પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન ધર્મની વૈદિક પરંપરા જેટલી જ પ્રાચીન શ્રમણ પરંપરા છે. આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પહેલાં આ પરંપરા તેના મહાન અંતિમ તબક્કામાં પહોંચી. તે સમયે તેની ત્રણ મહાન પ્રતિભાઓ – આજિવક, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધનું પ્રાગટ્ય થયું. દુર્ભાગ્યે આપણી શાળા-મહાશાળાઓમાં આ મહાનાયકોને આજથી ૨,૫૦૦ થી ૨,૬૦૦ વર્ષ પહેલાં જન્મ લેતા દર્શાવાયા છે. આ કાળગણત્રી ખોટી છે.
આજિવકે સ્થાપેલો સંપ્રદાય આગળ ન ચાલ્યો કેમ કે તેમાં અતિશય દેહદમન અને આકરાં તપ પર અતિશય ભાર મૂકવામાં આવો હતો. તેથી આપણે આજના લેખમાં જૈન ધર્મ અને તે પછીના લેખમાં બૌદ્ધ ધર્મ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.
જૈન પરંપરા
જૈન પરંપરાના ૨૪ તીર્થંકરોના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં થયો હતો. રાજવી હોવા છતાં તેઓએ ગૃહત્યાગ કર્યો, કઠોર તપસ્યા કરી અને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી. પછી માનવજાતનાં કલ્યાણ અર્થે પોતાના ઉપદેશ અભિયાનમાં જોડાઈ ગયા. પ્રારંભમાં ૧૨ ગણધરો તેમના શિષ્ય થયા.
આપણી પરંપરા મહાવીર સ્વામીને આયુષ્યમાં બુદ્ધ કરતાં મોટા માને છે. તેઓએ પોતાનો ઉપદેશ લોકોની બોલચાલની અર્ધમાગધી ભાષામાં અને ભગવાન બુદ્ધે પાલી ભાષામાં આપવાનું શરૂ કર્યું. પરિણામે સંસ્કૃત ભાષામાં બોલાતી, યજ્ઞ પ્રથા કેન્દ્રિત, વૈદિક પરંપરાનો અન્ત થયો.
જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને ત્રિરત્ન કહેવામાં આવે છે. જેમાં સમ્યક જ્ઞાન, સમ્યક વિશ્વાસ અને સમ્યક આહારનો સમાવેશ થાય છે. અહીં સમ્યકનો અર્થ પૂર્ણરૂપી શુદ્ધ એવો થાય છે. આ રીતે મહાવીરે શુદ્ધ આચરણ અને જ્ઞાનનો સંદેશ આપીને પોતાના અનુયાયીઓને સન્માર્ગે દોર્યા. તેઓના પ્રથમ મહાન શિષ્યોમાં ભદ્રબાહુ અને સ્થુલીભદ્ર મુખ્ય ગણાય છે. મહાવીરની હયાતી દરમ્યાન ઉત્તર ભારતમાં ભિષણ દુકાળ પડ્યો. તેથી કેટલાક અનુયાયીઓ દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા. અહીં તેઓએ જૈન ધર્મના નિયમોનું ચુસ્ત પાલન કર્યું. તેઓ મહાવીરની નગ્નતાનો સાંકેતિક અર્થ સમજી ન શક્યા અને પોતે નગ્ન અવસ્થામાં રહેવા લાગ્યા. તેથી તેઓ દિગંબરપંથી કહેવાયા.
જૈન ધર્મના જે અનુયાયીઓ દુકાળ હોવા છતાં ઉત્તર ભારતમાં રહ્યા અને વ્યવહારૂ દૃષ્ટિ અપનાવીને શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં તેઓ શ્વેતાંબરપંથી કહેવાયા. જૈન ધર્મના પાલનમાં પણ તેઓ લચીલાપણું દાખવ્યું. પરિણામે, આજે જૈન ધર્મમાં શ્વેતાંબરવાસીઓ બહુમતીમાં છે. તેમના આચાર્યો અને સંત મહાત્માઓની સંખ્યા પણ ઘણી વધારે છે. તેની સરખામણીમાં દિગંબર આચાર્યો અને અને અનુયાયીઓની સંખ્યા ઘણી ઓછી છે. દિગંબર અને શ્વેતાંબર એમ જૈન ધર્મના આજે બે મુખ્ય પંથો છે. શ્વેતાંબર પંથ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી એમ ત્રણ ફાંટાઓમાં વહેંચાયેલો છે.
