શૈલા મુન્શા
ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો હતો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનું પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર ન્યોછાવર, અને એ અમને દેખાયું પણ ખરું. સંતાન તો હંમેશાં બધા માતા પિતાની આંખની કીકી જેવા હોય, પણ ઘણીવાર વધુ પડતો પ્રેમ બાળકની પ્રગતિમાં અવરોધ પણ ઊભો કરી શકે.
આજે તો મારે વાત નોઆની કરવી છે.
પહેલા દિવસે નોઆને ગોદમાં ઉઠાવી મમ્મી ક્લાસમાં આવી અને પપ્પા એક હાથમાં મોટી સ્લીપીંગ બેગ પોચો મોટો તકિયો, મખમલી ઓઢવાનું અને બીજા હાથમાં એના ડાયપરની બેગ, વધારાના કપડાં, વેફર્સની મોટી બેગ, ક્લાસ સપ્લાયનું બોક્ષ બધું લઈ અમારી સામે જોતા ઊભા રહ્યા. બે ઘડી અમે પણ એમની સામે જોતા ઊભા રહ્યાં!! આટલો સામાન મુકવો ક્યાં? જાણે નોઆનું ઘર વસાવવાનું હોય એટલો સામાન! મેક્સિકન હોવાં છતાં બન્ને જણા ફાંકડું અંગ્રેજી બોલતાં હતાં. બધી પુછપરછ પુરી થઈ, અને મમ્મીએ નોઆને નીચે ઉતાર્યો. પહેલો દિવસ, અજાણ્યું વાતાવરણ, નોઆનો ભેંકડો તાણવો સ્વભાવિક હતો.
મમ્મી પપ્પા પાંચ દસ મિનીટ બેઠા પણ અમારા કહેવાથી છેવટે ક્લાસની બહાર તો નીકળ્યા પણ દરવાજાની બારીમાંથી થોડીવાર જોતાં રહ્યાં. નોઆ તો થોડીવાર રડીને શાંત થઈ ગયો. અમારું મેજીક શસ્ત્ર સંગીત અને બાળગીતો લગભગ બધા બાળકોને રડવાનું ભુલાવી શાંત કરી દે. આખો દિવસ થોડો ડઘાયેલો રહ્યો, બપોરના બધા બાળકોના સુવાના સમયે એને જરા થાબડ્યો કે એની સ્લીપીંગબેગમાં ભરાઈને સુઈ ગયો. ખરી મજા બીજા દિવસે આવી. સવારે મમ્મી પપ્પા એને મુકવા આવ્યા અને એમના હાથમાંથી મેં નોઆને લેવાનો પ્રયાસ કર્યો ને ધડ દઈને મારા ગાલે એણે એક તમાચો ઝીંકી દીધો. મમ્મીનું મોઢું જોવા જેવું થઈ ગયું, બિચારી સોરી સોરી કરતી રડવા જેવી થઈ ગઈ, માંડ માંડ એને સમજાવી પણ ત્યારથી મમ્મીને અમે કહ્યું કે તમે ક્લાસમાં આવી અને નોઆને મુકી જજો જ્યાં સુધી એ ક્લાસના વાતાવરણથી ટેવાઈ ના જાય.
ધીરે ધીરે નોઆનું રુટીન ગોઠવાવા માંડ્યું અને પંદર દિવસની નાતાલની રજા પડી. રજા પછીનો પહેલો દિવસ તો નોઆ લગભગ આખો દિવસ ઊંઘમાં જ રહ્યો. બીજા દિવસે મમ્મી એને ક્લાસમાં મુકવા આવી ત્યારે થોડી ચિંતીત હતી. અમને પૂછવા માંડી કે નોઆ ક્લાસમાં કોઈને મારે છે? કોઈના ગાલે ચુંટલી ખણી લે છે? અમને નવાઈ લાગી કારણ ક્લાસમાં બે દિવસમાં એનુ વર્તન બરાબર હતું.
મમ્મીની ચિંતા અકારણ નહોતી. નાતાલની રજામાં નોઆના માસી, મામાના બાળકો એમના ઘરે નાતાલની ઉજવણી માટે ભેગાં થયાં હતાં અને નોઆ એમને મારી આવતો, ચુંટલી ખણી લેતો એટલે મમ્મીને જાણવું હતું કે ક્લાસમાં નોઆનુ વર્તન કેવું હતું? ઘરમાં નોઆનું વર્તન અલગ હતું એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે જે બાળકો ઘરમાં હતા એ કદાચ નોઆને નાનો સમજી મસ્તીમાં ચીડવતા હોય અને એના પ્રતિભાવ રુપે નોઆ મારી આવતો હોય. આમ પણ બાળકો જે જુએ તે શીખે પછીએ સામાન્ય બાળક હોય કે દિવ્યાંગ! ક્લાસમાં નોઆનું વર્તન બરાબર છે એ જાણી એની મમ્મીને ધરપત થઈ. નોઆ ક્લાસના રૂટિનથી ટેવાયેલો હતો અને કોઈ એને છંછેડવાવાળું નહોતું.
પંદર દિવસ ઘરે રહ્યા પછી નોઆ સ્કુલમાં હસતાં હસતાં આવ્યો એ જ અમારા માટે કોઈ ઈનામથી ઓછું નહોતું. મમ્મી પપ્પા તો અમારો આભાર માનતા થાકતા નહોતા. નોઆની પ્રગતિ એમને દેખાતી હતી.
નોઆની વાચા પુરી ખુલી નહોતી, પણ એનું હાસ્ય અને ચમકતી આંખો ઘણુ કહી દેતી.
ક્યાં આવતાની સાથે એક તમાચો ઝીંકી દેનાર નોઆ અને ક્યાં બધા સાથે હળીમળી રમતો નોઆ!!
ભવિષ્યમાં આ ચમકતો તારલો જરુર આસમાનની ઊંચાઈએ પહોંચશે!!!!
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
