નીલેશ રાણા
લખ્યું ડેથ સર્ટિફેકેટ જે હાથે
જમ્યો છું હું એજ હાથે
શું આજ મારા સુખની વ્યાખ્યા?
મારા જ લખેલા શબ્દો હજુ સુધી મને મૂંઝવી રહ્યા છે. આ લેખ આત્મપ્રસંશા કે આત્મશ્લાઘાની પ્રસાદી નથી. પણ ડૉક્ટર તરીકેના ઓગણપચાસ વર્ષના મનોમંથનનો નિચોડ છે; એની મને ખાતરી છે, છતાં નિર્ણય સુજ્ઞ વાચક પર છોડું છું.
નવેમ્બર ૧૯૬૯ – એમ.બી.બી.એસ.ની ડિગ્રી મળતા જ “ડૉક્ટર’ શબ્દ મારા નામની આગળ જોડાયો. “નીલેશ, કેમ છો?’ની જગ્યાએ “ડૉક્ટર, કેમ છો?’ પુછાતા પ્રશ્નની સાથે જ જાણે મારો નવો જન્મ થયો હોય એવી અનુભૂતિ થઈ. પણ ડૉક્ટર શબ્દે મૂકેલી જવાબદારીના ભારનો અહેસાસ સમજતા થોડાં વર્ષો જરૂર લાગ્યાં. સાથે મળેલાં સન્માનને યોગ્ય બનવું એટલું સહેલું નથી, એ પણ સમજાયું. અને આ સમજણને જીવનમાં ઉતારતા જીવવું પણ સહેલું નથી એ પ્રતીતિ પણ થઈ. સત્યને પચાવવામાં વાર તો લાગેને! માત્ર ડૉક્ટરનું મહોરું પહેરીને ચહેરાને ઢાંકી રાખવું એ નીલેશની
નિષ્ફળતા જ ગણાશે.
ડૉ. સુરેશ દલાલ, આપણા જાણીતા કવિ હંમેશાં કહેતા કે વ્યક્તિએ બે જણ સામે ખુલ્લા થવું પડે. એક ઈશ્વર અને બીજા ડૉક્ટર. તો ડૉક્ટરની પણ ફરજ છે કે પોતાનો સાચો ચહેરો પેશન્ટ સમક્ષ પ્રગટ કરે. પ્રથમવાર એક સાવ જ અજાણી વ્યક્તિ જ્યારે એની જીવનદોરી મારા હાથમાં સોંપી દે ત્યારે એની આશા, શ્રદ્ધા, ભરોસા અને વિશ્વાસનું સન્માન જાળવવાની જવાબદારીનું મને સંપૂર્ણ ભાન હોવું જોઈએ. હું હંમેશા પેશન્ટને ઈશ્વરનું એકસ્ટેન્શન માનું છું. ઈશ્વર દર્દીના રૂપમાં મારી પરીક્ષા લેવા આવે છે; કે મેં લીધેલાં શપથને હું વફાદાર રહું છું કે નહીં. મારી પહેલી જવાબદારી એ છે કે એને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડું. ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે દીવાલ નહીં એક બારણું હોવું જોઈએ. અહીં પારદર્શકતા અનિવાર્ય છે. દર્દીઓ જ્યારે બેધડક મારી સામે પોતાના જીવનનું રહસ્ય ખોલે, પોતાની અંતરગત ગુપ્ત વાતો વિના સંકોચે મને જણાવે, તો મારે પણ નિખાલસપણે સાચી સલાહ આપવી જોઈએ.
હું સેવાનું કાર્ય કરું છું, એવાં ભ્રમમાં નથી રાચતો. સાથે ડૉક્ટરનો વ્યવસાય માત્ર ધંધો કે કમાણીનું સાધન માત્ર ન બની જાય એનું ધ્યાન રાખવું પડે છે. આ પણ એક વ્યવસાય છે જીવન નિભાવવા માટે. પણ એની સીમા બાંધવી પડે, એક લક્ષ્મણરેખા દોરવી પડે. મારો સંબંધ માણસ સાથે છે. માનવજીવન સાથે છે. જાણું છું કે આમ લખવું સહેલું છે અને જાળવવામાં જે જહેમત પડે છે એનાથી હું અણજાણ નથી, એ વાત પણ સો ટકા સાચી. નીલેશ અને ડૉક્ટર એક ચહેરો, એક મહોરું કે પછી Split personality? આજ મારું કુરુક્ષેત્ર – મારી જ કવિતાના શબ્દો:
દર્દીઓની લીધેલી ફીનું
સંગ્રહસ્થાન… મારું ઘર!