જૈન ધર્મના સિદ્ધાંતોને સમજવા અને પાલન કરવા બહુ કઠણ હોવાને કારણે તેના અનુયાયીઓની જનસંખ્યા ભારત અને વિશ્વના અન્ય દેશો મળીને ૫૦ લાખ કરતાં ઓછી છે.
જૈન ધર્મના સિદ્ધાંતો:
૧) અહિંસામાં પરમ વિશ્વાસ
૨) જાતિ પ્રથામાં ન માનવું
૩) આત્માનો સ્વીકાર. તેને પદાર્થ તરીકે, એટલે કે ઉદગલ રૂપ હોવાનું, માનવું.
૪) આત્મા વ્યક્તિના પુનર્જન્મનું કારણ. આત્માને શ્રમ, ગરમી કે ઠંડી ન લાગે તેથી તે નિત્ય દિગંબર છે.
૫) કોઈ પણ પ્રકારનાં કર્મકાડ કે શ્રાદ્ધક્રિયામાં ન માનવું.
૬) અહિંસાનો આગ્રહ હોવાથી આ ધર્મમાં કૃષિનું કોઈ મહત્ત્વ નથી, પણ તેઓ વેપાર ઉદ્યોગમાં માને છે.
૭) તેઓમાં ઈશ્વર કે ભગવાન જેવા કોઈ પુજ્યો નથી. તેથી તેઓ મૂર્તિપુજામાં નથી માનતા. જોકે, ૨૪ તીર્થંકરોમાં તેમની અનન્ય શ્રદ્ધા હોવાને કારણે તેમની પ્રથામાં આ તીથંકરોની મૂર્તિને સ્થાન મળ્યું છે.
અહિંસા પાલન, સત્ય વચન, અસ્તેય (ચોરી ન કરવી), બ્રહ્મચર્ય પાલન અને અપરિગ્રહ તેમનાં પાંચ મહાવ્રતો છે. જોકે બ્રહ્મચર્યપાલન સામાન્ય રીતે શ્રાવકો કરતાં આચાર્યો અને સંતોને બંધનકર્તા છે.
૮) સૃષ્ટિ અનંત અને અનાદિ છે. કોઈ ઈશ્વર આ સૃષ્ટિનો કર્તા નથી.
૯) અરિહંતો, સિદ્ધો, અને ઉપાધ્યાયો (ગુરુઓ)માં જૈનોને ખુબ શ્રધ્ધા છે.
૧૦) મહાવીર સ્વામીનું ધ્યાન શુક્લ અથવા તો શ્વેતધ્યાન કહેવાય છે. તેમાં ઉગ્ર તપ અને અપવાસ સાથે ધ્યાનક્રિયા કરવામાં આવે છે.
૧૧) જૈન ધર્મ કર્મવાદના સિદ્ધાંતમાં માને છે. માનવ જીવનનાં સુખદુઃખ કર્મના સિદ્ધાંત પર આધારિત છે. જીવાત્મા પોતે શુદ્ધ છે, પણ સંસારમાં રહેવાને કારણે તે કર્મોથી બાધિત બને છે.
૧૨) જૈન ધર્મએ વિશ્વને સ્યાદવાદ અને અનેકાંતવાદના અદ્વિતિય સિદ્ધાંતો – આદર્શો આપ્યા છે. આ સિદ્ધાંતોનો અર્થ એ થાય છે કે એક જ પદાર્થ કે વિચારમાં નિત્યતા અને અનિત્યતા, સાદ્શ્યતા અને વિરૂધ્ધતા, અભિલાષા અને અનઅભિલાષા હોઈ શકે છે. આ સત્યનો સ્વીકાર કરીએ તો અન્ય વિરોધી વિચારધારાનો સ્વીકાર પણ શક્ય બને છે અને પરિણામે વિશ્વમાં શાંતિ શક્ય બની શકે છે.
૧૩) માનવમાત્રમાં કષાયો, એટલે કે અવગુણો, હોય છે. તેના ચાર પ્રકારોમાં ક્રોધ, માન, માયા તથા લોભ મુખ્ય છે. આ ચાર અવગુણો પર દરેક જૈને સંયમ કેળવવાનો હોય છે.
