પુસ્તક પરિચય

આત્માની અદાલત:રજનીકુમાર પંડ્યા

પરેશ પ્રજાપતિ

રજનીકુમાર પંડ્યા માનવમનના અંતરંગ પ્રવાહોના અઠંગ અભ્યાસી વાર્તાકાર છે.ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરવાની સાથે સમગ્ર ગુજરાત ગર્વ લઇ શકે એવી અનેક સાહિત્યિક કૃતિઓનું સર્જન તેમણે કર્યું છે. તેમની અનેક રચનાઓને સાહિત્યનાં પારિતોષિકો અને સન્માનો મળી ચૂક્યાં છે. વાર્તાકાર હોવાની સાથોસાથ તેઓ અચ્છા નવલકથાકાર પણ ખરા. આગવાં અવલોકનો અને માર્મિક રજૂઆતો ધરાવતી તેમની અનેક વાર્તાઓ અંગ્રેજી, હિંદી, મરાઠી, સીંધી તેમજ મલયાલમ ભાષાઓમાં અનુવાદિત થઇ છે. આ વાર્તાઓ પર આધારિત ટીવી પર એપિસોડ્સ અને નાટકોનાં નિર્માણ થયાં છે.

તેમનો વાર્તાસંગ્રહ ʻઆત્માની અદાલતʼ આ પહેલાં વર્ષ ૧૯૯૩માં પ્રકાશિત થયો હતો. વર્ષોથી તે અપ્રાપ્ય હતો. લગભગ ત્રીસ વર્ષે૨૦૨૨માં તેનું પુન: પ્રકાશન થતાં તે હાલ ફરી ઉપલબ્ધ બન્યો છે. આ સંગ્રહમાં ૧૯૯૩ સુધીમાં લખાયેલી કેટલીક વધુ વાર્તાઓ સાથે કુલ ૪૯ ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ છે.

આ વાર્તાઓમાં પ્રસંગોના જાળાં ફરતે ગૂંથાયેલાં અદભૂત વ્યક્તિચિત્રો અને પાત્રાલેખનો તથા માનવસહજ લાગણીઓ અને અભિવ્યક્તિનાં આલેખનો દ્વારા વાચકને રજનીકુમારની સિદ્ધહસ્ત લેખનશૈલીનો પરચો મળે છે. તેમાં માનવસંબંધોના વિવિધ આયામ અને સ્વરુપોનો પણ ઉઘાડ થાય છે.

કોઇ વાર્તામાં હૂંફાળી લાગણીઓની રજૂઆત છે તો કોઇમાં કૂણી વેદનાની વાત છે. ક્યારેક ખોવાયેલા ʻસ્વʼની પિછાણની કવાયત છે, તો ક્યાંક પતિ-પત્નિના સંબંધનાં ઉર્મિભાવોનું આલેખન છે. ક્યારેક કોઈ વાર્તામાં વિપરિત સંજોગો, તો ક્યારેક સમય સાથે વ્યક્તિની બદલાતી માનસિકતા અને મનોભાવોનાં અદભૂત આલેખનો છે. ટૂંકમાં કહીએ તો આનંદ, વિષાદ, વ્યંગ, પ્રેમ, નફરત, ફકીરી, ક્રોધ, વ્યગ્રતા, શાંત એમ માનવસહજ તમામ ગુણોને આવરતી વાર્તાઓ આ સંગ્રહમાં છે. તેમાં લેખકે પ્રયોજેલાં રુપકો દ્વારા એવો માહોલ સર્જાય છે કે વાચક વાર્તાના પાત્રમાં ઓતપ્રોત થઇ જઇને પાત્રની અનુભૂતિનેપોતીકી માનવા લાગે છે. એમાં ક્યાંક બોધપાઠ પણ નિહિત છે, પરંતું એનું આલેખન એવું સહજ છે કે વાચકને એ ખુદનું તારણ જણાય છે. તેથી તેનો ભાર નથી અનુભવાતો. વાર્તાઓ લાગણીમાં ઝબોળાયેલી છે; પણ એ વેવલી નથી, માણસાઇથી સરાબોર છે. સ્વાનુભાવે કહી શકું કે એક વાર્તા વાંચ્યા પછી કેટલોક વિરામ પાળ્યા સિવાય બીજી વાર્તા વાંચી શકાતી નથી. આ સમયે વાચક વિવશપણે છતાં સ્વેચ્છાએ ખુદના આત્માની અદાલતમાં ઊભેલો અનુભવે છે.

