દર્શના ધોળકિયા
કચ્છ પ્રદેશ માટે આજે એક ગૌરવપ્રદ ઘટના ઘટવા જઇ રહી છે. આપણા પ્રદેશના રાષ્ટ્રીય સ્તરના સર્જક એવા શ્રી વીનેશ અંતાણીની અત્યંત લોકપ્રિય બનેલી કૃતિ ‘ પ્રિયજન’ ની ૨૦ મી આવૃતિનું તાજેતરમાં હુજ મધ્યે વિમોચન થયું છે. આ કૃતિને પ્રેમોપનિષદ તરીકે ઓળખાવવી મને ગમી છે. પ્રેમનો એક નવો જ અર્થ આ કૃતિમાં ઉઘડે છે. કૃતિમાંથી પસાર થતાં એક નવલકથા પુરી કરી છે એવું લાગવાને બદલે વેદનાનું વન પસાર કર્યાની લાગણીથી ભાવક ઘેરાઈ જાય છે. આ કૃતિને પ્રગટ થયે સાડા ચાર દાયકા જેટલો સમય પસાર થયા છતાં આ કૃતિની લોકપ્રિયતા અકબંધ સચવાઇ છે. કૃતિની પ્રશિષ્ટતાનું આ પ્રમાણ છે. આજની આ સુભગ ક્ષણે પ્રિયજનના સર્જકને સમગ્ર પ્રદેશ વતી અભિવાદતાં એમનો સાક્ષાત્કાર માણીએ.

દ.ધો. : વીનેશભાઈ, પહેલાં તો ‘પ્રિયજન’ની આવી સફળતા માટે અભિનંદન. એ સંદર્ભમાં થોડી વાત કરીએ. તમે ‘પ્રિયજન’ ઉપરાંત બીજી પણ અનેક ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું છે. એમાં ‘પ્રિયજન’નું શું સ્થાન છે?
વી.અં : પ્રિયજન મારી ચોથી નવલકથા. ૧૯૮૦માં પહેલી આવૃત્તિ છપાઈ. એને પિસ્તાલીસ થયાં છતાં વર્ષો પછી પણ લોકો એ જ ચાહના સાથે એ વાંચે છે. આ મારા માટે અદ્ભુત ઘટના છે. મેં ધાર્યું નહોતું કે મારી કોઈ નવલકથાને દરેક પેઢીના વાચકોનો આવો સ્નેહ મળશે. ‘પ્રિયજન’નું મારા સર્જનમાં શું સ્થાન છે એથી વિશેષ હજારો વાંચકોના દિલમાં એનું શું સ્થાન છે એનો છે. હું ઇચ્છું તો પણ મારી કોઈ કૃતિને ‘પ્રિયજન’થી આગળ મૂકી શકું તેમ નથી. હું માનું છું કે ‘પ્રિયજન’ને મળેલી લોકચાહનાએ ગુજરાતીમાં પ્રશિષ્ટ કૃતિની લોકપ્રિયતાના માપદંડ બદલી નાખ્યા છે. હવે આ નવલકથા જેટલી મારી છે એથી વિશેષ વાચકોની બની ગઈ છે. હું ઘણી વાર ‘પ્રિયજન’ને મારી દુશ્મન નવલકથા કહું છું. એનું કારણ છે – લોકો મારી અન્ય નવલકથાઓ વાંચે છે, વખાણે છે અને પછી છેલ્લે કહે છે: ‘તમારી આ નવલકથા પણ બહુ સારી પણ ‘પ્રિયજન’ની કક્ષાએ ન આવે.’ મારી પાસે એનો કોઈ જવાબ હોતો નથી.
દ.ધો : ‘પ્રિયજન’ની સીમાચિહ્નરૂપ વીસમી આવૃત્તિનું લોકાર્પણ અને સ્વાગત કરવા માટે પહેલો કાર્યક્રમ યોજવા તમે ભુજની પસંદગી કેમ કરી ?
વી.અં : મેં ‘પ્રિયજન’ ભુજમાં લખી. તે પહેલાં એ જેના પરથી લખાઈ તે રેડિયોનાટક ‘માલીપા’ પણ મેં ભુજમાં લખ્યું અને આકાશવાણી-ભુજના સ્ટુડિયોમાં એનું પ્રોડક્શન કર્યું. ત્યાંથી જ એ પહેલી વાર પ્રસારિત થયું અને આવકાર પામ્યું. આમ ભુજનું અજવાળું, એની હવા, એની સુગંધ, એના અવાજો એમ બધું જ ‘પ્રિયજન’ની સાથે જોડાયેલું છે. નવલકથામાં આવતાં કેટલાંક સ્થળો પણ ભુજ અને આસપાસનાં વિસ્તારનાં છે. મારી અને પુષ્પાની લેખન અને કળાપ્રવૃત્તિનાં મૂળિયાં ભુજમાં નખાયાં છે. ભુજ અમારું માત્ર ફિઝિકલ વતન નથી; અમારી ચેતના, અમારાં સંવેદન, અમારા સંબંધો અને સમજનું પણ વતન છે. ભુજે અમને શીખવ્યું છે કે પ્રિયજન હોવું એટલે શું. અને સૌથી મહત્ત્વની વાત કે અમારાં કેટલાંય મિત્રો-પ્રિયજનો ભુજમાં રહે છે. એમની હાજરીમાં જ ‘પ્રિયજન’ની વીસમી આવૃત્તિના પ્રકાશનનો લેન્ડમાર્ક પ્રસંગ સૌ પ્રથમ ભુજમાં ઉજવાય એ નિર્ણય સ્વાભાવિક રીતે જ લેવાયો હતો.