૧૪) સન્યાસ – સંથારોઃ કેટલાયે મહાસાધુશ્રીઓ અને મહાસતીજીશ્રીઓએ આકરાં તપ અને અન્નજળનો ત્યાગ કરી, દેહનો અંત આણીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે.
જૈન ગ્રંથો
જૈન ગ્રંથોને આગમો કહેવામાં આવે છે. તેમાં મહાવીર સ્વામીના જીવનના પ્રસંગો, તેમના સિદ્ધાંતો અને ઉપદેશો તેમ જ જૈન ધર્મના આચાર્યો અને મુનીઓએ કાઈ રીતે જીવન જીવવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. સાધ્વીઓને પણ જૈન ધર્મમાં ખાસ સ્થાન મળ્યું છે. એટલે જૈન મુનીઓને લાગુ પડતા સિદ્ધાંતો સાધ્વીઓને પણ લાગુ પડે છે.
દિગંબર સંપ્રદાયનાં આગમો
દિગંબર પંથીઓનાં મુળ ૨૫ આગમો હતાં, પણ કાળક્રમે તે લુપ્ત થયાં. તેથી દિગંબર સંપ્રદાય મુળ આગમો પરથી રચાયેલા ગ્રંથોને સ્વીકારે છે. ષટ્ખંડાગમ અને કષાય પ્રવૃત એમ બે તેના મુખ્ય ખંડૉ છે. તે ઉપરાંત ધર્મક્થા, ચરણ અનુયોગ, ગણિત અનુયોગ અને દ્રવ્ય અનુયોગ એ ચાર અનુયોગ છે. ચરણ અનુયોગમાં આચરણ અંગે અને ગણિત અનુયોગમાં બ્રહ્માંડ સંબંધી ચર્ચા છે.
શ્વેતાંબર સંપ્રદાયના આગમો
શ્વેતાંબર સંપ્રદાયના ત્રણેય પંથો ૩૨ આગમોમાં માને છે.
૧) અનુયોગ ઉપાંગ, જેમાં આગમોની વ્યાખ્યા કરવામાં આવી છે
૨) છેદ સૂત્રો, જેમાં નૈન ભિક્ષુઓ અને ભિક્ષુણીઑ માટે આચાર – આહાર વિહારના આદેશો આપવામાં આવ્યા છે.
૩) મૂળ સૂત્ર, જેમાં ઉપરોકત વર્ગ જ્યારે ભિક્ષુ વર્ગમાં દાખલ થાય છે ત્યારે તેમને પાળવા પડતા નિયમો આપવામાં આવ્યા છે.
૪) તૂલિકા સૂત્ર, જેમાં જૈન સિદ્ધાંતોમાં વપરાયેલા શબ્દો અને વાક્યોનાં અર્થઘટન કરવામાં આવ્યાં છે.
૫) પ્રકીર્ણ, જેમાં જૈન ધર્મના સિદ્ધાંતો પર વધારાના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે.
અત્રે જે ગ્રંથો વિશે સમજ આપવામાં આવી છે તે પૈકી કેટલાંક નામો જોઈએ
આગમો
૧) આચારંગ ૨) સ્થાનાંગ ૩) સમવાયાંગ ૪) ભગવતી ૫) ઉપાસક દશાંગ ૬) પ્રશ્ન વ્યાકરણ, અને ૭) વિપાક
ઉપાંગ
૧) ઔપ પાતિક ૨) રાજ પ્રશ્નીય ૩) જીવા જીવાભિગમ
છેદ સૂત્ર
૧) નિશીથ ૨) વ્યવહાર ૩) દશાવૃત સ્કંધ ૪) પંચકલ્પ ૫) કલ્પસૂત્ર (જેનું પારાયણ પર્યુષણ પર્વ સમયે કરવામાં આવે છે)
મુળ સૂત્ર
૧) આવશ્યક ૨) ઉત્તરાધ્યાયાન
તૂલિકા
૧) નાન્દી ૨) અનુયોગ દ્વાર
આગમો વિશે બીજી ગણતરી એવી છે કે તેની સંખ્યા ૪૬ છે. શ્વેતાંબર પંથના અલગ અલગ પંથીઓ તેમને કઈ સંખ્યામાં પાળે છે તેનો કોઠો સાદર રજૂ છેઃ
