ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

કુદરતની રચના અપરંપાર છે! પૃથ્વી ઉપરના દરેક જીવનું  બીજા જીવો સાથે જીવન ચક્રમાં યોગદાન રચાયેલું છે. એકબીજા ઉપર નભતા હોય છે અને ખોરાક તેમજ જીવન ચક્રમાં એકબીજાની જરૂરત એકબીજાને પડતી હોય છે.

કુદરતની પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે અને અચંબિત કરી દે તેવી એકએકથી ચઢિયાતી અજાયબી જોવા મળે છે. એક બીજા ઉપર નિર્ભિત ચોક્કસ સમયની એકની જરૂરિયાત પુરી થાય અને બીજાની તેની ઉપરની નિર્ભિત પ્રક્રિયા કુદરતમાં દરેક ક્ષણે કૈંક અને કૈંક ચાલ્યા કરતી જોવા મળે છે. આવી એક નયનરમ્ય રચનાના અનુભવની અહીં રજૂઆત વર્ણવી છે જે એક જીવના બીજા જીવ સાથેના સહઅસ્તિત્વ જીવનની ગૂંથણી જોવાનો લ્હાવો બની રહ્યો! જુઓ તો મોસમ મોહક થઇ જાય છે!

ખુબજ સુંદર પક્ષી શક્કર ખોરો/ Purple Sunbird ની પ્રજનનની ઋતુ શરુ થઇ, ગર્ભ ધારણ કર્યો અને માદાને માળામાં ઈંડા મુકતા પહેલાં નર શક્કર ખોરોએ બનાવેલા માળામાં નાની ડાળીઓ અને ઘાસ ઉપર પોચી ચાદર પાથરવાની જવાબદારી માદા ઉપર હોઈ તેણે તેના માટે પોચું અને સુંવાળું ઘાસ કે રેસા શોધી લાવવા પડે.

તેવી ઘડીએ કુદરતમાં એક બીજા એડેનિયમ નામના છોડની વાતાવરણ પ્રમાણે ફૂલનું જીવન પૂર્ણ થઇ, ફળી એટલેકે બીજની શિંગ બની, બીજ પાક્યા, બીજ પવનથી ઉડ્યા અને બીજે ફેલાયા. હવે શિંગમાં રહી ગયેલા બીજ સિવાય છોડ માટે સીંગ નો કોઈ ઉપયોગ ન રહ્યો. તે સમયે તે શિંગના સુંદર મુલાયમ રહી ગયેલા રેસા/ ફાઈબર પક્ષીઓ માટે માળામાં સુંદર મુલાયમ ચાદર પાથરવા માટે કામ આવે.

અગાઉ શક્કરખોરો જેવા પક્ષી ફૂલમાંથી પોતાની ચાંચની મદદથી ફૂલના પરાગ/ પુષ્પરાગ અને નાના જંતુ ખાતા હતા અને હવે તેમને રેસા મળ્યા! શક્કરખોરોએ પરાગ ખાતાખાતા તેના પોતાની પાંખ ઉપર ચોંટેલા પરાગ  બીજા ફૂલ ઉપર છાંટ્યા જેને કારણે  પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ થયું અને બીજ બન્યા જેમાંથી બીજા છોડની  સંખ્યા વધશે!

કુદરતમાં દરેક જીવની વસ્તી કાબુમાં રાખવાની રચના પણ છે! પક્ષીની ચાંચની એક વિશિષ્ટ રચના હોય તેને કારણે પક્ષી ખાઈ શકે છે. શક્કરખોરોની ચાંચની રચનાને કારણે એડેનિયમના ફૂલની ઊંડાણ સુધી જઈ શકે છે અને  લિજ્જત માણી શકેછે

રેસા તોડવાનું કામ પણ પોતાની ચાંચથી એટલી નાજુક રીતે કરે છે કે છોડને કોઈ નુકશાન ન થાય. તે ઉપરાંત રેસા તોડવાની પ્રક્રિયા દરમ્યાન શિંગમાં રહી ગયેલા બીજ રેસા હાલવાના કારણે ખરી જાય છે અને તેમાંથી બીજા છોડ ઉગે છે. જુઓ તો જાણે શક્કરખોર છોડનો આભાર માને છે અને બદલામાં તેના રહી ગયેલા બીજને ફેલાવામાં આભારવશ ટેકો આપી, એકબીજાના પૂરક બને છે!

બીજ ફેલાઈને તેમાંથી ઘણાં નવા છોડ બનશે અને શક્કરખોરોની સંખ્યા વધશે તેટલે વાતાવરણ પક્ષીઓના ટહુકાથી મોહક બનશે. કેટલાક બચ્ચા બીજા શિકારી પક્ષીનો ખોરાક બની જશે અને જીવશ્રુષ્ટિ ના જીવો એકબીજા ઉપર નભીને  પોતપોતાનું જીવન જીવશે.

સર્વેને જાણે જીવન જીવવાની રીત શીખવે છે! કુદરત ઘણાં ઉપકારક અને શીખવા લાયક પાઠ શીખવે છે!


સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

Love – Learn  – Conserve


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214