દ.ધો : આપે ‘પ્રિયજન’ યુવાવસ્થામાં લખી, તેમ છતાં એમાં જે પ્રૌઢી આવી એનું રહસ્ય શું ?
વી.અં : દર્શનાબહેન, આ સવાલનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. મને લાગે છે કે એ માટે સમજાય નહીં એવાં કારણો હશે. મેં ‘પ્રિયજન’ લખી ત્યારે મારી ઉંમર તેંત્રીસ-ચોંત્રીસ વર્ષની હતી. એ ઉંમર સુધીમાં મારા જીવનમાં ઘણા સારા-માઠા પ્રસંગ બન્યા હતા. જીવનમાં આવેલા કેટલાક દુ:ખદ પ્રસંગો તમને નાની વયથી માનસિક રીતે પુખ્ત બનાવી દે છે. સારા પ્રસંગો સંબંધ અને પ્રેમનું મહત્ત્વ સમજાવે છે. મારા અંગત અનુભવ પરથી હું પ્રેમ અને લગ્નજીવન વિશે હંમેશાં માનતો આવ્યો છું કે બંનેમાં પ્રેમ અને સમજનું ખૂબ મહત્ત્વ છે. જીવનમાં જે ન મળે તે પણ ઉત્તમ હોય અને જે મળે એને પણ ઉત્તમ બનાવી શકાય. પ્રસન્ન દામ્પત્યજીવન માટેની આ સમજ મને, રાધર મને અને પુષ્પાને, બહુ કામ લાગી છે. અમે લગ્ન પહેલાં પણ એ વિશે ઘણી વાર વિચારતાં અને વાતો કરતાં. પ્રેમ અને દાંપત્યજીવનની આવી સમજ ક્યાંક ‘પ્રિયજન’માં ઊતરી છે. તમારા સવાલના જવાબમાં એટલું જ કહી શકું કે જીવનની જેમ કળાસર્જનમાં ઉંમરની પ્રૌઢીથી વિશેષ સર્જકના ચિત્તની પૌઢી વિલક્ષણ ભાગ ભજવે છે.
દ.ધો : ‘પ્રિયજન’ ગુજરાતની ઘણી યુનિવર્સિટીમાં ભણાવાય છે, દરેક પેઢીની એ પ્રિય કૃતિ છે. તમારા મતે એનું કારણ શું હોઈ શકે?
વી.અં : દર્શનાબહેન, તમે જ ‘પ્રિયજન’ને પ્રેમનું ઉપનિષદ કહી છે અને એમાં જ એનો જવાબ આવી જાય છે. પ્રેમ એક શાશ્વત લાગણી છે. એનાં જુદાંજુદાં અનેક રૂપ છે. હું નથી માનતો કે પ્રેમનો અનુભવ કરી ચૂકેલી એક પણ વ્યક્તિ એના પ્રિયપાત્રને જીવનમાં ક્યારેય ભૂલી શકે. એની કડવી કે મીઠી યાદ છેલ્લા શ્ર્વાસ સુધી મનમાં સચવાયેલી રહે છે. ઉત્કટ પ્રેમસંબંધ પછી ‘પ્રિયજન’નાં નાયક-નાયિકા લગ્ન કરીને સાથે જીવી શકતાં નથી. તેમ છતાં એમના પ્રેમની ઊંચાઈ એમના દામ્પત્યજીવનમાં પણ વિકસે. બલકે વધારે સભર બનાવે, એ મુદ્દો ‘પ્રિયજન’માં કેન્દ્રસ્થાને છે. તે સમયે અને આજે પણ મેં ‘પ્રિયજન’માં આલેખેલો એ અભિગમ મોટા ભાગના વાંચકોને સ્પર્શ કરી ગયો હશે એવું સામાન્ય કારણ મને અત્યારે સૂઝે છે. એ વિશે વિગતે વાત કરી શકાય. સાદી રીતે કહું તો ‘પ્રિયજન’ વાંચીને દરેક વાચકને શું સ્પર્શી ગયું એનો જવાબ વાચકો વધારે સારી રીતે આપી શકે. દરેકના જવાબ અલગ હશે, ‘પ્રિયજન’ની અત્યાર સુધીની બધી આવૃત્તિઓમાં એના પાછલા કવર પર હું એક વિધાન મૂકતો, આ વખતે એ વિધાન મુખપૃષ્ઠ પર મૂક્યું છે. એ વિધાન અહીં પણ જણાવું, કદાચ એમાંથી પણ આપના સવાલનો જવાબ મળી આવે: ‘જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય, છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે કોઈ ચહેરો મનમાં છલકાઈ જાય. એવું બને ત્યારે પ્રશ્ર્ન થાય: કઈ ક્ષણ સાચી? કે પછી બને સાચી?’ ‘પ્રિયજન’ દરેક વ્યક્તિની પ્રેમની વિભાવનાની દરેક ક્ષણ સાચી ઠેરવતી નવલકથા છે. કદાચ એ કારણે જ ‘પ્રિયજન’ દરેક પેઢીના વાચકોની પ્રિયજન બની શકી છે. એની વીસમી વિશેષ આવૃત્તિની પ્રસ્તાવના મેં વાચકોને પત્રરૂપે લખી છે. એમાં ‘પ્રિયજન’નાં ચાર પાત્રોનો સંદર્ભ આપીને લખ્યું છે: ‘ચારુ, નિકેત, દિવાકર અને ઉમા આપ સૌને યાદ કરે છે. નામફેરે આપણે પણ એ લોકો જ છીએને?’ ‘પ્રિયજન’ આપણા સૌના સહિયારા પ્રિયજનપણાંની નવલકથા છે. એ જ એની અઢળક લોકચાહનાનું કારણ હોય એમ મને સમજાય છે.