આગમનું નામ મૂર્તિપૂજક સ્થાનકવાસી / તેરાપંથી
૧) ઉપાંગ આગમ ૧૨ ૧૨
૨) છેદ સૂત્ર ૬ ૪
૩) મુળ સૂત્ર ૪ ૩
૪) તૂલિકા ૨ ૨
૫) પ્રકીર્ણ ૧૦ —
જૈન ધર્મનાં તીર્થસ્થાનોની યાદી
૧) સમેદશિખર ૨) પાવાપુરી ૩) શત્રુંજય (પાલીતાણા) ૪( ગોમટેશ્વર ૫) આબુ, અને ૬) જુનાગઢ
જૈન પર્વ
હિંદુઓ જે રીતે દિવાળી તથા નવરાત્રી જેવાં પર્વો ઉજવે છે તેવું જ જૈનોનું પર્યુષણ પર્વ છે. ભાદરવા માસમાં આવતાં આ પર્વને શ્વેતાંબરપંથીઓ આઠ દિવસ માટે અને દિગંબરપંથીઓ દસ દિવસ માટે ઉજવે છે. આ પર્વમાં તપ, અપવાસ અને નિગ્ર્હનું ખાસ પાલન કરવામાં આવે છે. તેની પૂર્ણાહુતિ સંવત્સરીની ઉજવણી અને ક્ષમાયાચના સાથે કરવામાં થાય છે. દિગંબરપંથીઓ આ વખતે દશલક્ષણાનું પાલન કરીને પોતાની ધર્મશ્રદ્ધા વ્યક્ત કરે છે.
પ્રખ્યાત જૈન આચાર્યો – ગુરુઓ
પ્રાચીન
૧) ગૌતમ ૨) સુધર્મા ૩) જંબૂ ૪) કુંદ કુંદાચાર્ય ૫) ઉમા ૬) સમન્તભદ્ર ૭) પુજ્યપાદ ૮) વીરસેન ૯) નેમીરત્ન
મધ્યકાલીન
ગુજરાતના ગર્વ સમા હેમચંદ્રાચાર્યનો જન્મ ઇ. સ. ૧૦૭૮માં અને કૈવલ્યગમન ઇ. સ. ૧૧૭૨ – ૭૩માં થયું. તેમનું જન્મસ્થળ ધંધુકા હતું. તેઓની બહુશ્રુત જ્ઞાનની સમજ આપણને એ વિષય પરથી સમજાશે કે તેઓ શ્વેતાંબરપંથના મહાન જૈન આચાર્ય અને પ્રચારક હોવાની સાથે સાથે કવિ, ગણિતજ્ઞ, તત્ત્વજ્ઞાની, યોગી, ઇતિહાસકાર અને મહાન વ્યાકરણકાર પણ હતા. તેઓએ ગુજરાતી ભાષાનું નવું સ્વરૂપ બનાવ્યું. તેમની કૃતિઓમાં સિધ્ધહેમ – શબ્દાનુશાસન, યોગશાસ્ત્ર વગેરે છે.
આધુનિક કાળ
૧૯મી સદીના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ઇ. સ. ૧૮૬૭માં થયો હતો અને નિર્વાણ ઇ. સ. ૧૯૦૧માં થયું હતું. તેમની પ્રખ્યાત કૃતિ મોક્ષમાળામાં જૈન ધર્મના અધ્યાત્મના બધા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજી પર શ્રીમદ્ રાજચંદ્રના ઉપદેશોની ઊંડી અસર વર્તાય છે.
અર્વાચીન સમયમાં અન્ય એક સંત બુદ્ધિસાગરજી થયા. તેઓએ ૧૦૦ ઉપરાંત જૈન ગ્રંથોની રચના કરી છે અને ૨,૦૦૦થી વધારે કાવ્યો લખ્યાં છે. તેમણે ઇ. સ. ૧૯૧૭માં મહુડી તીર્થ સ્થાપી ત્યાં પદ્મપ્રભુ અને ઘંટાકર્ણ રક્ષક દેવની સ્થાપના કરી.
આધુનિક સંતોની યાદીમાં અંતિમ નામ પૂજ્ય દાદાભગવાનનું આવે છે. તેઓશ્રીએ આપ્તવાણી નામના ગ્રંથોમાં ફક્ત જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ધાર્મિક અને પવિત્ર જીવન કઈ રીતે જીવવું તેની બહુ સરસ વ્યાખ્યા આપી છે.