કાર, બંગલો, બેંક બૅલેન્સ
પેશન્ટના હસ્તાક્ષર!!
રાત્રિમાં કશુંક ડૂબે-તરે
દ્યુત ધન્યતા કરગરે
લક્ષ્મી-સરસ્વતી
જુએ વક્ર નજરે…
જમણો અંગૂઠો છે સલામત
નિર્ણયની કટારીએ.
તોય ટપકે રક્ત શાને
પૂર્વ દિશાની બારીએ?
શબ્દો મને સાવધાન અને સાવચેત રાખે છે. ડૉક્ટરની જેમ નીલેશની પણ પોતાની જવાબદારી છે. એની ફેમિલી, જરૂરિયાતોને જાળવવાની ચિંતા… એટલે ડૉક્ટર અને નીલેશ વચ્ચેની ખેંચતાણની તાણ પણ અનુભવાય છે. સમતોલન જાળવવામાં શ્રમ પણ પડ્યો છે એ કબૂલું છું. પણ ઈશ્વર કૃપાએ બૅલેન્સ જળવાયું છે. માત્ર ડિગ્રી મળવાથી માનવીનો મૂળભૂત સ્વભાવ તરત જ તો બદલાતો નથી. ડૉક્ટર પણ એક સામાન્ય વ્યક્તિ જ છે. તેથી રોજિંદા તનાવથી એ અનભિજ્ઞ ન રહી શકે. મુવી જોતાં, મિત્રો સાથે ગપ્પાં મારતાં, બાળકો સાથે રમતાં કે પત્નીના આલિંગનમાં… અચાનક પેશન્ટનો કોલ આવે ત્યારે નીલેશને ગુસ્સો આવે, પણ તરત જ બીજી જ ક્ષણે ડૉક્ટર એને ઠપકારે અને શપથની યાદ દેવડાવે.
સારા ડૉક્ટર બનવા માટે, સક્સેસફુલ થવા માટે પ્રથમ સારા શ્રોતા બનવું પડે એ મારો પોતીકો અનુભવ છે. પેશન્ટની વાત શાંતિથી સાંભળો ત્યાં જ એનું અડધું દર્દ ઓછું થઈ જાય. કાનને ખુલ્લા રાખી હોઠોને બંધ રાખવાની શિસ્ત હંમેશાં કામમાં આવી છે. આમ ડૉક્ટરની ડિગ્રી મળ્યા બાદ નવું શિક્ષણ શરૂ થાય છે. પેશન્ટ પહેલાં અને પોતે પછી. એમની માનસિક, શારીરિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ક્યાંક વાંચેલું વિધાન મને યાદ આવે છેઃ “Each patient carries his doctor inside.’ એટલે દર્દી સારા થવાની ઇચ્છાને હંમેશાં એના મનમાં સ્થાન આપે એ મારે સમજાવવું જોઈએ. કારણ કે Health is hearty, health is harmony, health is happiness – માટે નકારાત્મક ભાવ સાથે સારવાર કરાવશો તો પરિણામ સારું નહીં આવે. એ વાત પણ સાચી છે.
