એવી જગ્યાએ થેલી જેવો માળો બનાવે કે છોડના પાંદડામાં ભળી જાય (camouflage). ક્યારેક એક મોટા પાનમાંથી કપ બનાવી પાંદડાની ધારના રેસા, કરોળિયાના જાળાના તાંતણા કે માનવના દોરા વગેરે લઇ રીવેટ મારે તેમ ચાંચનો સોયની જેમ ઉપયોગ કરી ટાંકા લઈલે (અદભુત વિડિઓ, બીજાનો Youtube ઉપરથી આભાર સાથે યોગ્ય સમજ આપવા માટે લીધેલો છે[1]) તમે આશ્રર્ય પામોકે લાંબી ઘાટીલી ચાંચ વડે કેવી રીતે પાનમાં કાણું પાડે અને પાછું ટાંકો લઇ સિલાઈ પણ કરીદે. આ તેની લાંબી ચાંચના ઘાટને લીધે શક્ય છે. સાથે બીજો વિડિઓ છે તે લેખકના ઘરે જાતે ઉતારેલો વિડિઓ છે જેમાં હજુ બહારથી પડ વાળીને પાન વીંટાળવાના અને સિલાઈ કરવાની બાકી છે. ડમરાંનાં છોડમાં લગભગ ૩ ફૂટની ઊંચાઈ ઉપર તે માળો બનાવેલો છે. તેમાં તે બાજુના લીલા અકલિફાના છોડમાંથી પાન લઇ ચીવટ અને પ્રેમથી સિલાઈ કામ કરશે. સિલાઈ કામ સાથે દોરો છૂટી ન જાય માટે દોરાને ચાંચથી પહેલી ગાંઠ પણ મારે. માળામાં ચાર જેટલા ઈંડા મૂકે અને લગભગ એક મહિનાના સમયમાં તે બચ્ચા બહાર આવી જાય. ફેબ્રુઆરી માસથી જૂન મહિનામાં તેમની પ્રજનન ઋતુ હોય. માદા દરજીડો માળો ગૂંથે અને નર દરજીડો તેમના વિસ્તારની બીજા દરજીડાઓથી રખેવાળી કરે.
પ્રેમ અપાર
ફરફર ફરકે
ઝૂલે ઝુલાવે
હાઈકુ: જગત.કીનખાબવાલા
માળો ઝૂલાની જેમ લટકતો હોય અને બચ્ચા જન્મની સાથેજ હિંચકો મેળવે. માળો અને ઝૂલો બંને એક સાથે. માળાની રચના કેવી અજાયબ છે, કેટલી અદભુત આવડતથી માળો બનાવે છે! કલ્પના કરોકે શું દરજીડાનો માળો જોઈને માણસને ઝૂલો * બનાવવાની કલ્પના થઇ હશે! તેમની નવી પેઢીને પણ આવી રીતે માળો બનાવતા કેવી રીતે આવડી જતું હશે!* માળો સીવવાની આવડતને કારણે લોકોમાં વધારે જાણીતું છે.
આ નીલ ગગનના પક્ષીઓ જેનાથી આખું પક્ષી જગત બન્યું છે તે એક પ્રકૃતિની અદભુત દેન છે. કેટલા બધા વિવિધ જાતના પક્ષીઓ છે! દુનિયામાં આશરે ૯૦૦૦ જેટલા વિવિધ જાતના પક્ષીઓ છે જેમાંથી ભારતવર્ષમાં આશરે ૩૬૦ જાતના પક્ષી જોવા મળે છે. ભારત વર્ષ અને દક્ષિણ એશિયામાં દરજીડો જોવા મળે છે.
આપણા જીવનભરનાં સાથી છે આ બધા આપણી આસપાસનાં પંખી. ભારત વર્ષના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી છે. લગભગ ૫ ઇંચ, એટલે કે ૧૩ સેન્ટીમીટરનું આ પક્ષી ખુબ નાનું હોય છે પણ તેની પૂંછડી લાંબી હોય છે. ઊડતી વખતે પૂંછડી સાચવવી ભારે પડતી હોય તેવું ઉડાનમાં દેખાય. પૂંછડીની જેમ ચાંચ પણ લાંબી હોય, પણ હા ભલે દરજીડો નાનો હોય પણ અવાજ ઘણો મોટો કાઢે અને સાંભળનાર મૂંઝવણમાં પડે કે કોઈક મોટું પક્ષી હશે. ખુબજ સ્ફુર્તીલું આ પક્ષી ખુબ આનંદી હોય છે. ચીવ ચીવ , ચી …વીક, ચી…વીક મોટો અવાજ કાઢે.