દિગંબરપંથના કરૂણાસાગરજીએ મધ્ય પ્રદેશમાં જન્મ લઈને દિગંબરપંથના સિદ્ધાંતોને તેમના કડવે પ્રવચન સંગ્રહમાં સમજાવ્યા છે. તેઓનું જીવન ઇ. સ. ૧૯૩૭થી ઇ. સ. ૨૦૧૬માં પૂર્ણ થયું. પરંતુ આ દરમ્યાન તેમણે ફેલાવેલી ધાર્મિક, સામાજિક અને રાજકીય વિચારધારા આપણા માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે.
અતિ કઠિન જૈન ધર્મને આજના સંદર્ભમાં સમજવો હોય તો ઓશો રજનીશનાં પ્રવચનોને આધારે રચાયેલા બે ગ્રંથો – મહાવીર વાણી અને મહાવીર મેરી દૃષ્ટિમેં – વાંચવા જોઈએ. તેઓએ આ પ્રવચનોમાં જૈન ધર્મનાં કેટલાંક રહસ્યોને અદ્વિતિય રીતે પ્રગટ કર્યાં છે. અત્રે જૈન ધર્મમાં વપરાતા પારિભાષિક શબ્દોને તેઓશ્રીએ નીચે પ્રમાણે સમજાવ્યા છે. –
૧) અનશન અને ઉપવાસ – આ બન્ને શબ્દોને સમજાવતાં તેઓ કહે છેચે કે અનશનમાં જે ચેતના છે તે માનવ શરીરની બહાર રહે છે, જ્યારે ઉપવાસમાં આ ચેતનાને આંતરમન તરફ લઈ જવાની હોય છે.
૨) પ્રતિક્ર્મણ અને સામયિક – પ્રતિક્ર્મણમાં આત્મદર્શન એ રીતે કરવાનું હોય છે કે પોતાની પ્રવ્રુતોને કેન્દ્રિત કરીને આંતરમન તરફ લી જવાની હોય છે. સામયિકમાં અંદર આવેલી ચેતનાને આત્મા સાથે જોડવાની છે.
૩) જડ અને ચેતન પદાર્થમાં આપણને હંમેશા ફરક જણાય છે. પરંતુ મહાવીર સ્વામીએ એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી કે આવો કોઈ ભેદ તેમના આભામંડળમાં જરા પણ રહ્યો નહીં.
૪) જૈન માર્ગ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે. મહાવી સ્વામીને મોક્ષની પ્રાપ્તિ તો પૂર્વ જન્મમાં જ થઈ ગઈ હતી. પરંતુ, માનવ કલ્યાણ અર્થે તેઓએ બાર વર્ષ ઉગ્ર તપ કર્યું, શુક્લ ધ્યાન ધર્યું અને કૈવલ્ય પામી મોક્ષમાર્ગ સમજાવ્યો. પરિણામે, તેમની આત્મજ્યોતિ આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે સમગ્ર જગતનાં કણ કણમાં વ્યાપ્ત છે. આપણે પણ જો તેમણે પ્રબોધેલા માર્ગનું અનુસરણ કરીએ તો મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ છીએ.
આ લેખનો ઉપસંહાર વિશ્વના દરેક વ્યક્તિના કલ્યાણ અર્થે નવકાર મંત્રનું પઠન કરીને કરીએ –
નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણં
એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં
અર્થાત
જેમણે બધા જ અંતઃ શત્રુઓ, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષનો નાશ કરી નાખ્યો છે એવા અરિહંતોને, જેમણે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા સિદ્ધોને, જેણે મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો છે એવા આચાર્ય ભગવંતોને, મોક્ષમાર્ગના આત્મજ્ઞાની ઉપાધ્યાય ભાગવંતોને, જગતમાં આત્મદશા સાધનાર એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પાંચ નમસ્કાર કર્યા, તેને બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય. બધા મંગલોમાં, સર્વ પ્રથમ મંગલ છે.
ભુલચુક માટે લેખક ક્ષમાપાર્થી છે.
मिच्छामी दुक्कड़म
હવે પછીના મણકામાં આપણે બૌદ્ધ ધર્મ વિષે ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