વાર્તાના ઉત્તેજનાસભર ઉપાડ તથા ચોટદાર અંતના કેટલાંક સુંદર નમૂના આ સંગ્રહમાં વાંચવા મળે છે. મૃત્યુની વાસ્તવિકતા અને અમરત્વની નિરર્થકતા સમજાવતી એક વાર્તાનું શિર્ષક છે, ʻએને શું જોઇએ?ʼ અનુસંધાન સાધતી વાર્તાની શરૂઆતનો શબ્દ છે ‘મોત‘, જાણે જવાબ ન હોય! વાચકના મનમાં આ વાંચી કેવો આઘાત જન્મે?

વાર્તાનાં કથાનક જેવાં જ મજબૂત અને અર્થસભર શિર્ષકો પણ ખાસાં ધ્યાનાકર્ષક છે. એક વાર્તા માટે શિર્ષકમાં અનોખો શબ્દયુગ્મ પ્રયોજ્યો છે – ʻચંદ્રદાહʼ! મનમાં લાગલો જ પ્રશ્ન ઉદભવે, ચંદ્રનો તે કંઇ દાહ હોય? સાહજિક પણે ચાંદ અને ચાંદની પર લખાયેલાં કંઇ કેટલાંય અમર પ્રેમગીતો યાદ આવી જાય. પરંતુ, પ્રિય પત્નિનાં અવસાન બાદ તેની મધુર યાદોની કૂણી પજવણી માટે આનાથી ઉત્તમ શિર્ષક કયું હોઇ શકે? ચાંદની પણ દાહ આપે એનો અનુભવ કરવા માટે ‘ચંદ્રદાહ’ વાર્તા જ વાંચવી રહી. પીડાનું ચોટદાર આલેખન કરતાં લેખકે ચાંદનીના અજવાળે કોમળ ઘાસ પર પડતા પડછાયા માટે લખ્યું છે, ʻપડછાયો વધુ પીડાયો.ʼ આ વખતે કથાપ્રવાહમાં ખેંચાયેલા વાચકને કુમળા ઘાસનું તણખલું પણ સોય જેવું ભાસે છે!

વાર્તાઓ વાંચતી એમ લાગે છે કે લેખક જાણે વાચકને લાગણીઓનાં મોજા પર સવારી કરાવી માનવમનના અગાધ સમુદ્રની અકલ્પનીય સહેલ કરાવે છે. આ સફર દરમ્યાન સંવેદનાઓની છાલકોથી વાચકને પલાળે છે પણ ખરા! ક્યારેક અણધાર્યા ઉપાડથી કે એવા કોઇ વળાંકે વાર્તા અટકાવે કે વાચકને તેના રોમાંચ પાછળ સંવેદનાની પણ અનૂભુતી થાય! ʻઅરે ડોશી!ʼ, ʻઅંધʼ, ʻકોરાં ફલકʼ, ʻનવોઢાનો ટ્રંકʼ, ʻનામ વગરનો માણસʼ, ʻચંદ્રદાહʼ, ʻભડકોʼ, ʻલૂંટʼ, ʻશબનું સ્મિતʼ, ʻસમાધાનʼ વગેરે વાર્તાઓનો નામોલ્લેખ માત્ર નમૂના ખાતર.

સમુદ્રની ઊંડાઇ માપી શકાય, પણ માનવમનની ઊંડાઇનો તાગ પામવો અશક્ય છે. પરંતુ લેખક માનવમનના ʻગોતાખોરʼ છે; તેમાં રહેલા સંવેદનાના સાચુકલા મોતીઓની તેમને પરખ છે. પુસ્તક ʻઆત્માની અદાલતʼ આ મોતીઓ ગૂંથીને વાર્તાઓનીઅદભૂત જણસોથી ભરેલો દાબડો છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

આત્માની અદાલત:રજનીકુમાર પંડ્યા

પૃષ્ઠસંખ્યા : 272 | કિંમત : ₹ 380 | આવૃત્તિ :બીજી આવૃત્તિ

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :વિવેકગ્રામ પ્રકાશન; વિવેકાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ, નાગલપુર રોડ, માંડવી (કચ્છ); 370465
સંપર્કઃ (+91) 98252 43355


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com