ખોરાકમાં બગીચાનાં ઝીણાં ઝીણાં ઈંડા અને ઈયળો તેમજ જીવડાં ખાઈ લે અને તે માટે જમીનથી ખુબજ નજીકની ઊંચાઈ ઉપર એક ડાળીથી બીજી ડાળી ઉપર આ મોજીલાં પક્ષી ઉડતા હોય અને ઠેકડા મારતા હોય જે જોવાનો ખુબ આનંદ આવે. જો એક બાજુ બેસીને તેને ખલેલ પાડ્યા વગર બેસીને જુવો તો ખુબ નયનરમ્ય લાગે. તેના ખોરાકના લીધે તે માનવને ઉપયોગી થાય છે અને તેના કારણે ખેતર અને બગીચામાં દવાઓ ઓછી વાપરવી પડે.
રંગ મિજાજ
મોજીલો દરજીડો
નયન રમ્ય
હાઈકુ: જગત.કીનખાબવાલા
તે રંગે રૂપે ઘણો રૂપાળો દેખાય. ઉપરના ભાગે પિસ્તાઈ લીલાશ પડતો પીળો, કપાળ અને તાલકું રતુમ્બડા અને બાકીનું માથું અને બાજુઓ આછા રાખોડી રંગના હોય. તેને ગાળાની બંને બાજુ નાનો ઘેરો ડાઘ હોય જે તે ગાળું ફુલાવી બોલે ત્યારે દેખાય. તેના પેટનો ભાગ ધૂંધળો સફેદ હોય તેમજ સાથળ અને પાંખો સુંદર બદામી લીલાશ રંગ ઉપર જાય. નાનું, પણ ધ્યાન આકર્ષક દેખાવડું પક્ષી છે. સુંદર કાળી ગોળ કિકી હોય છે જેની બહારની બાજુ ઘેરાં કથ્થઈ રંગની રિંગ હોય. તેના પગ ઘણાં મજબૂત હોય છે.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214

very interesting article and video.
LikeLike
પક્ષી પરનાં એક સરસ લેખ અને વીડીઓ બદલ આભાર.
દરજીડો શરીરે નાનો પણ અવાજ મોટો. વીડીઓમાં સરસ દેખાય તેમ માથા તથા ચાંચનો રંગ રતાશ ઉપર, પાંખો અને બરડાનાં પીંછાંનો રંગ ખૂલતા પોપટિયા જેવો, પેટ તદ્દન સફેદ, ચાંચ પાતળી અને અણીદાર, પૂંછડીની વચ્ચેનાં બે પીંછાં બીજાં પીંછાં કરતાં મોટાં અને બહાર નીકળતાં હોય છે. ભાવનગરનાં નરેશ નાં લઘુબંધુ શ્રી ધર્મેન્દ્રકુમાર સિંહ એક પક્ષી વિશારદ હતા. તેમનું પુસ્તક “Birds of Saurashtra” અહીં આપેલી લિંક પર જોવા મળશે. આપણાં પક્ષીઓ નો આટલો ઊંડો અભ્યાસ કરી લખાયેલું આ એક ૬૦૦ પાનાનું Full imperial size નું અલભ્ય પુસ્તક અત્યાર સુધી હતું. આ પુસ્તકમાં આ પક્ષીઓ નાં ચિત્રો કલાગુરુ શ્રી સોમાલાલ શાહ નાં છે. તે સમયે, ૧૯૫૦ નાં વરસોમાં રંગીન ફોટોગ્રાફી પણ જ્વલ્લેજ જોવા મળતી. એવા સમયમાં સોમાભાઈ નું દરેક પક્ષીનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ અને કુદરતની રંગ રચનાં જે દરેક ચિત્ર સજીવ કર્યું નજરે પડેછે – અદ્દભૂત.
http://indianculture.gov.in/rarebooks/birds-saurashtraindia
નીતિન વ્યાસ