ડૉક્ટર નીલેશની ઓળખાણ છે, નીલેશ – ડૉક્ટરની ઓળખાણ નથી. એ હકીકત જાણ્યા બાદ પણ બંને વચ્ચેના સંબંધોની બારાખડી લખાતી-ભૂંસાતી રહી છે. એની ખટાસ અને મીઠાશ મેં ચાખી છે. એ વિટંબણાની આંટીઘૂંટીમાંથી હજુ હું સંપૂર્ણપણે બહાર નથી નીકળી શક્યો એનો અફસોસ સાલે છે. આટલાં વર્ષોનાં સુખદ-દુઃખદ સંભારણાંઓ સાથે છે. પેશન્ટની નાડીનો ધબકાર, શ્વાસોના સૂર, હૃદયના ધડકનોનો તાલ નીલેશને ડૉક્ટર બનાવી અજાણ્યા પ્રદેશમાં દોરી જાય છે. દુ:ખ અને વ્યથાના પ્રદેશમાં આશા, આનંદ અને સુખની રોપણી કરવા મહદંશે મળતી સફળતાનો આનંદ અનેરો હોય છે. એ પ્રદેશમાં ડૉક્ટરે એકલા જ ઘૂમવું પડે. હાથમાંથી છટકી જતી પેશન્ટની જીવનદોરી ફાંસીનો ગાળો બની ગમગીન પણ બનાવી દે. મન અને હૃદયને અકળાવતી નિષ્ફળતાની ટીસ ને ભીતરમાં જ ધરબી રાખતા ચહેરા પર સ્મિતને ટાંકવું મુશ્કેલ કાર્ય છે. ડૉક્ટર સ્થિતપ્રજ્ઞ રહેવા ચાહે છે. પણ નીલેશ રડે છે, જ્યારે એક ૧૬ વર્ષની આફ્રિકન સ્ત્રી – પેશન્ટ ડિસેમ્બર મહિનાની હિમવર્ષામાં અડધો કલાક લાઈનમાં ઊભા રહીને, અમેરિકન ગવનર્મેન્ટ દ્રારા મફતમાં અપાતા બે પાઉન્ડના ચીઝ સ્લેબને કાગળમાં વિંટાળી મને ક્રિસ્મસની ભેટ તરીકે આપે છે, ત્યારેમારું ડૉક્ટર થવું સફળ થયું એમ લાગી આવે છે. હંમેશાં ક્રિસ્મસ સમયે મારા પેશન્ટ ક્રિસમસ કાર્ડ સાથે બે-પાંચ-દસ ડૉલરની ભેટ આપે છે ત્યારે હું સાચી ધન્યતા અનુભવું છું. આ સફળતા મને નમ્ર બનાવે છે. ત્યારે મારા પ્રત્યેનો એમનો વિશ્વાસ એ શ્રદ્ધાને નમન કરું છું. ત્યારે નીલેશ પણ ડૉક્ટરની પ્રશંસા કર્યા વગર રહી નથી શકતો.
તો બીજી તરફ ૭૦ વર્ષનો પુરુષ વાયગ્રાની માંગણી કરે ત્યારે હજુય જીવન માણવાની અભ્યર્થના, નર્સિંગ હોમમાં સંતાનોને જોવાની પ્રગટ થતી ઝંખના, કૅન્સરના લાસ્ટ સ્ટેજમાં મૃત્યુ માંગવાની યાચના. માતાપિતાની બિમારીની ચિંતા ન કરતાં એમના બેંક બેલેન્સ પર કબજો જમાવવા, એમની માનસિક સ્થિતિ ઠીક નથી એવા લેટર્સની માંગણી કરતાં સંતાનોની લાલસા, આવાં વિભિન્ન ઈમોશનલ ચક્રમાં ભીંસાતા કામ કરવું પણ એક ડૉક્ટર માટેની ચૅલેન્જ છે. આ સંજોગોથી મુક્ત રહેવું શક્ય નથી. નીલેશ કદીક ત્રાસી જાય છે પણ ડૉક્ટર આ ખમી લે છે. અને હંમેશાંમાથે લટકતી “Malpractice’ની તલવાર. ક્યારે કો’ક ફેમિલી મેમ્બર તમને કોર્ટમાં લઈ જાય કહેવાય નહીં. ડૉક્ટર પણ માણસ છે એને પણ બ્લડપ્રેશર, ડાયાબિટીશ થાય છે. એને પણ હાર્ટ એટેક આવે છે અને ડૉક્ટર જ્યારે પેશન્ટ બને તો…
હું ફરિયાદ નથી કરતો, માત્ર હકીકત જણાવું છું. આ વ્યવસાય મને ગમે છે એટલે અપનાવ્યો છે. હજુય ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો છું. મનમાં એના માટે કોઈ વિષાદ કે અણગમો નથી. અસંતોષ નથી. જીવન અને મૃત્યુને નજદીકથી જોવાની અમુલ્ય તક મળી છે એ માટે ઈશ્વરનો આભારી છું. દર્પણ સાચું કે પ્રતિબિંબ ? કોને પ્રશ્ન કરું? જણાવશો?
વાંસળી વગાડું તો સૌ કોઈ સાંભળે
સ્ટેસ્થોસ્કોપ કોને સંભળાવું?
